સદગુરુ રામાનંદ સ્વામી નીલકંઠના આગમનથી ખૂબ પ્રસન્ન થયા હતા. તેમણે મયારામ ભટ્ટ સાથે ગામોગામ પોતાના આશ્રિત ભક્તોને સમાચાર કહેવડાવી દીધા કે, “ગામોગામના હરિભક્તો હવે અમારે દર્શને ભુજ ન આવશો. પણ એક બહુ મોટા બ્રહ્મચારી લોજ આવ્યા છે ત્યાં જજો. બહુ દર્શન કરવા તુલ્ય છે.” આવા સમાચાર મળતાં દેશોદેશના અને ગામોગામના હરિભક્તો દરરોજ વર્ણીનાં દર્શને આવવા માંડ્યા.
પણ રામાનંદ સ્વામીને વિષે પતિવ્રતાની ભક્તિવાળા શેખપાટના લાલજી સુથાર કે જેઓ પાછળથી નિષ્કુળાનંદ સ્વામી બન્યા તેમને આ વાત ન ગમી. પોતાના ગુરુ રામાનંદ સ્વામી કરતાં આ વળી કોણ વર્ણી અધિક કે તેમનો આટલો બધો મહિમા ! નક્કી રામાનંદ સ્વામી બધાની કસોટી લેતા લાગે છે. પણ... હું નહિ ભરમાઉં. મારે તો ભુજ રામાનંદ સ્વામીનાં દર્શન કરવા જવું. એમ વિચારી લાલજી સુથાર ભુજ આવ્યા.
રામાનંદ સ્વામીએ લાલજી સુથારને ઠપકો આપ્યો કે, “કેમ તમે અહીં આવ્યા ? અમારી આજ્ઞા મુજબ તમે મુનિન્દ્રનાં દર્શન કરવા લોજ કેમ ન ગયા ?” ત્યારે લાલજી સુથારે કહ્યું, “સ્વામી મને હજુ તમારી વાતમાં ગેડ્ય પડતી નથી. તમે આટલો બધો મહિમા ગાવ છો તો એ વર્ણી શું આગળ થઈ ગયેલા અવતાર જેવા છે ?”
રામાનંદ સ્વામીએ હસતા થકા કહ્યું, “હે લાલજી સુથાર ! એ તો સર્વ અવતારના અવતારી એક ને અદ્વિતીય, અજોડ છે. અન્ય અવતારો અનંતાનંત છે; જે તેમની આજ્ઞામાં વર્તે છે. સૂર્ય, ચંદ્ર અને અનંત તારા, અરે અનંત અક્ષરાદિક સુધી સર્વે તેમની શક્તિએ તેજાયમાન છે અને એ જેવા તો એ એક જ છે ને અમારા જેવા અનંત મુક્તો જેની અહોનિશ સ્તુતિ-પ્રાર્થના કરી, ન ઇતિ ન ઇતિ કહી અપાર મહિમા ગાય છે, છતાં જેના સુખનો... સામર્થીનો પાર પમાતો નથી એવા પૂર્ણ પુરુષોત્તમ આ પોતે છે. માટે હે લાલજી સુથાર, આપ આ બધું માનીને એમને દર્શને જાવ.”
આમ, સ્વામી નીલકંઠ વર્ણીનો ખૂબ મહિમા કહી લોજ મોકલતા.