દેવુભાઈની પરભાવની સ્થિતિ સમૃદ્ધ હતી. પણ એમના પિતાશ્રીનો આર્થિક વ્યવહાર દુર્બળ હતો. તેથી તેમને કિશોર અવસ્થાથી જ આ લોકનાં વ્યવહારિક કાર્યો નછૂટકે કરવા પડતાં. તેમાં એમની મુદ્દલ રુચિ નહીં. પોતે તો પરભાવનું સ્વરૂપ હોવા છતાં અલૌકિકપણું ઢાંકી વ્યવહાર કરતા.
દેવુભાઈના પિતાશ્રીને વાંસવા અને વાસણ એમ બે ગામમાં કરિયાણાની દુકાનો હતી. આર્થિક સંકડામણ રહેતી હોવાથી પિતાશ્રી જેઠાભાઈ દેવુભાઈને વાંસવા દુકાને બેસવા આગ્રહ કરતા. દેવુભાઈ કમને દુકાને તો બેસતા પરંતુ તેમની વૃત્તિ શ્રીજીમહારાજ તરફ આકર્ષાયેલી રહેતી.
તેઓ ઘરે હોય તો એકાંત માટે તેમના ઘરના મેડા ઉપર નાની ઓરડી જેવું હતું તેમાં ધ્યાન કરવા જતા રહેતા.
તેઓનો વિચાર બહુ સ્પષ્ટ હતો. તેઓ સંપ્રદાયમાં એક નૂતન ક્રાંતિના સર્જક હતા ને એના વિચારોમાં બાળપણથી જ રહેતા હતા એટલે વારે વારે મંદિરે જતા રહેતા.
તેઓ રોજ સવારે ઊઠી વાંસવા મંદિરમાં ઠાકોરજીને જગાડવાની, મંગળા આરતી કરવાની સેવા કરતા. મંદિરની નાની-મોટી સેવા કરીને પાછા સૌને કથાવાર્તાનો લાભ આપતા. પછી તેઓ દુકાને બેસતા.
દેવુભાઈ દુકાને બેસતા તેમ છતાં ‘વચનામૃત’ આદિક ગ્રંથોના વાંચનમાં અને ભજનભક્તિમાં જ નિમગ્ન રહેતા. વેપાર કરવામાં રુચિ ન જણાવે. તેથી તેઓ અવારનવાર દુકાને તાળું મારી મંદિરે જતા રહેતા.
પિતા જેઠાભાઈ તથા ઘરના અન્ય સભ્યોને આ વાતની ખબર પડતાં દેવુભાઈને વારંવાર ઠપકો આપતા. પરંતુ તેઓના ઠપકાના પ્રત્યુત્તર રૂપે દેવુભાઈનો ઉત્તર બહુ સચોટ રહેતો.
“હું આ તમારું પાવરી તેલ, ઘી ને ગૉળ વેચવા નથી આવ્યો. હું તો મૂર્તિનો વેપારી છું અને અનંતને મૂર્તિ વહેંચવા આવ્યો છું.” દેવુભાઈ આવી માર્મિક અર્થસભર શબ્દ શ્રેણીમાં પોતાના મૂલગામી સંકલ્પનો અણસાર પરિવારજનોને આપી દેતા.
દેવુભાઈના મુખે સંસારની ઉદાસીનતાના શબ્દો સાંભળી માતા ધોળીબા ચિંતિત થઈ જતાં. એમનું હૃદય આંતર રુદન કરતું.
