માન-અપમાન મેં એકતા, સુખ-દુઃખ મેં સમભાવ

ગુરુવર્ય પ.પૂ. બાપજી ચાર-પાંચ વર્ષ પૂર્વે સાંપ્રદાયિક બંધનોથી નિર્બંધ થયા હોવાથી જ્યાં જાય ત્યાં ‘વિમુખ... વિમુખ’નો ગોકીરો મચતો હતો. અપમાન, તિરસ્કાર સાથે હડધૂત કરી નખાતા હતા.

ન તો મંદિરમાં પેસવા દે, ન તો ગામમાં ઉતારો કે સભા કરવા દે. આવા વિકટ સમયમાં પણ ગુરુવર્ય પ.પૂ. બાપજી હિંમત હાર્યા વિના વિચરણ કરતા હતા.

ઈ.સ. ૧૯૮૯માં ગુરુવર્ય પ.પૂ. બાપજી અને પ.પૂ. સ્વામીશ્રી જીવનપ્રાણ બાપાશ્રીના પાદસ્પર્શથી પ્રસાદીભૂત થયેલી કચ્છની ધન્ય ધરા પર સત્સંગ વિચરણાર્થે પધાર્યા હતા.

ત્યારે સંતો-હરિભક્તો સાથે ગુરુવર્ય પ.પૂ. બાપજી પ્રસાદીના સ્થાનનાં દર્શન કરી નીકળતા હતા. એ વખતે દસ-પંદર હરિભક્તોની સભા ચાલતી હતી.

મોટેરા સંત કથા કરતા હતા. તેઓ ગુરુવર્ય પ.પૂ. બાપજીની સાધુતાથી પરિચિત હતા તેથી તેમણે આદર સહિત કહ્યું, “જય સ્વામિનારાયણ... સ્વામી, અહીં સભામાં પધારો.”

ગુરુવર્ય પ.પૂ. બાપજીને જોતાં જ પેલા મોટેરા સંતને તેમના વિષે ગુણભાવ તથા મહિમા હોવાથી આનંદ થયો.

ગુરુવર્ય પ.પૂ. બાપજી વડીલ સંતને ચરણસ્પર્શ કરી સભામાં બિરાજ્યા. વડીલ સંતે ગુરુવર્ય પ.પૂ. બાપજીને વિનંતીના સ્વરૂપમાં કહ્યું, “સ્વામી, વાતું કરો ને !”

ગુરુવર્ય પ.પૂ. બાપજીએ બાજુમાં બિરાજેલા પ.પૂ. સ્વામીશ્રીને કહ્યું, “સ્વામી, સભામાં વાતું કરો.” ગુરુ બિરાજ્યા હોય ને શિષ્ય થઈ વાત કરતાં પ.પૂ. સ્વામીશ્રીએ થોડો ક્ષોભ અનુભવ્યો, પણ મરજી જાણી વાતું કરવાની ચાલુ કરી દીધી.

ગુરુવર્ય પ.પૂ. બાપજીની આજ્ઞા થતાં પ.પૂ. સ્વામીશ્રીએ બાપાશ્રીના મહિમાની વાતો શરૂ કરી. પોતાના સ્થાનમાં કોઈ અન્ય સંતો આવ્યા તે ત્યાંના નાના સંતને ન ગમ્યું. એટલે પ.પૂ. સ્વામીશ્રીને વાતો કરતાં હજુ પાંચ મિનિટ જ થઈ હશે. ત્યાં તો સભાની પાછળ એક તેજોદ્વેષીએ સભામંડપની બહાર જઈ ગુરુવર્ય પ.પૂ. બાપજીને હાથનો ઇશારો કરી બહાર બોલાવ્યા. તેમની આંખો અને મોં પર આક્રોશના ભાવો વ્યક્ત થતા હતા.

ગુરુવર્ય પ.પૂ. બાપજી નજીક પહોંચ્યા ત્યાં તો કટુ વચનોનો વરસાદ વરસવા માંડ્યો કે, “તમારા બાપનું મંદિર છે ? વિમુખ થઈ કોને પૂછી અંદર આવ્યા ? અમારું મંદિર અભડાવ્યું. અહીં સભામાં આવીને બેઠા જ કેમ ? જાવ અત્યારે ને અત્યારે અહીંથી ચાલ્યા જાવ. એક મિનિટ ન ઊભા રહો.” આવી રીતે ન બોલવાના અનેક અપશબ્દો દ્વારા અપમાન કરી નાખ્યું.

