પુષ્પ ૧
“હે મહારાજ, હું આ તમારી ઉપાસના પ્રવર્તાવું છું, હું કાંઈ બધાને મારો મહિમા કહેતો નથી; આપનો જ મહિમા કહું છું.
મારે કંઈ મારો સિદ્ધાંત પ્રવર્તાવવાનો નથી. આપના જ સિદ્ધાંતનું પ્રવર્તન કરવાનું છે. તોપણ જોડમાં રાખવા માટે મારી પાસે એક સાધુ પણ નથી.
હે મહારાજ, મને એક એવો સાધુ તો આપો જેથી આપના સર્વોપરી સિદ્ધાંતનું હું ગામોગામ પ્રવર્તન કરી શકું.
હે મહારાજ, મારે ઝાઝા સાધુ નથી જોઈતા. માત્ર એક સાધુ આપો... પણ એક સાધુ એવો આપો જે આપના સિદ્ધાંતોના દિગંતમાં ડંકા વગાડે ને કારણ સત્સંગ વિશ્વવ્યાપી કરે.”
રંગમહોલના ઘનશ્યામ મહારાજ જોડે ગુરુવર્ય પ.પૂ. બાપજી વાત કરતા હતા.
“મહારાજ, ચારે તરફ પ્રતિકૂળ સમય-સંજોગો તથા અપમાન અને તિરસ્કારોએ માઝા મૂકી છે. વિચરણમાં સાથે લઈ જવા કોઈ જોડમાં સાધુ નથી. મહારાજ, આ કેવો કપરો કાળ ! અમારે શું આપની આજ્ઞા લોપીને સિદ્ધાંત પ્રવર્તન કરવાનું ? ના મહારાજ, ના. મહારાજ, કેવી કઠણાઈ !”
ઘનશ્યામ મહારાજ સાથે વાતનો દોર જેમ આગળ વધતો જતો હતો તેમ ગુરુવર્ય પ.પૂ. બાપજીના શબ્દો ભારે થતા જતા હતા. હવે તો તેમનાથી બોલી શકાય તેમ જ ન હતું. હૈયું ભારે થઈ ગયું. અંતરના ઊંડાણથી ઉદ્ગારો સર્યા :
“મેરે તો એક તુમ હી આધારા...”
નેત્રમાં અશ્રુની ધારા વહેતી હતી. અંતરના ગદ્ગદભાવથી બાપજી પ્રાર્થનાના શબ્દો આગળ વધારી રહ્યા હતા. પ્રાર્થનાના અંતિમ શબ્દો :
“મુક્તાનંદ કહે અંતરજામી, કહાં સમજાવું મેરે પ્રીતમ પ્યારા...”
બોલતાં કંઠ રૂંધાઈ ગયો. હૃદય હીબકે ચડ્યું.
“સ્વામી, તમારી પ્રાર્થના પહોંચી ગઈ. મહારાજ જરૂર તમારો સંકલ્પ પૂરો કરશે જ. મહારાજ જરૂર સૌ સારાં વાનાં કરશે જ. તમને સર્વશ્રેષ્ઠ સાધુની ભેટ આપશે.” ગુરુવર્ય પ.પૂ. બાપજીના ખભા પર હસ્ત મૂકતાં સદ્. મુનિસ્વામીએ આશીર્વાદ આપ્યા.
સદ્. મુનિસ્વામીનાં દર્શન-આશીર્વાદથી ગુરુવર્ય પ.પૂ. બાપજી દુઃખમાત્ર વીસરી ગયા. અને એમનાં રોમ રોમ આનંદથી પુલકિત થઈ ગયાં.
પુષ્પ ૨
“સ્વામી, તમે વર્તનના અતિ આગ્રહી છો અને તેથી ક્યારેય નિયમમાં છૂટછાટ લેતા નથી ને લેવા દેતા નથી. તમારા આવા આકરા નિયમોને લઈ તથા તમારા આકરા સ્વભાવને લીધે તમારી જોડે એકેય સાધુ ટકી શકશે નહીં.” હરિભક્તો એ વિરલપુરુષને કાયમ કહેતા.
પરંતુ જે હેતુ માટે તેઓ પધાર્યા હતા તેના સમર્થન માટે તેઓ જાણતા જ હતા, “અમારે એક એવા ઉત્તમ શિષ્યની આવશ્યકતા પડવાની જ છે કે જે એમના સરીખા જ આબેહૂબ હોય.”
