પુષ્પ ૧
ગુરુવર્ય પ.પૂ. બાપજી ઘણી વાર સભામાં હરિભક્તોને સંબોધીને કહેતા હોય છે કે,
“તમે બધાએ પહેલાં ડાલડા ઘી ખાધેલું અને અત્યારે ચોખ્ખું ઘી ખાવ છો. તમે બંને ઘી ખાધેલા છો એટલે ડાલડાનો ભાગ રહી જાય છે. પરંતુ હવે પછીની બાળકોની તથા કિશોરોની પેઢી આવી રહી છે તેમને તો શુદ્ધ ચોખ્ખું ઘી જ મળે છે એટલે એમનો પાવર તમારા કરતાં જુદો હશે અર્થાત્ જૂના હરિભક્તોએ પરોક્ષ વાતો, અવતાર અને અવતારીની ભેળસેળવાળી વાતો સાંભળી છે અને આજના બાળકો તથા કિશોરોને પરોક્ષ સ્વરૂપોની કે વાતોની ખબર જ નથી કેમ કે તેમને જન્મથી જ સર્વોપરીપણાની શુદ્ધ ઘી સમાન વાતો જ સાંભળવા મળી છે એટલે હવે પછીની બાળકો તથા કિશોરોની પેઢીનો સર્વોપરી ઉપાસના પ્રત્યેનો રજમો જુદો હશે.”
વળી, આજે બન્યું છે પણ એવું જ. SMVSનાં બાળકો તથા કિશોરો કાંઈક જુદી માટીનાં પાક્યાં છે. સર્વોપરી સિદ્ધાંતો નવી પેઢીના રોમરોમમાં પ્રસરાવી એમનું અદ્ભુત ઘડતર ગુરુવર્ય પ.પૂ. બાપજી તથા પ.પૂ. સ્વામીશ્રીએ કર્યું છે. નવી પેઢી સર્વોપરી નિષ્ઠા અને નિયમ-ધર્મમાં ખૂબ જ ચુસ્ત છે.
તેઓ કોઈની શેહ-શરમમાં આવે એમ નથી. કોઈને પણ નમી દે એમ નથી. તેમને શ્રીજીમહારાજની નિષ્ઠા તથા નિયમમાં કોઈ ચલિત કરી શકતા નથી.
બાળ મંડળનાં બાળકો સ્ટેજ પર બોલતાં હોય છે કે, “મારા રૂંવાડે રૂંવાડે શ્રીજીમહારાજના સર્વોપરી સિદ્ધાંતો છે.” આ સાંભળીને ગુરુવર્ય પ.પૂ. બાપજી રાજી થકા કહેતા હોય છે કે, “જુઓને આ નવી પેઢી ને આજનાં આ બાળકને કે હજુ તો એના શરીરે રૂંવાડું ઊગ્યું નથી છતાં પણ કેટલો બધો રજમો છે ! જ્યારે એને રૂંવાડું ઊગશે અર્થાત્ કિશોર અવસ્થામાં આવશે ત્યારે તેને સિદ્ધાંતો પ્રત્યે કેટલું બધું ગૌરવ હશે !”
ગુરુવર્ય પ.પૂ. બાપજીને પ્રથમથી જ કિશોર મંડળનો આગ્રહ.
વર્ષો પહેલાં તેમણે ‘રજવાડી યુવક મંડળ’ની સ્થાપના કરેલી. આ મંડળના સભ્યો બધા કિશોરો હતા. તેમનામાં યુવાનીના ભાવો હોવા છતાં તેમનાં જીવન સર્વોપરી સિદ્ધાંત તથા નિયમ-ધર્મમાં શૂરાપૂરા હતાં એટલે ગુરુવર્ય પ.પૂ. બાપજી તેમને રજવાડી મંડળ કહેતા હતા. આજે એવાં અનેક બાળ મંડળ, કિશોર મંડળ ચાલી રહ્યાં છે. અને તેમાં ભવિષ્યના અદ્ભુત સમાજનું ઘડતર થઈ રહ્યું છે.
પુષ્પ ૨
સંપ્રદાયના એક મંદિરે આપણા હરિભક્ત પરિવાર સહિત દર્શન કરવા ગયા હતા. ત્યાં એક મોટેરા સંત હતા; તેમને દંડવત-દર્શન કરીને ‘જય સ્વમિનારાયણ’ કર્યા. એ સંત બહુ વિનયી અને વિવેકી હતા.
તેમણે પૂછ્યું, “ક્યાંથી આવો છો ? શું કરો છો ? ઉતારા વગેરેનું...”
