છેલ્લો મંદવાડ
સંવત ૧૮૮૫નો ફાગણ સુદ પૂનમનો સમૈયો આવ્યો. મહારાજ વડતાલ હુતાશનીના સમૈયા પર ગયા નહિ. હરિભકતોને મહારાજ વગર સમૈયામાં આનંદ આવ્યો નહિ. સંતો તથા હરિભકતો સમૈયા પછી વિખરાઇ જવાને બદલે ગઢડે મહારાજને દર્શને ગયા.
મહારાજે સૌને બોલાવ્યા. મુકુંદાનંદ વર્ણીને મોકલીને રામપ્રતાપભાઇ, ઇચ્છારામજી, આચાર્ય અયોધ્યાપ્રસાદજી, આચાર્ય રઘુવીરજી, મુક્તાનંદસ્વામી, ગોપાળાનંદસ્વામી, બ્રહ્માનંદસ્વામી, નિત્યાનંદસ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, શુકાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, આનંદાનંદ સ્વામી, પરમચૈતન્યાનંદ સ્વામી,ભાયાત્માનંદ સ્વામી વગેરે સંતોને બોલાવ્યા. અખંડાનંદ, વાસુદેવાનંદ, વૈષ્ણવાનંદ વગેરે બ્રહ્મચારીઓને બોલાવ્યા. ભગુજી, મૂળજી, રતનજી, મિયાજી વગેરે પાર્ષદોને બોલાવ્યા. દાદાખાચર, સુરાખાચર, સોમલાખાચર, જીવાખાચર વગેરે હરિભક્તોને બોલાવ્યા. જીવુબા, લાડુબા, રાજબા વગેરે બાઇભકતોને બોલાવ્યાં. સમગ્ર સભા ભરાઇને બેઠી.
મહારાજે કહ્યું, "તમે સૌ મને સર્વોપરિ ભગવાન અને તમારા ઇષ્ટદેવ તરીકે જાણો છો. મને રાજી કરવા ઇચ્છો છો, આજે મારી વાત સાંભળો. અમે અનંત જીવોના આત્યાંતિક કલ્યાણ કરવાના હેતુથી આ બ્રહ્માંડને વિષે મનુષ્યને મનુષ્ય જેવા દેખાયા છીએ. અમારે કરવાનાં બધાં કામ અમે કરી લીધાં છે. મંદિર, શાસ્ત્ર, આચાર્ય વગેરે કરીને શુધ્ધ સંપ્રદાય પણ સ્થાપી દીધો છે. અમારું કાર્ય હવે પૂરું થયું. અમને અહીં કયાંય ગમતું નથી. હવે મારી ઇચ્છા અંતર્ધાન થઇ સ્વધામ પધારવાની છે."
આ શબ્દો સાંભળતાં જ સૌને જાણે માથે વીજળી પડી હોય તેવું દુઃખ થયું. કેટલાયનાં શરીર ધ્રુજવા લાગ્યાં. કેટલાકને તો આ શબ્દો સાંભળી મૂર્છા આવી ગઇ. બીજા સૌ ધ્રુસકે ધ્રુસકે ચોધાર આંસુએ રોવા લાગ્યાં.
મહારાજે સૌ પર કરુણાદૃષ્ટિ કરી. અંતરમાં પ્રેરણા કરી ધીરજ આપી. મધુર હાસ્ય કરી સૌને વશ કરી લીધા. સૌને ધીરજના શબ્દો કહી સાંત્વન આપ્યું. પરંતુ અંતર્ધ્યાન થવાનું નક્કી જ કરી લીધું હતું.