કારણ સત્સંગ વિશ્વવ્યાપી થશે

પુષ્પ ૧

‘દાતણ હોય ત્યાં દીવો નહિ ને દીવો ત્યાં નહિ દાતણ.’ એવું અવિરત વિચરણ કરી ભગવાન શ્રી સ્વામિનારાયણ અનેક મુમુક્ષુઓને આત્યંતિક કલ્યાણના કોલ આપતા. એવું જ અવિરત વિચરણ વર્તમાનકાળે ગુરુવર્ય પ.પૂ. બાપજીના જીવનમાં પણ તાદૃશ્ય થાય છે કે જેઓ સ્વામિનારાયણ ભગવાનના સ્વરૂપની ઓળખાણ કરાવી આત્યંતિક કલ્યાણના કોલ આપવા સખત દાખડો કરી રહ્યા છે.

અથાક વિચરણના આગ્રહનું મૂર્તિમંત સ્વરૂપ એટલે ગુરુવર્ય પ.પૂ. બાપજી.

ગુરુવર્ય પ.પૂ. બાપજીની ૮૩ વર્ષની ઉંમરે માત્ર ૧લી નવેમ્બર, ૨૦૧૪થી ૨૮ ફેબ્રુઆરી, ૨૦૧૫ સુધીના માત્ર ચાર માસના વિચરણનો અહેવાલ તેમના અથાક વિચરણ અને કથાવાર્તાના આગ્રહની શાખ પૂરે છે. એમાંય ૨૧ ફેબ્રુઆરીથી ૨૮ ફેબ્રુઆરી, ૨૦૧૫ સુધીનું તેમનું વિચરણ તો ખૂબ જ આકરું રહ્યું હતું.

ભાદરવા મહિનામાં એક દિવસ માણસા પાસેના દાતા ગામમાં પ્રોગ્રામ રાખેલો. સવારે સાત વાગ્યે વાસણાથી નીકળી વિજાપુર, વિસનગર, માણસા કેટલીક પધરામણીઓ પતાવી દાતા ખાતે પ્રોગ્રામમાં પહોંચ્યા.

નીચેના કોષ્ટકમાં ૧લી નવેમ્બર, ૨૦૧૪થી ૨૮ ફેબ્રુઆરી, ૨૦૧૫ સુધીની  વિચરણની માહિતી જણાવી છે :

વિગત                          આંકડાકીય માહિતી

કુલ દિવસો                          ૧૨૦

અમદાવાદ સેન્ટર કે અન્ય         ૧૫૫

ગામોનું વિચરણ

વિચરણના કુલ કિલોમીટર         ૧૨,૦૯૨થી વધુ

કુલ સભાઓ                        ૧૫૭

કથાવાર્તાનો લાભ આપ્યો         ૨૧૧ કલાકથી વધુ

લાભ લેનાર મુમુક્ષુ                 ૧,૩૩,૪૧૦ થી વધુ

પ્રાતઃ સભાઓમાં લાભ           ૮૨ સભા

સમૈયામાં લાભ                     ૨૦ સભા

જ્ઞાનશિબિરોમાં લાભ              ૧૯ સભા

શાકોત્સવોમાં લાભ                    ૧૧સભા

STKના મુક્તોને લાભ             ૭ સભા

પધરામણીમાં લાભ                 ૩૬થી વધુ

મંદિરના પાટોત્સવ પ્રસંગે લાભ ૩ સભા

પ્રતિષ્ઠા મહોત્સવમાં લાભ         ૧   

શિલાન્યાસ સમારોહમાં લાભ   

બોર્ડ અનાવરણ પ્રસંગે લાભ     

દાતા ગામે પ્રોગ્રામ પતાવી એક વાગ્યે વાસણા પરત પધાર્યા ને અડધા દિવસમાં તો લગભગ ૩૦૦ કિ.મી.ની સફર થઈ.

બપોરે વાસણા આવી ઠાકોરજી જમાડ્યા ને તરત જ સુરત જવા નિર્ધાર્યું. પૂ. સંતો તથા સાથેના કેટલાક હરિભક્તોએ બપોરે થોડોક આરામ કરવા નમ્ર પ્રાર્થના કરી.

પરંતુ દરિયાના પાણીને રોકી ન શકાય તેમ આ દિવ્યપુરુષના આગ્રહો ને સંકલ્પોમાં રુકાવટ લાવી ન શકાય.

