ભગવાન તો એક સ્વામિનારાયણ જ; એ વિના ગુરુ કે સત્પુરુષ પણ નહીં

પુષ્પ ૧

ગુરુવર્ય પ.પૂ. બાપજી સ્વામિનારાયણ ધામ, ગાંધીનગર ખાતે પ્રાતઃ સભામાં લાભ આપી રહ્યા હતા.

તે સભામાં તેઓએ દાદાખાચરને સદ્‌. ગોપાળાનંદ સ્વામીએ ચપટી વગાડીને થોડી ક્ષણો માટે સ્થિતિ કરાવીને પરભાવના સુખનો અનુભવ કરાવ્યો હતો તે પ્રસંગ કહ્યો.

એટલે સામે બેઠેલા એક પ્રેમી હરિભક્તે ગુરુવર્ય પ.પૂ. બાપજીને પ્રાર્થના કરી કહ્યું કે, “બાપજી ! આપ પણ અમને ચપટી વગાડીને વિના દાખડે સ્થિતિ કરાવી દો ને...!”

ત્યારે ગુરુવર્ય પ.પૂ. બાપજી તરત જ બોલ્યા કે, “ચપટી તો શ્રીજીમહારાજ વગાડે. ચપટી વગાડવાનો એટલે કે સ્થિતિ કરાવવાનો અધિકાર અમારો નથી, મહારાજનો જ છે. સ્થિતિ તો મહારાજ જ કરાવે માટે મહિમાની ઓથે અવળી સમજણ પર ન જતા રહેવું, પ્રેમી ન બનવું પણ સમજણવાળા થવું. ભગવાન તો એક સ્વામિનારાયણ જ છે.”

પુષ્પ ૨

ગુરુપૂર્ણિમાનો સમૈયો એટલે જ્યાં જુઓ ત્યાં ભક્તોની ભીડ જ હોય.

વાસણા મંદિર ખાતે મોટો સભામંડપ અને ઉપર-નીચે બંને ભોજનશાળા એમ ત્રણે હૉલમાં હરિભક્તો ખીચોખીચ બેઠા હતા.

તેઓ ચાતક પક્ષીની જેમ ગુરુનું પૂજન કરવા તત્પર હતા. ગુરુપૂર્ણિમાનો સમૈયો એટલે ગુરુના મહિમાગાનનો અવસર.

વ્હાલા પ.પૂ. સ્વામીશ્રીએ સભામાં સત્પુરુષના મહિમાની-દિવ્યભાવની ખૂબ વાતો કરી.

સભાના અંતમાં ગુરુવર્ય પ.પૂ. બાપજીને આજના પ્રસંગે આશીર્વાદ આપવા માઇક આપ્યું.

ગુરુવર્ય પ.પૂ. બાપજીએ આશીર્વાદનો પ્રારંભ કર્યો, જેના પ્રારંભિક શબ્દો હતા, “તમે બધાએ ગુરુ-સત્પુરુષનો મહિમા ભલે ખૂબ સાંભળ્યો ને સમજ્યા. મહારાજનો મહિમા સમજવા અને મૂર્તિસુખ સુધી પહોંચવા એ પણ ફરજિયાત છે. પણ જો તમારે સાચો મહિમા સમજવો હોય તો બધા બે હાથ ઊંચા કરીને આપણા શ્રીજીમહારાજના શબ્દોનો ગુંજારવ કરો : ‘અને વળી જે ભગવાન છે તે જેવા તો એ એક જ છે, બે નથી.’ ફરી બોલો...”

એમ કરતાં ત્રણ-ચાર વખત આ વાક્ય પાકું કરાવી કહ્યું, “તમે બધા એક સ્વામિનારાયણ ભગવાન સિવાય અનંતકોટિ બ્રહ્માંડમાં બીજા કોઈ સનાતન ભગવાન નથી એવું સમજો તો જ અમે રાજી. અનંત મુક્તો મૂર્તિરૂપ છે છતાં ભગવાન તો એક સ્વામિનારાયણ જ છે એ કદી ન ચૂકવું. જો અમને સેવ્યા હોય તો કદી વેદિયા ને વેવલા ન થતા. નિષ્ઠાવાન બનજો.”

પુષ્પ ૩

ભાવનગર નિવાસી પ.ભ. પ્રકાશભાઈ ગુરુવર્ય પ.પૂ. બાપજીનાં દર્શને આવ્યા.

તેઓનું અતિશે પ્રેમનું અંગ એટલે દંડવત કરી સીધા ગુરુવર્ય પ.પૂ. બાપજીના ચરણ ઝાલી ચોંટી પડ્યા, “બાપજી, આપનાં દર્શન થયાં, સ્પર્શ થયો ને હું તો ધન્ય બની ગયો. મારે તો આપનાં દર્શન એટલે ભગવાનનાં દર્શન. મારા માટે તો આપ જ ભગવાન છો.”

આટલું કહ્યું ત્યાં ગુરુવર્ય પ.પૂ. બાપજી બિલકુલ રાજી ન થયા અને તેમને ટકોર કરતાં કહ્યું, “પ્રકાશભાઈ, તમને પ્રેમ ખૂબ છે, પણ સમજણ દૃઢ રાખો કે અનંતકોટિ બ્રહ્માંડમાં ભગવાન તો એક સ્વામિનારાયણ જ છે. સત્પુરુષ એ ભગવાન નથી, સેવક છે. એ મૂર્તિના સુખભોક્તા છે.”

એમ કહી શ્રીજીમહારાજનાં વચનો દ્વારા તેમની સમજણની અશુદ્ધિ દૂર કરવા તેઓએ સત્સંગ કરાવ્યો.

