શ્રીહરિના સંકલ્પથી વિચરતા દિવ્ય કલ્યાણકારી સત્પુરુષ ગુરુવર્ય પ.પૂ. બાપજીના આશીર્વાદની હેલી એટલે અનંતના સુખનું દ્વાર અને અનંતના દુઃખનું પૂર્ણવિરામ.
તેઓની અમીભરેલી આશીર્વર્ષાથી જ સઘળો સત્સંગ સમાજ અવરભાવમાં અને પરભાવમાં સુખિયો થયો છે.
તેઓના હૈયામાં અનંત જીવોનું હિત કરી પરોપકારની તથા તેમનો આત્યંતિક મોક્ષ કરી ભગવાનની મૂર્તિનું સુખ અપાવવાની અપાર કરુણાનું ઝરણું ચિરંતન વહ્યા કરે છે.
તેઓના દિવ્ય આશીર્વાદે કરીને જ અનેક ભાવિક ભક્તોનાં તન, મન, ધન અને જનનાં દુઃખો ટળ્યાં છે.
તો વળી, આધ્યાત્મિક માર્ગમાં વિઘ્ન કરતાં દૈહિક સ્વભાવો-પ્રકૃતિ, દોષો, વાસના વગેરે પણ નિવૃત્ત થયા છે.
સાવ પામર જેવા જીવનમાંથી પ્રભુને ગમતું દિવ્યજીવન જીવતાં આદર્શ પાત્રો બન્યાં છે અને શ્રીહરિનો અંતરનો રાજીપો કમાયા છે. તેમજ ફદલમાં આત્યંતિક મોક્ષ પ્રાપ્ત કરી જન્મમરણથી રહિત થયા છે.
ગુરુવર્ય પ.પૂ. બાપજીએ વિવિધ ઉત્સવ-સમૈયા તથા મહોત્સવ પ્રસંગે પ્રાર્થના સ્વરૂપે વહાવેલા અઢળક આશીર્વાદમાંના કિંચિત્ અંશોની અલ્પ ઝાંખી કરીએ :
“શ્રીજીમહારાજ આજે પંચમહાલ ઉપર ખૂબ ખૂબ વરસ્યા છે. આજથી અહીં મહારાજનું અખંડ સદાવ્રત ચાલુ થાય છે. આ ગોધર ગામ હતું પણ હવે ગોધર મોટું તીર્થધામ થઈ ગયું છે. હજારો ગાઉથી ફોરેનવાળાય સંકલ્પ કરીને અહીં ખૂબ ખૂબ આવશે.
માટે હે મહારાજ ! હે બાપા ! હે સદ્ગુરુ ! કોઈની પાત્રતા જોયા વગર ગમે એવો દુઃખી હોય, ગમે એવી તકલીફ હોય, ગમે એવી મુશ્કેલી હોય પણ હે મહારાજ ! આ ગોધર તીર્થધામે જે કોઈ આવે અને તમારાં દર્શન કરે, સંકલ્પ કરે, તમારી આસ્થા રાખે, બાધા રાખે, માનતા રાખે, તમારો અભિષેક કરે તો એના ઉપર ખૂબ રાજી થજો. ગમે એવી શારીરિક મુશ્કેલી હોય, આર્થિક મુશ્કેલી હોય, ડૉક્ટરો છૂટી પડ્યા હોય તો એને નવો જન્મ આપીને પણ તેનાં બધાં દુઃખ ટાળજો.
આ પંચમહાલમાં વરસાદની કે બીજી કોઈ જ મુશ્કેલી કોઈ દા’ડો ન રહે એવી દયા કરજો. પંચમહાલની આર્થિક સ્થિતિ ખૂબ નબળી છે તો બધાયને ખૂબ સધ્ધર કરજો. અને જે તમારો આશરો કરે, તમારી આ વરમાળા (કંઠી) પહેરે એને આ લોક અને પરલોકમાં ઠેઠ મૂર્તિના સુખે સુખિયો કરજો, કરજો ને કરજો.”
(ગોધર મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવ :
તા. ૨૪, ૨૫-૧૨-૨૦૦૫ - ગોધર, પંચમહાલ)
“હે મહારાજ ! આ રજત જયંતી મહોત્સવમાં જેણે તનથી, મનથી, ધનથી સેવા કરી હોય, જેણે પ્રસાદ લીધો હોય, જેણે ગુણ લીધો હોય એને આ લોકમાં ને પરલોકમાં ખૂબ ખૂબ સુખિયા કરો.”
