અસાધારણ પ્રતિભા

પુષ્પ ૧

દેવુભાઈ બાળપણથી જ પોતાની અસાધારણ પ્રતિભાનાં દર્શન કરાવતા.

બાળપણમાં તોફાન અને ચંચળતા બાળકોમાં સહજ હોય છે. પરંતુ દેવુભાઈ તેનાથી તદ્દન પર હતા. તેઓ ખૂબ જ શાંત ને સૌમ્ય હતા. તેઓ સદા મૌન જ સેવતા. જેમ જળથી ભરેલો કુંભ ધીર-ગંભીર ને શાંત હોય તેમ આ બાળમુક્ત ભગવાનથી ભરેલા મુક્ત સમાન સૌને જણાતા, અનુભવાતા.

એમની બાલ્યાવસ્થાથી દીસતી અદ્વિતીય અસાધારણતા તેમની ભાવિ ભવ્યતા - દિવ્યતાનાં એંધાણ આપતી હતી.

સંવત ૧૯૯૪ (ઈ.સ. ૧૯૩૮)માં દેવુભાઈએ વાસણ ગામની ધૂળીશાળામાં પ્રવેશ લીધો. ગામની ભાગોળે ને વૃક્ષ તળે બ્રાહ્મણ માસ્તર દેવુભાઈ અને અન્ય વિદ્યાર્થીઓને શિક્ષણ આપતા.

દેવુભાઈએ વિદ્યાભ્યાસનો પ્રારંભ બાળપોથીથી કર્યો. બાળપોથીના શિક્ષણમાં માસ્તરે દેવુભાઈને પ્રથમ દિને આંક શિખવાડ્યા; બીજા દિને કક્કો શિખવાડ્યો; ત્રીજા દિને ઘડિયા ને ચોથા દિને બારાક્ષરી શિખવાડી. માસ્તરની શીખવવાની ગતિ સાથે દેવુભાઈ પણ પૂરા ઉત્સાહ ને ખંતથી એક જ વખતમાં શીખી જતા. આથી માસ્તર પણ દેવુભાઈની પ્રતિભાથી અંજાયા હતા.

દેવુભાઈ નિશાળેથી ઘરે આવતાં આવતાં માસ્તરે શિખવાડેલ પાઠ એક વાર યાદ કરી લેતા. પછી તેઓ જ્યારે મિત્રો સાથે રમવા જાય ત્યારે પણ એમની શીખવાની તાલાવેલી સહેજે સહેજે જણાઈ આવતી.

“મને ઘડિયા આવડી ગયા છે... તું બારાક્ષરીની એક લીટી શીખ્યો છે તે મને શિખવાડ ને ! હું તને ઘડિયા શિખવાડું.” આમ કહી દેવુભાઈએ મિત્રને એકસાથે એકા અને અગિયારાના બધા ઘડિયા શિખવાડી દીધા. પછી તરત જ બોલ્યા : “હવે ભાઈ, તું મને બારાક્ષરી શિખવાડ ને !”

મિત્ર બારાક્ષરીની પ્રથમ લાઇન શિખવાડતાં બોલ્યો, “ક... કા... કિ... કી... કુ... કૂ... કે... કૈ... કો... કૌ... કં... કઃ...”

ત્યાં તો તેઓ બીજી લાઇન જાતે જ શીખી ગયા અને મિત્રને કહ્યું, “અરે, બારાક્ષરીમાં નવું શું છે ? બધી લાઇનમાં એકસરખું જ આવે છે... ઓહોહો, આમાં વળી શું શીખવાનું !”

આમ, એક જ વારમાં તેઓ આખી બારાક્ષરી શીખી ગયા.

પાંચમા દિવસે તેઓ નિશાળે ગયા. માસ્તરે કહ્યું, “ચલો, આજે આપણે બારાક્ષરી શીખીશું.” ત્યાં તો દેવુભાઈએ ‘ક’ થી ‘જ્ઞ’ સુધી આખી બારાક્ષરી લખીને માસ્તરને બતાવી ને માસ્તરની અનુમતિ લઈ, એકસાથે કડકડાટ બારાક્ષરી બોલવા લાગ્યા.

દેવુભાઈના સહપાઠી બાળમિત્રોને હજુ કક્કો બોલવામાં પણ મૂંઝવણ થતી તો બારાક્ષરી ક્યાંથી આવડે ? દેવુભાઈની સહપાઠી બાળમિત્રોથી કંઈક અસાધારણ તેજસ્વિતા ને મેધા જોઈ માસ્તર દિગ્મૂઢ બની રહ્યા. અને તેમના મુખમાંથી શબ્દો સરી પડ્યા : “નક્કી આ દેવજી (દેવુભાઈ) મોટો થઈ મહાન બનશે. આ કોઈ સામાન્ય બાળક જેવો તો નથી જ... આ તો અસાધારણ બાળક છે...”