ગુરુવર્ય પ.પૂ. બાપજી તો બપોરે જમાડીને સુરત જવા ગાડીમાં બેસી ગયા. ત્યાં જઈને પણ લગભગ બાર-તેર જેટલી પધરામણીઓ કરી ને રાત્રે આઠ વાગ્યે સુરત મંદિરે પહોંચ્યા. એમ એક દિવસમાં કુલ ૬૦૦ કિ.મી.નું વિચરણ કર્યું.

આખા દિવસનો થાક લાગ્યો છે તે સામે દૃષ્ટિ કરવાને બદલે બીજા દિવસે ૮ કલાકની સભા કરી સૌના જીવમાં મહારાજનો મહિમા ભરી સૌને ખૂબ બળિયા કર્યા.

તે જ દિવસે ઠાકોરજી જમાડી રાત્રે વડોદરા જવા નીકળ્યા. બીજા દિવસે વડોદરા પ્રાતઃ સભા પતાવી સીધા જ અમદાવાદ-નરોડા સભામાં હાજરી આપી અને સાંજે સ્વામિનારાયણ ધામ, ગાંધીનગર લાભ આપવા પધાર્યા.

આવી રીતે પોતાના સ્વાસ્થ્ય પરત્વે કઠોરતા કેળવી અવિરત વિચરણ તેઓએે કર્યું છે.

પુષ્પ ૨

ગુરુવર્ય પ.પૂ. બાપજીના આવા વણથંભ્યા, આકરા વિચરણના પ્રસંગો વાંચી અહોહોભાવ આકારે બનેલા એક હરિભક્ત ગુરુવર્ય પ.પૂ. બાપજી પાસે આવ્યા.

તેમણે દિવ્યભાવે દંડવત-દર્શન કરીને ગુરુવર્ય પ.પૂ. બાપજીને વિનમ્રભાવે પૂછ્યું, “બાપજી, આપ અવરભાવની ૮૪ વર્ષની જૈફ વયે આટલું બધું અથાક વિચરણ અને સતત દાખડા કેમ કર્યા કરો છો ? આપનું અવરભાવનું સ્વાસ્થ્ય પણ સારું રહેતું નથી. વળી, આપને અવરભાવમાં ડાયાબિટીસની તકલીફ છે અને બાયપાસ સર્જરી પણ કરાવેલ છે. એમાંય પ.પૂ. સ્વામીશ્રી અને પૂ. સંતો તો ઘણો દાખડો કરીને વિચરી જ રહ્યા છે. માટે આપને આવી સ્થિતિમાં બહુ વિચરણ કરવાની જરૂર જણાતી ન હોવા છતાં આટલા બધા વિચરણનો આગ્રહ આપ કેમ દર્શાવો છો ?”

આમ કહી તે હરિભક્તે ગુરુવર્ય પ.પૂ. બાપજીને તેઓના વિચરણ કરવા પાછળનું રહસ્ય પૂછ્યું.

તે સાંભળી સિદ્ધાંત પ્રવર્તનની અસ્મિતાના સાગર એવા ગુરુવર્ય પ.પૂ. બાપજી તે હરિભક્ત પ્રત્યે બોલ્યા કે, “આપણા મહારાજ નીલકંઠવર્ણી વેશે ૧૧ વર્ષની નાનકડી ઉંમરે ૭ વર્ષ સુધી ઉઘાડા ચરણે ચાલતાં વનમાં અને આખા ભારતમાં વિચર્યા છે. સમગ્ર ભારતના ખૂણે ખૂણે કેવળ જીવોને પોતાનું સર્વોપરી સ્વરૂપ ઓળખાવી આત્યંતિક કલ્યાણના અધિકારી કરવા માટે વ્યક્તિ વ્યક્તિ સુધી પહોંચ્યા છે તથા પરોક્ષનાં તીર્થોમાં પણ મુમુક્ષુઓને દર્શન આપવા માટે પધાર્યા છે. તે માટે તેમણે ક્યારેય ઊંઘ, ભૂખ, થાક કે તકલીફ, મુશ્કેલી સામે જરાય જોયું નથી. કારણ કે આપણા મહારાજનો અનંતકોટિ બ્રહ્માંડના સર્વે જીવોને પોતાના સ્વરૂપની ઓળખાણ કરાવી મૂર્તિના સુખભોક્તા કરવાનો પ્રચંડ સંકલ્પ હતો. એ માટે જ તેઓએ પરોક્ષ સંપ્રદાયો કરતાં અતિ ઉત્કૃષ્ટ પોતાનો આગવો સ્વામિનારાયણ સંપ્રદાય સ્થાપ્યો છે.”

