“સ્નેહભર્યા નયને નિહાળતા હો... વંદન આનંદ ઘનશ્યામને...
બાળચરિત્ર કરી આપે વન વિચર્યા, તીર્થોમાંહી ફરી જીવો પાવન કર્યા,
નીલકંઠ નામ ધરાવતા હો... વંદન આનંદ ઘનશ્યામને...”
સરયૂ નદીમાં તણાતા ઘનશ્યામ બાર ગાઉ છેટે જઈને નીકળ્યા. તપ અને ત્યાગની મૂર્તિ સમા નીલકંઠ વર્ણી તીર્થોને તીર્થત્વ આપવા, નદી-નાળા-તળાવને પોતાના ચરણકમળના સ્પર્શથી પ્રસાદીભૂત કરવા અને હજારો-લાખો યોગીઓના વર્ષોથી ચાલતા યોગનું-તપશ્ચર્યાનું ફળ આપવા વનમાં નીકળ્યા હતા. અગિયાર વર્ષની નાની ઉંમર હતી છતાં નિર્ભય થઈને અનેકને નિર્ભય કરી રહ્યા હતા.
આગળ ચાલતા એક ગામ આવ્યું. તેના પાદરમાં એક ભાટનું ખેતર હતું. તેમાં રહેલા ઘટાદાર આમલીના વૃક્ષ નીચે આવી, આ બાળબ્રહ્મચારી નીલકંઠ વર્ણી બેઠા હતા. ખેતરના માલિક શિવપ્રસાદે જેવા બ્રહ્મચારીનાં દર્શન કર્યાં કે તે તો આનંદિત થઈ, પોતાના ઘેરથી તેની સ્ત્રીને બોલાવી લાવ્યા. આ બંને સ્ત્રી-પુરુષે નીલકંઠ વર્ણીને સાષ્ટાંગ નમસ્કાર કર્યાં ને પ્રાર્થના કરી કે, "હે બ્રહ્મચારી ! તમે બહુ દયા કરીને અમારા ખેતરમાં પધાર્યા છો, તો અમારી સાથે ગામમાં અમારે ઘેર પધારો અને ભોજન કરો." ત્યારે નીલકંઠ વર્ણીએ કહ્યું, "અમે ગામમાં કે કોઈના ઘેર જતા નથી. અમને થોડો લોટ આપો, તો અમે અમારા ઠાકોરજીને જમાડીને જમીએ."
નીલકંઠ વર્ણી પોતે સાક્ષાત્ સર્વોપરી ભગવાન હતા છતાં આપણને સૌને ‘ભગવાનને ધરાવ્યા વિના કંઈ જમાય નહીં !’ એ વાત શીખવવા પોતે આ રીતે વર્તતા.
આમ પોતે એક શેર લોટમાંથી બાટી બનાવી ઠાકોરજીને ધરાવી જમ્યા. જમાડવામાં આ બંને દંપતીનો પ્રેમ હતો.
ભગવાન તો ભાવના ભૂખ્યા છે. અને... જમનાર સ્વયં ભગવાન હતા. પછી તો પૂછવું જ શું ? ભાટ બિચારો ખૂબ દરિદ્ર હતો. પણ... હવે નીલકંઠ વર્ણીની દયા થઈ ગઈ. જે ભાટના નાનકડા ખેતરમાં સાત મણ જુવાર થાય એવી હતી; તેમાં હવે સાતસો મણ જુવાર પાકી. કેવી અઢળક દયા ! શેર લોટ આપ્યો એના બદલામાં આટલું બધું !