અને એટલે જ તો પોતાના ક્રાંતિકારી કાર્યના પ્રારંભ અગાઉથી જ પૂર્વાપર આયોજન રૂપે તેઓએ અમીરપેઢીના સમર્થ સદ્. મુનિબાપા પાસે દદુકાના પ.ભ. શ્રી કેશવલાલ ઠક્કરને ઘેર મહારાજના મુક્ત પુત્ર સ્વરૂપે મોકલે એવી પ્રાર્થના કરી હતી.
ત્યારે સદ્. મુનિબાપાએ આશીર્વાદ આપ્યા, “જાવ, એક નહિ બે પુત્ર થશે, પરંતુ આધા તુમ્હારા, આધા હમારા.” એ આશીર્વાદ મુજબ ‘આધા હમારા’ એટલે આપણા ‘વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી’.
ભગવાન સ્વામિનારાયણના સંકલ્પ સમા મુક્તના પ્રાગટ્યનો મંગલ દિવસ આવ્યો. સંવત ૨૦૧૫ના આસો સુદ નોમ ને રાત્રિના એક વાગ્યા બાદ દદુકાની ધન્ય ધરા પર, કેશવલાલ ઠક્કરને ઘરે નર્મદાબા થકી ભગવાન સ્વામિનારાયણના અનાદિમુક્તનું પ્રાગટ્ય થયું.
આ શરદ માસની રાત્રિ જાણે સૌને શ્રીહરિના સંકલ્પના પ્રાગટ્યની શીતળતાનો અનુભવ કરાવતી હતી. માતા નર્મદાબા અને પિતા કેશવલાલભાઈ મુક્તરાજના પ્રાગટ્યથી અત્યંત આનંદમાં હતાં.
આ મુક્તરાજને સ્વહસ્તે વર્તમાન ધરાવી ‘ઘનશ્યામ’ નામકરણ સદ્. મુનિસ્વામીએ કર્યું હતું. આ મુક્તરાજ બાળપણથી જ અદ્ભુત અલૌકિક મહારાજ સાથેની એકતા જણાવી આશ્ચર્યમુગ્ધ કરતા હતા.
બાળપણથી લઈ યુવાવસ્થા સુધી તેઓ સાધુતાયુક્ત દિવ્યજીવનની એકધારી કેડી કંડારી, સદ્. મુનિસ્વામી, સદ્. મુક્તજીવન સ્વામીબાપા તથા ગુરુવર્ય પ.પૂ. બાપજીના રાજીપાપાત્ર બન્યા હતા.
સમય પાકતાં જે હેતુ માટે એમનું પ્રાગટ્ય હતું તે માટે તેઓ ગુરુવર્ય પ.પૂ. બાપજીનું શિષ્યત્વ સ્વીકારવા સજ્જ થયા.
એ મંગળકારી દિન હતો... સંવત ૨૦૩૪ના ચૈત્ર સુદ ૯નો અર્થાત્ ઈ.સ. ૧૯૭૮ની તા. ૧૬-૪-૧૯૭૮ ને રવિવારનો. એ મંગળકારી દિન હતો મોટા મંદિરે સર્વશ્રેષ્ઠ શિષ્યના ગુરુ સાથે સૌપ્રથમ મિલનનો.
કારણ સત્સંગને વિશ્વના ફલક પર લઈ જવાના ભગીરથ કાર્યને ઉજાગર કરવાનું આ દિવ્ય મિલન કારણ સત્સંગના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકાઈ ગયું.
“પ્રથમની પ્રીત હતી, પ્રથમ મેળાપ થયો;
દીપક જે પ્રેમ તણો, અચાનક પ્રગટાઈ ગયો.”
ગુરુવર્ય પ.પૂ. બાપજીના અદ્ભુત દિવ્ય વ્યક્તિત્વએ ઘનશ્યામભાઈને અપ્રતિમ પ્રીતિમાં ચસોચસ બાંધી લીધા. પછી તો ઘનશ્યામભાઈ સાચું શિષ્યત્વ પામવા ગુરુના આસને જોગ-સમાગમ માટે જવા લાગ્યા. ગુરુની સાથે આત્મબુદ્ધિને નાતે જોડાઈ અતિશે સ્નેહને પામવા લાગ્યા. ગુરુવર્ય પ.પૂ. બાપજીની દિવ્ય પ્રતિભા અને અનન્ય સ્નેહ ઘનશ્યામભાઈને તેમના ભણી નિકટ ખેંચી લાવતો.
