મનુષ્યભાવ દિવ્ય પરમાણી, અલૌકિક મહિમા ઉર આણી

પુષ્પ ૧

સદ્‌. મુનિસ્વામીનું સાંનિધ્ય એટલે ગુરુવર્ય પ.પૂ. બાપજી માટે તો જાણે ‘ઘી અને ગૉળનાં ગાડાં.’ સુખ, સુખ અને સુખનો ધોધ. આનંદનાં વધામણાં... સદ્‌. મુનિસ્વામી પધાર્યાની ભાળ; જાણે એમના હૈયે અમૃતની હેલી...

ગુરુવર્ય પ.પૂ. બાપજી એ સ્વાનુભવ વર્ણવતાં ઘણી વાર કહેતા હોય છે કે,

“મહારાજે મને સદ્‌. મુનિસ્વામીને વિષે કદી મનુષ્યભાવનો સંકલ્પ ઊઠવા જ દીધો નથી. સ્વામીને નિરંતર દિવ્યભાવ અને નિર્દોષબુદ્ધિએ જ નિહાળ્યા છે. સ્વામીનું બોલવું; એમનું ચાલવું; એમનું જમાડવું; એમની વાતું કરવી-સાંભળવી આ બધી જ ક્રિયામાં મને બહુ સુખ આવતું. અને એમાંય સ્વામીની ધોળી ધોળી દાઢી...

આહાહા... શું એ દાઢી !! એ દાઢીનાં દર્શન કરતાં આંખો કદી તૃપ્ત જ ન થાય... કારણ, એ દાઢીમાં પણ મને દિવ્યતાનાં દર્શન થતાં.

વળી સ્વામી જ્યારે જમાડતા હોય અને ‘રોટલી’ શબ્દનો ઉચ્ચાર ‘રોઈટલી’ બોલે ત્યારે તો બહુ સુખ આવતું.

સ્વામી જ્યારે પોઢ્યા હોય ત્યારે પણ એમના સાંનિધ્યમાંથી મને દૂર જવાની ઇચ્છા જ ન થાય. બસ, એ દિવ્ય મૂર્તિને નિહાળ્યા જ કરું... નિહાળ્યા જ કરું... એવી અતૃપ્તિ મને સદાય રહ્યા કરતી.”

પુષ્પ ૨

સદ્‌. મુનિસ્વામી પ્રત્યેના દિવ્યભાવનાં દર્શનની વાત ઘણી વાર ગુરુવર્ય પ.પૂ. બાપજી કહેતા હોય છે, “અનંતકોટિ બ્રહ્માંડો આવીને સદ્‌. મુનિસ્વામીને હાથ જોડીને પ્રાર્થના કરે કે, ‘સ્વામી ! અમારું પૂરું કરો’ તો એક સેકન્ડમાં આ દિવ્યપુરુષ અનંતને મૂર્તિના સુખમાં મૂકી દે.”

એક વખત કોઈ હરિભક્તે ગુરુવર્ય પ.પૂ. બાપજીને પૂછ્યું કે, “આપને સદ્‌. મુનિસ્વામીનો કેવો મહિમા છે ?”

ત્યારે ગુરુવર્ય પ.પૂ. બાપજીએ કહ્યું કે, “હું આસને અને પૂજામાં બીજા સદ્‌ગુરુની એક એક મૂર્તિ રાખું છું, પરંતુ સદ્‌. મુનિસ્વામીની બે મૂર્તિ રાખું છું એવો મને સ્વામીનો મહિમા છે.” અર્થાત્‌ બાપાશ્રીએ વાતોમાં જણાવ્યા મુજબ ‘સર્વેને મોટા સમજવા પરંતુ જેના થકી આપણને સુખ મળતું હોય તેમને અતિ મોટા સમજવા.’ એ બાપાશ્રીનો અભિપ્રાય ગુરુવર્ય પ.પૂ. બાપજીના જીવનમાં સ્પષ્ટ દર્શન થાય છે.

આમ, ગુરુવર્ય પ.પૂ. બાપજી ગુરુના મહિમાથી અહોનિશ છલકાય છે.

