રામાનંદ સ્વામી પણ હવે તો મૂંઝવણમાં હતા કે ક્યાં સુધી અમારે સર્વના નિયંતા નાથ સામે ઊંચે આસને બેસવું ? ક્યાં સુધી ગુરુભાવે વર્તવું ? અને એટલે જ એક પછી એક કાર્યો પતાવવા પોતે તત્પર બન્યા હતા. જ્યારે બીજી બાજુ નીલકંઠ વર્ણી પણ જે કાર્ય માટે પધાર્યા હતા તે કાર્ય પતાવવા ઉતાવળા બન્યા હતા.
રામાનંદ સ્વામી સાથે પીપલાણામાં જળઝીલણીના તથા દશેરા અને અન્નકૂટના સમૈયામાં ખૂબ આનંદ કર્યો. એમ કરતાં કરતાં સંવત ૧૮૫૭ની પ્રબોધિની એકાદશી આવી. સૌને નિર્જળા ઉપવાસ હતો.
સવારમાં સ્નાન, પૂજાવિધિ પતાવી નીલકંઠ રામાનંદ સ્વામી પાસે આવ્યા ને પ્રાર્થના કરી કે, “હે દયાળુ ! મારું સર્વસ્વ તમે છો માટે મને મહાદીક્ષા આપી મારી પર દયા કરો.”
સ્વામી પણ એ વિચારમાં જ હતા એટલે તુરત વાજિંત્રોવાળાને બોલાવી મંગળ ગીતો ચાલુ કરાવ્યાં. મુક્તાનંદ સ્વામી આદિક સંતોને બોલાવી યજ્ઞવિધિ કર્યો. નીલકંઠે માથે મુંડન કરાવ્યું. હવે જટાધારી મટી શિખાધારી બન્યા. યજ્ઞોપવીત નવી ધારણ કરાવી. વસ્ત્રો આપ્યાં. કાનમાં ગુરુમંત્ર આપ્યો અને જેવા ગુણ હતા તેવાં બે નામ પાડ્યાં.
સૌને સહેજે સહેજે જેનાં દર્શને આનંદ વર્તે એવા નીલકંઠ હવેથી ‘સહજાનંદ’ બન્યા અને અનંતકોટિ બ્રહ્માંડોના પતિ નારાયણ હતા છતાં મુનિ રૂપે દર્શન દેતા તેથી ‘નારાયણ મુનિ’ બન્યા.
હવે આજથી નીલકંઠ વર્ણી મટી ગયા હતા.