સિંહને સેવક કર્યો

નવલખા પર્વત તરફ જતાં રસ્તામાં એક શ્રીપુર નામનું ગામ આવ્યું. ગામની બહાર એક મઠ જોયો. નીલકંઠ સાંજના સમયે આ મઠને ઓટે આવી બેઠા. મઠના મહંતને ખબર પડતાં તેમણે નીલકંઠને કહ્યું કે, "હે બ્રહ્મચારી, આપ અંદર મઠમાં આવી ઉતારો કરો. પ્રેમથી જમો અને નિરાંતે સૂવો અથવા ગામમાં જાઓ, પણ સિંહનો ખૂબ ભય હોવાથી આપ બહાર ઉતારો ન કરશો."

નીલકંઠે મહંતની વાત સાંભળી ઉત્તર કર્યો કે, "મહંતજી ! આપે મારા વિષે મમતા રાખી એ ઘણું સારું કર્યું, પણ... અમારે કંઈ જમવાની ઇચ્છા નથી અને વસ્તીમાં જવું અમને ફાવતું નથી. જ્યારે મોતનો તો અમને ભય જ નથી. તો શા માટે મારે અંદર આવવું ? આપ નિરાંતે સૂઈ જાઓ. આપ મારી ચિંતા ન કરશો." મહંતે જાણ્યું કે આ યોગીહઠ છે. તે મારું નહિ માને. તેથી મઠનાં બારણાં બંધ કરી દીધાં. અને જ્યાં અર્ધરાત્રિ થઈ હશે ત્યાં તો સિંહની પ્રચંડ ગર્જના સંભળાઈ. આખુંય વન ધમધમી ઊઠ્યું. મહંત પણ જાગી ગયા. તેમને ફડક પેઠી કે નક્કી આજે પેલા યોગી મોતને શરણ પહોંચી જશે. એમ માની ભયાતુર થઈ તેમણે બહાર જોવા સહેજ બારી ઊંચી કરી જોવા માંડ્યું.

અને અરે...! આ શું ? મહંતે કંઈક કૌતુક જોયું. સિંહ નીલકંઠના ચરણમાં આળોટતો બેઠો હતો. નીલકંઠ તેના મસ્તક પર હસ્ત રાખી બેઠા હતા. અને... બે જ મિનિટમાં સિંહને થઈ ગઈ સમાધિ. સિંહ કાષ્ઠવત્ બની બેસી જ રહ્યો. પ્રભાત થયું. ગામના લોકો પણ જાગી ગયા હતા. છેટેથી બધા, આ કદી નહિ સાંભળેલું અને કદી નહિ જોયેલું આજે નજરોનજર જોતા હતા. સૌ અંદર અંદર વાતો કરતા હતા કે, "નક્કી આ કોઈ ભગવાનનો મહાન અવતાર લાગે છે. જે સિંહને વશ કરી શકે તે સિંહ જેવા માનવને વશ કરે એમાં શું નવાઈ ! જો આ જોગી પશ્ચિમ દેશમાં જાય તો ત્યાં રહેલાં અત્યાચારો અને પાપો દૂર કરે." આમ વાતો ચાલતી હતી ત્યાં જ સિંહને સમાધિ ઊતરી. અને જેમ ગોવાળની પાછળ ગાય જાય તેમ ઊઠેલા નીલકંઠની પાછળ સિંહે ચાલવા માંડ્યું.

નીલકંઠે કહ્યું, "જા, હવે તું વનમાં જા. આજથી તારો મોક્ષ થઈ ચૂક્યો છે." એમ કહી સિંહને વનમાં મોકલી દીધો. તેના ગયા પછી ગ્રામજનો અને મઠના મહંત દોડતા નીલકંઠ પાસે આવ્યા. સૌ નીલકંઠના ચરણોમાં ઢળી પડ્યા. મઠના મહંતે દીન-આધીન થઈ નીલકંઠને પ્રાર્થના કરી, "હે યોગીરાજ ! આપ મઠમાં પધારો. આજથી આ લાખો રૂપિયાની આવકવાળો મઠ હું તમને સોંપું છું."

પણ... નીલકંઠ ક્યાં વૈભવ ભોગવવા આવ્યા હતા ? એ તો મહંતોની મહંતાઈ મુકાવી, જીવોને ભગવાનમાં જોડવા આવ્યા હતા. ત્યાંથી નીલકંઠ આગળ વધ્યા.