ચાર રૂપિયાનાં જોડાં ચૌદ વર્ષ ચલાવ્યાં

પુષ્પ ૧

ઈ.સ. ૧૯૬૯ની આસપાસ જીવનની કટોકટીનો એ સમય હતો કે જ્યારે ગુરુવર્ય પ.પૂ. બાપજી મોટા મંદિરે બિરાજતા.

ત્યારે તેઓને ચરણમાં પહેરવા માટે જોડાં પણ નહોતાં. અડવાણા ચરણે પોતે દુઃખો વેઠીને આ દિવ્યપુરુષ ઠેર ઠેર વિચરતા.

ચરણમાં કાંટા-કાંકરા વાગે, ઠંડી-ગરમી લાગે તેને સહર્ષ સહન કરીને જીવોને સુખિયા કરવા વિચર્યા જ કરતા.

એક દિવસ ગુરુવર્ય પ.પૂ. બાપજીને આવી રીતે અડવાણા ચરણે વિચરતા દેખીને એક મહિમાવાળા હરિભક્તનું હૈયું ભરાઈ આવ્યું.

તેઓ ખૂબ દુઃખી થઈ ગયા અને દિલગીરી વ્યક્ત કરતાં બોલ્યા કે, “અરર... આટલો બધો દાખડો ! દિવસ-રાત જંપીને બેસવાનું નહીં. નિરંતર મહારાજ માટે ત્રણેય ઋતુઓને વેઠવાની; એય પાછા અડવાણા ચરણે... મહારાજના હાચા સાધુને આટલી બધી કઠણાઈ ! એ તો કેમ ચાલે ! એમના ઉઘાડા ચરણ ક્યાં સુધી ! હવે એમને જોડાં વગર જરીક વારે કેમ રખાય !”

પછી તેમણે ગુરુવર્ય પ.પૂ. બાપજીને અસલ ચામડાંનાં ચાર રૂપિયાનાં જોડાં લાવી આપીને સમયે તકની સેવા કરી.

ગુરુવર્ય પ.પૂ. બાપજી તેમની મહિમાસભર થઈને કરેલી સેવાને દેખી ઘણા રાજી થયા. આ જોડાં ગામડામાં જૂના મોચી સીવે તેવાં ખૂબ મજબૂત હતાં.

જે શિયાળામાં ખૂબ કડક થઈ જાય. તેથી ગુરુવર્ય પ.પૂ. બાપજીને તે ચરણમાં ડંખે અને પહેરવામાં તકલીફ પડે. તેથી ગુરુવર્ય પ.પૂ. બાપજી વર્ષમાં એક વાર તેને તેલ ચોપડતા.

આ જોડાં પહેરીને ગુરુવર્ય પ.પૂ. બાપજીએ ખાખરિયા, ઝાલાવાડ અને નળકંઠાનાં અનેક ગામોમાં વણથંભ્યું રાત્રિ-દિન વિચરણ કર્યું હતું. તેમજ ધર્માદો ઉઘરાવવા પણ જતા હતા.

ઈ.સ. ૧૯૭૪માં ઘનશ્યામનગર મંદિર થયું ત્યારે પણ ગુરુવર્ય પ.પૂ. બાપજી એ જ જોડાં વાપરતા.

ઈ.સ. ૧૯૮૩ની સાલ પર્યંત ચાર રૂપિયાનાં આ એકના એક જોડાંને ગુરુવર્ય પ.પૂ. બાપજીએ ખૂબ કરકસરેયુક્ત ઉપયોગ કરીને ચૌદ વર્ષ સુધી વાપર્યાં હતાં અને તે તૂટ્યાં નહિ ત્યાં સુધી બીજાં જોડાં લાવ્યાં નહોતાં. વસ્તુની કેવી સાચવણી !

ગુરુવર્ય પ.પૂ. બાપજી પોતાના જીવનની કપરી પરિસ્થિતિના એ દિવસોના આ પ્રસંગની સ્મૃતિ કરાવતાં કહેતા હોય છે કે, “ચાર રૂપિયાનાં જોડાં ચૌદ વર્ષ ચલાવ્યાં. હવે મોંઘવારી મને નડે કે હું મોંઘવારીને નડું ?” તેઓનાં આ મર્મવચનો આપણ સૌને કરકસરેયુક્ત જીવન જીવવાની અદ્‌ભુત પ્રેરણા આપે છે. તેઓની કરકસરની તેમજ વસ્તુના જતનની રીત અનોખી છે.

પુષ્પ ૨

ગુરુવર્ય પ.પૂ. બાપજીની સેવામાં રહેવાનો દિવ્ય લાભ નવા સંતને મળ્યો હતો.

એક દિન તે સંતને ગુરુવર્ય પ.પૂ. બાપજીના બાથરૂમમાં કોઈ કારણોસર જવાનું થયું. ત્યાં ક્ષારથી મઢાયેલી જૂની બે ડોલનાં દર્શન થતાં આશ્ચર્યનો ઉદ્‌ગાર થયો.

આ ડોલનાં જે કોઈ દર્શન કરે તેને પ્રથમ દૃષ્ટિ જ નવી ડોલ લાવવાની પ્રેરણા કરી દે. આથી તે સંતે જૂની ડોલ બદલી નવી ડોલ બાથરૂમમાં મૂકી દીધી.