હરિભક્તની જોડે એમનો ૮ વર્ષનો બાળમુક્ત હતો. મોટેરા સંતે બાળકને નજીક બોલાવી માથે હસ્ત મૂકીને પ્રેમથી પૂછ્યું, “શું તારું નામ છે ?”
આ બાળક તો SMVSનો હતો. એટલે એણે પેલા સંતને કહ્યું, “દયાળુ, દેહનું નામ કહું કે આત્માનું કહું ?”
આ સાંભળી વડીલ સંતને આશ્ચર્ય થયું. આટલા નાના બાળકને આટલી નાની ઉંમરે દેહ ને આત્મા જુદા છે એવું જ્ઞાન !
તેઓ બાળક ઉપર ખૂબ રાજી થયા ને પછી કહ્યું, “બંનેનાં નામ કહે.”
બાળકે કહ્યું, “દેહનું નામ દેવ અને આત્માનું નામ અનાદિમુક્ત.”
વડીલ સંતે પૂછ્યું, “તારું ગામ કયું ?”
બાળકે ફરી એ જ વાત દોહરાવીને કહ્યું, “દેહનું ગામ અમદાવાદ છે અને આત્માનું ગામ મૂર્તિ છે અને સ્વામિનારાયણ ભગવાન મારાં (ચૈતન્યનાં) સાચાં માતાપિતા છે.” બાળકનું આવું પરભાવનું જ્ઞાન, તેની ખુમારી તથા રજમો જોઈને તે સંત બોલ્યા, “ધન્યવાદ છે તારા ગુરુ બાપજીને કે તને આ ઉંમરે આવું જ્ઞાન જીવમાં રેડી દીધું છે. તેમને અમારા જય સ્વામિનારાયણ કહેજો.”
પુષ્પ ૩
એક વાર એક હરિભક્ત સંપ્રદાયના મંદિરમાં દર્શન કરવા ગયા. સાથે એમનો નાનો બાળમુક્ત પણ હતો. મંદિરમાં એક સંતનાં દર્શન કર્યાં.
બાળમુક્ત સંતની આગળ હાથ જોડીને ઊભો રહ્યો અને બોલ્યો, “મને છતે દેહે મૂર્તિનું સુખ મળે એવી મારા પર દયા કરજો.”
બાળકની પ્રાર્થના સાંભળીને તે સંત અત્યંત રાજી થઈ ગયા. તેમણે વિનમ્રપણે કહ્યું, “તું બાપજીનો શિષ્ય છે. આ પ્રાર્થના એમની પાસે કરાય. વર્તમાન સમયે છતે દેહે મૂર્તિનું સુખ આપી શકે એવા એ એક જ સત્પુરુષ છે.”
તે સંતે બાળમુક્તના પિતાને કહ્યું, “ધન્ય છે તમને, તમારા બાળકને તથા તમારા ગુરુજીને કે આવડી ઉંમરે એનામાં આવા દિવ્ય સંસ્કાર રેડ્યા છે. અમારા જેવા મોટા મોટાને પણ છતે દેહે મૂર્તિનું સુખ આપજો એવું બોલતા આવડે નહિ, માગતા આવડે નહિ જે તમારા બાળકને આવડે છે.” તે સંત પણ આ SMVSની નવી પેઢીના સંસ્કારને, તેમને મળેલા દિવ્ય જ્ઞાનને મનોમન વંદી રહ્યા.
પુષ્પ ૪
એક દિવસ બે યુવકો એક સ્વામિનારાયણની સંસ્થાના મંદિરમાં ગયા.
મંદિરમાં પ્રવેશતાંની સાથે તેઓ અન્ય દેવોનાં દર્શને ન જતાં સીધા ઘનશ્યામ મહારાજના ગર્ભગૃહ તરફ વળ્યા ને દંડવત-દર્શન કરવા લાગ્યા. એમની આ રીત ગર્ભગૃહમાં ઊભા રહેલા એક સંતે જોઈ. તેઓ આ યુવકોની સર્વોપરી નિષ્ઠા ઓળખી ગયા. તેથી તેમને નજીક બોલાવ્યા ને કહ્યું,
“તમે સ્વામિનારાયણ મંદિર વાસણા સંસ્થામાંથી આવો છો ને !”
“હા સ્વામીજી...”
“ધન્ય છે તમારા ગુરુજી બાપજીને ! જેમણે તમને આ યુવાવસ્થામાં એક ‘સર્વોપરી નિષ્ઠા’નાં અમૃત પિવડાવ્યાં છે.”