વડતાલ, અમદાવાદ અને કચ્છમાં મંદિરો થયાં. આથી બધા કાઠી હરિભકતો પંચાળામાં ભેગા થયા. તેમને થયું, "ગુજરાત અને કચ્છના હરિભકતો ભાગ્યશાળી છે. મહારાજે ત્યાં મંદિર કર્યાં. આપણા કાઠિયાવાડને વિસારી દીધો. માટે ચાલો મહારાજને તેનું કારણ પૂછીએ." આમ વિચારી સૌ મહારાજ પાસે આવ્યા. તેમણે પોતાના મનની બધી મૂંઝવણ કહી, પછી તેમણે પૂછ્યું, "મહારાજ ! આપે ગુજરાતપ કચ્છમાં મંદિરો કર્યા અને કાઠિયાવાડને વિસારી દીધું, તેનું કારણ શું ? આપ અમારા દેશમાં એક સુંદર મંદિર કરાવો." મહારાજે જવાબ આપ્યો, "હું તમારાથી દૂર જતો નથી. ગઢડા, લોયા, પંચાળે એમ કાઠિયાવાડમાં જ ઘણુંખરું રહું છું. આમ તમને મારાં નિત્ય દર્શન થાય છે. જયારે ગુજરાત-કચ્છવાળાને તો ત્યાં ઉત્સવ-સમૈયે જાઉં છું, ત્યારે જ દર્શન થાય છે, તેથી મારી મૂર્તિનાં નિત્ય દર્શન થાય એટલા માટે ત્યાં મંદિરો કર્યાં છે. છતાં આપ સૌનો અતિશય પ્રેમ અને ભાવ છે તેથી હું કાઠિયાવાડમાં સુંદર મંદિર કરીશ." સૌ પ્રથમ મહારાજે ગઢડામાં જ ઘેલા નદીને કાંઠે ટેકરા ઉપર સુંદર જગ્યા જોઇ મંદિર કરવા સંકલ્પ કર્યો. હરજી ઠક્કરને બોલાવીને મંદિરની જગ્યા નક્કી કરી. પરંતુ જીવાખાચરની માલિકીની તે જગ્યા હોવાથી તેણે તે જગ્યા મહારાજને અર્પણ કરવા ના પાડી. આથી મહારાજ ઊદાસ થઇ બીજા ગામોમાં મંદિર માટે જગ્યા પસંદ કરવા નીકળ્યા. મહારાજે કારિયાણીથી શરૂઆત કરી. કારિયાણી, વાંકિયા, કોટડા, બોટાદ, લોયા, નાગડકા, પંચાળા, ઝીંઝાવદર અને કુંડળમાં જગ્યાઓ જોઇ. મહારાજનું મન કયાંય ઠર્યું નહિ. મહારાજ કુંડળથી સારંગપુર પધાર્યા. અહીં જીવાખાચરે મહારાજનું ખૂબ ભાવથી સ્વાગત કર્યું. પોતાના દરબારમાં જયાં જોઇએ ત્યાં, જોઇએ તેટલી જમીન મંદિર બાંધવા પસંદ કરી લેવા તેમણે મહારાજને કહ્યું, મહારાજે સારંગપુર ગામના હરિભકતો તથા બધા જ ગામવાસીઓને ચોરે બોલાવ્યા. સૌની સંમતિ માગી. સૌએ રાજી થઇને કહ્યું, "મહારાજ ! અમારાં જ એવાં મોટાં ભાગ્ય કયાંથી કે અહીં મંદિર થાય ! અમે મંદિર બાંધવામાં બધો જ સહકાર આપીશું. બધી જ મદદ કરીશું. માટે કૃપા કરીને અહીં મંદિર બાંધો." જીવાખાચરનાં બધાં કુટુંબીજનોએ પણ ખૂબ આગ્રહથી અને ભાવથી મહારાજને સારંગપુરમાં જ મંદિર બાંધવા કહ્યું. મહારાજે સારંગપુરમાં મંદિર બાંધવાનો સંકલ્પ કર્યો. મહારાજે પૂછ્યું, "અહીં મંદિર બાંધવા પથ્થરો મેળવવા કોની રજા લેવી પડે ?" જીવાખાચરે