જીવની અવળાઈ

નીલકંઠ બુધેજથી નીકળી ગોરાડ થઈ ધોલેર આવ્યા. નીલકંઠના વિચરણ દરમ્યાન જે જે ગામમાં નીલકંઠે કૂવાનું પાણી પીધું તે આખા ગામમાં સત્સંગ થવાના સંકલ્પ કર્યા. જે જે મુમુક્ષુઓએ તનથી, મનથી કે ધનથી નાની-મોટી કાંઈ પણ સેવા કરી તેના આખા કુટુંબમાં અને પાછળની પેઢીઓમાંય સત્સંગ થશે એવા દિવ્ય સંકલ્પો કર્યા અને આશીર્વાદની હેલી કરતાં પ્રભુ આગળ વધી રહ્યા હતા.

નીલકંઠ ધનકાના મેળામાં હજારો મુમુક્ષુઓને દર્શનદાન દઈ આગળ જઈ રહ્યા હતા. ત્યાં સામેથી એક લાખા નામનો કોળી માથે મોટું પોટલું ઉપાડી ચાલ્યો આવતો હતો. નીલકંઠે લાખાને ઊભો રાખ્યો અને અંતર્યામીપણે નામ દઈ બોલાવ્યો અને પૂછ્યું કે, “હે લાખા, આ તારા પોટલામાં શું છે ?”

લાખો મૂંઝાયો. બ્રહ્મચારીને શું કહેવું તે ખબર ન પડી. પણ બે-ત્રણ વખત ઉપરાઉપરી પ્રશ્નો પુછાવાથી લાખાએ કહ્યું કે, “હે બ્રહ્મચારી, હું જ્ઞાતિએ કોળી છું અને માછલાં મારી મારું ગુજરાન ચલાવું છું. આ પોટલામાં માછલાં છે.”            

નીલકંઠને આ સાંભળતાં જ અરેરાટી થઈ ગઈ. “અરરર... આટલાં બધા જીવની હિંસા ! કોઈને જિવાડી નથી શકતો તો તને મારવાનો શો અધિકાર ? આ બધાં જીવ આવતે જન્મે તારું વેર લેશે તે તું જાણે છે ? હે લાખા, ભગવાન તને દેહાંત સમે પૂછશે કે આવાં પાપ કરવા તને માણસનો અવતાર આપ્યો હતો ? ત્યારે તું શું કહીશ ? બોલ... બોલ... અને મૂકી દે આ ધંધો...”

અને લાખો મૂંઝાયો, પસ્તાયો અને પોક મૂકીને રડ્યો. નીલકંઠને કહ્યું, “હે બ્રહ્મચારી, ચારેબાજુ દુકાળ પડ્યો છે. એટલે બીજું કોઈ આજીવિકાનું સાધન નથી; તેથી આ ધંધો કરું છું પણ મને આશીર્વાદ આપો કે મને કોઈ સારો ધંધો મળે.”         

નીલકંઠે પોટલું નીચે મૂકાવ્યું અને જેવી મરેલાં માછલાં તરફ દ્દૃષ્ટિ કરી કે તરત માછલાં તો જીવતા થઈ કૂદકા મારી બાજુમાં વહેતી નદીના નીરમાં કૂદી પડ્યાં. લાખાને નીલકંઠે આશીર્વાદ આપ્યા.

લાખાનું અને લાખાના માછલાંનું તો ખરેખર કામ થઈ ગયું ને ! ખરેખર એ માછલાંનો લાખો હિતેચ્છુ જ ગણાય ને ! કે એ લાખાને લીધે એ માછલાં નીલકંઠની દિવ્યાતિદિવ્ય દૃષ્ટિમાં આવ્યાં.         

નીલકંઠ અહીં સમન્વય થતી મહી અને સાબરના વાંસ જેટલાં ઊંડા પાણીમાંય લાખાના દેખતાં જેમ જમીન પર ચાલે તેમ ચાલીને સામે કાંઠે પહોંચ્યા.

નીલકંઠ ત્યાંથી આગળ ભડિયાદ, ધોલેરા, વાગડ, ભીમનાથ થઈ ભાવનગર પધાર્યા.         

