રજોગુણનો લેશ નહીં

પુષ્પ ૧

ઈ.સ. ૨૦૧૨માં SMVS સંસ્થાને ૨૫ વર્ષ પૂર્ણ થતાં હોઈ રજત જયંતી પર્વે સુવર્ણ યુગનાં વધામણાં કરવાં સ્વામિનારાયણ ધામની સંકલ્પભૂમિ પર મહોત્સવનું આયોજન થયું હતું.

સૌ સંતો-હરિભક્તોના હૈયે સુવર્ણ યુગનાં વધામણાં કરવાનો અનેરો આનંદ હતો. તેથી રોજ વ્હાલા હરિકૃષ્ણ મહારાજ અને ગુરુવર્ય પ.પૂ. બાપજીનું વિવિધ સ્પોટ દ્વારા ભવ્યતાથી સ્વાગત કરવાનું આયોજન વિચાર્યું હતું.

SMVS રજત જયંતી મહોત્સવના પ્રથમ દિને તા. ૨૧-૧૨-૨૦૧૨ના રોજ સંત આશ્રમથી મુખ્યમંચ ઉપર ગુરુવર્ય પ.પૂ. બાપજી ભવ્ય સ્વાગત સાથે પધારે તે માટે સુવર્ણવર્ણી નયનરમ્ય સ્પોટ તૈયાર કર્યો હતો.

ગુરુવર્ય પ.પૂ. બાપજી મુખ્ય સભામંડપમાં પધારવા સંત આશ્રમમાંથી બહાર પધાર્યા.

સંત આશ્રમના પ્રાંગણમાં અગિયાર સાફાધારી યુવકો સુવર્ણવર્ણી સ્પોટ લઈ તત્પર ઊભા હતા.

સુવર્ણવર્ણી સ્પોટ જોતાં જ ગુરુવર્ય પ.પૂ. બાપજી ત્યાં ને ત્યાં જ થંભી ગયા.

સંતો-હરિભક્તોના અંતરમાં સ્વાગત કરવાનો આનંદ હતો.

પરંતુ તેમનું મુખ શ્યામળું થઈ ગયું. અંતર ઉદાસ થઈ ગયું.

પોતાના સેવક સંતને ઉદ્દેશીને કહ્યું, “આવા ભવ્ય રથ આપણને ન શોભે. સાધુના જીવનમાં રજોગુણનો લેશ ન આવવા દેવો; સાધુતા ઝળહળે નહીં. સાધુનું જીવન ખૂબ સાદું હોય. માટે આપણે આ રથમાં બેસવું નથી. આપણે સાદી ગાડીમાં બેસી જઈએ.”

સ્પોટ હાંકનાર યુવકો તત્પરતાથી ગુરુવર્ય પ.પૂ. બાપજી બિરાજે તેની રાહ જોતા હતા.

વળી, સભામંડપમાં પહોંચવાનું મોડું પણ થતું હતું.

તેથી સેવક સંતે ગુરુવર્ય પ.પૂ. બાપજીને પ્રાર્થના કરી કે, “દયાળુ, આ રથ સોના કે ચાંદીનો નથી. પણ કાષ્ઠ અને થર્મોકોલનો જ છે. વળી આપ આ રથ પર નહિ બિરાજો તો આ યુવકોનું દિલ દુભાય અને સભામાં પહોંચવાનું મોડું પણ થાય છે. માટે ફક્ત આજનો દિવસ આપ રાજી થઈ બિરાજો, અમારી ભૂલને ક્ષમા કરો.”

સૌ સંતોએ કેટકેટલીય વિનવણી કરી ત્યારે તેઓ કમને પરાણે સ્પોટમાં બિરાજ્યા, પણ મુખારવિંદ પર હાસ્યની કોઈ રેખા જોવા ન મળે.

સ્પોટમાં બેસવું રુચતું નહોતું તેથી છેવટે કહી દીધું કે, “આજે ભલે બેઠા; પણ કાલથી આપણી સાદી ગાડીમાં જ આવીશું.”

અને ખરેખર પછી મહોત્સવના બધા જ દિવસે ગુરુવર્ય પ.પૂ. બાપજી સાદી ગાડીમાં જ પધાર્યા. બનાવેલા તમામ સ્પોટ એમના એમ રહી ગયા.

રજત જયંતી મહોત્સવ જેવા મોટા મહોત્સવમાં હજારો-લાખો હરિભક્તો જેમના ભવ્ય સ્વાગતનાં દર્શન માટે તલપાપડ હતા તે દિવ્યપુરુષ ગુરુવર્ય પ.પૂ. બાપજીને તેની કોઈ સ્પૃહા નહોતી. પરંતુ રજોગુણના યોગે સાધુતામાં ફેર ન પડી જાય તેની ચિંતા હતી.

પુષ્પ ૨

એક દિવસ ગુરુવર્ય પ.પૂ. બાપજી વાસણા મંદિરમાં પોતાના આસને બિરાજમાન હતા. સંતો-ભક્તો એમનાં દર્શને આવતા એટલે એમને દર્શન આપવાં માટે તેઓ બિરાજ્યા હતા.

એક યુવક એમનાં દર્શન કરવા આવ્યો. તેણે ચેક્ષ પૅટર્નનો ભપકાદાર શર્ટ પહેર્યો હતો. એ શર્ટનો રંગ આંખોને આંજી દેતો હતો. એટલે બાપજીએ પ્રથમ એના પર દૃષ્ટિ ન કરી.

ગુરુવર્ય પ.પૂ. બાપજીએ તેમની સાથે પાંચ મિનિટ સત્સંગલક્ષી વાતો નીચી દૃષ્ટિએ કરી.

