સાચા શૂરા રે જેના વેરી ઘાવ વખાણે

પુષ્પ ૧

“આ સ્વામી કોણ છે ? જુઓને, કેટલા ભગવદ્‌ પરાયણ છે ! છેલ્લા દોઢ કલાકથી હું જોઉં છું; તેઓ એકાગ્રતાથી ઘનશ્યામ મહાપ્રભુની પ્રદક્ષિણા કરી રહ્યા છે.”

“અરે, એ તો દેવસ્વામી છે...”

“ભાઈ, આ સ્વામી મોટા લાગે છે ! જ્યારે જ્યારે હું મોટા મંદિરે આવું છું ત્યારે ત્યારે મેં તેમને ઘનશ્યામ મહારાજમાં પ્રેમભાવથી નિમગ્ન થતા અને આરતીનાં દર્શન કરતા જોયા છે.”

“હા ભાઈ, તમારી વાત એકદમ સાચી છે... એ સાધુતાવાળા સંત છે... મોટા છે... એવું મેં અનુભવ્યું છે અને ઘણા હરિભક્તોના મુખે પણ સાંભળ્યું છે.”

“મને તો આ સ્વામીને જોઈ નમન કરવાનું મન થાય છે...”

“હા... ભાઈ, આ સ્થાનમાં ચારસો ચારસો સાધુઓ છે પણ એ સૌથી નોખા અને અનોખા છે. એક બાજુ ચારસો સાધુ હોય ને બીજી બાજુ તેઓ હોય તો એમની નિર્દંભ ને પવિત્ર સાધુતા ચડી જાય એમ છે.”

ગુરુવર્ય પ.પૂ. બાપજીની સાધુતાની આભા જોઈ નવા મુમુક્ષુઓ આવા વાર્તાલાપના શબ્દોથી તથા તેમની પ્રતિભાથી પ્રભાવિત થઈ તેઓની તરફ સહેજે સહેજે આકર્ષાતા.

તેથી નવા મુમુક્ષુઓ અન્ય કોઈને ન નમે પરંતુ તેમનાં મસ્તક ગુરુવર્ય પ.પૂ. બાપજીના ચરણોમાં નમી જતાં.

દિવસ ઊગે ત્યારે જીવ-પ્રાણીમાત્ર ખુશ થાય પરંતુ ઘુવડ દુઃખી થઈ જાય. તેમ ગુરુવર્ય પ.પૂ. બાપજીની સાધુતા જોઈ અનેક નવા મુમુક્ષુઓ તથા સંતો રાજી થતા. પરંતુ તેઓ જીવનપ્રાણ બાપાશ્રીનો મહિમા કહેતા તથા શુદ્ધ સર્વોપરી ઉપાસના અને વર્તનની વાત કરતા તેથી કેટલાક પરંપરાના બંધનને લીધે વિરોધો કરતા. છતાંય તેઓ અંદરખાને તો તેમનો મહિમા સમજતા.

મોટા મંદિરે ગુરુવર્ય પ.પૂ. બાપજી બિરાજતા ત્યારે તેમણે રમણભાઈ કાછિયાને પ્રદક્ષિણામાં સત્સંગ કરાવેલો. તેઓ સત્સંગમાં બળિયા થતાં ગુરુવર્ય પ.પૂ. બાપજીના આસને દર્શન-સમાગમનો લાભ લેવા અવારનવાર આવતા.

ગુરુવર્ય પ.પૂ. બાપજીની કાયમી રીત મુજબ તેમને એકલા બેસાડી બેસાડી શ્રીજીમહારાજની સર્વોપરી ઉપાસના અને નિયમ-ધર્મની દૃઢતા કરાવતા. તેમને મંદિરમાં રહેતા એક વડીલ પાર્ષદ ભગત સાથે હેત હતું. તેથી તેઓ અવારનવાર તેમનાં દર્શન માટે પણ જતા.

એક સમય રમણભાઈ ગુરુવર્ય પ.પૂ. બાપજીના આસને સતત પાંચ-સાત દિવસથી સમાગમ કરવા આવતા હતા. એક દિવસ બે-ચાર સંતો તેમને ગુરુવર્ય પ.પૂ. બાપજીના આસનેથી આવતા જોઈ ગયા. તેઓને ખ્યાલ હતો કે રમણભાઈને આ ભગત સાથે હેત છે.

