પુષ્પ ૧
“સર્વોપરી ભગવાન મળ્યા અને એમની ઓળખાણ થયા પછી આ માથું બીજાને કેમ નમે ? બીજાનાં ગાણાં આ મુખે કરીને કેમ ગવાય ?” બસ એક જ વાત,
“નિષ્ઠા એક નાથની (ભગવાન સ્વામિનારાયણની), બીજું કાંઈ ન જોઈએ.” દેવુભાઈની આવી અકબંધ નિષ્ઠાની ધાક આખા વાસણ ગામમાં સૌને જણાતી.
આખું ગામ જાણતું હતું, “દેવુભાઈને જે ભગવાન સ્વામિનારાયણની નિષ્ઠા છે તેમાંથી ગમે તેવો શાસ્ત્રી કે પંડિત આવે તોપણ તેમને ડગમગાવી શકે તેમ નથી.”
“કોના ભગવાન સર્વોપરી...?”
“મારા સ્વામિનારાયણ ભગવાન એકમાત્ર સર્વોપરી ભગવાન છે.”
“અરે, તારા ભગવાન શાના સર્વોપરી ગણાય ? એ તો હમણાં પ્રગટ્યા છે... મારા ભગવાન જ સર્વોપરી છે.”
“બાવાજી, તમે ભૂલો છો. મારા સ્વામિનારાયણ ભગવાને સ્વમુખે ‘સર્વોપરી’ પોતાને કહ્યા છે અને પોતે સર્વોપરી કાર્યો પણ કર્યાં છે. તમારા ભગવાને આવું કંઈ કર્યું છે ? તમારા ભગવાનનું એક સર્વોપરી કાર્ય તો જણાવો.”
મંદિરના ઈશ્વર બાવાજી દેવુભાઈના પ્રશ્નોથી એકદમ ડઘાઈ ગયા. તેથી કંઈ બોલ્યા જ નહીં.
સ્વામિનારાયણ ભગવાનની નિષ્ઠાને લઈને મૂઢમતિ એવા બાવાજીને દેવુભાઈ ભારે પડ્યા. પછી બાવાજી દેવુભાઈની કેવી રીતે ટક્કર ઝીલી શકે ?
છતાં પોતાના વર્ષો જૂના વર્ચસ્વને બચાવવા બાવાજીએ દેવુભાઈ સાથે અતાર્કિક ને અપ્રમાણિત વાતોનાં પ્રમાણ આપવાનાં ચાલુ રાખ્યાં.
ચર્ચા આગળ ચાલી એટલામાં ગામના કેટલાય વડીલો ભેગા થઈ ગયા.
“બાવાજી, કાલે સવારે આ મંદિરની બાજુમાં મંદિરથી પણ ઊંચો લીમડો છે. તેની ટોચ ઉપર ચડી બંને નીચે કૂદકો મારશું. જેના ભગવાન સર્વોપરી, સર્વ અવતારના અવતારી હશે તેની તે રક્ષા કરશે.”
સ્વામિનારાયણ ભગવાનની નિષ્ઠાથી ઊભરાતા દેવુભાઈએ કરેલી સિંહગર્જનાથી બાવાજી અને ગામના વડીલો પણ અવાચક બની ગયા. ‘સર્વોપરી કોણ ?’ના શબ્દોથી ગુંજતું પરિવેશ અચાનક દેવુભાઈના નિષ્ઠાવાચક શબ્દોથી નીરવ શાંતિમાં ફેરવાઈ ગયું.
“ભલે ત્યારે, કાલે ફેંસલો થઈ જાય... જોઈ લઈએ...” આમ, ગામલોકોની વચ્ચે પોતાની આબરૂ રાખવા બાવાજી અહંકારમાં આવી બોલ્યા. પરંતુ માંહી બાવાજીને ફફડાટ પેસી ગયો.
તેઓ વિચારે ચડી ગયા : “જો હું ઉપરથી નીચે પડીશ તો મારું શું થશે ? મારાં એકેય હાડકાં સાજાં નહિ રહે. દેવુભાઈ તો નિષ્ઠાવાળો છે પણ મારી તો...” બાવાજી પોતાની ભગવાન પરત્વેની નિષ્ઠા જાણતા હતા તેથી તેમના મોતિયા મરી ગયા.