ઘનશ્યામભાઈ દરરોજ ગુજરાત યુનિવર્સિટી લાઇબ્રેરીથી વાંચન પૂર્ણ કર્યા બાદ રાત્રે દસ વાગ્યે ગુરુનો સમાગમ કરવા જતા. ગુરુની સાથે અનન્ય પ્રીતિથી બંધાયેલા ઘનશ્યામભાઈ અભ્યાસની સાથે બહુધા સમય તેમની પાસે જ વિતાવતા. ગુરુવર્ય પ.પૂ. બાપજીને તેમણે જાણે પોતાના કરી દીધા. હવે ગુરુવર્ય પ.પૂ. બાપજીથી અળગા રહેવું તે તેમને પોષાય તેમ ન હતું.
અગાઉથી જ શ્રીજીમહારાજે જે સમયને મહોર મારી નિશ્ચિત કરી દીધો હતો; તે સમય ઘનશ્યામભાઈના જીવનના ઘટનાક્રમમાં આવી ગયો.
તા. ૨૫-૯-૧૯૮૦ના રોજ રાત્રિના સાડા અગિયાર વાગ્યે ઘનશ્યામનગર મંદિરે ગુરુવર્ય પ.પૂ. બાપજી યુવકો સાથે આ ઓટા ઉપર બેઠા હતા.
તે વખતે કોને કોને સાધુ થવું છે તે બાબતે પોતે બધાયને બળ આપતા હતા, ઉત્સાહ જગાવતા હતા.
પરંતુ તે સમયે મુક્તરાજ ઘનશ્યામભાઈ હાજર નહોતા. ગુરુવર્ય પ.પૂ. બાપજીએ આ સમયે તેમની સ્મૃતિ કરી કે મુક્તરાજ ઘનશ્યામભાઈને સાધુ કરવા છે.
આ સંકલ્પ જણાવ્યો ત્યાં જ ઘનશ્યામભાઈના મોટા ભાઈ જગદીશભાઈ મંદિરમાં ગુરુવર્ય પ.પૂ. બાપજીનાં દર્શને આવ્યા.
ગુરુવર્ય પ.પૂ. બાપજીએ જગદીશભાઈને ઘનશ્યામભાઈને સાધુ થવા રજા આપવા કહ્યું.
તેથી જગદીશભાઈ દીનભાવે બોલ્યા : “સ્વામી, ઘનશ્યામભાઈને બદલે મને સાધુ કરો. અમારા ઘરમાં એ સારું ભણ્યા છે. અને એના પર બધાને ખૂબ આશા છે. ઘરની આર્થિક પરિસ્થિતિ સામાન્ય છે. એટલે એને સારી નોકરી મળે તો પરિસ્થિતિ સુધરે. માટે સ્વામી, તમે મને સાધુ કરો.”
“ના, મહારાજનો સંકલ્પ તને સાધુ કરવાનો નથી. મહારાજનો સંકલ્પ તો ઘનશ્યામને સાધુ કરવાનો છે. મુનિસ્વામીએ પહેલેથી ઘનશ્યામને મહારાજની સંકલ્પની સેવામાં માગી લીધા છે. તેથી હવે વાર ના કરો. સમય પાકી ગયો છે. માટે તું એને સાધુ થવા ઘરમાંથી રજા અપાવ.”
જગદીશભાઈ બાપજીનો સંકલ્પ જાણી ઘરે પધાર્યા. અને ઘરે પધારી તેમણે ઘનશ્યામભાઈને ગુરુવર્ય પ.પૂ. બાપજીનો સંકલ્પ જણાવ્યો.
ત્યાં તો ઘનશ્યામભાઈ બોલ્યા, “મહારાજ પણ અમને છેલ્લા ત્રણ દિવસથી આ જ સંકલ્પ જણાવી રહ્યા છે. મહારાજ વારંવાર દર્શન આપી જણાવે છે, ‘હવે તમે જે સંકલ્પ માટે આવ્યા છો તેનો સમય પાકી ગયો છે માટે ઘર છોડી નીકળી જાવ અને થઈ જાવ સાધુ, મોડું ન કરશો.’ મહારાજની મરજી પણ એમના સંકલ્પમાં ભેળા ભેળવવાની છે.”