બે ચોપડી સુધી દેવુભાઈએ બાળપોથીનું જ્ઞાન લીધું. પછી તેમણે ભણવાનું છોડી દીધું. કોઈકે પૂછ્યું, “ભાઈ, ભણવાનું કેમ છોડ્યું ?” તો તેમણે કહ્યું, “વાંચતાં અને લખતાં મને કડકડાટ આવડી ગયું એટલે ભણતર પૂરું થયું કહેવાય, માટે છોડી દીધું.”

એ પછી તો દેવુભાઈ પોતાની મેળે મોટા મોટા ધર્મગ્રંથોનું વાંચન કરવા લાગ્યા. તેમને ધર્મગ્રંથો વાંચતા જુએ એટલે વડવાઓ એમને પૂછે,

“દેવુભાઈ, વાંચતાં આવડી ગયું ?”

“આમાં બધા કક્કા-બારાક્ષરીના જ શબ્દો છે. એમાં શું ન આવડે ?”

તેઓને વિદ્યાનું મૂળ જે બ્રહ્મવિદ્યા તે તો પૂર્વેથી જ સિદ્ધ હતી. તેથી આ જ અવસ્થાથી એ ધર્મગ્રંથોનાં ગૂઢાર્થભર્યાં રહસ્યો પણ તેઓને હસ્તગત હતાં. વળી તેને સરળતાથી અને સમજી શકાય એવી પોતાની ભાષાથી અન્યને રસપાન કરાવતા હતા. ‘વચનામૃત’ તથા મોટા સંતોના હસ્તે લખાયેલ ખરડાઓની લિપિ પણ જાતે ઉકેલતા થયા હતા. એમની આ અસાધારણ પ્રતિભા ગામ આખાને અચરજ પમાડતી હતી. તેથી સૌને તેમના પ્રતિ વિશેષ આકર્ષણ રહેતું.

દેવુભાઈના અસાધારણ વ્યક્તિત્વથી સુજ્ઞજનોને એમની પરભાવની સ્થિતિની અનુભૂતિ સહેજે સહેજે થતી.

“દેવુભાઈ, આ ગ્રંથોમાં તમે શું સમજો છો ?”

“મને બધું જ સમજાય છે.”

“અમે ગ્રંથો ખૂબ વાંચ્યા પણ અમને જાતે કંઈ જ સમજાતું નથી.”

“અરે, એમાં શું અઘરું છે ? લાવો તમને શું સમજાતું નથી ?”

પછી દેવુભાઈ એ ગ્રંથોનું વાંચન કરી એનાં રહસ્યો ગ્રામજનોને સમજાવતા.

રહસ્યો પામી ગ્રામજનો ગદ્‌ગદ થઈ જતા :

“દેવુભાઈ, હારું અમારાં આટલાં વર્ષ પાણીમાં ગ્યાં હોં ! તમે નાના છો તોય મારું હારું ઘણું સમજો છો ને અમને તો એની છાંટેય નથી... ગંધેય નથી...”

“તમે બે ચોપડી ભણ્યા છો એવું કોણ કહે છે ? તમે તો પૂર્વેથી જ ભણીને આવ્યા છો ! તમે ભારે અર્થ સાવ ચપટી વગાડતામાં સમજાવી દો છો...!!”

આમ, ગ્રામજનો દેવુભાઈની અસાધારણ પ્રતિભા વિષે વારી જતા.

પુષ્પ ૨

દેવુભાઈ સ્વભાવે નિર્મળ અને આનંદી. પણ જગ-વ્યવહારસંબંધી રજોગુણી પ્રવૃત્તિ એમને જરાય ન રુચતી. તેઓને એક વાર નાના બહેનને લગ્ન બાદ પ્રથમ વખત તેડવા માટે ડરણ ગામે નછૂટકે જવાનું થયું. વળી, આ પ્રસંગ સાથે ત્યાં વેવાઈ પક્ષે કોઈના લગ્નનો પ્રસંગ પણ હતો. દેવુભાઈ આ બે પ્રસંગોનો સમન્વય થતાં મૂંઝાયા. એમને આ બિલકુલ ન ગમ્યું. તેથી તેઓ ત્યાં ગયા ખરા પણ અન્ય કોઈ સંબંધીના ઘરે એકાંત ઓરડામાં ઉતારો કરી લીધો.