મુક્ત ભગવાન નથી એ બાબતને ગઢડા મધ્ય પ્રકરણના ૬૭મા વચનામૃત દ્વારા તેઓએ પ્રકાશભાઈને દૃઢ કરાવતાં કહ્યું, “મહારાજ સ્વયં બોલ્યા છે કે, ‘મું જેવા અનંત ભગવાનના સાધર્મ્યપણાને પામ્યા છે, તોપણ ભગવાન જેવો કોઈ થાવાને સમર્થ થાતો નથી.’ માટે મુક્ત થવાનો વિધિ છે પણ ભગવાન થવાનો કોઈ વિધિ નથી એવો શ્રીજીમહારાજનો સ્પષ્ટ અભિપ્રાય આ પરથી ફલિત થાય છે. મુક્તો એ સેવક છે ને મહારાજ સ્વામી છે. મુક્તો મૂર્તિના સુખભોક્તા છે, જ્યારે મહારાજ સુખના દાતા છે. અનંત અનાદિમુક્તો મહારાજના કર્યા થયા છે, જ્યારે મહારાજ કોઈના બનાવ્યા થયા નથી. અનંત અનાદિમુક્તો ભેગા મળીને એક મહારાજને ન બનાવી શકે, કારણ કે એ સનાતન ભગવાન છે. માટે મુક્તનો મહિમા મુક્ત તરીકેનો પૂરેપૂરો સમજી તેમની સાથે આત્મબુદ્ધિ જરૂરથી કરવાની છે પણ ભગવાન તરીકેનો મહિમા તો નહિ જ સમજવો. અત્યારે મહારાજ મનુષ્ય રૂપે પ્રગટ નથી જ. પ્રતિમા સ્વરૂપે જ પ્રગટ અને પ્રત્યક્ષ છે. માટે ભગવાન તરીકેના તો સંવત ૧૮૩૭ના સિક્કા મારવાના...!”

પુષ્પ ૪

ગુરુવર્ય પ.પૂ. બાપજીના જીવનની કોઈ એક ક્ષણ, વાત, પ્રસંગ કે ઉપદેશ એવાં નહિ હોય જેમાં તેઓએ મહારાજને કદી ગૌણ કર્યા હોય.

તેઓના હસ્ત નિરંતર એક જ નિશાન દર્શાવતા હોય - ભગવાન સ્વામિનારાયણ.

હરિભક્તોને સમજણ પાકી કરાવવા તેઓ સામેથી પૂછે, “અત્યારે સ્વામિનારાયણ ભગવાન મનુષ્ય રૂપે પ્રગટ હશે ?”

અને જ્યાં કોઈ બોલે કે, “હા, મોટાપુરુષ રૂપે...”

ત્યાં જ એમની કથા ચાલુ થાય, “અને વળી જે ભગવાન છે તે જેવા તો એ એક જ છે. સંવત ૧૮૮૬ પછી શ્રીજીમહારાજનું પ્રગટપણું યાવદ્‌ચંદ્રદિવાકરૌ - મૂર્તિ રૂપે જ સમજવું. મનુષ્ય રૂપે - સત્પુરુષ રૂપે નહીં.”

આવી દૃઢ સમજણ ગુરુવર્ય પ.પૂ. બાપજીએ SMVSના સમાજને રગેરગમાં દૃઢ કરાવી છે. સમગ્ર સમાજ સત્પુરુષનો મહિમા તો જરૂર સમજે છે, પણ ભગવાન તરીકેનો તો નહિ જ.

તેથી આ સમાજના પ્રત્યેક હરિભક્તોનો ગુરુવર્ય પ.પૂ. બાપજી માટે એક જ સૂર છે :

“અમારા ગુરુવર્ય પ.પૂ. બાપજી એક એવા અજોડ શુદ્ધ ઉપાસનાના આગ્રહી દિવ્ય સત્પુરુષ છે કે જેઓએ કદી પોતે ભગવાન હોવાનો દાવો કર્યો નથી. પોતે પોતાનો મહિમા ભગવાન તરીકેનો પ્રસ્થાપિત કર્યો નથી. કોઈને એવું સમજાવ્યું નથી કે અન્યને એવું સમજવા દીધું પણ નથી. તેઓએ ભગવાન તો એક સ્વામિનારાયણને જ બતાવ્યા છે અને તેમના જ સ્વરૂપનો અપાર મહિમા ચાર મુખે કહીને તેમની જ ઉપાસના-ભક્તિ, ધ્યાન-ભજન કરાવ્યાં છે પરંતુ કદી તેઓએ પોતાના શિષ્ય સમાજને પોતાનામાં નથી જોડ્યા. તેમણે હંમેશાં આંગળી મહારાજ સામે જ કરી છે અને તેમાં જ જોડ્યા છે. જે સ્વયં શ્રીજીની મૂર્તિમાં અખંડ જોડાયેલા છે તે પોતાનામાં કેવી રીતે જોડે ? તેઓએ સત્પુરુષનો મહિમા સત્પુરુષ તરીકે જરૂરથી જાળવી રાખ્યો છે પણ ભગવાન તરીકેનો તો નહિ જ. તેઓ આ બાબતે સંપૂર્ણ જાગૃત છે કે, રખેને ! ગુરુને ભગવાન માની લેવાની ગેરમાનીનતાને લીધે શ્રીજીમહારાજની શુદ્ધ ઉપાસનામાં કદી જરીયે ફેર ન પડી જાય તથા ઉપાસના રંચમાત્ર ખંડિત ન થાય.”