(SMVS રજત જયંતી મહોત્સવ :
સંસ્થા દિન : તા. ૨૭-૧૨-૨૦૧૨, ગુરુવાર)
“પોતાનું સ્વરૂપ ઓળખાવવાનો અને અનાદિમુક્તની સ્થિતિ કરાવવાનો મહારાજનો વિશ્વવ્યાપી સંકલ્પ છે. તે મહારાજ જરૂર પૂરો કરશે. તો આજના પ્રસંગે મહારાજને ખૂબ પ્રાર્થના કરીએ કે,
હે મહારાજ ! આજે મહેસાણામાં તમે બિરાજ્યા છો. તો મહેસાણા જિલ્લો, મહેસાણાના તાલુકાઓ, મહેસાણાનાં ગામડાંઓ આ બધાંયને ખૂબ ખેંચો અને તમારું સ્વરૂપ ઓળખાવો. અને આ પ્રોગ્રામમાં જે તમારાં દર્શન કરે, પ્રસાદી જમે એ બધાયને છેલ્લા મૂર્તિના સુખિયા કરજો એવી ખૂબ ખૂબ મહારાજને, બાપાને પ્રાર્થના.”
(મહેસાણા મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવ :
તા. ૨૮-૪-૨૦૧૨, શનિવાર)
ગુરુવર્ય પ.પૂ. બાપજીએ આ લોકનાં દુઃખ દૂર કરવા માટે ગોધર (પંચમહાલ) ખાતે ‘અભિષેક મહારાજ’ની પ્રતિષ્ઠા કરી છે. તે મુજબ છતે દેહે દિવ્ય મૂર્તિસુખના ભોક્તા થવા માટે સ્વામિનારાયણ ધામ, ગાંધીનગર તથા મહેસાણા મંદિર ખાતે વ્હાલા હરિકૃષ્ણ મહારાજની પૂર્ણકદની મૂર્તિઓ પધરાવેલ છે.
મૂર્તિસુખનો એ હેતુ સિદ્ધ કરવા માટે કેટલીક પાયાની બાબતો જેવી કે, આંતરતંત્રની શુદ્ધિ, નિષ્કામી વર્તમાનની દૃઢતા, નિર્વાસનિકપણું વગેરે મહત્ત્વનાં છે તેમજ ફરજિયાત છે.
એ માટે આ દિવ્ય મૂર્તિઓની મહિમા ને શ્રદ્ધાએ સહિત નિષ્કામભાવે મહાપૂજા કરવાથી રાજીપો પ્રાપ્ત થાય છે અને પરિણામે મૂર્તિસુખભોક્તા થવાય છે. વળી, આ મહાપૂજાનો લાભ લેનાર સર્વ ભક્તસમાજ ઉપર વ્હાલા ગુરુવર્ય પ.પૂ. બાપજીએ કૃપા કરીને દિવ્ય આશીર્વાદ આપ્યા છે કે,
“વ્હાલા હરિકૃષ્ણ મહારાજ જ્યાં સુધી ગઢડા તથા વડતાલ ધામમાં બિરાજમાન ન થાય ત્યાં સુધી આ બે મૂર્તિઓ અનુક્રમે સ્વામિનારાયણ ધામે અને મહેસાણા મંદિરે બિરાજી મહાપૂજાનો નિત્ય લાભ આપશે.
મહાપૂજાનો નિષ્કામભાવે જે જે મુક્તો લાભ લેશે તેમના અંતરની મલિન વાસનાઓ હરિકૃષ્ણ મહારાજ દૂર કરશે તેમજ તેમને મહાપ્રભુ પોતાના વ્હાલા નિર્વાસનિક ભક્ત કરશે તથા તેમને મહાપ્રભુની મૂર્તિનું સુખ પ્રદાન કરશે.”
(હરિકૃષ્ણ મહારાજની મહાપૂજા નિમિત્તે :
SMVS રજત જયંતી મહોત્સવ અન્વયે)
“હે મહારાજ ! તમારું આવું સર્વોપરી સ્વરૂપ પણ તમે ઓળખાવ્યું છે. આ ‘હા’ પણ તમે પડાવી છે. તો હવે અમને સ્થિતિ કરાવો. અમને છતે દેહે મૂર્તિનું સુખ આવે; અમને બીજે હેત ન રહે એવી દયા કરો.
