“સ્વામી, હવે ક્યાં સુધી આ સ્ટેડિયમની પાળે જ સભા કરવાની ? અમને તો અઠવાડિયે એક વાર જ આપનો લાભ મળે ? જો આપણું મંદિર હોય તો અમને આપની કથાવાર્તાનું વિશેષ બળ રહે.”
“હા સ્વામી, આ ભગતની વાત સાચી છે... આપે અમને જે નિષ્ઠા કરાવી છે, તેવી નિષ્ઠા નવા મુમુક્ષુઓને થાય તે માટે મંદિર હોય એ જરૂરી છે.”
“મંદિર હશે તો ધ્યાન-ભજનભક્તિ માટે મુમુક્ષુઓને સ્થાન મળી રહેશે. વળી સ્વામી, આપ જે સિદ્ધાંતના પ્રવર્તન માટે રાત-દા’ડો દાખડો કરો છો તેને મંદિર દ્વારા જ વેગ મળશે. માટે અમારી સૌની મંદિર કરવાની પ્રાર્થના સ્વીકારો...”
ત્યારે ગુરુવર્ય પ.પૂ. બાપજીએ હરિભક્તોને કહ્યું, “આપણા અમીરપેઢીના સમર્થ સદ્ગુરુ ઈશ્વરબાપાએ સૌપ્રથમ કારણ સત્સંગના સિદ્ધાંતોના પ્રચાર-પ્રસાર માટે આ વિસ્તારમાં કારણ સત્સંગનું સ્થાન (મંદિર) કરવાનો સંકલ્પ જણાવ્યો હતો તે અહોનિશ અમને સાંભરે છે... અને એ મંદિર કરવા હેતુથી જ અમે આ વિસ્તારમાં સત્સંગ કરાવવા આવીએ છીએ. પરંતુ અમે સંકલ્પ સ્પષ્ટ જણાવી શકતા નહોતા તે મહારાજ તમારા મુખે બોલ્યા. તમારા બધાનો સાથ-સહકાર હોય તો મહારાજ, બાપા ને સદ્ગુરુના સંકલ્પને પૂરો કરવાનો ચાલુ કરીએ. ”
આમ, ગુરુવર્ય પ.પૂ. બાપજીએ હરિભક્તોની પ્રાર્થના સ્વીકારી બાપુનગરની આસપાસના વિસ્તારમાં જગ્યા શોધવાનો પ્રારંભ કરાવ્યો. બાપુનગર, હરદાસનગર, નવલખા બંગલાની આસપાસ ઘણી તપાસ કરી પણ જગ્યા માટે કાંઈ મેળ ન પડ્યો.
જમીન શોધતાં ઓઢવ વિસ્તારમાં પધાર્યા. આ ઓઢવ વિસ્તારમાં જ જાણે મહાપ્રભુને બિરાજમાન થઈ, પોતાના સિદ્ધાંતોના પ્રવર્તન માટેના અવિચળ ખૂંટ ખોડવાના હોય એવું અનુભવાયું !
જોગાનુજોગ આ ઓઢવ વિસ્તારમાં જ ગુરુવર્ય પ.પૂ. બાપજીના અતિ કૃપાવંત પાત્ર એવા પ.ભ. પુરુષોત્તમભાઈ રામાણીની ‘ઘનશ્યામનગર’ સોસાયટીની સ્કીમ મુકાયેલી હતી.
ગુરુવચને કુરબાન થઈ જનારને માત્ર ઇશારો પૂરતો છે. તે મુજબ ગુરુવર્ય પ.પૂ. બાપજીએ માત્ર મંદિર માટે જમીન આપવા અંગે રુચિ જણાવી : “શ્રીજીમહારાજનો ઓઢવ વિસ્તારમાં બિરાજમાન થવાનો સંકલ્પ પ્રબળ છે, જો અહીં એક પ્લૉટ મળી જાય તો કેમ રહે ?”