આમ, જે સંકલ્પ માટે મહારાજ ઘનશ્યામભાઈને લાવ્યા હતા તેની શુભ ઘડી હવે ગણાઈ રહી હતી. જેનાં એંધાણ સ્વયં મહારાજે અને ગુરુવર્ય પ.પૂ. બાપજીએ દિવ્ય રૂપે ઘનશ્યામભાઈને આપ્યાં હતાં.
તા. ૭-૧૦-૧૯૮૦ની મંગળકારી રાત્રે તાત્કાલિક ફોનથી બોલાવી ઘનશ્યામનગર મંદિરના જમણી બાજુના બાંકડા ઉપર રાત્રે બાર વાગ્યે ગુરુવર્ય પ.પૂ. બાપજીએ પોતાના વ્હાલસોયા શિષ્યને હાકલ કરી, “તમે શું કરવા આવ્યા છો અને શું કરો છો ? મહારાજના સંકલ્પમાં ભેગા ભળવાનો સમય પાકી ગયો છે માટે આવી જાવ. વાર કરે તે પોષાય તેમ નથી માટે આવી જાવ...”
ઘનશ્યામભાઈ એ વખતે સી.એ.નો અભ્યાસ કરતા હતા. પરીક્ષા નજીક આવી ગઈ હતી. તેથી તે અંગે આગળ શું કરવું તે ગુરુવર્ય પ.પૂ. બાપજીને પૂછ્યું,
“સ્વામી, સી.એ.ની પરીક્ષાના હવે પંદર દિવસ જ બાકી છે. સી.એ.ના અભ્યાસમાં છેલ્લાં ચાર વર્ષથી ખૂબ મહેનત કરી છે. માટે જો આપ રાજી હોય તો પરીક્ષા આપ્યા બાદ સેવક આવી જાય. છતાં કોઈ ઠરાવ નથી. આપ જેમ રાજી હોય તેમ જ કરવાનું છે.” એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના ગુરુવર્ય પ.પૂ. બાપજીએ પોતાના અનુગામી વારસદારને આજ્ઞા કરતાં કહ્યું,
“તું આ લોકનું ઑડિટ કરવા નથી આવ્યો. તું તો અનંત જીવોનું ઑડિટ કરી ઠેઠની સહી કરવા આવ્યો છે. માટે તૈયાર થઈ જાવ. જે હેતુથી મહારાજ આપણને લાવ્યા છે તે સમય પાકી ચૂક્યો છે. મહારાજ, બાપા તને બોલાવી રહ્યા છે માટે આવી જા.”
કમાનમાંથી જેમ તીર છૂટે ને વીંધી નાખે તેમ ગુરુના મુખમાંથી ઉચ્ચારાયેલા શબ્દોએ ઘનશ્યામભાઈને વીંધી નાખ્યા. એ જ ક્ષણે જે કાર્ય માટે ઘનશ્યામભાઈને લાવ્યા હતા, તે કાર્યમાં તેઓ જોડાઈ ગયા. થોડા જ દિવસમાં ગુરુ થકી પાર્ષદદીક્ષા ગ્રહણ કરી અને ગુરુ સાથે સિદ્ધાંતોના પ્રવર્તનના ક્રાંતિકારી કાર્યનો યજ્ઞ આરંભાયો.
તેમ છતાં હવે ગુરુ-શિષ્યની જોડ દ્વારા કારણ સત્સંગના પાયા પાતાળમાં નાખવાનો સમય દૂર ન હતો. વળી એ જ કાર્યમાં સહભાગી થવા ઘનશ્યામ ભગતના સહાધ્યાયી મનસુખભાઈ પણ સી.એસ.નો ઉચ્ચ અભ્યાસ છોડી સાથે જ ગુરુના શરણે આવી ગયા.
ગુરુવર્ય પ.પૂ. બાપજીને પોતાના ક્રાંતિકારી કાર્યમાં એક નૂતન ક્રાંતિ આણવા, સમગ્ર ભક્તસમાજમાં શ્રીજીમહારાજ અને બાપાના સિદ્ધાંતોની એક નવી ચેતના જગાવવાની સેવા શિષ્યને સોંપવી હતી.
પરંતુ તે માટે જરૂરી હતું ભાગવતી દીક્ષા આપવાનું. તેથી મોટા મંદિરમાં તેઓને ભાગવતી દીક્ષા આપવા માટેનો પ્રસ્તાવ મુકાયો. પરંતુ જ્યાં હિતેચ્છુ હોય ત્યાં વિઘ્નસંતોષીઓ પણ હોય જ.