અમારા દેહભાવને બાળી નાખો, અમારી વાસનાને બાળી નાખો, દેહભાવને ટાળી નાખો અને અમે સદાય અખંડ મૂર્તિ રૂપે વર્તીએ એવા તમારા આ કારણ સત્સંગના પરિવાર ઉપર કૃપાની કેવળ સબસીડી વરસાવો એવી મહારાજ, બાપા ને સદ્ગુરુને ખૂબ ખૂબ પ્રાર્થના.”
(જ્ઞાનસત્ર-૭, વાસણા, સંધ્યા સેશન :
તા. ૭-૧૧-૨૦૧૩, ગુરુવાર)
“હે મહારાજ ! હે બાપા ! હે સદ્ગુરુ ! આ બધો તમારો પરિવાર છે. દેશ-પરદેશમાં જ્યાં જ્યાં કારણ સત્સંગના સભ્યો રહેતા હોય એ બધાયને આ આશીર્વાદમાં ભેગા લઈ ઠેઠ સુધી નિભાવજો અને આ લોક-પરલોકમાં સુખિયા થાય, બધાય હસતાં હસતાં આવે અને કોઈ આર્થિક, શારીરિક, માનસિક કે આધ્યાત્મિક કોઈ તકલીફ ન પડે અને આ લોક ને પરલોકમાં ખૂબ માલંમાલા થાય એવી આજના પ્રસંગે ખૂબ ખૂબ પ્રાર્થના.”
(નૂતન વર્ષ - વાસણા :
તા. ૨૪-૧૦-૨૦૧૪, શુક્રવાર)
“આ ગુરુકુલના મુક્તોમાંથી કેટલાયને મહારાજ સાધુ કરશે. કારણ સત્સંગ વિશ્વધર્મ થાય, વિશ્વવ્યાપી થાય.
અનંત જીવાત્માઓ છતે દેહે મહારાજને ઓળખવા આ કારણ સત્સંગમાં આવશે. ભવિષ્યમાં સ્વામિનારાયણ ભગવાન તમારા બધાયના સંકલ્પ સિદ્ધ કરશે.”
(સ્વામિનારાયણ ધામ, ગુરુકુલ :
ગુરુપૂર્ણિમા ઉત્સવ : તા. ૩૦-૭-૨૦૧૫, ગુરુવાર)
“હે મહારાજ ! આજે તમારો પ્રાગટ્ય દિવસ છે. તો આજે જેણે જેણે તમારાં દર્શન કર્યાં હોય, તમારી પ્રસાદી લીધી હોય, ભાવ ઉત્પન્ન થયો હોય, ગુણ લીધો હોય અને જે કોઈ તમારાં દર્શન કરવાં આવે એ બધાયનો છેલ્લો જન્મ કરજો.”
(પાટણ મૂર્તિપ્રતિષ્ઠા ઉત્સવ :
તા. ૨૦-૩-૨૦૧૬, રવિવાર)
ગુરુવર્ય પ.પૂ. બાપજીએ આ પ્રાગટ્યસ્થાનના અહો મહિમાની વાર્તા કરતાં અનેક મુમુક્ષુઓ માટે અદ્ભુત આશીર્વાદની હેલી વરસાવતાં કહ્યું હતું કે,
“હે મહારાજ ! હે બાપા ! આ તમારું સ્થાન છે. જેમ ગોધરમાં તમે આશીર્વાદ આપ્યા છે તેમ હે મહારાજ ! અહીં કોઈ ગમે તેવો દુખિયો આવે; ગમે તેવી વિકટ પરિસ્થિતિવાળા આવે તો હે મહારાજ... હે બાપા... તે રાજી થકો અહીંથી જાય અને તમારી કંઈક આસ્થા રાખે, શ્રદ્ધા રાખે ને મહિમા સહિત અહીં દર્શને આવે તો તેનું આ લોકમાં તથા પરલોકમાં પૂરું કરી તેનો છેલ્લો જન્મ કરજો.
