સ્વામિનારાયણ નામનો પ્રકાશ
જગમાં કોઈનું નામ પોતાના મમ્મી-પપ્પા પાડે, તો કોઈનું નામ પોતાના માસા-માસી પાડે, તો કોઈનું નામ તો પોતાનાં મોટાં બેન કે ભાઈ પણ પાડે. મોટા ભાગના નામ તો પોતાની ફોઈએ જ પાડ્યાં હોય. ટૂંકમાં, એવું તો ન જ બને કે પોતાનું નામ પોતે પાડ્યું હોય. ખરું ને ! પણ... આપણા ઇષ્ટદેવ - જે સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન છે; તેમણે પોતે પોતાનું નામ પાડેલું.
જ્યારે આપણા મહારાજ નાના હતા ત્યારે ધર્મપિતાને ત્યાં માર્કંડ ઋષિ નામના એક મહાન ઋષિ પધારેલા. તેમણે કૃષ્ણ, હરિ, હરિકૃષ્ણ અને નીલકંઠ એમ ચાર નામ પાડેલાં. માતા-પિતા અને ભાઈ-ભાભી વગેરે સંબંધીઓ ‘ઘનશ્યામ’ના નામથી બોલાવતા. ગુરુ રામાનંદ સ્વામીએ વળી ‘સહજાનંદ’ અને ‘નારાયણ મુનિ’ એમ બે નામ પાડ્યાં. ભક્તજનોએ ‘શ્રીજીમહારાજ’ શબ્દથી નવાજ્યા પણ... એક વખત, ગુરુ રામાનંદ સ્વામી અંતર્ધાન થયા પછી, ફણેણી મુકામે ગુરુજીના ચૌદમાના દિવસે સંતો-ભક્તોની વિશાળ સભામાં, શ્રીજીમહારાજે પોતાનું સર્વોપરી નામ પ્રકાશિત કર્યું કે, "હે વ્હાલા ભક્તજનો ! અમારાં નામ બધાએ નોખાં નોખાં પાડ્યાં પણ મુખ્ય નામ તો કોઈના હાથમાં આવ્યું નથી. આ લોકમાં ‘નારાયણ’ નામ તો ઘણાંને માટે વપરાય છે. જેમ કે સૂર્યનારાયણ, વૈરાટનારાયણ, નરનારાયણ, વાસુદેવનારાયણ... પણ અમે એ સૌ નારાયણ જેવા નથી. અમે તો સર્વ નારાયણમાત્રના સ્વામી એટલે કે નિયંતા ને કારણ છીએ. માટે અમારું મુખ્ય નામ ‘સ્વામિનારાયણ’ છે. તે માટે હે ભક્તજનો ! આજથી તમો સૌ સ્વામિનારાયણ નામથી જ ભજન કરજો. એ મંત્રની માળા ફેરવજો, એ મંત્રની જ ધૂન કરજો - ને જપ કરજો. એ સર્વ મંત્રમાં શ્રેષ્ઠ મંત્ર છે." એમ કહી શ્રીજીમહારાજે એ મંત્રનું ભજન તે દિવસથી ચાલુ કરાવ્યું. એટલું જ નહિ, પણ શ્રીજીમહારાજે પોતાના આ સર્વોપરી મંત્રનો અપરંપાર મહિમા જણાવતાં કહ્યું કે,
"આ નામથી પાપીનાં સર્વે પાપ બળી જશે. બીજાં હજારો નામ લો પણ આ એકની તુલ્ય ન આવી શકે. એવું આ સર્વોપરી, ઘણાંક ફળને આપનાર અને સંકટમાત્રને કાપી સુખ કરનારું નામ છે. જો અંતકાળે કોઈના કર્ણપટ પર આ નામની ભણક પડશે તો ગમે તેવો પાપી હશે તોપણ તે જરૂર મોક્ષગતિને પામશે. વળી આ નામ ભૂત-પ્રેત-પિશાચને ભગાડનાર તથા યમદૂતના ભય થકી મુકાવનાર છે. આમ સ્વયં શ્રીજીમહારાજે આ નામનો સ્વમુખે ખૂબ મહિમા કહ્યો છે."
પણ... ખરેખર જેણે બહુ મોટાં પાપ કર્યાં હોય તેનાથી આ નામ મુખે કરી લઈ શકાતું જ નથી; એ હકીકત છે. કારિયાણીમાં એક ડોસીનો દેહાંત સમો આવ્યો. એક હરિભક્ત તેનું રૂડું થાય તે માટે પાસે ગયા. ડોસીએ જીવનમાં ક્યારેય ભૂલમાંય ‘સ્વામિનારાયણ’ નામ ઉચ્ચારેલું નહીં. આ હરિભક્તને દયા આવી. તેમણે જઈને ડોસીને સમજાવવા માંડ્યા કે, "ડોસીમા, એક વખત સ્વામિનારાયણ બોલો તો તમારો મોક્ષ થઈ જાય." "હા બાપલા, બોલું તો તો બહુ સારું."  "પણ... ડોસીમા, એક વખત બોલો."
"હા... બોલું તો તો મોક્ષ થઈ જ જાય."  "ડોસીમા, હવે એક વખત બોલો.. ‘જય સ્વામિનારાયણ.’"  "હા ભાઈ, બોલું તો તો મારું કલ્યાણ થઈ જાય."
આમ, ડોસીને બોલાવવા ઘણા પ્રયત્ન કર્યા પણ બોલી ન જ શકી તે ન જ શકી. એ તો જેનો મોક્ષ થવાનો હોય એ જ બોલી શકે. માટે જ આપણે મહારાજની મૂર્તિ ધારીને રોજ સ્વામિનારાયણ મહામંત્રનું જ ભજન કરવું.