એ મુજબ બાપાશ્રીનો જેમને ભારોભાર અભાવ હતો, વિરોધ હતો તેઓ જાણતા હતા કે, “જો આ ગુરુ-શિષ્યની જોડ ભેગી થઈ તો સંપ્રદાયમાં આમૂલ પરિવર્તનો આણશે અને બાપાશ્રીના નામના દિગંતમાં ડંકા વગાડશે.”
તેથી તેઓ કોઈ પણ ભોગે આ શિષ્યોને ભાગવતી દીક્ષા આપવા માગતા નહોતા. જેથી વારંવાર ભાગવતી દીક્ષાના પ્રસ્તાવનો અસ્વીકાર થતો તથા મિટિંગોમાં કોઈ જ નિર્ણય નહોતો આવતો.
લગભગ બે-અઢી માસના અથાક પ્રયત્નોને અંતે એ આર્ષદ્રષ્ટા પુરુષે વિઘ્નસંતોષીઓ સામે નિર્ભય થઈ પોતાના ક્રાંતિકારી કાર્યનું એક નવું સોપાન સર્જ્યું હતું.
ભગવાન શ્રી સ્વામિનારાયણ પ્રબોધિત સિદ્ધાંત અનુસાર વરતાલના ૧૮મા વચનામૃત મુજબ સર્વેના ઇષ્ટદેવ, ગુરુ, ઉપદેષ્ટા અને આચાર્ય એવા શ્રીજીમહારાજની મૂર્તિ સમક્ષ બંને પાર્ષદોને ભાગવતી દીક્ષા આપવાનું નિર્ધાર્યું હતું.
મૂર્તિ રૂપે ભગવાન સ્વામિનારાયણ સદાય પ્રગટ ને પ્રત્યક્ષ છે એ સિદ્ધાંત અનુસાર ઘનશ્યામનગર મંદિરે તા. ૧૮-૧૨-૧૯૮૦ ને સંવત ૨૦૩૬ના માગશર સુદ ૧૧ના રોજ સાંજે ચાર વાગ્યે ભાગવતી દીક્ષા આપવાનું શુભ કાર્ય ચાલુ થયું.
ભગવાન સ્વામિનારાયણ પોતાના સિદ્ધાંતોની પુષ્ટિ માટે અને આ ભાગવતી દીક્ષા પોતે સ્વહસ્તે આપી રહ્યા છે એનું દર્શન કરાવવા પ્રતિમા સ્વરૂપે દર્શન આપતા હતા ત્યાં પોતાનું પ્રત્યક્ષપણું જણાવ્યું.
પોતાના સંકલ્પ મુક્તરાજ પાર્ષદવર્ય ઘનશ્યામ ભગતને પોતાના સ્વહસ્તે ભગવાં વસ્ત્ર અર્પણ કર્યાં, પોતાના કંઠમાંથી ફૂલનો હાર કાઢી પૂ. ઘનશ્યામ ભગતના કંઠમાં પહેરાવ્યો અને પોતાના ભાલમાંથી કુમકુમનો ચાંદલો હસ્તના અંગૂઠા વડે લઈ પૂ. ઘનશ્યામ ભગતના ભાલના મધ્યભાગમાં કર્યો.
અને દિવ્ય આશીર્વાદ આપતાં કહ્યું કે, “આ દીક્ષા તને હું આપું છું. ગમે તેવો અધમ અને પાપી જીવ હશે પણ તું એનો મોક્ષસંબંધી જે જે સંકલ્પ કરીશ તે પૂરો કરીશું ને એને છેક મૂર્તિના સુખમાં પહોંચાડીશું. અમે સદાય તારા ભેળા છીએ.”
શ્રીજીમહારાજના જ સંકલ્પથી ઘનશ્યામ ભગતનું નામ ગુરુવર્ય પ.પૂ. બાપજીએ ‘સાધુ સત્યસંકલ્પદાસ’ આપ્યું. એ જ આપણા વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી અને બીજા સંતનું નામ સાધુ ભક્તવત્સલદાસ આપ્યું. અને આ જ દિવસથી ગુરુવર્ય પ.પૂ. બાપજીના નૂતન ક્રાંતિકારી કાર્યને વેગ મળ્યો.