અહીં તેઓ સ્વામિનારાયણ ભગવાનનું ભજન અને ધ્યાન કરવા લાગ્યા. એમને તો ભગવાન ભજવામાં અખંડ સુખ જણાતું હતું. આ લોકના રંગરાગથી અનાસક્ત એવા દેવુભાઈ પ્રભુભજનમાં એટલા બધા રત થઈ ગયા કે બહાર ચાલી રહેલ લગ્નપ્રસંગ પણ વીસરી ગયા.

આ તે કેવી વિભૂતિ ! બાળહૃદયની ઊર્મિઓને તેઓએ જગ પરત્વે ન રાખતાં કેવળ પ્રભુ પરત્વે જ ઉન્મત્ત રાખી.

લગ્નપ્રસંગ હજુ ચાલી રહ્યો હતો. એમાં અઘટિત બિના બની. જેનાં લગ્ન હતાં તેમના પરિવારના જ એક ૧૦ વર્ષના દીકરા રસિકને થોડા દિવસથી તાવ આવતો હતો. તેને અચાનક આંચકી ચડી અને ધબકારા બંધ થતાં નાડી બંધ થઈ ગઈ. દેહને ત્યાગી ધામમાં જતો રહ્યો. વિવાહનું બારમું થઈ ગયું. લગનિયાઓના જીવ તાળવે ચોંટી ગયા. રડારોળ ચાલુ થઈ ગઈ. લગ્નગીતની જગ્યાએ મરસિયા ગવાવા માંડ્યા. સૌના મનમાં એક જ પ્રશ્ન હતો : “હવે શું કરવું ?”

દેવુભાઈ તો ઓરડામાં પ્રભુભજનમાં તન્મય હતા. એવામાં કોઈક બોલ્યું, “અરે સાંભળો, દેવુભાઈ અહીં આવ્યા છે. એમને બોલાવો. એ બહુ મોટા મુક્ત છે.”

લગનિયાઓ એમને શોધવા લાગ્યા. દેવુભાઈ મળ્યા. કોઈકે એમને આખી વાત કહી સંભળાવી.

લગ્નના યજમાનશ્રીએ દેવુભાઈને પ્રાર્થના કરી : “આપ સ્વામિનારાયણ ભગવાનના મુક્ત છો. ગમે તેમ કરી મારા દીકરાને જીવંત કરો.”

ત્યાં દેવુભાઈ બોલ્યા, “કોઈ ચિંતા ન કરશો... મહારાજના પ્રૌઢપ્રતાપી ‘સ્વામિનારાયણ મહામંત્ર’ની ધૂન કરો... મહારાજ તથા બાપાશ્રી જરૂર ભેળા ભળશે...” અને તેઓ બાળક પાસે ગયા.

ત્યાં તો કેટલાક ઊંટવૈદું જાણનારા કહેવા લાગ્યા, “નેતરની સોટી રસિકને પાવ તો સારું થઈ જશે.” તો વળી કેટલાક કહેતા, “શું ગયેલા હોય તે પાછા આવે ?” આવી ચર્ચા ચાલતી હતી. તેમાં દેવુભાઈ બોલ્યા : “નેતરની સોટી શું કરે ? મહારાજ જ સર્વે કર્તા છે.”

દેવુભાઈની ભગવાન સ્વામિનારાયણ પરત્વેની નિષ્ઠાને લીધે સૌને વિશ્વાસ આવ્યો. તેથી સૌ સ્વામિનારાયણ મહામંત્રની ધૂન્ય કરવા લાગ્યા.

ઘનશ્યામ મહારાજની મૂર્તિને જળ ધરાવી જળ પ્રસાદીનું કર્યું ને તેમાં બાપાશ્રીની ચરણરજ (દેવુભાઈને બાપાશ્રી વિષે અપાર મહિમા હતો તેથી તેઓ બાપાશ્રીની પ્રસાદીની ચરણરજની ગોટી કાયમ સાથે રાખતા.) ઉમેરી મૃત્યુ પામેલા દીકરાના મુખમાં ચમચી વડે પ્રસાદીનું જળ મૂક્યું.

દેવુભાઈએ પણ મહારાજ અને બાપાશ્રીને ખૂબ પ્રાર્થના કરી, “મહારાજ ! આપના ભક્તો આવા પ્રસંગે દુઃખી થાય એ ઠીક નહિ, ભેળા ભળો ને સૌને આનંદ વર્તે એવું કરો... હે બાપા, મંગળ કરો...”

