અંતર્ધ્યાન અને મૂર્તિરૂપે પ્રગટ
સંવત ૧૮૮૬ના જેઠ સુદ દશમને બુધવારનો દિવસ ઊગ્યો અને સૂર્યના કિરણોથી મંગળ પ્રભાત થયું. પરંતુ આજે સૂર્યના કિરણો કોઇક અણધાર્યા જ એંધાણ આપતા હતા. જાણે કે મહા મોટી મુસીબત આવી પડવાની હોય કે શું? જાણે દેહમાંથી પ્રાણ ચાલ્યો જાય તેમ જે અનંતનું નિશાન છે આત્મા છે એવા અક્ષરધામના અધિપતિ કાંઇક અલૌકિક લીલા આદરવાને હોય ને શું? એવા ભણકારા વાગી રહ્યા હતા.
મંગળ પ્રભાતે મહાપ્રભુ આળશ મરોડી ઊઠ્યા અને મુકુંદવર્ણીએ મહારાજને સ્નાન કરાવ્યું. મહારાજના અવરભાવના શરીરે કસર જણાતી હતી. તેથી મહાપ્રભુએ સંતોના આગ્રહથી થોડું ભોજન ગ્રહણ કર્યું. "ભકત મનોરથ પૂરણ પ્યારા " એવા મહાપ્રભુ ચકોર પક્ષીની માફક દર્શનની ઝંખનાથી તલસી રહેલા સંતો હરિભકતોને દર્શન આપવા અક્ષર ઓરડીમાંથી બહાર પધાર્યા અને સૌને સુખિયા કર્યા. દર્શનદાન આપી તુરત જ મહારાજ પાછા અક્ષરઓરડીમાં પધાર્યા અને ઢોલીયા ઊપર આડા પડખે થયા. મહારાજે ફરીથી મંદવાડની તીવ્રતા જણાવી. સૌ ચતાતુર બનતા જતા હતા.
મહાપ્રભુએ ગોપાળાનંદ સ્વામીને બોલાવવાની મરજી જણાવી. તેથી સદ્.ગોપાળાનંદ સ્વામી બોલાવ્યા. પોતાના વ્હાલસોયા અને સ્વામિનારાયણ ભગવાને પ્રસ્થાપિત કરેલ સ્વામિનારાયણ સંપ્રદાયના સુકાની એવા સમર્થ સદ્. ગોપાળાનંદ સ્વામીને પોતાની નિકટ બોલાવી જણાવ્યું કે "આજે અમારે અંતર્ધ્યાન થવું છે માટે અમારા અંતર્ધ્યાન થયા પછી અમારા વતી તમે સમગ્ર સત્સંગ સમાજમાં વિચરણ કરજો અને અમારી સર્વોપરિ ઊપાસના અને અમારા સ્વરૂપનું સર્વોપરી જ્ઞાન પ્રવર્તાવજો." પોતાના પ્રીયતમ એવા મહાપ્રભુના મુખે આવા કરૂણાર્થી શબ્દો સાંભળતા સદ્.ગોપાળાનંદ સ્વામીના નેત્ર સજજળ થઇ ગયા. મહાપ્રભુને ખૂબ પ્રાર્થના કરી. આ લોકમાં વધુ દર્શન આપવા પ્રાર્થના કરી. પરંતુ મહારાજ મક્કમ નિર્ધાર કરીને બેઠા હતા તેથી એકના બે ન થયા. મહારાજનો મક્કમ નિર્ધાર જોઇ સ્વામી વધુ કાંઇ જ કહી શકયા નહિ. મહારાજે આરામ કરવાની ઇચ્છા દર્શાવી તેથી સદ્.ગોપાળાનંદ સ્વામી પોતાના આસને પધાર્યા.
