ગઢડાથી ઉમરેઠ, ભાલેજ થઈ મહારાજ વડતાલ પધાર્યા. અહીં આણંદના કેટલાક પ્રેમી હરિભક્તોએ આવીને મહારાજને પ્રાર્થના કરી, "મહારાજ ! આપ કૃપા કરીને આણંદ પધારો. અમારાં ઘર પાવન કરો." મહારાજે કહ્યું, "આણંદમાં દ્વેષી લોકો બહુ છે માટે ભવિષ્યમાં ક્યારેક આવીશું." પરંતુ આ ઉત્તર સાંભળી હરિભક્તો દુઃખી થયા. તેમની આંખોમાં પાણી આવ્યાં. તેમણે મહારાજને ફરીથી ગદગદ થઈને વિનંતી કરી. મહારાજે તેમનો ભાવ જોઈને ‘હા’ પાડી.
મહારાજ શૂરવીર કાઠી દરબારો, સંતોનો સંઘ લઈ આણંદ જવા નીકળ્યા. આણંદમાં હરિભક્તોએ રસોઈ કરાવી. મહારાજ કાઠી દરબારો અને સંતોનો સંઘ લઈ આણંદ શહેરમાં પ્રવેશ્યા. હરિભક્તોએ સામૈયું કર્યું. પરંતુ મહારાજ આણંદમાં પધાર્યા છે તેવી ખબર પડતાં મતપંથીઓ રોષે ભરાયા. તેમને તેમની દાળરોટી હાથમાંથી ચાલી જતી લાગી. આવા મતપંથીઓએ કેટલાક માણસોને ઉશ્કેર્યા અને ભરચૌટામાં અપમાન કરવા ભેગા કર્યા.
મહારાજે પહેલેથી જ સૌને કહી દીધું હતું કે “ક્ષમા અને ધીરજ ધારજો; ગાળ, અપમાન અને તિરસ્કાર સહન કરજો.” ચૌટામાં સંઘ આવ્યો ત્યારે અસુરોએ ગાળો અને અપશબ્દો સંભળાવ્યા. પણ સૌ શાંત રહ્યા. પછી તો છાણ, ધૂળ, ઢેફાં, કાંકરા વગેરે જે હાથ આવ્યું તે ફેંકવા લાગ્યા. ભગુજી, દાદાખાચર અને નાજા જોગિયાનો હાથ તલવાર પર ગયો. ત્યાં મહારાજે પાછા વાળ્યા અને સહન કરવા કહ્યું.
મહારાજ અને આખો સંઘ ગામ બહાર ગુંસાઈની જગ્યાએ વડ નીચે ઊભો રહ્યો. મહારાજ જમ્યા વગર બાકરોલ થઈ વડતાલ પાછા ગયા. સાંજે સભામાં મહારાજે કહ્યું, "આપણે કેવી જીત કરી ?" બ્રહ્મમુનિએ કહ્યું, "જાણે ઈડરિયો ગઢ જીતીને આવ્યા હોય એવું પરાક્રમ કર્યું છે !" દરબારો કહે, "શું જીત કરી ? ધૂળ અને ઢેફાં ખાધાં. અમને શૂરવીરને ઈંટોનાં રોડાં ખવરાવ્યાં. આ વાત કોઈ જાણશે તો અમને નોકરીમાં પણ નહિ રાખે." મહારાજે કહ્યું, "આપણે સહન કર્યું અને સામા નથી થયા તેથી આપણી શોભા વધી છે. નહિ તો ધીંગાણું મચી જાત."
આ બનાવની અસર આણંદ શહેરના આગેવાન લોકો ઉપર બહુ થઈ. તેમને થયું, આવા નિર્મત્સર સંતને અને મહારાજને નગરજનોએ દુખવ્યા એ ખોટું કર્યું. આમ વિચારી શહેરના આગળ પડતા લોકોએ વડતાલ આવી મહારાજની માફી માગી. ફરીથી આવું નહિ થવા દઈએ તેવી ખાતરી આપી આણંદનું દ્વાર કાયમને માટે ખોલી આપ્યું.