આમ, ગામ આખું બાવાજીના પક્ષમાં હતું તેથી સૌ કોઈ દેવુભાઈ પર હસતા હતા અને અંદરોઅંદર વાતો કરતા હતા.
“એ તો કાલે સવારે દેવુને ખબર પડશે. એનાં હાડકાં ભાંગી જશે ત્યારે...”
“બાવાજી જૂના છે અને ભક્તયે ખરા ! દેવુની નિષ્ઠા સાચી પણ શરત મૂકી ઉતાવળ કરી દીધી... પણ કાલ ખબર પડે !”
શ્રીજીમહારાજના સર્વોપરીપણામાં તેઓને કોઈ સંદેહ નહોતો તેથી તેઓ નિર્ભય અને સ્થિતપ્રજ્ઞ હતા.
બીજા દિવસની સવાર પડી. તમાશાને તેડું ન હોય એમ ગામ આખું મંદિર પાસે ભેગું થયું. “આજે કાં તો દેવુભાઈ નહિ ને કાં તો બાવાજી નહીં. બેમાંથી એક જ બચશે.” આમ બધા ભેગા મળી વાતો કરતા હતા.
દેવુભાઈ તો સવારે તૈયાર થઈ ગયા હતા પણ બાવાજીનો ક્યાંય પત્તો નહોતો. બધાએ બાવાજીને મંદિરમાં શોધ્યા પણ તેઓ મળે નહીં.
ત્યાં તો કોઈકે કહ્યું, “બાવાજી તો રાતોરાત પોતાનો વર્ષો જૂનો મઠ (આશ્રમ), વર્ષો જૂનું મંદિર અને ઠાકોરજીની સેવા, વર્ષો જૂનું ગામ અને ચેલાઓને બીકના માર્યા ત્યાં પડતાં મૂકીને ક્યાંય ચાલ્યા ગયા છે.”
બાવાજી દેવુભાઈની નિષ્ઠા સામે ટકી શક્યા નહિ એટલે કહેવાય ન રહ્યા ને પલાયન થઈ ગયા. ગામલોકોએ ગામ આખામાં બાવાજીને ખૂબ શોધ્યા પણ ન મળ્યા.
“દેવુભાઈ સાચા ને એમના ભગવાનેય સાચા. પણ બાવો તો ઠગારો હતો. વાહ ! દેવુભાઈ, વાહ !”
“દેવુભાઈ તો બાવા કરતાં નાનો છે પણ ભક્તિમાં એના કરતાંય મોટો નીકળ્યો.”
“નાનો નાનો પણ આ તો રાઈનો દાણો નીસર્યો.”
આમ, ગામલોકોને સહેજે દેવુભાઈની સ્વામિનારાયણ ભગવાન પરત્વે સર્વોપરીપણાની અડગ નિષ્ઠાનાં દર્શન થતાં સૌએ એમને વધાવી લીધા.
પુષ્પ ૨
“ભૂદેવ, અમે પરોક્ષના દેવની પૂજા નહિ કરીએ. અમે તો કેવળ સ્વામિનારાયણ ભગવાનની પૂજા કરીશું.” ગુરુવર્ય પ.પૂ. બાપજીના આ શબ્દોએ મણિપુરા ગામના અઢીસો ગ્રામજનોને આશ્ચર્યચકિત કરી દીધા. પ્રસંગ એમ છે.
કાંતિભાઈ જાદવભાઈ પટેલ બોરના ઉદ્ઘાટનના પ્રસંગે ગુરુવર્ય પ.પૂ. બાપજીને મણિપુરા ગામે તેડી લાવ્યા. તેઓના પિતાજી સ્વામિનારાયણ સંપ્રદાયમાં મોટેરા હરિભક્ત અને ગામમાં પણ આગેવાન હતા. એટલે એમના બોર ઉદ્ઘાટનમાં અઢીસો ગ્રામજનો ભેગા થયા હતા. બોર ઉદ્ઘાટન માટે એમણે મંગલ પૂજાવિધિનો પ્રસંગ રાખ્યો હતો. મંગલ વિધિનો પ્રારંભ થવાનો હતો ને ગુરુવર્ય પ.પૂ. બાપજી ત્યાં પધાર્યા. તેઓએ ગામના ભૂદેવને બોલાવી મંગલ પૂજાવિધિની તમામ સામગ્રીઓ તૈયાર રાખી હતી. પૂજાવિધિ માટે પરોક્ષના દેવને પધરાવવામાં આવ્યા હતા. એટલે ભૂદેવ બોલ્યા, “લો, સ્વામી, પૂજાનો પ્રારંભ દેવના પૂજનથી કરો.”
