આવા સ્વામિનારાયણ મળ્યા પછી મોબત કોની ?

પુષ્પ ૧

એક હરિભક્તને પોતાના વિસ્તારમાં મંદિર કરાવવાનો સંકલ્પ હોવાથી તેમણે ગુરુવર્ય પ.પૂ. બાપજીને મંદિર માટે જમીન અર્પણ કરી.

અને ભવિષ્યમાં આખું મંદિર બંધાવવાની સેવા કરવાનું પણ વચન આપ્યું.

પરંતુ, થોડા સમય બાદ તેઓ વિદેશ જઈ ત્યાં સ્થાયી થયા. મંદિરનિર્માણની સેવા તેમણે પોતાના નજીકના સગાને સોંપી.

તેમને શ્રીજીમહારાજની સર્વોપરી નિષ્ઠાની પરિપક્વ દૃઢતા ન હોવાથી મંદિરમાં પરોક્ષના અવતારોની મૂર્તિ પધરાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો.

પરંતુ ગુરુવર્ય પ.પૂ. બાપજીએ તેમની લગીરે મોબત રાખ્યા વિના સ્પષ્ટપણે ઉત્તર આપી દીધો કે,

“અમે શુદ્ધ સર્વોપરી ઉપાસનાયુક્ત મંદિરની રચના કરીએ છીએ જેમાં એકમાત્ર સ્વામિનારાયણ ભગવાન અને તેમના મુક્તો જ બિરાજમાન કરીએ છીએ; માટે એમાં ફેર નહિ પડે.”

એમ કહી મંદિર તથા જમીનની સેવા મળતી હોવા છતાં તેમણે સિદ્ધાંતમાં સમાધાન ન જ કર્યું. તેમાં તેઓ કદીયે લેવાયા કે લલચાયા નહીં. તેમણે નમ્રપણે તેનો અસ્વીકાર કર્યો અને સર્વોપરી સિદ્ધાંતોની બાબતે અડગ રહ્યા.

‘મોબત એક મારા મહારાજની’ આ સિદ્ધાંતને મુખ્ય કરીને જ તેઓ સિદ્ધાંતવાદી જીવન જીવી રહ્યા છે.

પુષ્પ ૨

ગુરુવર્ય પ.પૂ. બાપજીએ શુદ્ધ સર્વોપરી ઉપાસનાયુક્ત મંદિરો રચી મૂર્તિ તો એકમાત્ર સ્વામિનારાયણ ભગવાન અને તેમના મુક્તોની જ પધરાવી.

એટલું જ નહિ, મંદિરના શિલાન્યાસ વિધિથી માંડી તમામ વિધિમાં શુદ્ધ ઉપાસનાનું સહેજે ખંડન ન થાય તેવા ક્રાંતિકારી ફેરફાર કર્યા છે.

મંદિરનો શિલાન્યાસ વિધિ હોય કે ઉદ્‌ઘાટન પ્રસંગ હોય ત્યારે ગુરુવર્ય પ.પૂ. બાપજી કહેતા હોય છે કે,

“સર્વે વિધિનો રાજા એકમાત્ર આ૫ણા હરિકૃષ્ણ મહારાજ, સ્વામિનારાયણ ભગવાન. એમને બિરાજમાન કરી મહાપૂજા, આરતી, સ્તુતિ, પ્રાર્થના કરીએ તેમાં આપણો સર્વે વિધિ આવી જાય. દિવ્યભાવે શ્રીજીમહારાજને પ્રગટ-પ્રત્યક્ષ જાણી જે કાંઈ સાંસાગોટિલા કરીએ તે આપણો વિધિ.”

મૂર્તિપ્રતિષ્ઠા પ્રસંગે પણ તેઓ ક્યારેય ચોઘડિયાં જોવા દેતા નથી અને કહેતા હોય છે,

“અનંતકોટિ બ્રહ્માંડના ધણી બિરાજમાન થાય એમાં વળી ચોઘડિયું શા માટે જોવું ? એ જ્યારે બિરાજમાન થાય તે જ શ્રેષ્ઠ શુભ ઘડી.”

તેઓ મૂર્તિપ્રતિષ્ઠા વિધિમાં સર્વોપરી ઉપાસનામાં અલ્પ ફેર પડવા દેતા નથી.

કોઈ કરોડપતિ હરિભક્ત હોય કે પંચમહાલના આદિવાસી હોય; દરેકના ઘરમાં એકમાત્ર શ્રીજીમહારાજ અને એમના મુક્તોની જ મૂર્તિ હોય તેવાં શુદ્ધ ઘર કર્યાં છે.

લગ્નપ્રસંગો જેવાં વ્યવહારિક કાર્યોમાં પણ ઉપાસનાનો ભંગ ન થાય તે માટે ‘સાત્ત્વિક લગ્નોત્સવ’ની પ્રથા શરૂ કરાવી. જેમાં એકમાત્ર શ્રીજીમહારાજની સાક્ષીએ સાંપ્રદાયિક ઉપાસના દૃઢ રહે તેવા મંત્રોચ્ચાર દ્વારા લગ્નવિધિ કરાવવામાં આવે છે.

આવી તો ઘણી ઉપાસનાલક્ષી ક્રાંતિ આણી એ દિવ્યપુરુષે સર્વોપરી ઉપાસનાનું પ્રવર્તન કર્યું છે.

અને તેથી જ આવી નિષ્ઠાની દૃઢતાવાળા સહજાનંદી સિંહ સમા હરિભક્તોની શૂરવીરતાને કીર્તનમાં વર્ણવી છે :

“કેસરી સિંહની કૂખે જન્મેલો, સો લાંઘણ ખડ ખાય નહિ;

ઊભો ને ઊભો સુકાઈ જાય પણ, બકરું કદી થાય નહીં.”

પુષ્પ ૩

એક વાર ગુરુવર્ય પ.પૂ. બાપજી સુરેન્દ્રનગર મંદિરે ઉપાસના શિબિરમાં લાભ આપતા હતા.

સાંજના ચાર વાગ્યાના સેશનનો પ્રારંભ થઈ ગયો હતો. પરંતુ મુંબઈ તથા અમદાવાદના મોટેરા સુખી હરિભક્તો કથામાં આવ્યા ન હતા.

ગુરુવર્ય પ.પૂ. બાપજીએ ફોન કરી તેમને બોલાવ્યા. થોડી વારમાં મોટેરા હરિભક્તો આવી પહોંચ્યા.

ગુરુવર્ય પ.પૂ. બાપજીએ ભરસભામાં આ સૌ હરિભક્તોને ટોકતાં કહ્યું, “આ દેહને સાચવવામાં મહામોંઘી કથા ખોઈ તેનું શું ?”

સૌ હરિભક્તો હાથ જોડી રહ્યા. ગમે તેવો મોટો સુખી હોય કે પછી અધિકારી હોય...

પરંતુ ગુરુવર્ય પ.પૂ. બાપજી કદી કોઈની સત્તાથી કે મોટપથી દબાયા નથી.

મોટો શેઠિયો હોય, લખપતિ હોય કે પછી કરોડપતિ હોય પરંતુ તેની પણ શેહશરમ કે મોબતમાં દબાયા વિના ગુરુવર્ય પ.પૂ. બાપજી સ્પષ્ટ શબ્દોમાં ટકોર કરી, મહારાજના રાજીપાનું દિવ્યજીવન જિવાડી રહ્યા છે.