આજ્ઞા એટલે આજ્ઞા

પુષ્પ ૧

સ્વામિનારાયણ સંપ્રદાયમાં ગુરુવર્ય પ.પૂ. બાપજી માટે મોટેરા સંતો કહેતા હોય છે, “બાપજી એટલે આજ્ઞાપાલનની સાક્ષાત્‌ મૂર્તિ. આજ્ઞાપાલનમાં અજોડ એવા ગુરુવર્ય પ.પૂ. બાપજીનો જોટો આ સંપ્રદાયમાં જોવા નહિ મળે.”

ગઢડા છેલ્લાના ૩૮મા વચનામૃતના શબ્દો ‘ભગવાનનું અલ્પ વચન હોય તેમાં પણ ફેર પડે તો તે મહત્‌ વચનમાં ફેર પડ્યો હોય તેમ માનતા હોય.’ એ વ્હાલા બાપજીના જીવનમાં તાદૃશ્ય દેખાય અને એટલે જ તો, ગુરુવર્ય પ.પૂ. બાપજી એટલે આજ્ઞાનો પર્યાય...

ગુરુવર્ય પ.પૂ. બાપજી જ્યારે મોટા મંદિરે બિરાજતા ત્યારે તેઓ સત્સંગ સેવા અર્થે વિચરણમાં પધારતા. તે સમયે ભક્તો ધર્માદો કે ધોતિયાં આપતા તો તેઓ જેવા મોટા મંદિર પરત પધારે એટલે સાથે રાખેલ હરિભક્તને મોટા મંદિરના કોઠારમાં લઈ જઈ પાસે ઊભા રહી હિસાબ અપાવતા.

તો વળી, તેઓને આસને કોઈ ભેટ કે પદાર્થો આપતા તેનો હિસાબ પણ તેઓ તરત જ કોઠારીને જઈ આપી આવતા; પણ ક્યારેય મહારાજે કરેલી આજ્ઞામાં જરાય છૂટછાટ લીધી નહોતી.

આથી તે સમયના પ્રવર્તમાન કોઠારી તથા આચાર્ય મહારાજશ્રી સંતો સમક્ષ કહેતા, “આપણે ત્યાં સાધુ તો ઘણા છે. પરંતુ એ બધામાં આ એક દેવસ્વામી એવા છે કે જે ક્યારેય કોઈ પદાર્થ, ધોતિયાં કે ભેટ કદીયે પોતાના આસને રાખતા નથી. બધું જ કોઠારમાં જમા કરાવી દે છે. તેઓ તો શ્રીજીમહારાજની આજ્ઞા મુજબ નિઃસ્નેહી વર્તમાનની આજ્ઞા ખૂબ અણીશુદ્ધ સ્વરૂપે ખબડદાર થઈને પાળે છે.”

આમ, ગુરુવર્ય પ.પૂ. બાપજીએ ‘શિક્ષાપત્રી’, ‘ધર્મામૃત’, ‘નિષ્કામશુદ્ધિ’ અને ‘વેદરસ’ આદિ ગ્રંથોમાં શ્રીજીમહારાજે વર્ણવેલ પંચવર્તમાનની આજ્ઞાઓને શિર સાટે પાળી છે.

પુષ્પ ૨

ગુરુવર્ય પ.પૂ. બાપજી મોટા મંદિરમાં બિરાજી સૌને સુખિયા કરતા હતા. તે વખતે સાથે રહેનાર સંતો-હરિભક્તો કાયમ ભવિષ્યની ચિંતા કરાવી પૈસા રાખવા આગ્રહ કરતા.

એટલું જ નહિ પરંતુ એક વખત મંદિરના મોટેરા સંતે બોલાવી ભવિષ્યની ચિંતા કરાવતાં કહ્યું હતું કે, “દેવસ્વામી, અત્યારે આ કળિયુગ છે. ભવિષ્યમાં કોઈ એવા શિષ્ય સેવા કરનાર ન હોય અને સાજા-માંદા થાવ તો તે વખતે દવા માટે પૈસાની જરૂર પડશે તે દી’ શું કરશો ? પાસે પૈસા હશે તો કો’ક સેવા કરશે; નહિ તો કોઈ સામુંય નહિ જુએ. માટે છાનામાના નિયમ નિયમ કર્યા વગર પૈસા રાખવા માંડો; અમે પણ બધા રાખીએ જ છીએ.”

ગુરુવર્ય પ.પૂ. બાપજીએ મોટેરા સંતને જવાબ આપતાં કહ્યું કે, “મેં અનંતકોટિ બ્રહ્માંડના અધિપતિ સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન માટે મૂંડાવ્યું છે અને એમની ચૂંદડી ઓઢી છે. માટે મારું શું થશે એની ચિંતા શા સારુ કરું ? પૈસાનો વિશ્વાસ અને અનંતકોટિ બ્રહ્માંડના ધણીનો વિશ્વાસ નહીં ? હું મહારાજ અને બાપાનો બચ્ચો છું. સિંહ સો લાંઘણેય ખડ ન ખાય તેમ ગમે તેવા સંજોગ આવશે તોપણ શ્રીજીમહારાજની અલ્પ આજ્ઞામાં ફેર નહિ પડે. મારા માટે આજ્ઞા એટલે આજ્ઞા. માટે એ તો નહિ જ બને. મેં જેની ચૂંદડી ઓઢી છે એ જ મારા રક્ષણહાર છે માટે મને શ્રીજીમહારાજ પર સંપૂર્ણ ભરોસો છે કે એ સમયે સાચવી જ લેશે. ચિંતા બધી એ જ રાખશે. પૈસાનો આશરો લેવો આ તો વળી કેવી સમજણ ? આ તો કેવી તમારી સલાહ !”