કહ્યું, "મહારાજ ! બરવાળાના જૈન વાણિયા શેઠ ઘેલા શાહની રજા લેવી પડે. તે શેઠ બહુ શાણા અને પરમત પ્રત્યે ઊદાર દિલવાળા છે." આટલું કહી જીવાખાચર ખૂબ મહિમા કહીને બરવાળાથી ઘેલા શાહ શેઠને બોલાવી લાવ્યા. મહારાજે ઘેલા શાહને પૂછ્યું, "તમે, અમે અહીં મંદિર કરીએ તો રાજી છો કે નહિ ? તમો પથ્થર વગેરેની મદદ કરશો ?" શેઠ ઘેલા શાહે ખૂબ રાજી થઇ કહ્યું, "મહારાજ ! પચીસ ગામમાં મારો અમલ ચાલે છે. હું તો અહીં મંદિર થાય તેમાં અત્યંત રાજી છું. જોઇએ તેટલા પથ્થર અપાવીશ. તેટલું જ નહિ, પણ પથ્થરો લાવવા જોઇએ તેટલાં સારાં ગાડાં આપની સેવામાં હાજર કરી દઇશ." મહારાજ ઘેલા શાહ શેઠ પર બહુ રાજી થઇ બોલ્યા, "નામ ઘેલો છે, પણ શેઠ બહુ ડાહ્યા છે." આમ સારંગપુર મંદિર બાંધવાનું નક્કી થયું. આ વાતની ગઢડામાં દાદાખાચર, જીવુબા અને લાડુબાને ખબર પડી. દાદાખાચર પોતાનું સમગ્ર કુટુંબ અને ગઢપુરના કેટલાક હરિભકતોને લઇને સારંગપુર પધાર્યા. દાદાખાચર અને તેમનાં બહેનોને અન્નજળનો ત્યાગ કર્યો. તેઓ કલ્પાંત કરવા લાગ્યા. મહારાજને ખૂબ આજીજી કરી કહ્યું, "મહારાજ ! અમારા કાંઇ ગુના કે અપરાધો હોય તો માફ કરો. બીજી કાંઇ પણ સજા કે પ્રાયશ્ચિત આપો. પરંતુ આપે “ગઢડું મારું છે અને હું ગઢડાનો છું” એમ કહ્યું છે, તે મુજબ ગઢડામાં જ મંદિર કરી અખંડ રહો અમે અમારું સર્વસ્વ અર્પણ કરીએ છીએ." આ સાંભળી મહારાજની આંખમાં પણ પ્રેમનાં આંસુ ઊભરાઇ આવ્યાં. દાદાખાચરની નિષ્ઠા, ભકિત અને સ્વાર્પણની ભાવના જોઇ મહારાજે રાજી થઇને ગઢડે મંદિર કરવાની હા પાડી. પછી મહારાજ સારંગપુરથી ગઢડા પધાર્યા. દાદાખાચરે પોતાને રહેવાનો આખો દરબાર તાંબાપત્ર પર લખી આપીને, મહારાજને કૃષ્ણાર્પણ કર્યો. ગઢડામાં મહારજે બે મોટા ઉત્સવો કર્યા. તે બે દિવસ સમૈયો ચાલ્યો. પછી દક્ષિણાદાબારના ઓરડા જેમાં પાંચુબા રહેતાં હતાં, તે પડાવી નાંખ્યા. સં. ૧૮૮૧ના જેઠ સુદ એકાદશીને શનિવારે ગઢડામાં શિખરબધ્ધ મંદિરનું ભૂમિપુજન કર્યું. લખણી કરી સૌ આગળ સેવા કરાવી. મહારાજે કહ્યું, "અમારે સૌને સેવાનો લાભ આપી મંદિર કરવું છે." વળી બીજી આજ્ઞા મહારાજે કરી, "રોજ, સવાર-સાંજ સૌ હરિભકતો ઘેલે નહાવા જાઓ ત્યારે પાયામાં પૂરણી કરવા દરેકે એકએક પથ્થર માથે લઇ આવવો." તે દિવસથી રોજ, જયારે પણ મહારાજ ગઢડે હોય ત્યારે ઘેલામાં નાહીને પાછા આવતી વખતે આખા સંઘની સાથે પોતે પણ એક પથ્થર માથે ઊપાડી લાવતા.