ગુરુવર્ય પ.પૂ. બાપજીએ નવી ડોલને જોતાં જ સેવક સંતને કહ્યું, “કોણ આ ડોલ લાવ્યું ?”

“સેવક લાવ્યો છે.”

આટલું સાંભળતાં ગુરુવર્ય પ.પૂ. બાપજીએ કહ્યું, “નવી ડોલની શી જરૂર હતી ? જૂની ડોલ હતી તે સારી જ હતી ને !”

આવાં વચન સાંભળતાં તો ક્ષણભર સંત આશ્ચર્યના ઉદ્‌ગાર સાથે મૌન જ રહી મનસા ગુરુવર્ય પ.પૂ. બાપજીની આ દિવ્ય સાધુતાને વંદી રહ્યા.

સંતે કહ્યું, “બાપજી, ડોલ બહુ જૂની થઈ ગઈ હતી તેથી સંતોના બાથરૂમમાં મૂકી છે ને નવી ડોલ લાવવાની હતી તે અહીં મૂકી છે.”

આમ ખૂબ પ્રાર્થના-વિનંતી કરી ત્યારે ગુરુવર્ય પ.પૂ. બાપજીએ સંતની સેવાનો સ્વીકાર કરી ડોલ ગ્રહણ કરી.

તેઓનું કહેવું હતું કે, “આપણે સાધુને જ્યાં ત્યાં, જેવું તેવું, જે મળે તે ચાલવું જોઈએ. આપણે ડોલ નવી કે જૂની તેની સાથે ક્યાં કામ છે ? આપણે તો એનો હેતુ પાણીના વપરાશનો છે. એ તો સરે જ છે ને. માટે કોઈ પણ વસ્તુ જૂની થઈ તેને કાઢી નવી લાવીએ તેવું ના કરાય. ખાલી સાધુએ નહિ, ગૃહસ્થ હોય તેમણે પણ ના કરાય. ઘણા હરિભક્તો અમને પૂછતા હોય, ‘ગાડી હવે જૂની થઈ છે તો કાઢી નવી લાવીએ ?’ અમે પૂછીએ કેટલાં વર્ષથી લીધી છે ? તો કહે, ‘૫-૭ વર્ષ થયાં.’ પ-૭ વર્ષમાં ગાડી જૂની થઈ જાય ? પણ અત્યારની પેઢીને બચત કરવાનો, કરકસર કરવાનો કોઈ વિચાર જ હોતો નથી. માટે એમ ન કરવું. મળે તેટલું ભોગવવું નહીં. જરૂર પૂરતું અને જરૂર પડે ત્યારે જ લેવું જોઈએ.”

એમ ટકોર કરી સંતોને રાજી રાખવા ડોલ વાપરી.

તેમ છતાંય અઠવાડિયા સુધી નવી ડોલ અંગે ટકોર કરી અનિચ્છા જ જણાવતા રહ્યા.

પુષ્પ ૩

ઠંડીની મોસમમાં અવરભાવનું સ્વાસ્થ્ય સાનુકૂળ રહે તેવા હેતુથી પૂ. સંતોની પ્રાર્થનાથી ગુરુવર્ય પ.પૂ. બાપજી ઇન્હેલર તથા ભગવા રૂમાલનો ટુકડો રાખતા હતા.

સેવક સંત આ બે વસ્તુ કાયમી જોડે ભગવી થેલીમાં મૂકી રાખતા ને ગુરુવર્ય પ.પૂ. બાપજીની જરૂરિયાત મુજબ સમયે સમયે ઇન્હેલર તથા રૂમાલ આપવાની સેવા કરતા.

ક્યારેક ઉતાવળમાં ભૂલી જવાય તો ગુરુવર્ય પ.પૂ. બાપજીને તકલીફ પડે તેવા આશયથી એક ઇન્હેલર તથા ભગવા રૂમાલનો ટુકડો ગાડીમાં મુકાવી રાખ્યાં હતાં.

આ બાબતનો ગુરુવર્ય પ.પૂ. બાપજીને અણસાર આવતાં સેવક સંતને કહ્યું, “સ્વામી, આ વધારાનું અહીં રાખવાની જરૂર નથી. આપણી પાસે છે તે પૂરતું છે. આપણાથી કારણ વિના વધારાની વસ્તુ ન રખાય.”

એક સામાન્ય ઇન્હેલર ને કપડાં જેવી વસ્તુમાં પણ નિર્બંધતા રાખે એવી વિરલ વિભૂતિને કોટિ પ્રણામ !!!

એ દિવ્યપુરુષના જીવનમાં પળે પળે વસ્તુ સાચવણીની અને તેનો કરકસરપૂર્વક ઉપયોગ કરવાની અભિરુચિ વ્યક્ત થતી હોય છે.

તેઓ સ્વયં તો આવા ઉચ્ચ આદર્શોથી જીવન જીવી રહ્યા છે, પરંતુ પોતાના સંગીને પણ તે મુજબ વર્તાવી રહ્યા છે.

તેઓ સહેજ પણ વસ્તુનો બગાડ ન થવા દે. સંતો-હરિભક્તોને મીઠી ટકોર કરી કરકસરના પાઠ શીખવે.