કચ્છના ભક્તોને પ્રાગટયના કોલ

ભગવાન શ્રી સ્વામિનારાયણે તથા તેમના મુકતોએ અનંત જીવોના આત્યંતિક કલ્યાણ કરવાને અર્થે મોટા મોટા સમૈયા, ઊત્સવો, યજ્ઞો કર્યા પરંતુ નવા આદરવાળા જીવો સ્વામિનારાયણ ભગવાનના સ્વરૂપને જેમ છે તેમ સર્વોપરિ ઓળખી શકયા નહી. જેથી સ્વામિનારાયણ ભગવાને આ બ્રહ્માંડને વિષે સૌને સુખિયા કરવાના ભવ્ય સંકલ્પને ટુંકાવી દીધો હોય ને શું.. તેમ ગઢપુરની ભુમિ ઊપર સંવંત ૧૮૮૫માં અંતિમ મંદવાડ ગ્રહણ કર્યો. દેશો દેશમાં થતું અવિરત વિચરણ સાવ અટકાવી દીધું. પરિણામ સ્વરૂપે સમગ્ર સત્સંગ સમાજમાં આનંદનો દુષ્કાળ વ્યાપી ગયો. ભગવાન સ્વામિનારાયણની આ અલૌકિક લીલાથી ચતિત થયેલા સકડો સંતો તથા હજારો હરિભકતો દુઃખી વદને ગઢપુર પોતાના પ્રાણેશ્વર એવા શ્રી હરિના (સ્વામિનારાયણ ભગવાનના) દર્શન કરવા આવવા લાગ્યા.
એમાં એક સમયે કચ્છના પ્રેમી હરિભકતો જેવા કે ભુજના મુકતરાજ સુરજબા, હીરજીભાઇ, સુંદરજીભાઇ સુથાર, ગંગારામ મલ્લ તથા વૃષપુરના રત્નાભગત વગેરે ભકતો પણ મહાપ્રભુના મંદવાડના સમાચાર સાંભળી ગઢપુર પધાર્યા. મહાપ્રભુના મંદવાડ લીલાના દર્શનથી સૌ ભકતોના નેત્રમાંથી પ્રેમભર્યા આંસુઓની ધારા વહેવા લાગી. મહાપ્રભુના દર્શન, સેવા, સમાગમનો લાભ લેવા સૌ ભકતો ૫-૭ દિવસ ત્યાં રહ્યા. જયારે કચ્છના આ પ્રેમીભકતોને કચ્છ પરત ફરવાનું થયું ત્યારે સૌ અક્ષરઓરડીમાં મહાપ્રભુ પાસે ગયા અને ગદ્દગદ્દકંઠે મધુર વચને મહાપ્રભુને પ્રાર્થના કરી... "હે મહારાજ ! આપે સંવંત ૧૮૬૧ થી ૧૮૬૮ સુધી એમ ૭ - ૭ વર્ષ કચ્છમાં ખૂબ વિચરણ કર્યું છે. અમને સૌને આપે ખૂબ સુખ આપ્યા છે. પણ હે નાથ ! અમારો એવો કયો વાંક ગુન્હો છે કે આપે ત્યાર પછી છેલ્લા ૧૮ - ૧૮ વર્ષથી અમારી સંભાળ નથી લીધી ? હે દયાળુ, કચ્છના સર્વે ભકતો આપના દર્શન - સમાગમ અર્થે ખુબ આતુર છે. માટે હે દયાળુ, આપ કચ્છમાં ફરી પધારો... અને અમને સૌને સુખિયા કરો... વ્હાલા સુખિયા કરો... એમ ખૂબ ભાવભરી વિનંતી-પ્રાર્થના કરી.
ત્યારે ભગવાન સ્વામિનારાયણ બોલ્યા જે હે કચ્છના પ્રેમીભકતો તમોસૌ અમને ખુબ વ્હાલા છો. તમે અમને સેવા - સમાગમથી ખુબ રાજી કર્યા છે પણ અમે આ ફેરે મંદવાડ ગ્રહણ કર્યો છે. હવે જલ્દી જલ્દી અમે આ અમારો દેખાતો મનુષ્યભાવ અદૃશ્ય કરીશું. માટે હવે અમારાથી કચ્છમાં અવાશે નહિ."
મહાપ્રભુના આવા દુઃખદ વચનો સાંભળતા જ કચ્છના સર્વે પ્રેમીભકતો અતિ ઊદાસ થઇ કલ્પાંત કરવા લાગ્યા. ત્યારે "અતિ દયાળુ રે સ્વભાવ છે સ્વામીનો" એવા મહાપ્રભુ કરુણા કરીને બોલ્યા જે, "હે વ્હાલા ભકતો અમે તો કચ્છમાં નહિ આવીએ પરંતું અમારા જેવા જ અમારા સંકલ્પ સ્વરૂપ અનાદિમુકત કચ્છમાં પ્રગટ થશે અને તમને સૌને લાડ લડાવી સુખિયા કરશે તથા તમારા મનોરથ પૂર્ણ કરશે."
મહાપ્રભુના આ દિવ્ય આશીર્વાદ સાંભળતા જ અતિ ઊતાવળા થઇ વૃષપુર (બળદિયા) ગામના કણબી એવા રત્ના ભગતે પુછ્યું,મહારાજ આ તમારા જેવા જ તમારા અનાદિમુકત કયા ગામમાં પ્રગટ થશે ? ત્યારે અતિ દયાળુ મહાપ્રભુએ આશીર્વાદ આપ્યા કે "જા તારા જ ગામમાં પ્રગટ થશે બસ."
આમ સૌને હિંમત, બળ અને આશીર્વાદ આપી કચ્છના આ પ્રેમીભકતોને મહારાજે ગઢપુરથી વિદાય આપી.