“ભૂદેવ, અમે પરોક્ષના દેવની પૂજા નહિ કરીએ. અમે તો સ્વામિનારાયણ ભગવાનની જ પૂજા કરીશું.”
“શું તમે આપણાં શાસ્ત્રોને નથી માનતા ?”
“ના, અમે શાસ્ત્રથી પર છીએ.”
“સ્વામી, હું વેદ, પુરાણ તથા ભાગવત આદિ શાસ્ત્રો ભણ્યો છું અને એમાં જે વિધિ જણાવ્યો છે તે પ્રમાણે પૂજા કરાવું છું.”
“તમે પરોક્ષનાં શાસ્ત્રો ભણ્યાં છો પણ અમે તો વચનામૃત ભણ્યા છીએ. એમાં જે વિધિ જણાવ્યો છે તેમ અમે કરીશું.” ગુરુવર્ય પ.પૂ. બાપજીનો વાર્તાલાપ સાંભળી કાંતિભાઈ, ગ્રામજનો તથા સત્સંગના અગ્રણીઓ આશ્ચર્યચકિત થઈ ગયા. સૌના આશ્ચર્યનું કારણ એક જ હતું : “અરે આ સાધુ જબરી નિષ્ઠાવાળા છે. અત્યાર સુધી અમારે ત્યાં કેટલાય સાધુઓ આવા બોરના ઉદ્ઘાટનમાં કે કોઈક પ્રસંગે આવ્યા હશે પણ કોઈએ આવી નિષ્ઠા દેખાડી જ નથી. અરે છે નાના સાધુ પણ એમની નિષ્ઠા ભારે છે.”
આ પ્રસંગમાં સમાજના પ્રતિષ્ઠિતો, ગામના અગ્રગણ્યો તથા સત્સંગના મોટેરા બધા આવ્યા હતા. તે બધાયને આવી નિષ્ઠાની અડગતા રાખવામાં કેવું લાગશે એનો કોઈ જ વિચાર તેઓએ ન કર્યો. તેઓને કોઈની મોબત નહિ, શેહ-શરમ નહીં. તેઓએ બસ, એક મહારાજ સામે જ દૃષ્ટિ રાખી. આ જોઈને સર્વે પણ આભા જ બની ગયા. એટલામાં ભૂદેવ બોલ્યા, “સ્વામી, તમે પૂજા ન કરો પણ હું તો પૂજા કરું ને !” આમ કહી જ્યાં ભૂદેવ પરોક્ષ દેવની પૂજા કરવા જાય ત્યાં તો તે દેવ અદૃશ્ય થઈ ગયા. “અરે, દેવ ક્યાં ગયા ? દેખાતા નથી ?” એમ કહી તેઓ તે મૂર્તિ શોધવા લાગ્યા.
ગુરુવર્ય પ.પૂ. બાપજી બોલ્યા, “ભૂદેવ, અમે અહીં જ્યાં સુધી છીએ ત્યાં સુધી તમારા દેવ તમને મળશે નહીં. સ્વામિનારાયણ ભગવાનની પૂજા કર્યા પછી જ તમારા દેવ આવશે.” બધાને એટલું નક્કી થઈ ગયું કે, “મહારાજે આ સ્વામીની નિષ્ઠાનો પરચો પૂર્યો છે.” ભૂદેવને તથા ગ્રામજનોને ગુરુવર્ય પ.પૂ. બાપજીએ પૂજાવિધિ માટે સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ આપી. ગુરુવર્ય પ.પૂ. બાપજીએ મહારાજની ખૂબ પ્રગટભાવે-દિવ્યભાવે પૂજાવિધિ કરી. જ્યાં પૂજાવિધિ પૂર્ણ થઈ, ગુરુવર્ય પ.પૂ. બાપજી ઊભા થયા ત્યાં બાજુના ખેતરમાંથી દેવની મૂર્તિ મળી.
આમ, ગુરુવર્ય પ.પૂ. બાપજીની કોઈ પણ પ્રસંગે નિષ્ઠા અતિ અડગ રહી છે.