ગિરનાર પર ચઢાવ કરી વળતા નીલકંઠ વંથળી પધાર્યા. ત્યાંથી પીપલાણા ગામે નરસિંહ મહેતા નામક શુદ્ધ બ્રાહ્મણને પોતાના સ્વરૂપનું જ્ઞાન કરાવી આખા ગામ થઈ પ્રભુ માંગરોળ પધાર્યા. ત્યાં ગામ બહાર આવેલી ડોસાવાવે નીલકંઠે ઉતારો કર્યો. એ વખતે ગામના ગોરધનભાઈ વણિકે નીલકંઠ વર્ણીને તાજી તાજી સુખડી જમાડી. નીલકંઠે આ સુખડી તાત્કાલિક ક્યાંથી લાવ્યા તેમ પૂછતાં ગોરધનભાઈએ કહ્યું કે, “હે નીલકંઠ વર્ણી, મારી ફોઈ કે જે રામાનંદ સ્વામીનાં ખૂબ હેતવાળાં હતાં અને સદાય ભગવાનનાં ભજન-ભક્તિમાં નિમગ્ન રહેતાં તેમના કારજની સુખડી છે.”
આ સાંભળી નીલકંઠ જરા હસ્યા અને કહ્યું જે, “હે ગોરધન, તને ખબર છે તારી ફોઈની કેવી ગતિ થઈ છે ?” એમ કહી નીલકંઠે ગોરધનને સમાધિ કરાવીને તેનાં ફોઈને કુંભીપાક નામના નરકમાં યાતનાઓથી પીડાતાં દેખાડ્યા. ગોરધનભાઈ સમાધિમાંથી જાગ્યા અને આવું થવાનું નીલકંઠને કારણ પૂછ્યું. ત્યારે અંતર્યામી નીલકંઠે કહ્યું જે, “તારી ફોઈને ગુરુ રામાનંદ સ્વામીએ એક ઠાકોરજીના દ્રવ્યનો સોનાનો ડાબલો સાચવવા આપેલો અને સમય જતાં તારી ફોઈની દાનત બગડતાં તેણે તે ડાબલો પચાવી પાડ્યો. એ પાપે કરીને તેની તમામ ભક્તિનો નાશ થયો અને તેને આ કુંભીપાકના દુ:ખને ભોગવવું પડ્યું.”
પછી તો ગોરધનભાઈના ખૂબ આગ્રહ ને પ્રાર્થનાથી નીલકંઠે આશીર્વાદ આપી તેનાં ફોઈ પૂતળીબાઈને દુ:ખમાંથી મુક્ત કર્યાં.
નીલકંઠ ત્યાંથી આગળ લોજ મુકામે સવારના સમયમાં ગામની બહાર ઉત્તર દિશામાં આવેલ વાવમાં સ્નાન કરવા પધાર્યા. સ્નાન કરી નીલકંઠ બાજુમાં આવેલા વડ નીચે એક મોટી શિલા પર ધ્યાન કરવા બિરાજમાન થયા. સંવત ૧૮૫૬ની સાલ શ્રાવણ વદી ૬નો એ મંગળકારી દિવસ હતો. જે દિવસે નીલકંઠના વન વિચરણનો અંત આવવાનો હતો.
સવાર થતાં ગામની પનિહારી બાઈઓ વાવમાં પાણી ભરવા આવવા લાગી. દરેકની વૃત્તિઓ વડ નીચે ધ્યાનમાં બેઠેલા વર્ણીન્દ્રની મૂર્તિમાં આકર્ષાઈ હતી. સૌ નારીઓ ટોળે વળીને ઊભી રહી ગઈ. નીલકંઠના દેખાતા દેહમાં રહેલ એક એક નાડીઓ સ્પષ્ટ ગણાય એમ જણાઇ આવતી હતી. છતાંય ગૌરવર્ણું દિવ્ય મુખારવિંદ સૌની દૃષ્ટિને ખેંચતું હતું. સૌ અંદર અંદર વાતો કરતા હતા કે, “અરેરે આ નાની ઉંમરે આટલું બધું તપ કેમ કર્યું હશે ? ઉઘાડા પગે કાંટા-કાંકરામાં કેમ ચાલ્યા હશે ? વસ્ત્ર પહેર્યા વિના શીત-ઉષ્ણ અને વરસાદની ધારાઓથી કેવી રીતે રક્ષાયા હશે ? અરેરે... આ કોણ હશે ? કોઈ રાજકુમાર તો બ્રહ્મચારી બનીને નહિ આવ્યા હોય ને ?” એમ પરસ્પર વાતો કરતા નીલકંઠ પાસે જઈ પ્રાર્થના કરી :
“બોલો બોલો રે જોગી બાલુડા, ક્યાંથી આવીયા આપજી,
દેહ ધર્યો કિયા દેશમાં, કોણ માય ને બાપજી.”