ખીચડીમાં નાખવા હળદર નહિ, જોડ્યમાં કોઈ સાધુ નહિ અને એ સમયે નર્યો આપત્કાળ તોય એ દિવ્યપુરુષે અલ્પ આજ્ઞાને મહત્‌ આજ્ઞા સમજી ટકોરાબંધ પાળી છે.

પુષ્પ ૩

મોટા મંદિરે બિરાજતા એ દિવસોમાં એ દિવ્યપુરુષે અવરભાવમાં ટાઇફૉઇડના મંદવાડની લીલા ગ્રહણ કરી હતી. ત્યારે તેઓના આસને આવનાર ગણ્યાગાંઠ્યા બે-ચાર હરિભક્તો હતા. આવા અસહ્ય મંદવાડમાં તેઓને એકલપંડે ચોકડીએ સ્નાન કરવા જવાનું થાય ત્યારે કોઈ સંત સાથે નહીં.

એક બાજુ ચક્કર આવતાં તો બીજી બાજુ અસહ્ય ધખધખતો તાવ. કોઈ રસોઈ બનાવી આપનાર નહિ, તેથી ત્રણ ત્રણ દિનના સળંગ ઉપવાસ થયેલા. છતાં કોઈ હરિભક્તને જાણ પણ ન થવા દીધી. પણ એવામાં એક હરિભક્તને ખબર પડવાથી તેઓ વૈદને બોલાવી લાવ્યા.

વૈદ ગુરુવર્ય પ.પૂ. બાપજીની નાડી તપાસી બોલ્યા કે, “સ્વામી, ટાઇફૉઇડ થઈ ગયો છે માટે તમારે અનાજ તો નહિ જ જમાય. તમારે ફક્ત પ્રવાહી અથવા દૂધ-ફ્રૂટ લેવાશે.”

આસનની સ્થિતિ જોઈ થોડી વાર પછી તેઓ બોલ્યા કે, “પણ સ્વામી, આપને અહીં દૂધ-ફ્રૂટ કોણ લાવી આપશે ?”

ગુરુવર્ય પ.પૂ. બાપજી કશું જ બોલ્યા નહીં. કેવળ મૌન ધારણ કરી રાખ્યું. ત્યારે વૈદરાજ આખી પરિસ્થિતિને સમજી ગયા ને બોલ્યા, “લો સ્વામી, આ દસ રૂપિયા રાખો. આપને જ્યારે દૂધ-ફ્રૂટની જરૂર જણાય ત્યારે મગાવી લેજો.”

આમ કહી તેઓ દસ રૂપિયા આપવા જાય છે ત્યાં તેમને અટકાવતાં ગુરુવર્ય પ.પૂ. બાપજીએ કહ્યું, “વૈદજી, અમારે સંતોને પૈસા કે રૂપિયાને અડાય પણ નહિ તો રખાય તો કેમ ? એમાં મહારાજે આપેલ અમારું નિર્લોભી વર્તમાન લોપાય.”

વૈદરાજે કહ્યું, “સ્વામી, આપના માટે અત્યારે આ આપત્કાળ કહેવાય ને ! એમાં તો છૂટછાટ લેવાય.”

ત્યાં તો ગુરુવર્ય પ.પૂ. બાપજી બોલ્યા, “ભાઈ, શાનો આપત્કાળ ? અમને તો શ્રીજીમહારાજ રાખે તેમ રહેવાનું ને દેખાડે તે જોવાનું. બધું અમારા શ્રીજીમહારાજની મરજીથી થાય છે. પણ અમે અમારા નિયમ-ધર્મમાં જરાય છૂટછાટ નહિ લઈએ. આપ રાજી રહેજો ને જો આપે અમારી સેવા કરવી હોય તો આ રીતે ન કરશો. આપ અમને દૂધ-ફ્રૂટ આપી જજો ને દર્શનનો અને સમાગમનો લાભ લઈને જજો.”

આવા અતિ ગંભીર મંદવાડ ને અતિ દુષ્કર પરિસ્થિતિમાં પણ એ દિવ્યપુરુષની નિયમ-ધર્મની દૃઢતા જોઈ વૈદરાજ તો આભા જ બની રહ્યા. ત્યારબાદ તેઓ દરરોજ ગુરુવર્ય પ.પૂ. બાપજીનાં દર્શને આવતા ને દૂધ-ફ્રૂટ લાવતા તથા સમાગમનો લાભ લઈને જતા.