ધૂન થોડી વાર ચાલી હશે ત્યાં મૃત થયેલ બાળક સળવળ્યો. એ મહારાજની દયાથી બેઠો થયો અને બે-ત્રણ ઘર દૂર રહેતાં પ્રજાપતિ ડોશીમાને મહારાજ ધામમાં લઈ ગયા.

આવો ચૈતન્યનો અદલોબદલો તો સ્વયં મહારાજના ધામમાંથી પધારેલ દિવ્ય મુક્તરાજ કરી શકે ને !

આ વાતની કોઈને ખબર ન હતી. પણ દેવુભાઈએ સૌને જણાવી, “આ ભાઈનું આયુષ્ય નહોતું છતાં મહારાજે તેને રાખ્યો અને અહીંથી બે-ત્રણ ઘર દૂર રહેતાં ડોશીમાનું આયુષ્ય હતું તોપણ મહારાજ એમને તેડી ગયા. આમ મહારાજે અને બાપાશ્રીએ આ ભાઈ પર દયા કરી.”

મુક્તરાજ દેવુભાઈની વાત સાંભળી સૌ આશ્ચર્ય પામ્યા. સૌ કોઈ વિચારી રહ્યા : “દેવુભાઈ ખરા મુક્ત છે. સ્વામિનારાયણ ભગવાન એમના દ્વારા વિશેષ પ્રતાપ જણાવે છે.”

આ સામર્થ્ય-દર્શનથી સૌ દેવુભાઈ તરફ ભક્તિભર્યા આદરભાવથી નીરખી રહ્યા.

પુષ્પ ૩

દેવુભાઈ કિશોરાવસ્થાએ પહોંચ્યા. તેમનું જીવન ધીર-ગંભીર અને ખૂબ મર્યાદી હતું. સદાય પ્રભુ ભજનભક્તિમાં મસ્ત રહેતા. એક ઘડી પણ વ્યર્થ ન બગાડતા.

ગામના ચોરે બેસી ટોળટપ્પા કરવા કે ગામગપાટા મારવા તે તેમની જીવન રોજનીશી બહારનું હતું. આ અવસ્થાએ એક પગે ઊભા રહીને તપ કરતા અને એકટાણાં-ઉપવાસ કરતા એવો એમનો વૈરાગ. બધેથી ઉદાસ રહેતા. ગામમાં આવેલ ભજનમંડળી-પારાયણમાં પ્રથમ રહીને ભક્તિ સમાધિમાં તલ્લીન થઈ જતા ને સૌને તલ્લીન કરતા. એમના મધુર સ્વરે ગવાતા ભજનોનું સૌને ભિન્ન જ આકર્ષણ થતું. સૌ કોઈ પોતાનું અસ્તિત્વ ભૂલી જતા. પરમાત્માના સુખનો અનુભવ કરતા.

એમાં પણ સદ્‌. મુનિસ્વામીના યોગે સોનામાં સુગંધ ભળે તેમ તેમનું જીવન વધુ ને વધુ ધર્મપરાયણ બન્યું હતું.

“જેનો બાળકપણાથી જ એવો સ્વભાવ હોય જે કોઈની છાયામાં તો દબાય જ નહિ, અને એ જ્યાં બેઠો હોય ત્યાં કોણેય હાંસી-મશ્કરી થાય નહિ, અને તેને કોણેય હળવું વેણ પણ કહેવાય નહીં.” - ગઢડા મધ્ય પ્રકરણના ૧૫મા વચનામૃત મુજબ દેવુભાઈનો બાળપણાથી મુક્ત તરીકે પ્રભાવ આબાલવૃદ્ધ પર સવિશેષ જણાતો.

તેઓ ગામમાં જે માર્ગ પરથી કે શેરીમાંથી પસાર થાય એટલે ત્યાંના સ્થાનિક ગ્રામજનોનું વર્તન ને વ્યવહાર બદલાઈ જાય. મશ્કરી બંધ થઈ જાય. અને એટલો સમય જાણે આખો પરિવેશ દેવુભાઈના ભારથી મર્યાદી બની જતો. એમની મુક્ત તરીકેની ગરિમાને છતી કરતો.

આજે પણ એમના બાળપણના સખા આ ક્ષણને યાદ કરતાં કહેતા હોય છે : “દેવુભાઈનો પ્રભાવ બીકનો માર્યો નહોતો પણ એમના શ્રેષ્ઠતમ ભક્તજીવનનો જ હતો. જે પ્રભાવે અમને એમની દિવ્યતાનો જ અનુભવ કરાવ્યો છે.”

એક દિવસ દેવુભાઈ ગામના ચોરા પાસેથી નીચી દૃષ્ટિએ માળા કરતા પસાર થયા. ચોરે ચાલતી અલક-મલકની પંચાત અચાનક એકદમ બંધ થઈ ગઈ.

