વૈરાગીઓનો મોક્ષ

નીલકંઠ વર્ણી ઉજ્જડ વિકરાળ વનમાં આગળ ને આગળ વધ્યે જતા હતા. એવી તો ઘટાદાર વૃક્ષોની બિહામણી ઘાટી હતી કે જ્યાં કદી સૂર્યનો પ્રકાશ જ પડતો નહીં. ત્યાં કોઈ મનુષ્ય તો જોવા મળે જ શાનું ? સિંહ, વાઘ, વરુ, રીંછ, ગજ, ગેંડા, રોઝડાં, સાપ આદિ અનેક હિંસક પ્રાણીઓના ભયાનક અવાજ વિના બીજો કોઈ અવાજ સાંભળવા ન મળે. છતાં એક દિવ્ય મસ્તીમાં મહાપ્રભુ ચાલ્યા જ જતા હતા... ચાલ્યા જ જતા હતા.         

કાંટા અને કાંકરાથી કોમળ ચરણ જાણે હવે વજ્ર સમાન બની ગયા હતા. ભૂત, પ્રેત અને દૈત્યોની વસ્તીમાં પ્રભુએ વાસ કર્યો હતો. ફળ, ફૂલ, પણ ક્યારેક મળે ને ક્યારેક ન પણ મળે. ન મળે તો ઉપવાસ કરવો પડે. આવાં અનેક કષ્ટોને સહન કરતાં નીલકંઠ વર્ણી આગળ વધી રહ્યા હતા.

પ્રભુએ પુલહાશ્રમ જવા માટે પ્રયાણ કર્યું. ત્યાં રસ્તામાં એક ભયંકર જંગલ આવ્યું. તેમાં પોતે આગળ ચાલ્યા જતા હતા. એમાં નીલકંઠે જોયું કે એક વડના વિશાળ વૃક્ષ નીચે કેટલાક વૈરાગીઓ બેઠેલા. નીલકંઠ વર્ણી તેમની પાસે પહોંચ્યા અને બોલ્યા, “હે સંતો ! તમે બધા ક્યાં જાવ છો ?” વૈરાગીઓએ કહ્યું, “હે બ્રહ્મચારી ! અમે બધા તો જીવનો મોક્ષ થાય એ માટે હિમાલયમાં હાડ ગાળવા જઈએ છીએ. પણ અમને નવાઈ લાગે છે કે તમો આવડી નાનકડી બાલ્યાવસ્થામાં યોગીનું સ્વરૂપ ધારણ કરીને આવા વિકટ વનમાં એકલા કેમ વિચરો છો ? અહીં વનમાં હિંસક પ્રાણીઓ અને કેટલાક જીવતા મારી નાખે એવા અઘોરીઓની શું તમને બીક નથી લાગતી ?”         

નીલકંઠ વર્ણીએ વૈરાગીઓના પ્રશ્નનો ઉત્તર કર્યો કે, “હે તપસ્વી પુરુષો ! અમો કાંઈ દેહધારી જીવ નથી. અમે ક્ષર, અક્ષર થકી પર અક્ષરાતીત સર્વેના આત્મા એવા સર્વોપરી સ્વરૂપ છીએ. ત્રણ દેહ, ત્રણ ગુણ અને ત્રણ અવસ્થા અમારે વિષે નથી. અમે પણ હિમાલય તરફ જઈએ છીએ. પણ ફેર એટલો કે તમે મોક્ષ પામવા જાવ છો અને અમે મોક્ષ કરવા જઈએ છીએ. બીજા તો તીર્થોમાં દર્શન કરવા જાય, અમે દર્શન દઈ તીર્થોને તીર્થત્વ આપવા જઈએ છીએ. પણ હે વૈરાગીઓ, તમે જાણો છો કે જ્યાં સુધી પ્રગટ ભગવાન કે પ્રગટના મળેલા ન મળે ત્યાં સુધી ગમે તેટલાં સાધન-તપ-તીરથ ને ત્યાગ રાખવા છતાંય જીવનો મોક્ષ ન થાય. આપ પ્રગટ ભગવાનને ઓળખો છો ?

વૈરાગી તપસ્વીઓ તો નીલકંઠનો જવાબ સાંભળી આભા જ બની ગયા. જોયું કે નક્કી આ કોઈ મહાન પુરુષ છે. પ્રગટ ભગવાન શું આપણા જીવના મોક્ષ માટે તો અહીં આપણને નહિ મળ્યા હોય ને ? એવા સંકલ્પો કરી રહ્યા હતા અને નીલકંઠને પૂછ્યું, “હે બાળયોગી ! આપ કહો... અમને કહો કે એવા પ્રગટ ભગવાન ક્યાં મળે ?”         

ભગવાનની દયાનો ક્યાં પાર છે ! પ્રભુએ જાણ્યું કે તપસ્વીઓ નિર્દોષ અને વિશ્વાસુ છે. તેમને ફળ આપવા પોતે પ્રસન્ન થયા અને પોતાનો મનુષ્યભાવ અદૃશ્ય કરી દિવ્ય તેજોમય દર્શન આપ્યાં. વૈરાગીઓના આનંદનો પાર ન રહ્યો. વર્ષોના સાધનની આજે સમાપ્તિ થઈ તેનો કેફ હતો. તેઓ નીલકંઠ વર્ણીની સાથે આગળ વધ્યા !

અહોહો ! કેવી અનહદ કૃપા એ તપસ્વીઓ પર કે કેવળ ફદલમાં ભગવાન મળ્યા !         

આગળ ચાલતાં ચાલતાં રાત પડી. રાત્રે હિંસક પ્રાણીઓનો ભય હોવાથી અન્ય વૈરાગીઓ તો એક મોટા વડની ડાળીઓ સાથે કપડાની ઝોળીઓ બાંધીને તેમાં સૂઇ ગયા. જ્યારે નીલકંઠ વર્ણી તો વડથી દસ હાથ છેટે પોતાનું મૃગચર્મ પાથરીને સૂતા. અર્ધરાત્રિ વીતી હશે એટલામાં એક ભયંકર ઝરખ ત્યાં આવ્યું અને જોરથી ચીસ પાડી નીલકંઠની પ્રદક્ષિણા કરવા લાગ્યું. એટલું જ નહિ પણ માથું નમાવી નીલકંઠના ચરણને વારંવાર સ્પર્શ કરવા લાગ્યું. જ્યારે ઝોળીમાં બેઠા બેઠા વૈરાગીઓ તો આ દૃશ્ય જોઈ જ રહ્યા.

સવારે વૈરાગીઓ પ્રભુના ચરણમાં પડી પોતાને સાક્ષાત્ ભગવાન મળ્યા છે એમ જાણી નીલકંઠને પ્રાર્થના કરવા લાગ્યા. નીલકંઠે તેમના મોક્ષનું વરદાન આપ્યું અને ત્યાંથી છૂટા પડ્યા.