તેઓ મનમાં ને મનમાં સમસમી રહેતા : “મારો દેવુ સોઝો (ઉત્તમ, ગુણિયલ) છે. તેણે કે’દિ પેટ ભરીને જમાડ્યું નથી. કોઈની પાસે કંઈ માગે તેવો નથી. અહીંથી એ ગમે ત્યાં જાય પછી એનું શું થશે ? એને એના પંડની કોઈ પ્રકારે ખેવના જ નથી. નર્યો તપ જ કર્યા કરે છે. તે કદી ઘરમાં બહુ રહેતો નથી. આખો દહાડો મંદિરમાં રહે છે. તેણે મને કોઈ રાવ (ફરિયાદ) કરી નથી. ગમે તેમ ચલાવી લે. કોઈ દિવસ રસોઈ ટાઢી-ઊની હોય, તીખી-મોળી હોય તોય કંઈ ન કહે. ઘરમાં પણ જતિની જેમ જ રહે છે. એને મારે વિષે હેત એટલે ક્યારેક મને બોલાવે. મેં એને સારામાં તો ક્યારેક ઢોકળા ને પૂડલા સિવાય કંઈ જમાડ્યું જ નથી. વળી, એય મારા આગ્રહને લઈ મને રાજી રાખવા જમે. બાકી એને તો સ્વાદ જ ક્યાં હતો... એણે ભગવાનમાં સ્વાદ માન્યો હતો. એને તો ભક્તિ જ એનો શ્વાસ...” આવા વિચારે ચડતાં ધોળીબાને દેવુભાઈની બહુ ચિંતા થતી હતી.
તેથી તેમને ચેન ન પડતું. વળી કેટલીક વાર તો તેઓ એકાંતમાં પોક મૂકીને રડી પડતાં.
પરંતુ સાથે સાથે ધોળીબા દેવુભાઈના સ્પષ્ટ હેતુને જાણતાં હતાં કે, “તેઓ અસાધારણ બાળક છે. મહારાજના ધામમાંથી પધારેલા મોટા મુક્ત છે. માટે અમે ગમે તેટલા પ્રયત્ન કરીશું તોપણ દેવુભાઈ મારા રોક્યા રોકાવાના જ નથી. એ તો સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિના વેપારને અર્થે જ આવ્યા છે, એમના અર્થે જ એમનું જીવન છે.”
પરંતુ એક માતૃહૃદયને લીધે તેઓ દેવુભાઈને ક્યારેક કહેતાં કે, “તમે ગૃહત્યાગ કરો તો મારા દેહાંતગમન બાદ કરજો પણ તે પહેલાં ન કરતા.”
ત્યારે દેવુભાઈ પણ ધોળીબા પાસે હૈયું ખોલી દીનભાવે કહેતા કે, “બા, આપ ક્યારે ધામમાં જાઓ અને ક્યારે હું ગૃહત્યાગ કરીશ ? એમાં તો ઘણો સમય વીતી જાય. માટે મને જવા દ્યો. બા, મને રજા દ્યો... અમને બાપાશ્રીએ જે સંકલ્પો પૂરા કરવા અહીં મોકલ્યા છે તે સંકલ્પોને ક્યાં સુધી અમે લંબાવ્યા કરશું ?”
આટલું સાંભળી ધોળીબાનો હૃદયબંધ છૂટી જતો; તેઓ ખૂબ રડતાં. પરંતુ બીજી તરફ દેવુભાઈનો સંકલ્પ પ્રબળ હતો એટલે તેઓ કોઈના રોકાયા રોકાય તેવા ક્યાં હતા !
એક સિદ્ધમુક્ત હોય એમ આ વિરલ સ્વરૂપ હવે ઘણુંખરું અંતર્મુખ રહેવા લાગ્યા. પરિવાર સંગે રહેવા છતાં જેમને ક્યારેય પારિવારિક સ્પૃહા સ્પર્શી નહોતી એ દેવુભાઈ હવે બાપાશ્રીની સંકલ્પ સેવામાં હોમાવા તત્પરતાથી તક શોધી રહ્યા હતા.
આ જ અરસામાં સંવત ૨૦૦૮માં (ઈ.સ. ૧૯૫૨માં) જીવનપ્રાણ અબજીબાપાશ્રીના અત્યંત કૃપાપાત્ર અને વારસદાર એવા મહાસમર્થ સિદ્ધમુક્ત સદ્. મુનિસ્વામી (કેશવપ્રિયદાસજી સ્વામી)નો દેવુભાઈને ભેટો થયો. જાણે ‘પ્રથમની પ્રીત હતી ને પ્રથમ મેળાપ થયો, દીપક જે પ્રેમ તણો અચાનક પ્રગટાઈ ગયો’ એ અનુસાર પ્રથમ મિલાપમાં જ દેવુભાઈને સદ્. મુનિસ્વામીનું અનન્ય-અપ્રતિમ ઘેલું લાગ્યું.