આમ ઘણીક વાર સુધી સૌ સન્નારીઓએ નીલકંઠની પ્રાર્થના કરી પણ નીલકંઠ ધ્યાનમાંથી જાગૃત થઈ કાંઈ બોલ્યા નહીં.
એવામાં સદ્. રામાનંદ સ્વામીનું શિષ્યવૃંદ ત્યાં લોજમાં આશ્રમ બાંધીને રહેતું, તેમાંના એક સુખાનંદ સ્વામી નામના સંત વાવ પર ન્હાવા આવ્યા. અને નીલકંઠની સામે દ્દૃષ્ટિ કરતાં જ અંતરમાં ટાઢું ટાઢું થવા માંડ્યું. ક્યારેય નહિ અનુભવેલી એવી અપરિમિત શાશ્વત શાંતિનો, સુખનો અનુભવ થવા માંડ્યો. “અહો ! જેનાં દર્શને આટલી શાંતિ થઈ એ બ્રહ્મચારી કેવાક હશે ? કોણ હશે ?” આમ અનેક પ્રશ્નો થવા માંડ્યા. તેમણે ધીરે રહી નીલકંઠને પ્રણામ કરી ધ્યાનમાંથી જગાડ્યા અને પૂછ્યું, “હે વર્ણીરાજ, આપ ક્યાંથી આવ્યા છો ? ક્યાં જવું છે ? અને આપ દિવ્ય મૂર્તિનાં માતાપિતા કોણ છે ? ”
નીલકંઠે મધુર વચને ઉત્તર આપ્યો, “સ્વામીજી, બ્રહ્મપુરથી આવ્યો છું, બ્રહ્મપુર જાવું છે. અને ત્યાં પહોંચાડે એ જ ખરાં માબાપ છે.”
સુખાનંદ સ્વામી તો જવાબ સાંભળીને આભા જ બની ગયા. વધુ આગળ કંઈ પૂછે તે પહેલાં તો વર્ણીએ સ્વામીને પ્રશ્ન પૂછી નાખ્યો કે, “હે મુનિવર્ય ! જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મનું યથાર્થ સ્વરૂપ સમજાવો.”
પ્રશ્નનો ઉત્તર અહીં પોતે આપવો તેના કરતાં ગામમાં આવી પોતાના વડીલ ગુરુબંધુ શ્રી મુક્તાનંદ સ્વામી ઉત્તર આપે એ વધુ ઉચિત લાગતાં સુખાનંદ સ્વામીએ કહ્યું કે, “હે વર્ણીન્દ્ર ! આ ગામમાં અમારા ગુરુવર્ય સદ્. શ્રી રામાનંદ સ્વામીનો આશ્રમ છે જ્યાં મારા જેવા ઘણાક સંતો રહે છે જેમાં રામાનંદ સ્વામીના મુખ્ય શિષ્ય શ્રી મુક્તાનંદ સ્વામી અહીં રહે છે, જે આપ જેવા મહાન તપસ્વીનાં દર્શનને ઝંખતા હોય છે અને બહુ સમર્થ છે. માટે આપ જો આશ્રમમાં પધારો તો એ જરૂર તમારા પ્રશ્નનો ઉત્તર કરશે.”
અને નીલકંઠ વર્ણી સુખાનંદ સ્વામી સાથે પોતાના સાત વર્ષ, એક માસ અને અગિયાર દિવસના વનવિચરણનો અંત આણી રામાનંદ સ્વામીના આશ્રમમાં પધાર્યા.