પંક્તિભેદના પાપે

આગળ રામેશ્વરથી વેંકટાદ્રિ જતાં રસ્તામાં નીલકંઠને એક સેવકરામ નામે સાધુ મળ્યો. તે માંદો હોવાથી નીલકંઠે તેમની ઘણી સેવા-ચાકરી કરી સાજો કર્યો. તે એક શેર ઘી પચાવે એવો સાજો થયો તોય પોતે તો ખાલી હાથે ચાલે ને પોતાનો મણ એક ભાર નીલકંઠ પાસે ઉપડાવે. તોય નીલકંઠ ગામમાંથી ભિક્ષા માગી લાવીને જમતા. આથી નીલકંઠે તેનો કૃતઘ્ની જાણીને ત્યાગ કર્યો.

ત્યાંથી નીલકંઠ શિવકાંચી, વિષ્ણુકાંચી, ભૂતપુરી અને શ્રીરંગક્ષેત્ર થઈ એક  શહેરમાં આવ્યા. ત્યાંના રાજાએ આવનાર તીર્થવાસીઓ માટે એક ધર્મશાળા બનાવી હતી. જ્યાં તીર્થવાસીઓને જમાડવા માટે દૂધપાક, માલપૂઆનું સદાવ્રત બાંધી દીધેલું હતું. ત્યાં ઊતરેલા વૈરાગીએ નીલકંઠને સદાવ્રતમાં કોરો લોટ આપવા માંડ્યો અને કહ્યું જે, “તૈયાર ભોજન તો નહિ મળે.” એટલે નીલકંઠે લોટ ન લીધો અને એકબાજુ જઈ બેઠા.

બપોરે પંક્તિ થઈ બીજા વૈરાગી જમવા બેઠા. દૂધપાક અને માલપૂઆ પિરસાયા પણ છતાંય વૈરાગીએ નીલકંઠને જમવા ન બોલાવ્યા. તે પંક્તિભેદના પાપે અને રાજા તરફથી તીર્થવાસીઓ માટે અપાતા સદાવ્રતનો યોગ્ય પ્રબંધ થતો નહિ હોવાથી નીલકંઠ કુરાજી થયા. અને તેમની ઇચ્છાથી એ વખતે એક ચમત્કાર થયો. તે પિરસાયેલા દૂધપાકમાં જેટલા ચોખા હતા તે બધી ઇયળો થઈ ગઈ અને માલપૂઆના તાસમાં રુધિર દેખાયું.         

વૈરાગીઓ તો આ દૃશ્ય જોઈ ત્રાસી ગયા. અને ક્રોધાયમાન થઈ ધોકા અને ચીપિયા લઈ રસોઈયા બ્રાહ્મણોને મારવા દોડ્યા. બ્રાહ્મણોએ વૈરાગીઓની ભૂલ ઓળખાવી કે, આ નાના તીર્થવાસી જે આવ્યા છે તેમનો તમે અપરાધ કર્યો છે. પરિણામે એ પાપ તમને નડ્યું છે. માટે આપ એમની માફી માગો તો બધા સારાવાનાં થશે.

નીલકંઠે તેમને તેજોમય સાક્ષાત્ ભગવાનપણે દર્શન આપી નિશ્ચય કરાવ્યો અને ક્યારેય ફરી આવું અઘટિત કાર્ય નહિ કરવાનો ઉપદેશ આપી આગળ ચાલતા થયા.