ગુરુવર્ય પ.પૂ. બાપજી આમ જ્યારે બોલવા લાગ્યા ત્યારે તે હરિભક્ત બાપજીને નીરખી જ રહ્યા.

ગુરુવર્ય પ.પૂ. બાપજીએ બોલવાનું ચાલુ જ રાખ્યું :

“પરંતુ એ જીવો નવા આદરવાળા હોવાથી શ્રીજીમહારાજના સ્વરૂપને યથાર્થ ઓળખી શકતા નહોતા. તેથી શ્રીજીમહારાજનો સર્વોપરી ઉપાસના અને અનાદિમુક્તની સ્થિતિના પ્રવર્તનનો સંકલ્પ એ વખતે સાકાર થઈ શક્યો નહીં. તેથી એ સંકલ્પને વધુ વેગ આપીને સાકાર કરવા માટે શ્રીજીમહારાજના આશીર્વાદથી જ શ્રીજીસંકલ્પમૂર્તિ આપણા અબજીબાપાશ્રી આ બ્રહ્માંડમાં પ્રગટ થયા. અને સંપ્રદાયમાં સર્વોપરી ઉપાસના અને અનાદિમુક્તની સ્થિતિના પાતાળમાં પાયા નાખીને સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ સત્સંગમાંય સત્સંગ એવો સર્વોત્કૃષ્ટ કારણ સત્સંગ સ્થાપ્યો. આ કારણ સત્સંગમાં અનેક મુમુક્ષુઓને ખેંચીને અનાદિમુક્તની સ્થિતિ પમાડવા માટે આપણા બાપાશ્રી ઠેર ઠેર ખૂબ વિચરતા હતા. બાપાશ્રીની વાતોમાં ભાગ-૨ની ૧૧૧મી વાતમાં બાપાએ પોતાનો આ સંકલ્પ જણાવતાં કહ્યું છે કે, ‘અમારે તો જીવને ઠેઠ મૂર્તિમાં મૂકવા છે. બીજો કોઈ અર્થ સારવો નથી. તેથી રાત કે દિવસ જોતા નથી. ક્યારેય નવરા રહેતા નથી.’ સ્વયં બાપાશ્રીએ પણ આ કારણ સત્સંગના સર્વોપરી જ્ઞાન અને સિદ્ધાંતોને સમગ્ર વિશ્વમાં ચારેબાજુ પ્રવર્તાવવા માટે કેટલાં બધાં કષ્ટો વેઠી અપાર દાખડા કર્યા છે !”

“એટલે તમે પણ બાપાશ્રીના પગલે ચાલો છો...”

તે હરિભક્તને હસ્તના લટકે ચૂપ કરતાં તેઓ પોતાનો આગ્રહ જણાવતાં બોલ્યા :

“માટે અમને તો નિરંતર એક જ આગ્રહ વર્તે છે કે, ‘કેમ કરીને બાપાશ્રીએ આપેલાં આ સર્વોચ્ચ જ્ઞાન અને સિદ્ધાંતોયુક્ત કારણ સત્સંગ દેશ-પરદેશમાં, આખા વિશ્વમાં અને અનંત બ્રહ્માંડોમાં પ્રવર્તે... અમારે તો સમગ્ર વિશ્વના એકેએક દેશ, તેના એકેએક રાજ્ય, અને એ રાજ્યોના તમામ જિલ્લા, તેના તમામ તાલુકા અને તમામ ગામડાંઓમાં કારણ સત્સંગનો વિશ્વવ્યાપી પ્રચાર કરીને મહારાજ અને બાપાશ્રીનો સંકલ્પ પૂરો કરવો છે અને આ કારણ સત્સંગને વિશ્વવ્યાપી કરવા માટે જ અમે રાત્યદિન જોયા વગર આ ઉંમરે પણ આટલા બધા દાખડા કરી રહ્યા છીએ અને એટલે જ અમે સંતોને પણ કહીએ છીએ કે, ‘સંતો ! તૂટી પડો !!! જેમ ઘોડાના ડાબલા પૃથ્વીને ખૂંદી વળે તેમ તમે આખા વિશ્વને ખૂંદી વળો... એક મિનિટ પણ નવરા ન રહો...’ અત્યારે કારણ સત્સંગને સમગ્ર વિશ્વમાં ફેલાવવાનો શ્રીજીમહારાજ અને બાપાશ્રીનો બહુ પ્રબળ સંકલ્પ છે. અને આવા સંકલ્પથી જ સ્વયં શ્રીજીમહારાજે આ SMVS સંસ્થાનું સ્થાપન કર્યું છે. અને એટલે જ અમે હરહંમેશ કહીએ છીએ કે કારણ સત્સંગ વિશ્વવ્યાપી થશે !!”

