પુષ્પ ૧
ગુરુવર્ય પ.પૂ. બાપજી ત્યાગાશ્રમ બાદ કડી મંદિરે બિરાજતા. ખાખરિયાના હરિભક્તોને કથાવાર્તાથી ખૂબ સુખિયા કરતા. અંતરમાં સદ્. મુનિસ્વામીનાં દર્શનની ઇચ્છા રહેતી, પરંતુ શિખરબદ્ધ મંદિરમાં ઠાકોરજીની સેવા તેમજ અધિક જવાબદારીના કારણે દર્શને ન જઈ શકે.
એક દિવસ ખાખરિયાના હરિભક્તો સદ્. મુનિસ્વામીનાં દર્શન-સમાગમનો લાભ લેવા પાટડી જતા હતા. ગુરુમહિમાથી ઓતપ્રોત એવા ગુરુવર્ય પ.પૂ. બાપજીએ હરિભક્તોને વિનંતી કરી કે, “સદ્. મુનિસ્વામીનાં મારા વતી દર્શન કરી દંડવત સહિત જય સ્વામિનારાયણ કહેજો.” હરિભક્તોએ ગુરુવર્ય પ.પૂ. બાપજીએ કહ્યા મુજબ ‘જય સ્વામિનારાયણ’ પાઠવ્યા.
સદ્. મુનિસ્વામીએ અતિ સ્નેહે પોતાના વ્હાલા શિષ્યને જય સ્વામિનારાયણ કહ્યા તથા પત્ર સ્વરૂપે સાદા કાગળમાં એક ચિઠ્ઠી લખી કે,“તમને મહારાજની મૂર્તિમાં રાખ્યા છે. તમને ખૂબ ખૂબ સુખિયા કરીશું. તમે પણ હરિભક્તોને ખૂબ સુખિયા કરજો.”
હરિભક્તોએ કડી આવી ગુરુવર્ય પ.પૂ. બાપજીને સદ્. મુનિસ્વામીની આ પ્રસાદીરૂપ ચિઠ્ઠી પત્ર રૂપે આપી.
તેને વાંચતાંની સાથે તેઓને અદ્ભુત અવર્ણનીય દિવ્યતાનો અહેસાસ થયો. તેમના પ્રત્યે અતિશે આકર્ષણ થયું, ખેંચાણ થયું, રહેવાય નહિ એવી મળવાની-દર્શનની તત્પરતા જાગી.
“ઓહોહો ! સ્વામીએ પ્રસાદીની ચિઠ્ઠી મોકલી !!!” આટલું કહેતાંની સાથે તેઓએ ચિઠ્ઠીનાં દંડવત-દર્શન કર્યાં. પછી ચિઠ્ઠી હૃદય સરસી ચાંપી ઘણીયે વાર સુધી અહોભાવમાં ડૂબેલા રહ્યા.
સદ્. મુનિસ્વામી થકી મળેલ આશીર્વર્ષા સમી આ ચિઠ્ઠી ગુરુવર્ય પ.પૂ. બાપજીએ પૂજામાં ૩૫ વર્ષ સુધી સાચવી.
પુષ્પ ૨
સંવત ૨૦૧૮માં સદ્. મુનિસ્વામી પ્રત્યેનો અપાર મહિમા તેમને તેમની પાસે ખેંચી ગયો. સદ્. મુનિસ્વામીને જ્ઞાનગુરુ તરીકે સ્વીકારી તેમની પાસે જ સેવામાં રહેવાની ઇચ્છા જણાવી.
ત્યારે સદ્. મુનિસ્વામીએ કહ્યું, “સ્વામી, અમારી પાસે જે કાંઈ શાસ્ત્રો, આસન, ઓરડી હતું તે બધું તો આ સાધુને વહેંચી દીધું છે. હવે અમારી પાસે તમને આપવા જેવું બીજું કાંઈ નથી.”
ગુરુમહિમાનું મૂર્તિમંત સ્વરૂપ એવા ગુરુવર્ય પ.પૂ. બાપજી શું આ લોકના પદાર્થની ઇચ્છા રાખે ?
તેમણે સદ્. મુનિસ્વામીને દીનભાવે પ્રાર્થના કરી કે, “બાપા, મારે બીજું તો કાંઈ જ જોઈતું નથી. આપ રાજી થઈ મને આપના જ્ઞાનનો તથા સિદ્ધાંતનો વારસો આપો. આપના જેવા દિવ્ય કલ્યાણકારી ગુણોનો વારસો જોઈએ છે... એ મને આપો. દયાળુ, બસ મારી તો આ એક જ અરજ છે...”
સદ્. મુનિસ્વામી પોતાના જ્ઞાનનો તથા સિદ્ધાંતનો વારસો આપવા યોગ્ય શિષ્યને શોધતા હતા; મહારાજના સંકલ્પોનું પૂર્વાપર આયોજન જ ન હોય તેમ ગુરુવર્ય પ.પૂ. બાપજી પણ વારસો પામ્યાની જ યાચના કરતા હતા. તેથી તેઓ અતિશય રાજી થઈ ગયા.
સદ્. મુનિસ્વામી ગુરુવર્ય પ.પૂ. બાપજીના મસ્તક ઉપર બે હસ્ત મૂકી, પોતાના ખરા જ્ઞાનનો તથા સિદ્ધાંતનો વારસો આપતા બોલ્યા, “સ્વામી, મહારાજ અને બાપાના સર્વોપરી સિદ્ધાંતોના પ્રચાર માટે આપણો જન્મ છે. એ સિદ્ધાંતનો વારસો તો તમે લઈને જ આવ્યા છો, આપવાની જરૂર નથી. માટે અમે ન હોઈએ ત્યારે બાપાશ્રીના હેતવાળા સમગ્ર સમાજને સુખિયા કરજો. મહારાજ-બાપાનો એમાં ખૂબ જ રાજીપો છે.”