સદ્. મુનિસ્વામીનું સંપૂર્ણ આંતરમુખી જીવન, ઠરેલપણું અને સાધુતાના સોળે શણગારથી શોભતી સૌમ્ય મૂર્તિનાં દર્શન થતાં દેવુભાઈને અસાધારણ પ્રીતિ બંધાઈ ગઈ. અવરભાવમાં સદ્. મુનિસ્વામી દેવુભાઈ કરતાં ઉંમરમાં ૫૩ વર્ષ મોટા હોવા છતાં અવરભાવની ઉંમરનો ભેદ આડરૂપ થતો નહોતો.
સદ્. મુનિસ્વામી અવારનવાર નળકંઠા પધારતા ત્યારે તેઓ બધું ગૌણ કરી સ્વામીના સાંનિધ્યમાં રહેવા તથા જોગ-સમાગમ માટે પહોંચી જતા. તેઓ સદ્. મુનિસ્વામીના સંગમાં રહેવા સંતમંડળની પ્રેમપૂર્વક તનતોડ સેવા કરવા મંડી પડતા. એમની સેવા-ભક્તિની અતૂટ શ્રદ્ધાથી સદ્. મુનિસ્વામી તેમના પર પ્રસન્ન થતા. અને આ પ્રસન્નતાથી દેવુભાઈનું હૃદય અતિ વૈરાગ્યથી વિભૂષિત બન્યું.
‘ક્યારે ઘર છોડું’ અને ‘મહારાજ અને બાપાશ્રીના સંકલ્પમાં ભળું’ એ વિચારથી એમને ક્યાંય ચેન પડતું નહીં. જાણે મહારાજ-બાપા વારંવાર સાદ કરી રહ્યા હતા : “દેવુભાઈ ! હવે વખત થઈ ચૂક્યો છે...”
ત્યાગ-વૈરાગ્યની ખાંડાધારે ચાલવાના એ મનોરથ જલદી પૂર્ણ કરવા દેવુભાઈ હવે તત્પર બન્યા. આથી પરિવાર-વ્યવહારનાં બંધનોથી દેવુભાઈ અકળાઈ જતાં એ પળ આવી પહોંચી.
નવ પ્રભાતના દિનકર (સૂર્ય)ની કૂણી તાજગી સર્વત્ર પ્રસરે તે પહેલાં જ વાસણ ગામમાં એક અસાધારણ ઘટના ઘટી ગઈ.
રાત્રિના બે વાગ્યે ઘરના કોઈ જ સભ્યોને જાણ કર્યા વિના દેવુભાઈએ અનંતને સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ વહેંચવા ગૃહત્યાગ કર્યો.
દેવુભાઈ જે માટે પધાર્યા હતા તે માટે માબાપ-પરિવારને મૂકી ત્યાગાશ્રમ સ્વીકાર્યો. આ મંગળ ઘડી હતી સંવત ૨૦૧૨ની (ઈ.સ. ૧૯૫૬ની). ૨૩ વર્ષની યુવાન વયે ત્યાગાશ્રમ સ્વીકારી સદ્. ગોપાળાનંદ સ્વામીના વારસદાર અ.મુ. સદ્. શ્રી મુક્તજીવન સ્વામીબાપાને અને ત્યારપછી સદ્. શ્રી હરિકૃષ્ણદાસજી સ્વામીને દીક્ષાગુરુ અને અ.મુ. સદ્. શ્રી કેશવપ્રિયદાસજી સ્વામીને (સદ્. મુનિસ્વામીને) જ્ઞાનગુરુ તરીકે સ્વીકારી ‘સાધુ દેવનંદનદાસજી’ એવું નામ ધારણ કર્યું.