નીલકંઠ વર્ણી વિચરણ કરતાં કરતાં નેપાળમાં આવ્યા, જ્યાં સ્વાર્થી રાજાઓ અને ધુતારા ગુરુઓનું સામ્રાજ્ય સ્થપાયેલું હતું. ત્યાં નીલકંઠનું આગમન થયું. એક નગરમાં રાજાને નીલકંઠ મળ્યા. નીલકંઠે જાણ્યું કે આ રાજાના એક ગુરુ છે જે વનમાં એક ભોંયરું છે તેમાં રહે છે. ફક્ત બાર મહિને એક વખત આસો સુદ પૂનમના દિવસે બહાર નીસરે છે. અને તે દિવસે તેમના સન્માનમાં અહીં મોટો મેળો ભરાય છે. હજારો માણસો તેમનો જયજયકાર કરે છે. અને ગુરુજી તે એક જ દિવસે ફળાહાર કરે છે. પછી પાછા બાર મહિના કાંઈ ખાધા-પીધા વિના ભોંયરામાં રહે છે.
નીલકંઠે આ જાણ્યું. તેમને ખૂબ નવાઈ લાગી ! તેમણે વિચાર કર્યો, આ કળિયુગ છે તેમાં આવા દંભ અને પાખંડ તો ચાલવાના જ. પણ આજે આપણે ગુરુને ખુલ્લા પાડવા. આસો સુદ પૂનમનો સમૈયો નજીક આવતો હોવાથી અને રાજાનો ખૂબ આગ્રહ હોવાથી નીલકંઠ રોકાયા.
પણ નીલકંઠે રાજાને સમજાવ્યું કે, “હે રાજન્ ! તમે જાણો છો કે ગુરુજી ભોંયરામાં શું જમે છે ? ગુરુ ભલે બીજુ કાંઈ ન જમતા હોય પણ તે બાર મહિના માનને આધારે જીવી શકે છે. જો તમારે ખાતરી કરવી હોય તો આ વખતે જ્યારે ગુરુજી ગુફામાંથી બહાર નીસરવાના હોય ત્યારે કોઈએ ત્યાં હાજર ન રહેવું એવું નક્કી કરો. અને પછી જુઓ શું થાય છે.”
અને રાજાએ નીલકંઠની ઇચ્છા મુજબ કોઈનેય ગુરુના સન્માન માટે જવા ન દીધા. અને ખરેખર જોયું તો કોઈ ન દીઠું... અરર ! મારું કોઈ નહીં... મારું સન્માન નહીં. એમ કરતાં ગુરુનો દેહ પડી ગયો.
રાજાને ગુરુના માનની ખબર પડી. તેને નીલકંઠમાં વધુ પ્રતીતિ થઈ અને તેમના આશ્રિત થયા.
એટલે જ શ્રીજીમહારાજે ગઢડા મધ્યના 41મા વચનામૃતમાં કહ્યું છે ને કે, ‘માન વગર તો ભગવાનની ભક્તિ પણ થતી નથી.’
ત્યાંથી નીલકંઠ પૂર્વ દિશા તરફ વળ્યા. રસ્તામાં તેમને એક ખાખીની જમાત મળી. તે જમાતના મહંતની સાથે નીલકંઠને હેત થઈ ગયું. રસ્તામાં નીલકંઠે અને જમાતે જાણ્યું કે આગળ જે શહેર આવતું હતું ત્યાંના રાજાને પેટનો કોઈ અસાધ્ય રોગ લાગુ પડેલો. તે રાજા પોતાનો રોગ મટે તે માટે શહેરમાં જે સાધુ-સંતો આવે તેની ભેખમાં ભગવાન હોય તેમ માની સેવા કરતા અને જો તે સાધુ-સંતોથી રોગ ન મટે તો તેને બંદીખાને નાખતા. આવા તો પાંચસો જેટલા સાધુ-સંતોને તેણે આજ સુધી બંદીખાને પૂર્યા હતા.