વાતો પૂર્ણ થતાં ગુરુવર્ય પ.પૂ. બાપજી યુવકના શર્ટ તરફ આંગળી ચીંધતાં બોલ્યા : “આપણે સત્સંગી છીએ. આવાં રજોગુણી શર્ટ આપણાથી ન પહેરાય. આ આપણને ના શોભે.”

“તો શું કરું બાપજી ?”

“શર્ટ બદલી નાખવો પડે. અરે એટલું જ નહિ પણ આજ પછી આવા ભપકદાર રજોગુણી આંખે ચોંટે એવાં વસ્ત્રો નહિ પહેરવાં.”

એ યુવક દર્શન કરી તરત જ પોતાના ઘરે રવાના થયો.

પછી એ યુવક સાદા-શ્વેત વસ્ત્ર પહેરી ફરી બાપજીનાં દર્શન કરવા આવ્યા.

ગુરુવર્ય પ.પૂ. બાપજી એમને સાદાં વસ્ત્રો પહેરેલાં જોઈ ખૂબ રાજી થઈ ગયા ને બોલ્યા : “મહારાજને સાદાં ને શ્વેત જ વસ્ત્રો ગમે છે ને અમને પણ સાદાં ને શ્વેત જ વસ્ત્રો ગમે.”

ગુરુવર્ય પ.પૂ. બાપજી પોતાના સ્વજીવનમાં તો રજોગુણનો લેશ આવવા કે જણાવવા દેતા નથી. પરંતુ પોતાના જોગમાં આવનારમાં પણ રજોગુણનો લેશ રહેવા દેવા માગતા નથી.

પુષ્પ ૩

એક વખત સાગરદાનભાઈ સ્વામિનારાયણ સાથે તેમના મિત્ર મોટા મંદિરે આવ્યા હતા.

તેઓ ગુરુવર્ય પ.પૂ. બાપજીની સાધુતાથી અત્યંત પ્રભાવિત હતા.

તેથી તેઓ સાગરદાનભાઈ સાથે ગુરુવર્ય પ.પૂ. બાપજીના આસને આવ્યા.

તેઓ જાણતા હતા કે, “ગુરુવર્ય પ.પૂ. બાપજી શ્રીજીમહારાજે આપેલ પાંચ વર્તમાનમાં શૂરા-પૂરા છે. એમાં તેઓ ક્યારેય છૂટછાટ લેતા નથી. માટે વર્તમાન લોપાય એવી કોઈ વસ્તુ કે પદાર્થ તેઓ નહિ લે.”

આથી તેઓ ગુરુવર્ય પ.પૂ. બાપજીની સેવા થાય તે માટે રેશમી ગૌમુખી લાવ્યા હતા.

તેઓએ ગુરુવર્ય પ.પૂ. બાપજીને ગૌમુખી આપતાં કહ્યું, “સ્વામી, આપ તો કંઈ લેતા નથી. તો મારી એક સેવા સ્વીકારો.”

“અરે, ભગત, આ અમારાથી ન વપરાય. આ રેશમી કાપડ રજોગુણી કહેવાય. અમારે સાધુઓને સુતરાઉ કાપડની ભગવી માટીથી રંગેલ ગૌમુખી જ વપરાય.”

“સ્વામી, તમે મારી... આટલી.. સેવા સ્વીકારો.”

“ભગત, મહારાજની આજ્ઞા લોપીને ન લેવાય એટલે આ ગૌમુખી તમે જ રાખો.”

“સ્વામી, હું ખૂબ ભાવથી આ ગૌમુખી લાવ્યો હતો. અમને ખબર છે કે આપ મહારાજની શિક્ષાપત્રીનું જીવંત સ્વરૂપ છો. એટલે આપ પૈસા કે પદાર્થ નહિ લો પણ ગૌમુખી તો લેશો જ. પણ આમાં પણ આપે મહારાજની આજ્ઞા જણાવી.”

અત્યારે પણ કોઈ હરિભક્તો કંઈ સારી વસ્તુ કે પદાર્થ ગુરુવર્ય પ.પૂ. બાપજી માટે લાવે ત્યારે પણ તેઓ તે અંગે લેશમાત્ર રુચિ ન જણાવે.

એ વખતે એમની તો બસ એક જ રુચિ હોય, “સાદું હોય એ જ સાધુનું; બાકી બીજું બધું ખોટું.”

આ અંગે ગુરુવર્ય પ.પૂ. બાપજીએ સંતોને પણ અવારનવાર શીખ આપતાં કહ્યું છે કે, “સંતો, આપણા બેસવામાં, જમવામાં, સૂવામાં, વિચરણમાં કે કોઈ વસ્તુના વપરાશમાં રજોગુણનો લેશમાત્ર અંશ પણ ન આવવા દેવો. આપણે સાવ સાદું જીવન રાખવું તો જ સાધુતા આવે.”

તેથી સંતો એમની રજોગુણ વિષેની દૃષ્ટિ અંગે વર્ણવતાં મુમુક્ષુઓને ઘણી વાર જણાવતા હોય છે, “એ દિવ્યપુરુષને રજોગુણ ફેલફિતૂર જેવો લાગે. રજોગુણનો લેશમાત્ર યોગ થાય તોય તેમને અરેરાટી થઈ જાય છે. એમના જીવનમાં સૂક્ષ્મદર્શક યંત્રથી પણ રજોગુણ શોધ્યો ન જડે. ગમે તેવા મોટા ઉત્સવ-મહોત્સવો હોય પરંતુ તેમાં સહેજ રજોગુણની છાંટ આવી જાય તો તેમનું મુખ શ્યામળું થઈ જાય. આ અંગે તેઓ ભારોભાર અરુચિ દર્શાવે.”