નીલકંઠને ન ઓળખ્યા

નીલકંઠ વર્ણી ઉત્તરભારતની હિમમાળાઓ-શિખરો, વનો અને પર્વતોને પસાર કરતા પૂર્વમાં છેક નેપાળ ને આસામ થઈ દક્ષિણમાં જગન્નાથપુરી ને છેક કન્યાકુમારી સુધી વિચરણ કરી પાછા પશ્ચિમ તરફ ગુજરાત બાજુ વળ્યા. રસ્તામાં અનેક પ્રકારનાં કષ્ટો સહ્યાં. જંગલો અને ઝાડીઓ, ખીણો-કોતરો, ઊંડી ગુફાઓ અને ઊંચા પહાડો, ઉજ્જડ અરણ્યો અને વિશાળ સરોવરો, ધસમસતી નદીઓ અને કાંટાળી કેડીઓને પોતાની દિવ્ય દૃષ્ટિમાં લીધી હતી. ભારતની સમગ્ર ભૂમિને પોતાની ચરણરજથી પાવન કરવા પોતે ઉઘાડા પગે ચાલીને વિચર્યા.         

જ્યાં જ્યાં સર્વોપરી નાથના ચરણ પડ્યા તે ભૂમિ કેવી કૃપાવંત કહેવાય !

કેટલાય મોક્ષપ્યાસી મુમુક્ષુઓને તેજોમય દર્શન આપી તેમની અનંતકાળની ઉગ્ર સાધનાનું ફળ આપ્યું. તો કેટલાય દુરાચારી જેવા અને જગન્નાથજીના દંભી, પાખંડી બાવાઓના દંભ ખુલ્લા કર્યા. સેંકડો અસુરોનો સંકલ્પમાત્રે સંહાર કર્યો ને સાચા ભક્તોને ભક્તિમાં આવતાં વિઘ્નોથી રહિત કર્યા.         

આમ, નીલકંઠ જ્યાં જ્યાં જાય ત્યાં ખરા મુમુક્ષુને શોધી પોતાના સ્વરૂપનું જ્ઞાન કરાવી, અણીશુધ્ધ વર્તનવાળા કરતા. આમ વિચરણ કરતાં કરતાં પ્રભુએ ગુજરાતની પાવન ભૂમિમાં પ્રવેશ કર્યો. છેલ્લે પંઢરપુર, બુરાનપુર, નાસિક, ત્ર્યંબક થઈ ચાલતાં ચાલતાં ધરમપુર પધાર્યા. ત્યાંથી સુરત તાપીના ધસમસતા ઘોડાપૂરમાંય પાણી ઉપર ચાલી ભરૂચ આવ્યા. ત્યાંથી ચાલ્યા તે આગળ ચાણોદ થઈ, વડોદરા થઈ પ્રભુ નાવલી આવ્યા. ત્યાંથી નીલકંઠ ખંભાત થઈ વર્ણી વેશે બુધેજ ગામે પધાર્યા.

બુધેજના રાઠોડ ખોડાભાઈ દરબાર ખરેખર મુમુક્ષુ હતા. કેવળ પ્રગટ ભગવાનને પામવાની ઇચ્છાથી આ ખોડાભાઈએ પોતાને ત્યાં એક અખંડ સદાવ્રત ખોલેલું. તેમાં જે કોઈ સાધુ-સંન્યાસી આવે તેને તેઓ બશેર જુવારની એક પાલી ભરીને આપતા.

નીલકંઠ પૂછતાં પૂછતાં સદાવ્રત લેવા ખોડાભાઈને ત્યાં પધાર્યા પણ... એ જ દિવસે ખોડાભાઈ બહારગામ ગયેલા ને સદાવ્રત આપવા તેમનાં માતુશ્રી વયોવૃદ્ધ ડોસી બેઠેલાં. નીલકંઠને આ ડોસીમાએ જુવાર આપવા માંડી પણ નીલકંઠે કહ્યું, “ડોસીમા, હું જુવારને લઈને શું કરીશ ? જે હોય તે કંઈક તૈયાર ભોજન આપો તો સારું.”

અરે... ત્યાં તો ડોસી તાડુક્યાં, “અરે બ્રહ્મચારી, તારા જેવા તો મારે દિવસમાં ઘણા આવતા હોય. જો હું બધાને તૈયાર ભોજન આપવા બેસું તો ક્યાં મેળ પડે ? માટે તારે આ જુવાર લેવી હોય તો લે; નહિ તો કાંઈ નહીં.”         

ભગવાન કેવા દયાળુ છે ! નીલકંઠે જાણ્યું કે અમને આ ડોસી ઓળખી શકતાં નથી તો લાવ ઓળખાણ પડાવું. એટલે નમ્રતાથી કહ્યું, “ડોસીમા, આજ સુધી અમારા જેવા કોઈ આવ્યાય નહિ હોય અને આવશે પણ નહીં. માટે કંઈક તૈયાર ભોજન આપો તો સારું.”

