શ્રીજીસ્થાપિત પ્રણાલિકા અનુસાર મૂળીમાં વર્ષ દરમ્યાન છ માસના અંતરે વસંતપંચમી અને જન્માષ્ટમીના મોટા સમૈયા થતા હતા.
તેમાં અનેક ભૂખ્યા મુમુક્ષુ સંત-હરિભક્તો લાભ લેવા પધારતા. જેમાં વિશેષ કરીને બાપાનો હેતવાળો સમાજ પધારતો હતો.
આ સમૈયામાં સદ્. ગોપીવલ્લભદાસજી સ્વામી, સદ્. ધર્મકિશોરદાસજી સ્વામી, સદ્. શ્વેતવૈકુંઠદાસજી સ્વામી, સદ્. ગુણાતીતદાસજી સ્વામી, સદ્. હરિપ્રસાદદાસજી સ્વામી આદિક બાપાના હેતવાળા સદ્ગુરુશ્રીઓ કથાવાર્તાનો અખાડો ચલાવતા તેથી આ સમૈયામાં ગુરુવર્ય પ.પૂ. બાપજી અચૂક પધારતા.
ગુરુવર્ય પ.પૂ. બાપજી પાસે એ વખતે કોઈ સુખી હરિભક્તો કે જોડમાં સાધુ પણ ન હતા. તેથી મૂળી જવા માટે કોઈની પાસેથી ઉછીના સંતને સાથે લીધા.
એ વખતે અમદાવાદથી મૂળીનું ભાડું ૧૦ રૂપિયા થતું હતું. ગુરુવર્ય પ.પૂ. બાપજી સ્ત્રી-ધનના સંપૂર્ણ ત્યાગી હતા. તેમની પાસે પૈસા તો નહોતા પરંતુ કોઈની પાસે રખાવેલા પણ નહોતા.
તેથી ગુરુવર્ય પ.પૂ. બાપજીએ એક મોટેરા ને સુખી હરિભક્તને વિનમ્રભાવે વાત કરી કે, “અમારે મૂળી સમૈયામાં જવું છે તો ટિકિટ કઢાવી આપશો ?”
ત્યાં તો આક્રોશ સાથે અપમાન અને અપશબ્દોની ઝડી વરસાવતાં તે હરિભક્તે કહ્યું, “મૂળી સમૈયામાં જવું હોય તો જાવ, સભામંડપમાં ત્યાં પાંચ-સાત હરિભક્તો બેઠા છે. તેમની પાસેથી થોડા થોડા માગી લો તોય મૂળીનું ભાડું મળી જશે. અને એમ ન કરવું હોય તો હમણાં આરતી પછી પગથિયાં નીચે રૂમાલ પાથરીને બેસી જાવ. બધા પાંચીયું, દશીયું, પાવલી કે રૂપિયો નાખશે તોય તમારા ભાડાના પૈસા મળી જશે.”
ગુરુવર્ય પ.પૂ. બાપજી હરિભક્તના તુચ્છ અપમાનને કોઈ પ્રકારના પ્રતિભાવ વગર ગળી ગયા.
જે આંતરસમૃદ્ધિથી અમીર હતા તેવા ગુરુવર્ય પ.પૂ. બાપજીને રૂમાલ પાથરીને ભીખ માગવાનું કહેવા છતાં તેમના મુખારવિંદ પર આક્રોશની કોઈ રેખા ન ઊપસી.
મહારાજની આજ્ઞા પાળવા તેઓ અપમાનની પરાકાષ્ઠાના આવા કડવા ઘૂંટને પણ જાણે કાંઈ જ બન્યું ન હોય તેમ હસતાં હસતાં પી ગયા. એ જ એ દિવ્યપુરુષનું નિર્માનીપણું...
આવાં તો આ એક નહિ પણ અનેકાનેક અપમાનો અને તિરસ્કારોનો ધોધ વરસતો.
ત્યારે ગુરુવર્ય પ.પૂ. બાપજીની સાધુતાથી આકર્ષાઈને તેમને વિષે થયેલા મહિમાવાળા હરિભક્તો કહેતા પણ ખરા કે, “સ્વામી, તમે કંઈક તો સામે બોલો; એ શેનો આપણને કહી જાય ! સ્વામી, તમે ક્યાં ને એ ક્યાં ! કંઈક તો બોલો !”
ત્યારે ગુરુવર્ય પ.પૂ. બાપજી કહેતા કે, “આપણા બાપ ભગવાન સ્વામિનારાયણે કેટલું સહ્યું છે ! સ્વયં સર્વોપરી ભગવાન હોવા છતાં નિર્માની થઈને વિચર્યા છે તો આપણે તો એમના દાસ છીએ.
‘જેના નિર્માની હોય ભગવાન, તેના જનને જોઈએ કેમ માન ?’
માટે આપણે તો નિર્માની થઈને જ રહીએ તો મહારાજ રાજી થાય. એને બિચારાને સૂઝ નથી પડતી તેથી આમ બોલે છે. પણ આપણે તો તેનું મહારાજ રૂડું કરે એવો જ સંકલ્પ કરવાનો તો તેની સામે તો કેમ બોલાય ?”
આહાહા...!!! કેવું એ દિવ્યપુરુષનું નિર્માનીપણું છે... કેવી મહાપ્રભુની આજ્ઞા સામું ચાતક નજર છે..!! કેવી માન-અપમાનમાં ઐક્યતા છે..!! કેવી અહમ્શૂન્યતા છે..!! પોતે અવરભાવમાં એક ગુરુસ્થાને બિરાજતા હોવા છતાં પોતાનું જાહેરમાં કોઈ હળહળતું અપમાન કરી નાખે, પોતાને માટે જેમ તેમ બોલી નાખે તેમ છતાંય અંતરમાં રંચમાત્ર પણ એ દિવ્યપુરુષને બીજો કોઈ સંકલ્પ નથી કે દુઃખ નથી. કેવું ગજબનું નિર્માનીપણું..!!