આવા સમાચાર મળતાં જમાતના બધા બાવાઓ તો ગભરાઈ ગયા. અને જાણીને મોતના મોંમાં શા માટે જવું એવું વિચારી તે શહેરમાં નહિ જવા કહેવા લાગ્યા.
પણ કાળ, કર્મ ને માયાથી જીવોને પર કરતા એવા આપણા નીલકંઠને કોનો ડર લાગે ? તેમણે તો ખાખીઓને કહ્યું કે, “હે સાધુઓ ! આમ ડરો છો શા માટે ? ધાર્યું તો બધું ભગવાનનું થાય છે. રાજાના હાથમાં સૌના નાડીપ્રાણ નથી. સૌના પ્રેરક અને નિયંતા તો એક પુરુષોત્તમ ભગવાન છે. ચાલો એ આપણી રક્ષા કરશે.”
બિચારા ખાખી બાવાઓને ક્યાં ખબર હતી કે એ સર્વેના નિયંતા નાથ એમની સાથે જ ચાલી રહ્યા છે ! ખરેખર,
“બડા ન કહે બડાઈ, બડા ન બોલે બોલ;
હીરા મુખ સે ન કહે, કી લાખ હમારા મોલ.”
સંઘ પહોંચ્યો એ શહેરમાં. રાજાને ખબર પડતાં તેણે જમાતને ઉતારા-પાણી કરાવ્યાં. જમવાની વ્યવસ્થા કરી આપી. અને તેના મહંતને અને નીલકંઠને પોતાની પાસે બોલાવ્યા.
રાજાએ આગતા-સ્વાગતા કરી. પોતાના અસાધ્ય રોગની વાત કરી અને કહ્યું જે, “હે સંતો ! આપ મારું દુ:ખ ટાળો. નહિ તો બીજાની સાથે તમને પણ હું બંદીખાને પૂરી દઈશ.”
નીલકંઠ આજે તેના અજ્ઞાનને અને અસાધ્ય રોગને બંનેને ટાળવા એટલે કે દેહના અને આત્માના બંને રોગને ટાળવા પધાર્યા હતા. તેમણે કહ્યું, “હે રાજન્ ! ધાર્યું બધું ભગવાનનું થાય છે. ભગવાન સામે હઠ કરવાથી કે ત્રાગું કરવાથી ભગવાન એવા ભોળા કે ડરપોક નથી તે આપી દે. એમની ઇચ્છા એ આપણું સુખ માનવું જોઈએ. છતાં લાવો જળ. આજે અમે તમને રોગથી રહિત કરીએ.” એમ કહી શુદ્ધ જળ મગાવી, તેનો સ્પર્શ કરી પ્રસાદીનું કર્યું અને જેવું રાજાને પીવડાવ્યું કે એ જ મિનિટે રાજાનું તમામ કષ્ટ તત્કાળ દૂર થઈ ગયું.
રાજાએ નીલકંઠના ચરણ પકડી લીધા. અને દીન થઈ કગરવા લાગ્યો કે, “હે યોગીરાજ ! મારી પર તમે અઢળક ઢળ્યા છો. હું તમારો ઋણી છું. તમે મારા અસાધ્ય રોગને મટાડ્યો છે. માટે આપ મારી પાસે કંઈક માગો. જેટલું દ્ર્વ્ય માગશો તેટલું આપીશ.”
પણ નીલકંઠે તો એટલું જ માગ્યું, “હે રાજન્ ! અમારે દ્રવ્યાદિક કાંઈ જોઈતું નથી. પણ અમે તો એટલું જ માગીએ કે જે સાધુ-સંતોને તમે બંદીખાને પૂર્યા છે તેમને તમે છોડી મૂકો. અને તેમની માફી માગી તેમને રાજી કરો.”
આમ, તે રાજાને પોતાના શિષ્ય કરી નીલકંઠ વર્ણી ત્યાંથી આગળ વધ્યા.