પોટલા ઉપર પોટલું

નીલકંઠ વર્ણી સદ્. રામાનંદ સ્વામીની રાહ જોતાં થકા લોજપુરમાં મુક્તાનંદ સ્વામી પાસે આશ્રમમાં રહેતા હતા. સંતોને યોગની રીત શીખવતા હતા અને હળીમળીને આનંદથી રહેતા હતા. છતાંય તપ-ત્યાગનો ઇશક સહેજ પણ મોળો પડવા દેતા નહીં.  ક્યારેક બાજરાના રોટલાનો ભૂકો કરી માંહી ઘણાં મરચાં નાખી તેના ગોળા વાળી જમતા તો ક્યારેક મીંઢીઆવળના ગોળા વાળીને જમતા હતા. એવી અલૌકિક રીત ક્યારેક અપનાવતા.

છતાંય આશ્રમની સેવા તો બધા કરતાં અધિક કરતા. સવારમાં વહેલા ઊઠી આશ્રમમાં બળતણ માટે લાકડાં વીણવા નીકળી જતા. તો વળી છાણ ભેગું કરવા પણ જતા. સેવક્ભાવની રીત શિખવવા નીલકંઠે કેટલું બધું પોતાની પ્રતિભા કેટલી નીચી દર્શાવી કહેવાય ! વાહ નીલકંઠ વર્ણી વાહ ! વાહ સરજુદાસ વાહ !

મુક્તાનંદ સ્વામી નીલકંઠને ક્યારેક હુલામણા ‘સરજુદાસ’ નામથી બોલાવતા.            

જ્યારે નીલકંઠ છાણ મેળવવા જતા ત્યારે ગામની કેટલીય બાઈઓ છાણ ભેગું કરવા આવતી. પણ જેવી એ બાઈઓ પોદળો જોઈ નીચે નમવા જાય ત્યાં તો નીલકંઠના દિવ્ય પ્રતાપથી પોદળામાં આખું બ્રહ્માંડ દેખાવા માંડે. એટલે બાઈઓ તો પોદળો મૂકીને ચાલી જાય. અને નીલકંઠ સહેલાઈથી તે પોદળો લઈ લે. આમ ઓછી મહેનતે સૌથી વધુ છાણ લાવવાની રીત આપણા નીલકંઠ સિવાય બીજા કોને આવડે ?

ક્યારેક નીલકંઠ ખભે કાવડ લઈ લોજ અને આજુબાજુના ગામમાં ઝોળી માગવાય નીકળી જતા તો ક્યારેક આશ્રમનું છાણ-વાસીદું વાળતા, વાસણ ઊટકતા તો ક્યારેક સંતોને કૂવામાંથી પાણી ખેંચી પ્રેમથી નવડાવતા.         

પોતે પૂર્ણ હોવા છતાં અપૂર્ણને પૂર્ણ કરવાની રીત શીખવવા માટે પોતે પહેલાં અમલમાં મૂક્યું. કેટલી બધી દાસત્વભક્તિની પરાકાષ્ઠા કહેવાય આપણા નીલકંઠની ! ઘણી ખમ્મા, પ્યારા પ્રભુને ઘણી ખમ્મા !

એક વખત લોજથી બે-એક ગાઉ દૂર આવેલા શીલ નામના ગામથી બે હરિભક્તો મુક્તાનંદ સ્વામી પાસે લોજ આવ્યા અને સ્વામીને વાત કરી કે, “આ અમારી વાડીમાં ચીભડાં વાવ્યાં છે અને બહુ સારાં ઊતર્યાં છે તો અમારો સંકલ્પ છે કે આ ચીભડાં જો મગાવી લો તો ગુરુ રામાનંદ સ્વામી માટે ચીભડાંનું સરસ અથાણું થાય.”   

સ્વામીએ, “હમણાં જ માણસો લેવા આવશે.” એમ કહી ભક્તોને રવાના કર્યા.

આ વાત નીલકંઠના કાને પડી. સેવાના ખરેખરા અંગવાળા વર્ણી તો તૈયાર થઈ ગયા અને મુક્તાનંદ સ્વામીને કહ્યું, “સ્વામી, હું અને આ દેવા ભગત અમે બંને જઈએ અને લઈ આવીએ.” સ્વામીએ કહ્યું, “પણ બ્રહ્મચારી, અઢારથી વીસ મણ જેટલાં ચીભડાં તમે બે જણ કેવી રીતે લાવશો ? તમારું એક્વડિયું શરીર રહ્યું અને તમે કેમ ઉપાડશો ?”         

પણ સ્વામી ના... ના કરતા રહ્યા ને નીલકંઠ ને દેવા ભગત બંને ઊપડ્યા શીલ ગામે. ત્યાં જઈ સારાં સારાં અઢારેક મણ ચીભડાં વીણ્યાં.

નીલકંઠે ત્યાંના ભક્તોને કહ્યું કે, “લાવો, એક મોટો ચોફાળ આપો.” ચોફાળ લઈ નીલકંઠે લગભગ સોળ મણ જેટલાં ચીભડાં એક ચોફાળમાં બાંધી મોટો ગાંસડો બાંધ્યો. જ્યારે બાકીના બે-એક મણ ચીભડાંની નાની ગાંસડી બાંધી અને કહ્યું, “હવે આ મોટો ગાંસડો મને ઉપડાવો ને નાની ગાંસડી આ દેવા ભગત ઉપાડશે.” બધાએ ગાડું લઈ જવાનો આગ્રહ કર્યો પણ નીલકંઠ ન માન્યા. અંતે બાર જણાએ ભેગા થઈ નીલકંઠના માથે ગાંસડો ઉપડાવ્યો.         

પણ... અરે... આ શું ? નીલકંઠે તો ચમત્કાર સર્જ્યો. જોનારા જોઈને તાજુબ પામી ગયા. આવડો મોટો ગાંસડો નીલકંઠના મસ્તકની ઉપર એક વેંત અધ્ધર રહી ગયો હતો અને નીલકંઠે ચાલવા માંડ્યું તો ગાંસડો ઉપર ને ઉપર નીલકંઠની ચાલે ચાલતો જતો હતો.

નાનું બે મણનું પોટલું ઉપાડી ચાલતા દેવા ભગત પાછળ આ ચરિત્ર જોતાં જોતાં ધીમે ધીમે ચાલતા હતા. તેઓ તો એકાદ ગાઉ ચાલ્યા ત્યાં તો થાકી ગયા, એટલે નીલકંઠે કહ્યું, “આ ઊંચા પથ્થર પર ચડી મારા પોટલા પર તમારું પોટલું મૂકી દો.” અને એ રીતે પોટલા પર બીજું પોટલું મૂકી નીલકંઠે તો માંડ્યું ઉતાવળા પગે ચાલવા.         ભાઈ આ તો સ્વયં ભગવાન ! તે તો ધારે તે બધું કરી શકે. તેમને ક્યાં ઉપાડવાનું હતું તે ચિંતા હોય !

આમ બંને લોજ આશ્રમમાં પહોંચ્યા. મુક્તાનંદ સ્વામી તથા અન્ય સંતો નીલકંઠનો આ ચમત્કાર જોઈ-સાંભળી દંગ જ થઈ ગયા.