તે હરિભક્ત ગુરુવર્ય પ.પૂ. બાપજીના સિદ્ધાંત પ્રવર્તન માટેના આગ્રહ ને અવિરત વિચરણની વાત સાંભળતાં સ્તબ્ધ થઈ ગયા. અને બોલ્યા :

“બાપજી, આપનો સંકલ્પ છે એટલે કારણ સત્સંગ વિશ્વવ્યાપી થશે જ...”

“ભગત, સાંભળો તો ખરા.

અમારે માત્ર કારણ સત્સંગ ઝાઝા લોકોના પરિચયમાં આવે, ‘કારણ સત્સંગ’ શબ્દનો જ પ્રચાર-પ્રસાર થાય એવું નથી કરવું. અમારે તો દરેકના વ્યક્તિગત આંતરજગતમાં કારણ સત્સંગ પ્રવર્તાવવો છે. કારણ સત્સંગના સિદ્ધાંતો દરેક વ્યક્તિની રગેરગમાં પ્રવર્તાવવા છે. અનંતને શ્રીજીમહારાજનું સર્વોપરી સ્વરૂપ જેમ છે તેમ ઓળખાવી અનાદિમુક્તની સ્થિતિ પમાડી અનંત ચૈતન્ય મંદિરોની વણઝાર રચીને અનાદિમુક્તોનો દિવ્ય સમાજ રચવો છે. અને જ્યારે આ સંકલ્પ ફળીભૂત થશે ત્યારે જ અમારા કરેલા આ બધા દાખડા લેખે લાગશે.”

આવો ભવ્ય અને પ્રચંડ સંકલ્પ છે ગુરુવર્ય પ.પૂ. બાપજીનો કે જેની ઊંચાઈને કલ્પવી તે માયિક મન-બુદ્ધિની ક્ષમતા બહાર છે.

ગુરુવર્ય પ.પૂ. બાપજીના મુખે આવા ખમીરવંતા શબ્દો સાંભળી હરિભક્ત તો તેમના ચરણોમાં ઢળી જ પડ્યા.

પુષ્પ ૩

ગુરુવર્ય પ.પૂ. બાપજી કારણ સત્સંગને વિશ્વવ્યાપી કરવા માટે અતિ ઉત્સુક છે.

તેના માટે તો તેઓ પોતાના અવરભાવના સ્વાસ્થ્યની પણ જરીયે દરકાર ન કરે. તેઓના જીવનમાં હરપળ આ સંકલ્પને સાકાર કરવાના આગ્રહની અનુભૂતિ થાય.

તા. ૧૯મી ઑગસ્ટ, ૨૦૧૬ના રોજ ગુરુવર્ય પ.પૂ. બાપજી અને વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી સંતમંડળે સહિત નૉર્થ અમેરિકા ખાતે વિદેશ વિચરણાર્થે પધારવાના હતા.

તેના પંદર દિવસ પૂર્વે તા. ૩-૮-૨૦૧૬થી તા. ૧૬-૮-૨૦૧૬ દરમ્યાન શ્રીજીમહારાજની ઇચ્છાથી ગુરુવર્ય પ.પૂ. બાપજીએ સ્વતંત્રપણે ગંભીર મંદવાડલીલા ગ્રહણ કરી હતી.

તેથી વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી અને પૂ. સંતો ચિંતિત હતા કે, “ગુરુવર્ય પ.પૂ. બાપજી વિદેશ વિચરણ માટે પધારશે કે કેમ ?”

કારણ કે આવી સ્થિતિમાં તેઓ વિદેશ પધારે તે તેઓના સ્વાસ્થ્ય માટે હિતાવહ ન હતું.