કારણ સત્સંગના જ્ઞાન-સિદ્ધાંતના ખરા વારસદાર ગુરુવર્ય પ.પૂ. બાપજીએ સાધુતાસભર દિવ્યજીવન જીવીને ગુરુનું શિષ્યત્વ અદકેરું શોભાવ્યું છે ને શોભાવી રહ્યા છે.
પુષ્પ ૩
“સદ્. મુનિસ્વામી જેવું ભવ્ય અને પ્રચંડ સ્વરૂપ આ બ્રહ્માંડમાં જ્યાં સુધી બિરાજે છે ત્યાં સુધી મારે તો તેમનો લાભ લઈ જ લેવો છે. અને અનંત મુમુક્ષુને પણ લાભ લેવડાવવો છે.”
આવો અહોભાવ સદ્. મુનિસ્વામી વિષે ગુરુવર્ય પ.પૂ. બાપજીને નિરંતર વર્તતો. બસ, ગુરુનું મુખ્યપણું, તેમનો જ મહિમા સૌને થાય તેમ જ વર્તતા.
“દેવસ્વામી, વર્તમાન ધરાવો ને !”
“અલ્યા, વર્તમાન તો મોટા સંત ધરાવે... આપણા ગુરુ મુનિસ્વામી અત્યારે પાટડી બિરાજે છે... ત્યાં તમે જજો... અને મુનિસ્વામી પાસે જ વર્તમાન ધરાવજો... સ્વામી બહુ મોટા છે... સમર્થ પાર્ટી છે... સદ્. મુનિસ્વામી ૧૧૦% સંકલ્પ સ્વરૂપ છે. તેના માટે હું આખા બ્રહ્માંડના સમ ખાઉં. તમારું પૂરું થઈ જશે... છેલ્લો જન્મ થઈ જશે... માટે હવે રાહ ન જોશો...”
તેઓ મોટા મંદિરે બિરાજતા હોવા છતાં નવા મુમુક્ષુને વર્તમાન ધરાવવા સદ્. મુનિસ્વામી પાસે પાટડી મોકલતા. પોતે સમર્થ સ્વરૂપ હોવા છતાં ગુરુ મુનિસ્વામી આગળ દાસત્વભાવ જ દાખવતા.
“દેવસ્વામી, ‘બીડીઓ’ છૂટતી નથી... ‘ચા’ છૂટતી નથી... સ્વામી, સ્વભાવો ટળતા નથી, દોષો પીડે છે...” આવી કેટલીય પ્રાર્થનાઓ લઈ ભક્તો આવે ત્યારે એ દિવ્યપુરુષ સમર્થ હોવા છતાં તે ભક્તોને સદ્. મુનિસ્વામી પાસે મોકલતા : “તમે સ્વામી પાસે જાવ... સ્વામીનાં દર્શને બધું ટળી જશે, બળી જશે ને ગોત્યું હાથ નહિ આવે માટે પાટડી જાવ... સ્વામી દયાળુ છે, દયા કરશે...”
પુષ્પ ૪
“આ બધી મુનિબાપાની લીલી વાડી છે. તે શ્રીજીમહારાજ, બાપાશ્રી અને મુનિસ્વામીનો જ પ્રતાપ છે.”
“મુનિબાવો એટલે મુનિબાવો. મારે મુનિસ્વામી સાથે મા-દીકરા જેવું હેત. મેં એમના જેટલો મહિમા કોઈનોય ગાયો નથી. મને વેવલાવેડા કરતા નથી આવડતા કે મોટા ન હોય તોય ગાણાં ગાઉં, પણ કોઈ મારું માથું કાપી નાખે તોપણ મુનિસ્વામીનો મહિમા ગાયા વિના ન રહું.”
“મુનિબાપાને તો સ્વયં બાપાએ પ્રમાણ કર્યાં છે. સ્વામીની વાત બહુ અલૌકિક, બહુ જુદી. સાધુતાની મૂર્તિ, દિવ્ય કલ્યાણકારી ગુણોનો ભંડાર. હજારો સંતો બેઠા હોય પણ તેમાં મુનિસ્વામીનો પ્રભાવ બહુ પડે. આખી સભાના સંકલ્પ બંધ થઈ જાય. બધા સંતો સ્વામી આગળ ઝાંખા પડી જાય. મોટા મોટા લીમડાવાળા હરિપ્રસાદસ્વામી જેવા સંતો પણ સ્વામીના ખોળામાં માથું નાખી આશીર્વાદ માગતા.”
સભા, ઉત્સવ, સમૈયા કે મોટા મહોત્સવો હોય ત્યારે ગુરુવર્ય પ.પૂ. બાપજીના મુખેથી સદ્. મુનિસ્વામી વિષેનો ઉપરોક્ત મહિમા અસ્ખલિત વહ્યા જ કરતો હોય છે.
“મુનિસ્વામી... મુનિસ્વામી... મુનિસ્વામી” શબ્દ બોલતાં બોલતાં ગુરુવર્ય પ.પૂ. બાપજીનું મુખારવિંદ ગદ્ગદિત થઈ જાય. એમનાં નેત્રો અશ્રુભીનાં બની જાય. એમના હસ્ત મસ્ત બની વાયુ વીંધતા થઈ જાય ને રોમેરોમમાં ગુરુમહિમાનો સિંધુ ઊલટી જાય... જાણે ચકોરને ચંદ્ર મળ્યો હોય અને એને કેટલો આનંદ હોય !!!