“ભલે સ્વામી, મહારાજનો સંકલ્પ છે ને આપની રુચિ છે એટલે ઘનશ્યામનગર સોસાયટીમાંથી એક પ્લૉટ ફાળવી આપીએ. સ્વામી, કેટલા વારનો પ્લૉટ જોઈશે ?”
“૧૫૦૦ વારનો પ્લૉટ ફળવાય તો સારું !”
ત્યારે તેઓએ ઘનશ્યામનગર નામની એમની સોસાયટીમાંથી જ મંદિર માટે ૧૫૦૦ વાર જમીનનો પ્લૉટ ફાળવી આપ્યો.
એ વખતે ૧૫૦૦ વાર જમીનના ચૂકવવાના માત્ર પ,૬૨૫ રૂપિયા પણ ન હતા. જોડમાં કોઈ સાધુ ન હતા કે કોઈ હરિભક્તોનો વિશાળ સમૂહ પણ નહોતો. એ વખતે મંદિરના પ્લૉટની ચારેય બાજુ નર્યો વગડો હતો.
આથી નારાયણભાઈ તથા શંકરભાઈ આદિક ઘણા હરિભક્તો કહેવા માંડ્યા કે, “નથી કોઈ જોડ્યમાં સાધુ કે નથી કોઈ એવો હરિભક્તોનો સમૂહ ને આવડી મોટી જમીનનું શું કરશો ? સ્વામી, જમીન ખોટી પડી રહેશે. અને જમીન માટે રૂપિયા પણ ક્યાંથી લાવીશું ?”
પરંતુ ગુરુવર્ય પ.પૂ. બાપજીએ કહ્યું, “મહારાજનો સંકલ્પ બહુ બળિયો છે. માટે જમીન તો ૧૫૦૦ વાર જ લેવી છે.”
પોતાની અલ્પ બુદ્ધિએ હરિભક્તો ગુરુવર્ય પ.પૂ. બાપજી જેવા આર્ષદ્રષ્ટા પુરુષની દીર્ઘદૃષ્ટિને શું માપી શકે ? હરિભક્તોને મન આટલી મોટી જમીનની જરૂર જણાતી નહોતી.
પરંતુ ગુરુવર્ય પ.પૂ. બાપજી જાણતા જ હતા કે, “બીજાના બંધનમાં રહીને મહારાજ અને બાપાશ્રીએ સમજાવેલા સિદ્ધાંતોનો જેમ છે તેમ પ્રચાર નહિ જ થઈ શકે, તેમાં ઘણાં વિઘ્નો આવશે તથા સમય-સંજોગાનુસાર એકલપંડે સિદ્ધાંત પ્રવર્તન કાજે વિઘ્નસંતોષીઓ સમક્ષ ઝઝૂમવું જ પડવાનું છે.”
એ ભવિષ્યમાં બનનાર ઘટનાને ધ્યાનમાં રાખીને એ દિવ્યપુરુષે આટલી જમીન લેવાનું સાહસ કર્યું. ભલે હરિભક્તોનો સમૂહ નહોતો, જમીન ખરીદવા એક રૂપિયો નહોતો તેમ છતાં ગુરુવર્ય પ.પૂ. બાપજીને મહારાજ અને બાપાશ્રીના સંકલ્પો ઉપર ભરોસો હતો.
તેથી તેઓ હરિભક્તોને ક્યારેક ક્યારેક કહેતા કે, “હજુ જોજો તો ખરા... આ ૧૫૦૦ વાર જમીન પણ નાની પડશે.” આ એક જ વાક્યના પ્રત્યુત્તરમાં ગુરુવર્ય પ.પૂ. બાપજીની દીર્ઘદૃષ્ટિ જણાઈ આવતી જેથી સૌની દલીલો સમાઈ જતી.
એ વખતે ૧૫૦૦ વાર જમીન લેવાનું સાહસ વધુ પડતું છે એવું સમજાવનાર હરિભક્તોને ક્યાં અંદાજ પણ હતો કે આ ૧૫૦૦ વાર જમીન એ મહારાજ અને બાપાશ્રીના સિદ્ધાંતોના પ્રચાર માટેનું મહામોટું ધામ બની રહેશે !