તેઓની સેવામાં રહેલા તમામ ડૉક્ટરોનો પણ એ જ અભિપ્રાય હતો કે, “ગુરુવર્ય પ.પૂ. બાપજી વિદેશ ન પધારે તો સારું.”

પરંતુ ગુરુવર્ય પ.પૂ. બાપજી તો સ્વતંત્ર સત્પુરુષ છે. તેઓ તો ઇચ્છે ત્યારે સ્વતંત્ર થકા મંદવાડ ગ્રહણ કરે અને સ્વતંત્ર થકા મંદવાડને રજા આપે.

તા. ૧૬મી ઑગસ્ટના રોજ વ્હાલા ગુરુવર્ય પ.પૂ. બાપજી અચાનક મોડી રાત્રે બે વાગ્યે જાગી ગયા.

અને સૌ સંતોને જગાડીને કહ્યું, “અમે મંદવાડ ગ્રહણ કરીને બેસી રહીશું તો કારણ સત્સંગ કેવી રીતે વિશ્વવ્યાપી થશે ? અમારે તો કારણ સત્સંગને વિશ્વવ્યાપી કરવો છે. માટે આજથી આ મંદવાડ ગયો.”

એમ કહી તેઓએ મંદવાડને રજા આપી દીધી.

“હવે મહારાજ અમેરિકામાં કારણ સત્સંગના ડંકા દેશે. માટે અમેરિકા જવાની તૈયારી કરવા મંડી પડો.” એમ કહી તેઓ શાંત ચિત્તે પોઢી ગયા.

બીજે દિવસે સવારે છ વાગ્યે બ્લડપ્રેશર ચેક કરતાં નૉર્મલ જણાવ્યું અને બપોરે બાર વાગ્યે બ્લડ રિપૉર્ટ કરાવ્યા જે બિલકુલ નોર્મલ આવ્યા.

આ રીતે ગુરુવર્ય પ.પૂ. બાપજીએ સ્વતંત્રપણે મંદવાડલીલા સંકેલી તા. ૧૯મી ઑગસ્ટ, ૨૦૧૬થી તા. ૧૫મી સપ્ટેમ્બર, ૨૦૧૬ સુધી વિદેશ વિચરણ કરી કારણ સત્સંગના વિશ્વવ્યાપી કરવાના સંકલ્પ માટે વધુ સમર્થન આપ્યું.

“કારણ સત્સંગ વિશ્વવ્યાપી થશે...” આ શબ્દો કોઈ આ લોકની વ્યક્તિના મુખમાંથી નીકળેલા નથી. આ શબ્દો કક્કા, બારાક્ષરીના અક્ષરોની રચના નથી. પરંતુ સ્વયં સ્વામિનારાયણ ભગવાનનો ભવ્ય અને દિવ્ય સંકલ્પ છે.

ગુરુવર્ય પ.પૂ. બાપજી દ્વારા આ સંકલ્પને વહેવડાવનાર સ્વયં અનંતકોટિ બ્રહ્માંડના અધિપતિ સ્વામિનારાયણ ભગવાન છે. આ સંકલ્પ ગુરુવર્ય પ.પૂ. બાપજીનો નથી, પણ સ્વયં શ્રીજીમહારાજનો છે; કારણ કે શ્રીજીમહારાજ એમના દ્વારા સર્વે કાર્ય કરી રહ્યા છે.

તેમના સંપૂર્ણ કર્તા શ્રીજીમહારાજ છે. માટે તેઓનો આ પ્રચંડ સંકલ્પ જરૂરથી સાકાર થશે જ અને એ પણ શ્રીજીમહારાજ જ પૂર્ણ કરશે.

કારણ સત્સંગ એ સ્થાનવાચક શબ્દ નથી પરંતુ જ્ઞાન અને સિદ્ધાંતવાચક શબ્દ છે.

માટે કારણ સત્સંગને વિશ્વવ્યાપી કરવો એનો અર્થ SMVS સંસ્થાને વિશ્વવ્યાપી કરવી તે નથી, પરંતુ કારણ સત્સંગના સનાતન સિદ્ધાંતોને વિશ્વભરમાં પ્રવર્તાવવા તે જ ગુરુવર્ય પ.પૂ. બાપજીનો અસીમિત અને અતિ વિશાળ સંકલ્પ છે.