અષ્ટ પ્રકારે અબળા કેરો ત્યાગ કરે તે ત્યાગી

પુષ્પ ૧

“અમે સાધુ થયા ત્યારથી આજ સુધી ઘણીબધી તકલીફો આવી છે અને ઘણુંબધું સહન કરવું પડ્યું છે. તેમજ ઉપર આભ અને નીચે ધરતી હોય કહેતાં કોઈ જ આધાર ન હોય તેવા સંજોગોમાં પણ શ્રીજીમહારાજની અલ્પ આજ્ઞાનો લોપ થવા દીધો નથી.”

ગુરુવર્ય પ.પૂ. બાપજીને ઇષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞાથી અધિક આ દુનિયામાં કશું જ નથી.

નિષ્કામ ધર્મ એ સાધુનું મુખ્ય આભૂષણ છે. પરંતુ ગુરુવર્ય પ.પૂ. બાપજી માટે તો એવું કહેવાય કે તેઓના અષ્ટ પ્રકારે સ્ત્રીના ત્યાગસભર જીવનને લઈને નિષ્કામ ધર્મ દેદીપ્યમાન થાય છે.

સંતજીવનના પ્રારંભથી આજ દિવસ સુધી ગમે તેવા વિપરીત દેશકાળમાં કે સત્સંગની વૃદ્ધિ માટે થઈને પણ નિષ્કામ ધર્મમાં તેમણે કદી અલ્પ પણ ફેર પડવા દીધો નથી.

ગુરુવર્ય પ.પૂ. બાપજી ઈ.સ. ૧૯૭૧ની સાલમાં હાલાર પ્રાંતમાં વિચરણ માટે પધાર્યા હતા. જામનગર જિલ્લાના કાલાવાડના હરિભક્તોના અતિશે આગ્રહથી ગામમાં પધરામણી તથા સભાના કાર્યક્રમનું આયોજન થયું હતું.

સભામાં ગામના મુમુક્ષુ હરિભક્તો તથા બાપાશ્રીના પરમ કૃપાપાત્ર, રાજીપો મેળવનાર રાજકવિ માવદાનજી રત્નુ આદિક બેઠા હતા.

ગુરુવર્ય પ.પૂ. બાપજી શ્રીજીમહારાજના મહિમાની વાત કરી રહ્યા હતા. ત્રીસેક હરિભક્તો સભામાં હતા.

વળી તે વખતે માઇકની કોઈ વ્યવસ્થા ન હોવાથી સભામાં બેઠેલા હરિભક્તોને સંભળાય તેટલા સાદે ગુરુવર્ય પ.પૂ. બાપજી કથા કરતા હતા.

ચાલુ સભાએ સભામાં જ બેઠેલા નરેન્દ્રભાઈ સહજાનંદીએ ઊભા થઈ ગુરુવર્ય પ.પૂ. બાપજીને પ્રાર્થના કરી કે, “દયાળુ, સહેજ ઊંચા અવાજે કથા કરો તો બહાર ઓસરીમાં મહિલા હરિભક્તો બેઠા છે તેમને પણ સંભળાય અને કથાનો લાભ મળે.”

ગુરુવર્ય પ.પૂ. બાપજીએ મોટેથી કથા કરવાને બદલે કથા જ બંધ કરી દીધી અને કથાની જય બોલાવી ઊભા થઈ ગયા.

હરિભક્તો બધા આશ્ચર્યમાં પડી ગયા : સ્વામીએ આ શું કર્યું ? કથાની જય કેમ બોલાવી દીધી ?