ક્ષણ-બે ક્ષણમાં ચારે તરફ નીરવ શાંતિ છવાઈ ગઈ.

પંચાતમાં એક કોઈ સદ્‌ગૃહસ્થ બાપા દેવુભાઈને આદર આપતા બે હાથ જોડી વિનય વચને બોલ્યા : “દેવુભાઈ, અહીં બેસો અને અમને ભગવાનની વાતું કરો.” વડીલના આગ્રહથી દેવુભાઈ બધાની વચ્ચે જઈ બેઠા.

ગ્રામપંચાત કરતા ભાભાઓને પ્રથમ મનુષ્યજન્મને સાર્થક કરવાની વાત સમજાવતાં દેવુભાઈએ કહ્યું, “આ જીવ ચોરાશી લાખ યોનિમાં ભટકે છે ત્યારે એક વાર મનુષ્યનો દેહ મળે છે. તે શા માટે ? તો ગામગપાટા, ટોળટપ્પા કે વિષય ભોગવવા માટે નથી. ભગવાનની ભજનભક્તિ કરી આત્માનું કલ્યાણ કરવા માટે છે. માણસનો અવતાર મળ્યો છે. માટે ભગવાન ભજી લો; નહિ તો જમડા મારી મારીને તોડી નાખશે. ક્યાંય લખચોરાશીમાં ભટકવું પડશે.”

દેવુભાઈનાં મર્મ વચન ભાભાઓના હૃદયમાં સોંસરાં ઊતરતાં હતાં. એટલે દેવુભાઈ ભગવદ્‌વાત કરવામાં વધુ ખીલ્યા.

તેઓ આટલી વાત કરી આગળ સાંખ્યની વાત કરવા માંડ્યા, “સંસાર આખો સ્વાર્થથી ભરેલો છે. દેહનાં સગાંસંબંધી, પૈસા-સંપત્તિ બધું નાશવંત છે. એક દિવસ બધું ધૂળ ભેગું ધૂળ થઈ જવાનું છે. આપણા દેહની પણ રાખ થઈ જવાની છે. તો જેની રાખ થવાની છે તેમાં વળી રાગ શું કરવો ? કંઈ જોડે આવશે નહીં. એકમાત્ર જેટલી ભગવાનની ભજનભક્તિ કરી હશે તેટલી જ સાથે આવશે. માટે હવે આ ઉંમરે ભગવાન ભજી લો અને જીવનું કલ્યાણ કરી લો.”

ચોરામાં ગામના કેટલાક મોટા વડીલો પણ બેઠા હતા. તેમની શેહ-શરમ રાખ્યા વિના દેવુભાઈએ નીડરતાથી ઉપદેશાત્મક વાતો કરી જે સૌ વડીલના હૃદયને સ્પર્શી ગઈ. સૌના અંતરમાં શાંતિ થઈ ગઈ.

જ્યારે દેવુભાઈની વર્તનશીલ હૃદયસ્પર્શી વાણીથી કેટલાય વડીલો બાકીનું જીવિતવ્ય ભગવાન ભજવામાં વિતાવવાનું નક્કી કરતા બોલ્યા : “દેવુભાઈ, તમે અમને અમારી છેલ્લી અવસ્થાએ સાચો માર્ગ બતાવ્યો. આ ચોરે આવી અમે નરી ચોવટ જ કરી છે. આખું જીવન અહીં પૂરું કર્યું છે. પણ આજથી આ ચોવટું બંધ. બસ, ભગવાન ભજી લેવા છે... છેલ્લી વેળાનું ભાથું બાંધી લેવું જ છે...”

દેવુભાઈની આવી અસાધારણ પ્રતિભાથી કેટલાયના જીવનપરિવર્તન થતા.

તેઓ આજુબાજુના ગામમાં ગયા હોય તો ત્યાં પણ રજપૂત ગરાસિયાઓ તેમની અસાધારણ પ્રતિભાથી ખેંચાઈ દેવુભાઈને વાતો કરવાનો આગ્રહ કરતા. અને દેવુભાઈ પણ વ્યાવહારિક કોઈ કામ હોય તો તેને ભગવદ્‌વાતું માટે ગૌણ કરી દેતા. પછી તો દેવુભાઈની વાતુંનો ખજાનો ખૂલતો.

સૌ કોઈ એમની ઉપદેશાત્મક વાતોમાં ડૂબી જતા ને સહર્ષ બોલી ઊઠતા : “દેવુભાઈ, કલ્યાણ કરી જ લેવું છે...”