ત્યાંથી આગળ તળાજા, ગોપનાથ થઈ મહુવા પધાર્યા. ત્યાં પિતાંબર શેઠના કષ્ટને દૂર કરી આશીર્વાદ આપી નીલકંઠ સીમર ગામે પધાર્યા. ત્યાં ધર્મશાળામાં એક લોભી વાણિયો નીલકંઠ પાસે આવ્યો. પ્રભુના ચરણમાં સોળે ચિહ્નનાં દર્શન કરી વિચાર્યું કે, મારી ધનની ભૂખ આ ભાંગશે એવી ઇચ્છાથી નીલકંઠને પોતાને ઘેર લઈ જઈ ભોજન કરવાનું આમંત્રણ આપ્યું.

નીલકંઠ તો અંતર્યામી હતા :

“તન કી જાણે, મન કી જાણે, જાણે ચિત્ત કી ચોરી.”

બધું જાણે છે છતાં એનું કલ્યાણ કરવું હતું એટલે આમંત્રણ સ્વીકારી એને ઘેર જમવા પધાર્યા. વણિકે તો ભાતભાતના વિવિધ ભોજનો કરાવેલા. નીલકંઠને ખૂબ આગ્રહ કરી જમાડ્યા. નીલકંઠ જ્યારે સવારે ત્યાંથી નીકળ્યા ત્યારે વાણિયો નીલકંઠની પાછળ પાછળ ગામને પાદર સુધી વળાવવા ગયો. એક ગાઉ સુધી સાથે ને સાથે ચાલે પણ પાછો ન વળે. અંતે નીલકંઠે કહ્યું કે, “હે વણિક, હવે આપ પાછા વળો. ઘણે સુધી આપ આવી ગયા છો.”         

વણિકે તેના મનની ઇચ્છાને નીલકંઠ આગળ વ્યક્ત કરતાં કહ્યું કે, “હે નીલકંઠ ! હે કૃપાનાથ ! આપ સમર્થ છો તેથી મને સૌથી શ્રીમંત કરો, ખૂબ અગણિત ધન આપો. મેં તમને આવી ઇચ્છાથી જમાડ્યા છે. માટે મારો ઇચ્છિત મનોરથ પૂર્ણ કરો.”

નીલકંઠે કહ્યું, “હે વણિક, અમારી પાસે ક્યાં દ્રવ્ય છે ? અમે તો સ્ત્રી-ધનના ત્યાગી છીએ. પણ અમારી પાસે અમારું અક્ષરધામ છે. જા, અમે તને અમારા ધામમાં તેડી જઈશું. પણ પૈસાની લાલસા મૂકી દે. એમાં તો બહુ દુ:ખ છે. કંઈ માલ નથી.”         

પણ... લોભીને ધનનો મહિમા હોય એટલો ધામનો ક્યાંથી હોય ?

તેણે તો એક જ આગ્રહ રાખ્યો, “બ્રહ્મચારી ! દુનિયા આખીનું ભલે દુ:ખ આપો પણ મને ખૂબ દ્રવ્ય આપો.”

ભગવાનેય શું કરે ? જીવને માગતા ક્યાં આવડે છે ? નીલકંઠ તો ‘તથાસ્તુ’ કરી આગળ વધ્યા.

ત્યાંથી નીલકંઠ ચાલતાં ચાલતાં લોઢવા ગામે પધાર્યા. ત્યાંની લખુ ચારણને ત્યાં નીલકંઠ વર્ણી ભગવાનના સાકારપણાનો નિશ્ચય કરાવવા ત્રણ માસ રહ્યા. ત્યાં એના મુખે લોજપુરમાં બિરાજતા સમર્થ ગુરુ રામાનંદ સ્વામીનું વૃત્તાંત તેમણે સાંભળ્યું. ત્યાંથી નીકળતા પહેલાં નીલકંઠે લખુ ડોસીને પણ કંઈક માગવાનું કહ્યું. ત્યારે લખુ ડોસીએ કહ્યું, “હે બ્રહ્મચારી, તમે ભગવાન છો તો મારી ઉપર જો રાજી થયા હોય તો મારો વીરો, મારી વાડી, મારા ઢોરાં ને ચેલા સદાય કુશળ રહે એવા આશીર્વાદ આપો.”         

નીલકંઠ હસ્યા. જીવની અવળાઈ તો જુઓ. ભગવાન પાસે આવું મગાય ? બીજાની કુશળતા માગી પણ પોતાની કુશળતા માગતા ન આવડ્યું.

ત્યાંથી તેને પોતાના અક્ષરધામમાં લઈ જવાના આશીર્વાદ આપી નીલકંઠ ગિરનારની તળેટી તરફ આગળ વધ્યા.