પુષ્પ ૩

જ્યારે સદ્‌. મુનિસ્વામી પાટડી બિરાજતા ત્યારે ગુરુવર્ય પ.પૂ. બાપજી સદ્‌. મુનિસ્વામીનો લાભ લેવા વર્ષમાં ત્રણ મહિના બળદિયા ને પાટડી જતા. ગુરુવર્ય પ.પૂ. બાપજી અવારનવાર જણાવતા હોય છે કે, “સદ્‌. મુનિસ્વામી શ્રીજીમહારાજના સંકલ્પ સ્વરૂપ હતા એમ હું નિરુત્થાનપણે સમજું છું. કેમ જે સ્વયં મહારાજે મને સદ્‌. મુનિસ્વામીના પરભાવનો-દિવ્યતાનો અનુભવ કરાવ્યો હતો. માટે સદ્‌. મુનિબાપા સંકલ્પ સ્વરૂપ હતા એવો મેં અનુભવ કરેલો. એટલે જ એમને વિષે મને અપ્રતિમ પ્રીતિ ને દિવ્યભાવ રહેતો અને આજે પણ છે.”

આથી જ સદ્‌. મુનિસ્વામીના અવરભાવના સ્વરૂપમાં પણ ગુરુવર્ય પ.પૂ. બાપજી સદા અલૌકિક પરભાવનો મહિમા સમજતા અને જોગમાં આવનાર સૌને સમજાવતા.

પુષ્પ ૪

ગુરુવર્ય પ.પૂ. બાપજીના અંતરે વહેતું સદ્‌. મુનિસ્વામી પ્રત્યેના અપાર-અગાધ મહિમાનું ઝરણું પ્રેરણાપીયૂષ પૂરાં પાડી, અનંત મુમુક્ષુઓની તૃષાને છિપાવતું હતું.

‘શ્રેયાંસિ બહુ વિઘ્નાનિ’ અર્થાત્‌ ‘સારા કામમાં સો વિઘ્ન’ તેમ મહિમાની વાતો કરવા અને સાંભળવા જેવા શુભ કાર્યમાં પણ ઘણાં વિઘ્નો હોય છે. તેમ તેઓને પણ સદ્‌. મુનિસ્વામીનો મહિમા સમજવામાં ને ગાવામાં ઘણાં વિઘ્નો હતાં.

એક વખત કોઈએ સદ્‌. મુનિસ્વામીને ફરિયાદ કરતાં કહ્યું કે, “સ્વામી, આ દેવસ્વામી તમારો અને બાપાશ્રીનો મહિમા બહુ ગાય છે. માટે એમને તમે ના પાડો.”

ત્યારે સદ્‌. મુનિસ્વામીએ ટૂંકા અને સ્પષ્ટ શબ્દોમાં જવાબ આપતાં કહ્યું કે, “ભલે ને ગાય... એમાં ખોટું શું છે ? જેના જીવમાં હોય તે ગાય.”

એટલું કહ્યા બાદ સદ્‌. મુનિસ્વામીએ ગુરુવર્ય પ.પૂ. બાપજીને આજ્ઞા કરતાં કહ્યું કે, “મહારાજ અને મોટાનો મહિમા ખૂબ કહેવો. એના માટે તો આપણો જન્મ છે. એમાં પાછી પાની કરવી જ નહીં.”

ફરિયાદ કરવા આવેલા બધા અવાચક થઈ મનોમન વિચારી રહ્યા : “અલ્યા, આ શું થયું ? સ્વામી તો દેવસ્વામીને ના પાડવાને બદલે ઉપરથી વધુ માથે ચડાવે છે.”

સદ્‌. મુનિસ્વામીના દિવ્ય પ્રભાવથી કોઈ બોલી ન શક્યા. તેમને આ દીઠું ન ગમ્યું. પણ હવે તે શું કરે ?

પણ સદ્‌ગુરુશ્રીનાં વચન સાંભળી ગુરુવર્ય પ.પૂ. બાપજીને તો જાણે ‘ભાવતું ભોજન વૈદે દવામાં બતાવ્યું’ એવું બન્યું. તેમને તો ગુરુમહિમા ગાવાનો આનંદ ઊભરાતો હતો.

ગુરુવર્ય પ.પૂ. બાપજીએ એ દિવસથી અદ્યાપિ મહારાજ અને મોટાનો અલૌકિક મહિમા કહેવામાં સોંપો પડવા દીધો નથી.


if