અને આ સાંભળતાં તો ડોસીનો ગુસ્સો વધ્યો, “અરે છોકરા, તું મને ભોળવવા આવ્યો છે ? તારા જેવા શું પણ મોટી મોટી જટાઓવાળા, મોટી મોટી દાઢીવાળા, ઊંચા, જાડા એવા કેટલાય મંદિરના મઠાધિપતિઓ અને મહંતો અહીં આવી ચૂક્યા અને તું કહે છે કે મારા જેવો કોઈ આવ્યોય નહિ હોય અને આવશે પણ નહીં. તો હે બ્રહ્મચારી, બધી બનાવટ છોડી આ જુવાર લેવી હોય તો લે નહિ તો ચાલતો થા...”         

ખરેખર, રબારીના હાથમાં હીરો આવે તો બકરાની કોટે (ગળે) જ બાંધે અને ઝવેરીના હાથમાં આવે તો લાખોની કિંમત કરે. ભગવાનને ઓળખવા એ બહુ મોટી ઘાંટી છે.

નીલકંઠ તો ખોડાભાઈના મોક્ષ માટે આવ્યા હતા. તેથી ડોસીના શબ્દોને નહિ ગણકારતા જુવાર લઈ લીધી. તેમાંથી બે દાણા પોતે પોતાના મુખમાં મૂક્યા અને ખોડાભાઈને, એમના કુટુંબને અને આખા ગામનાને સત્સંગ થાય તેવો સંકલ્પ કર્યો. જ્યારે બાકીની બધી જુવાર ભૂખ્યા કબૂતરોને નાખી. જે કબૂતર આ જુવાર ખાય તે કચ્છમાં જઈ કણબી થાય ને તે બધાને ભવિષ્યમાં સત્સંગ થાય તેવો સંકલ્પ કર્યો.         

નીલકંઠ વર્ણી ત્યાંથી ગામના પાદરમાં ગામકૂવે પનિહારી બાઈઓ પાણી ભરતાં હતાં ત્યાં આવ્યા અને એક બાઈ પાસે નીલકંઠે પીવા માટે પાણી માગ્યું. ત્યારે આ અભાગણી બાઈએ કહ્યું, “હે બ્રહ્મચારી ! આ કોસ ફરે છે ત્યાંથી પી લ્યો.”

પણ બ્રહ્મચારીએ કહ્યું, “બાઈ, એ ચર્મવારી છે. તેથી અમે ન વાપરીએ.” અને ત્યાં તો પેલી બાઈ વીફરી, “જો ચર્મવારી ન પીતા હોય તો સાથે દોરડું ને લોટો રાખીએ ને.”         

ત્યાં તો પ્રભુએ બધાનાં દેખતાં પોતાનું કમંડળ જ્યાં કૂવા ઉપર ધર્યું ત્યાં તો આખોય કૂવો ઊભરાઈ ગયો. નીલકંઠે હસ્ત અને મુખ પ્રક્ષાલન કરી, પિવાય એટલું જળ પીધું અને કમંડળ ભરી ત્યાંથી ચાલતા થયા.

પણ આ ચમત્કારની વાત આખા ગામમાં પ્રસરી ગઈ. જ્યારે ખોડાભાઈએ બહારગામથી આવી આ વાત સાંભળી કે તુરત તેઓ ઉદાસ થઈ ગયા. અને વિચારવા લાગ્યા : ‘અરેરે... જે પ્રગટ ભગવાન માટે હું વર્ષોથી આ સદાવ્રત આપું છું તે ભગવાન તો સ્વયં મારે ત્યાં આવી ગયા નહિ હોય ને ! એમ વિચારી ખોડાભાઈ તો તત્કાળ ઘોડા પર બેસી બ્રહ્મચારીને શોધવા પાછળ પડ્યા.         

જે કોઈ વટેમાર્ગુ મળે તેને બ્રહ્મચારીની ભાળ પૂછતા. પણ કંઈ સમાચાર મળતા નહોતા. એમાં એક ઢોર ચારતા રબારીએ સમાચાર આપ્યા કે એક બ્રહ્મચારીને આકાશ માર્ગે ઊડતા જતા મેં જોયા. જ્યારે તમે ઘોડા પર જાવ છો તે કેમ ભેટો થશે ?

અને આ શબ્દો સાંભળતાં જ ખોડાભાઈ મૂર્છાવશ થઈ ગયા. એ જ વખતે આકાશવાણી થઈ કે, “હે ખોડાભાઈ ! આપ મૂંઝાવ નહિ, બેઠા થઈ ઘેર જાવ. તમને જરૂર અમારો મેળાપ થશે. અમે તમારા મોક્ષનો સંકલ્પ કરી દીધો છે.” આ શબ્દો સાંભળી ખોડાભાઈ આનંદિત થતા ઘેર ગયા.         

આમ સૌ સૌની પાત્રતા પ્રમાણે નીલકંઠ ફળ આપતા થકા આગળ વધી રહ્યા હતા.