આ બધુંય તમારા પ્રતાપે છે. હે મહારાજ ! હે બાપા ! તમારે તાણ નથી, તૂટો નથી અને અમારે તાણનો પાર નથી તો બધાયને ન્યાલ કરજો. સંતો ! હરિભક્તો ! જો સાચા ભાવે આસ્થા રાખશો તો જરૂર ૧૧૦% મહારાજ તમારો સંકલ્પ પૂરો કરશે.”
(બળદિયા - જીવનપ્રાણ અબજીબાપાશ્રી પ્રાગટ્યસ્થાન
ઉદ્ઘાટન પ્રસંગ : તા. ૨૬-૬-૨૦૧૬, રવિવાર)
“આપણે અમીરપેઢીના વારસદાર છીએ તો આપણા ગોપાળબાપા, નિર્ગુણબાપા, ઈશ્વરબાપા, વૃંદાવનબાપા, આપણા મુનિબાપા આ દિવ્યપુરુષોમાં જેવા કલ્યાણકારી ગુણો હતા એવા ગુણો આપણામાં મહારાજ સદાય આપે અને એમના વાયરાથી જેમ જીવોનો મોક્ષ થતો એ પેઢીના ઠેઠ સુધી આપણે વારસદાર થઈએ એવી મહારાજને પ્રાર્થના.
હે મહારાજ ! આ તમારી વાડી છે. આ બધો કારણ સત્સંગનો પરિવાર તમારો છે. તો બધાય સંતોમાં, હરિભક્તોમાં તમારા કલ્યાણકારી ગુણો આવે અને તમારા રાજીપાનાં પાત્ર બને એવી ખૂબ ખૂબ દયા કરો.”
(સંતદીક્ષા વિધિ - સ્વામિનારાયણ ધામ, ગાંધીનગર :
તા. ૧૬-૭-૨૦૧૬, શનિવાર)
“હે મહારાજ ! સર્વોપરી ઉપાસના અને અનાદિમુક્તની સ્થિતિના હેતુ માટે તમે આ બ્રહ્માંડમાં પધાર્યા. એ તમારો સંકલ્પ હતો અને એ સંકલ્પની સેવા અમને તમે આપી એના સહભાગી કર્યા છે.
તો હે મહારાજ ! દેશ-પરદેશમાં, આખા વિશ્વમાં તમારું સર્વોપરી સ્વરૂપ ખૂબ ઓળખાવે એવાં સંકલ્પ સ્વરૂપોને મોકલો અને એવા અનંત જીવોને ભગવાનની ભૂખ જગાડો.
જેમ તમે અમને તમારું સ્વરૂપ સહેજે ઓળખાવ્યું છે તેમ જે અમારા જોગમાં આવે એ બધાયને સહેજે ઓળખાય અને તમારા સ્વરૂપની બધાયને ખૂબ ખૂબ નિષ્ઠા થાય એવી આજના પ્રાગટ્ય દિવસે આ બધાય ઉપર ખૂબ ખૂબ દયા કરો, કરો ને કરો એવી મહારાજ, આપણા બાપા, આપણા સદ્ગુરુને ખૂબ પ્રાર્થના...”
(શ્રીહરિ પ્રાગટ્યોત્સવ નિમિત્તે)
“હે મહારાજ ! હે બાપા ! હે સદ્ગુરુ ! તમારો જે સંકલ્પ અને જે હેતુ હતો કે અનંતકોટિ બ્રહ્માંડમાં સર્વોપરી ઉપાસના અને અનાદિમુક્તની સ્થિતિનું પ્રવર્તન કરવું તેને બસ હવે જલદી પૂરો કરો. આ બધાયને તેમાં ખૂબ નિમિત્ત કરો.
દેશ-પરદેશમાં, આખી દુનિયાભરમાં, આખા વિશ્વમાં, તમારી સર્વોપરી ઉપાસના અને અનાદિમુક્તની સ્થિતિ ખૂબ ખૂબ પ્રવર્તે એવી પ્રાર્થના...”
(બાપાશ્રી પ્રાગટ્યોત્સવ નિમિત્તે)
આવી રીતે અલ્પ આશીર્વાદમાં આવી ગયેલા મુમુક્ષુઓ કારણ સત્સંગમાં ખેંચાઈ અનાદિની સ્થિતિના કોલ પામી રહ્યા છે.