અમારે સાજા થાવું છે !
આ બાજુ બ્રહ્માનંદ સ્વામી વગર સૂનું સૂનું લાગતું હતું. બ્રહ્માનંદ સ્વામી રમૂજ કરી મહારાજને હસાવતા. પરાણે થોડું ઘણું અન્ન જમાડતા. પણ હવે કોણ કરે ? મહારાજ તો બીજે દિવસે સવારે ઉઠ્યા નહિ, માથે સુધી ચોફાળ ઓઢીને સૂઇ રહ્યા. વળી મહારાજે આગલે દિવસે વાળું પણ કરેલું નહિ, તેથી નિત્યાનંદ સ્વામી સવારે હાથમાં રૂપાના વાડકામાં બાજરાની રાબ લઇ ઉઠાડવા ગયા. ત્રણચાર સાદ પાડીને મહારાજને ઉઠાડ્યા. મહારાજ તો માથે સુધી ઓઢીને સીધા સૂઇ જ રહ્યા. ન હાલે કે ન ચાલે.
આથી નિત્યાનંદ સ્વામીએ વાડકાનો કર્યો ઘા. ને ધબ દેતાં ભોય પર પડી રોવા લાગ્યા. મહારાજ ચોફાળ ફેંકી દઇ બેઠા થયા, અને બોલ્યા, "તમે બધા શીદ રોવો છો ? કોઇ મરી ગયું છે ?" નિત્યાનંદ કહે, "દુઃખ તો થાય જ ને ! તમે ખાઓ,પીઓ નહિ ને ઊદાસી બતાવો એટલે."મહારાજે કરુણા કરી કહ્યું, "જાઓ ઊનાં પાણી કરો, અમારે નાહવું છે. થાળ કરાવો અમે જમીશું. આજ અમારે સાજા થવું છે." પછી મહારાજ ઊને પાણીએ નાહ્યા. શ્વેત વસ્ત્રો ધારણ કર્યાં. મુખ પર પ્રસન્નતા બતાવી. બ્રહ્મચારી થાળ લાવ્યા તે જમ્યા. સાંજે સભામાં પધાર્યા. નગારાંઝલર વગડાવ્યાં. દાદાખાચરે સૌને સાકર વહચી ધામધૂમ કરી. સૌનાં ચિત્તમાં પ્રફુલ્લિતતા આવી ગઇ.

પણ ! પણ રાત પડી, અને મહારાજે ફરીથી મંદવાડ ગ્રહણ કર્યો. ઉદાસી ગ્રહણ કરી અંતવૃત્તિ કરી ગયા. સૌનાં મનમાં ફરીથી ઊચાટ વ્યાપી ગયો.