ગુરુવર્ય પ.પૂ. બાપજીએ રહસ્યસ્ફોટ કરતાં કહ્યું કે, “ત્યાગી સંતોએ અષ્ટ પ્રકારે બ્રહ્મચર્ય પાળવું એવી શ્રીજીમહારાજની આજ્ઞા છે. એ મુજબ સ્ત્રીઓને ઉદ્દેશીને અમારાથી કથા ન કરાય. શ્રીજીમહારાજે શિક્ષાપત્રીના ૧૭૯મા શ્લોકમાં અમને આજ્ઞા કરી છે કે, “ न कार्य स्त्रीः समुद्दिश्य भगवद्गुणकीर्तनम् ।” અર્થાત્‌ “સ્ત્રીઓને ઉદ્દેશીને કથાવાર્તા-કીર્તન પણ ન કરવાં.”

ત્યારબાદ હરિભક્તોએ કહ્યું, “કાંઈ નહિ સ્વામી, અમને તો કથાનો લાભ આપો.” ત્યારે ગુરુવર્ય પ.પૂ. બાપજીએ કહ્યું, “જો હવે અમે કથા કરીએ ને મહિલાઓ બહાર બેઠાં છે તો તેમને ઉદ્દેશીને જ કથા કરી કહેવાય. કારણ, થોડુંઘણું તો તેમને સંભળાય જ. માટે અમારાથી કથા નહિ થાય. જો તમે અમને મહિલાઓ બહાર બેઠા છે અને સાંભળે છે એવું ન જણાવ્યું હોત અને લાભ લેતા હોત તો વાંધો ન આવત... પણ હવે તો આજ્ઞા લોપાય.”

હરિભક્તોનો અતિશે આગ્રહ હોવા છતાં ગુરુવર્ય પ.પૂ. બાપજીએ તેમાં સમાધાન કર્યું નહીં.

સભામાં બેઠેલા હરિભક્તો ગુરુવર્ય પ.પૂ. બાપજીના અષ્ટાંગ બ્રહ્મચર્ય પાળવાના આગ્રહને વંદી રહ્યા : “ધન્ય છે આ સંતને ! જે શ્રીજીમહારાજની નિષ્કામી વર્તમાનની આજ્ઞાને લેશમાત્ર લોપવા તૈયાર નથી...”

પુષ્પ ૨

ઈ.સ. ૧૯૮૪માં ઘનશ્યામનગર મંદિરનો દશાબ્દી મહોત્સવ હતો. તે માટે પત્રિકાઓ છપાવી હતી. સમગ્ર જનતાને જાહેર આમંત્રણ હતું. ગુરુવર્ય પ.પૂ. બાપજી સાથે વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી અને કેટલાક પૂ. સંતો સચિવાલયમાં ત્યાંના મંત્રીશ્રી ખોડીદાન ઝુલા સાહેબને આમંત્રણ આપવા ગયેલા.

ગુરુવર્ય પ.પૂ. બાપજી તેમની ઑફિસ પાસે પહોંચ્યા ત્યારે ખ્યાલ આવ્યો કે તેમની ઑફિસમાં બીજા એક મહિલા અધિકારી પણ બેઠાં છે.

તેથી ગુરુવર્ય પ.પૂ. બાપજીએ ઝુલા સાહેબને કહેવડાવ્યું કે, “અમે આપને મહોત્સવમાં પધારવા આમંત્રણ આપવા માટે આવ્યા છીએ પણ અંદર મહિલા અધિકારી બેઠાં છે. તેથી અમારે અંદર ન અવાય. જો તેઓ થોડી વાર માટે બહાર આવી શકતાં હોય તો અમે અંદર આવી શકીશું.”

ઝુલા સાહેબે આ વાત જાણી. તેઓ આવી સંતતાનાં દર્શન કરી અતિ પ્રભાવિત થયા ને તુરત પેલાં મહિલા અધિકારીને વિનંતી કરી થોડી વાર માટે બહાર જવા કહ્યું.

તે મહિલા અધિકારી બીજા દ્વારે બહાર ગયાં પછી જ ગુરુવર્ય પ.પૂ. બાપજી અન્ય સંતોને લઈ અંદર ગયા. આ છે એમની નિષ્કામી વર્તમાનની દૃઢતા !!!