તેથી તેઓએ આ ભગતને બોલાવ્યા અને તેમની હાજરીમાં રમણભાઈને ધમકાવવા માંડ્યા કે, “રમણભાઈ, એ દેવસ્વામી તો બાપાવાળો છે, આપણે બાપાને માનતા નથી. માટે એની જોડે નહિ જવાનું, તેની વાત નહિ સાંભળવાની; નહિ તો તે તમને ભરમાવી દેશે.”

રમણભાઈને ગુરુવર્ય પ.પૂ. બાપજીની સાધુતા અને નિયમ-ધર્મથી મહિમા થયો હતો. તેથી તેમને સંતોની વાતમાં કાંઈ સમજાયું નહીં.

થોડી વારે સંતો ગયા પછી તેમણે આ ભગતને પૂછ્યું કે, “હું શું કરું ? દેવસ્વામીના આસને કથા સાંભળવા જાઉં ?”

આ ભગત ગુરુવર્ય પ.પૂ. બાપજીના સિદ્ધાંતવાદી જીવન અને સાધુતાથી પરિચિત હતા તેથી અહોભાવ સાથે કહ્યું કે, “જો આ મંદિરમાં ચારસો સાધુ છે તેમાં દેવસ્વામી છે એ એક જ સાચા હીરા જેવા સાધુ છે. તેમની સાધુતામાં લગીરેય પોલ નથી. અમે તો આબરૂ ને મર્યાદાના માર્યા એમની પાસે જઈ શકતા નથી. પરંતુ તમે જરૂર તેમનો સમાગમ કરજો એવી હું તમને અંગત ભલામણ કરું છું. બધા ભલે બોલતા હોય પણ તમે કોઈની સામે ન જોતા. એમનો લાભ લેવાય એટલો લઈ લેજે.”

“સાચા શૂરા રે, જેના વેરી ઘાવ વખાણે.” એમ, પાર્ષદવર્ય બાપાના હેતવાળા ન હોવા છતાં ગુરુવર્ય પ.પૂ. બાપજીની નિર્દંભ સાધુતાનાં ચાર મુખે વખાણ કરતા અને પોતાના હેતવાળાને પણ સમાગમ કરવાની ભલામણ કરતા.

પુષ્પ ૨

ગુરુવર્ય પ.પૂ. બાપજી મોટા મંદિરમાં ચારસો સાધુઓની વચ્ચે એકલાઅટૂલા હતા. જ્યાં બાપાશ્રીનું નામ લેવામાં ૧૧૦% જોખમ હતું તેવા સ્થાનમાં બાપાશ્રીના થઈને રહેવું તે ઘણું જ દુષ્કર હતું.

છતાં એ દિવ્યપુરુષ છડેચોક રહસ્યાર્થ વચનામૃત ને બાપાશ્રીની વાતોનો પ્રચાર-પ્રસાર કરતા રહ્યા.

તેથી મોટા મંદિરમાં કેટલાક કહેતા કે, “આ મંદિરમાં કેટલાક પચાસ ટકા તો કોઈ પંચોતેર ટકા ને કોઈ નેવું ટકા બાપાવાળા છે પણ આ દેવસ્વામી તો એકસો દસ ટકા બાપાવાળા છે. એ કોઈનાય ફેરવ્યા ફરતા નથી કે ડગાવ્યા ડગતા નથી. એમને કોઈનો ડર નથી. અને આ સ્થાનમાં રહીને પણ છડેચોક બાપાનો મહિમા ગાય છે. ધન્ય છે તેમની છાતીને !!”

જેઓ પ્રત્યક્ષ રીતે ગુરુવર્ય પ.પૂ. બાપજીનો વિરોધ કરતા હોય કે તેમને વિષે અણગમો દાખવતા હોય તેવા સંતો-હરિભક્તો પણ ગુરુવર્ય પ.પૂ. બાપજીની સાધુતાનો મહિમા અંતરમાં સમજતા.

તેથી તેઓ બહારથી ભલે વ્યંગ્ય (કટાક્ષ)માં બોલતા ખરા પરંતુ મહીંથી તો ગુરુવર્ય પ.પૂ. બાપજીની સાધુતાને મનોમન વંદી રહેતા.