તે તેજોદ્વેષી પોતાના કરતાં ઉંમરમાં નાના હતા છતાં ગુરુવર્ય પ.પૂ. બાપજીએ તેમને એક શબ્દ ન કહ્યો. બે હાથ જોડીને માત્ર સાંભળતા જ રહ્યા.

પ.પૂ. સ્વામીશ્રી સભામાં વાત કરતા હતા. પરંતુ તેમની દૃષ્ટિ તો પાછળ આ જે બની રહ્યું હતું તે તરફ જ હતી. તેઓ તુરત સભાને વિરામ આપી ઝડપથી પાછળ આવ્યા. ત્યાં સુધીમાં તો વાર્તાલાપ પૂરો કરી દીધો.

પ.પૂ. સ્વામીશ્રીને અણસાર આવી ગયો હતો એટલે ગુરુમહિમાના નાતે પોતાના ગુરુ માટે કોઈ એક શબ્દ પણ બોલે તે કેમ ખમી શકાય ? આથી પ.પૂ. સ્વામીશ્રી પેલા તેજોદ્વેષીને કંઈક કહેવા જાય તે પહેલાં જ ગુરુવર્ય પ.પૂ. બાપજીએ તેમને રોકી લીધા.

ત્યારે પ.પૂ. સ્વામીશ્રીએ ગુરુવર્ય પ.પૂ. બાપજીને પૂછ્યું કે, “દયાળુ, બોલો તે તમને શું કહેતા હતા ?”

ત્યારે ગુરુવર્ય પ.પૂ. બાપજીએ કહ્યું, “કાંઈ નહીં. સ્વામી, ખબડદાર જો એક શબ્દ પણ બોલ્યો છું તો ! ચાલો, આપણે આગળ જવાનું મોડું થાય છે માટે ગાડીમાં બેસી જઈએ.”

માન-અપમાનમાં એકતા અને સુખ-દુઃખમાં જેમને સમભાવ વર્તે છે એવા ગુરુવર્ય પ.પૂ. બાપજીને પ.પૂ. સ્વામીશ્રી તથા હરિભક્તોએ પૂછવા અતિશે આગ્રહ કર્યો.

ત્યારે ગુરુવર્ય પ.પૂ. બાપજીએ કહ્યું, “એ તો ખબરઅંતર પૂછતા હતા અને જમાડીને જજો; એ વિના નીકળતા નહિ એમ કહેતા હતા. પણ મેં કહ્યું, આગળ જવાનું મોડું થાય છે માટે નહિ રોકાઈએ.”

એટલે ગુરુવર્ય પ.પૂ. બાપજીના તિરસ્કારને પણ સત્કાર ગણાવતા શબ્દો સાંભળી સૌ ચૂપ થઈ ગયા. પરંતુ ગુરુવર્ય પ.પૂ. બાપજીની પાછળ છેટેથી કોઈ હરિભક્તે બધું સાંભળ્યું હતું.

એટલે પ.પૂ. સ્વામીશ્રીએ કહ્યું, “પણ... બાપજી, આપના માટે જેમ તેમ ‘તું’કારે બોલે તે મારાથી કેમ ખમી લેવાય ??”

“સ્વામી ! નહિ, આપણે એક પણ શબ્દ નહિ બોલવાનો. આપણે તો સહન જ કરવાનું હોય. મહારાજે પણ શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી છે કે, ‘સાધુએ તો તુચ્છ જીવોનાં માન-અપમાનને પણ સહન કરવાં અને તેનું હિત થાય તેમ મનમાં સંકલ્પ કરવો પણ ભૂંડું થાય તેવું તો ઇચ્છવું જ નહીં.’ તો આ તો ભલે ગમે તે હોય તોપણ શ્રીજીમહારાજના સંત છે. માટે આપણે એક શબ્દ પણ ન બોલાય.” ગુરુવર્ય પ.પૂ. બાપજીએ કહ્યું.