મધ્યાહન સમય થયો. મહારાજ ઢોલીયા ઊપર સુતા હતા તે એકદમ જ બેઠા થઇ ગયા અને મુકુંદાનંદ બ્રહ્મચારી પાસે દર્ભનું આસન મંગાવી તે ઊપર સ્વસ્તિક આસનવાળીને બેસી ગયા. આમ થોડી જ ક્ષણોમાં મહાપ્રભુએ પોતાના સ્વરૂપમાંથી દિવ્ય તેજનો સમૂહ દેખાડી સ્વતંત્રપણે મહારાજના અંતર્ધ્યાન થવાના સમાચાર મળતા ફાળ પડી. જાણે વીજળી માથે પડી હોય તેમ સૌને અનુભવાયું અને સૌ અતિશે આક્રંદ કરવા લાગ્યા. સદ્.ગોપાળાનંદ સ્વામીએ સૌને ધીરજ આપી.
સંધ્યા થતા આલોકની રીત મુજબ મહારાજના અવરભાવના સ્વરૂપનો અગ્નિસંસ્કાર વિધિ લક્ષ્મીવાડીમાં થયો. અગ્નિની જવાળાઓ ઉંચે ઉંચે જઇ રહી હતી. સૌના અંતરમાં ખાલીપણું વર્તાતું હતું. સૌ શૂન્યમનસ્ક થઇ ગયા હતાં. દાદાખાચરના હૈયામાં વિશેષ દુઃખ વર્તતું હતું. દાદાખાચર હૈયે દુઃખ સાલતું હતું કે "હવે નિત્ય હું કોના દર્શન કરીશ, મને નિત્ય નવા સુખ કોણ આપશે, મારો પ્રાણ આધાર મને મુકીને ચાલ્યો ગયો..." એમ વિશેષ આક્રંદ, રૂદન કરવા લાગ્યા. વિયોગનું દુઃખ સહન ન કરતા દાદાખાચર મહારાજના અવરભાવના સ્વરૂપનો જે અગ્નિસંસ્કાર થઇ રહ્યો હતો તે ચેહમાં પડવા માટે પ્રયત્ન કર્યો. સૌ સંતો-હરિભકતોએ ઝાલી લીધા અને ઘણાં સમજાવ્યા પરંતુ દાદાખાચર કોઇના સમજાવ્યા સમજયા નહિ. પછી સદ્.ગોપાળાનંદ સ્વામીએ ધીરજ આપી છાના રાખ્યા અને કહ્યું, "દાદાખાચર ! શું મહારાજ મનુષ્ય જેવા છે? શું એમના માટે જન્મ મરણ છે? મહારાજ તો સદાય પ્રગટ અને પ્રગટ જ છે માટે તમે બેઠકે જાઓ. જયાં મહારાજ બિરાજમાન થઇ સુખ આપતા ત્યાં જઇ બેસો મહારાજ સુખ આપશે."
સદ્. ગોપાળાનંદ સ્વામીના વચન ઊપર વિશ્વાસ રાખી દાદાખાચર મહાપ્રભુ જયાં નિત્યે બિરાજમાન થઇ સુખીયા કરતા તે બેઠકે ગયા અને ત્યાં તો આ શું? કાંઇક નવીન અનુભુતી જ થઇ... જાણે સ્વપ્ન તો જોઇ રહ્યા નથી ને? એક બાજુ મહારાજના અવરભાવના સ્વરૂપનો અગ્નિ સંસ્કાર થઇ રહ્યો હતો અને આ બાજુ મહારાજ બેઠકે સહાસન ઊપર બિરાજી દર્શન આપી રહ્યા હતા. મહારાજના કંઠમાં ગુલાબનો હાર અને સભા મધ્યે વાતો કરે એવા દર્શન થઇ રહ્યા હતા. મહાપ્રભુએ દાદાખાચરને ધીરજ આપતા મહારાજે કહ્યું, "દાદા! રુવો છો શા માટે? શું અમને ગયા સમજો છો? અમે સદાય પ્રગટ, પ્રગટ ને પ્રગટ જ છીએ. હવે અમે તમને મૂર્તિ સ્વરૂપે દર્શન આપીશું. માટે અમારી મૂર્તિ જે અમે પંડે જ છીએ એના દર્શને પ્રત્યક્ષ દર્શનની અનુભુતી કરજો. અને હવે એ દ્વારે સમગ્ર સત્સંગમાં સુખ આપીશું."
મહારાજના બળભર્યા વચનો સાંભળી દાદાખાચરને શાંતિ થઇ અને કૃતાર્થપણું મનાયું