ગુરુવર્ય પ.પૂ. બાપજી નિરંતર ઘનશ્યામ મહારાજને પ્રાર્થના કરતા હતા કે, “એક સર્વશ્રેષ્ઠ સાધુની ભેટ આપજો...” એ સંકલ્પ સાકાર થયો.
સંપ્રદાયના ઇતિહાસમાં આ અવિસ્મરણીય પળ સુવર્ણ અક્ષરે અંકિત થઈ ગઈ. વિઘ્નસંતોષીઓના બધા જ પ્રયત્નો ટૂંકા પડ્યા અને ગુરુ-શિષ્યની જુગલ જોડી નિર્માણ પામી.
હવે નહોતી કોઈની જરૂર, નહોતી કોઈની ચિંતા. હવે તો લક્ષ્ય હતું એક અને માત્ર એક જ ભગવાન સ્વામિનારાયણ અને બાપાશ્રીએ સમજાવેલા સિદ્ધાંતોનો વિશ્વવ્યાપી પ્રચાર કરવો. એ લક્ષ્ય મુજબ આ ગુરુ-શિષ્યની જુગલ જોડીએ સંપ્રદાયના ક્રાંતિકારી યુગનો નૂતન પ્રારંભ કર્યો.
પુષ્પ ૩
ગુરુવર્ય પ.પૂ. બાપજી અનંતના ગુરુ હોવા છતાં વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી ઉપર અત્યંત રાજીપો વરસાવે, સ્વમુખે તેમનો મહિમા સમજાવે :
પોતાના સંતો અને સમગ્ર સમાજને એવું કહેતા હોય છે કે, “બધાયે સ્વામી (પ.પૂ. સ્વામીશ્રી) સામે દૃષ્ટિ રાખવી. એ વઢે, રોકેટોકે તોપણ ગમાડવું. મારે તમને રોકટોક કરવાની ઓછી છે, સ્વામીને રોકટોક ઝાઝી કરવાની છે; એનામાં વિશેષ દિવ્યભાવ રાખવો.”
ગુરુ પોતાના મુખે શિષ્યની વાત કરે તેમ છતાં ગુરુની ગરિમાને ક્યાંય ઝાંખપ આવી નથી બલ્કે તે સવિશેષ ગરિમાવંત થઈ છે.
સ્વયં ગુરુ જ મહિમા ગાય અને તે પણ ગુરુવર્ય પ.પૂ. બાપજી જેવા !
આમ, પોતાના સર્વશ્રેષ્ઠ શિષ્યનો મહિમા ગુરુવર્ય પ.પૂ. બાપજી સ્વમુખે ઘણી વાર સભામાં ગાતા હોય છે :
“અનંતકોટિ બ્રહ્માંડમાં આ સ્વામી જેવો સાધુ શોધ્યો જડે તેમ નથી.”
“સંપ્રદાયના સઘળા સાધુને એક પલ્લામાં મૂકો ને બીજા પલ્લામાં સ્વામીને મૂકો તોય સ્વામીનું પલ્લું ઊંચું નહિ થાય.”
“સ્વામી જેવો દયાળુ કોઈ નથી...! એનો રાજીપો જે કમાયો એ ન્યાલ થઈ જશે.”
“સ્વામીને તો મહારાજે સ્પેશ્યલ મોકલ્યા છે.”
“આ સ્વામીની સ્થિતિ પરભાવની છે. એ પરભાવમાંથી આવ્યો છે એટલે સાથે પરભાવ-દિવ્યભાવ લાવ્યો છે. એટલે એ આખા સત્સંગને પરભાવ દૃઢ કરાવવા મથે છે. અને આખા સત્સંગને એણે દિવ્યભાવમાં રાચતો કર્યો છે.”
તા. ૨૭-૧૨-૨૦૧૨ના રોજ હજારોની મેદની વચ્ચે ગુરુવર્ય પ.પૂ. બાપજીએ એસ.એમ.વી.એસ. સંસ્થાના પોતાના અનુગામી તરીકે પ.પૂ. સ્વામીશ્રીને, સત્પુરુષ સ્થાને ઘોષિત કર્યા. ત્યારબાદ પ.પૂ. સ્વામીશ્રીનો મહિમા સૌને કહી પોતાના અંતરના રાજીપાને વ્યક્ત કરી રહ્યા હતા :
“સૌ આ સ્વામીનો મહિમા સમજજો. જ્યારથી આ સ્વામી આવ્યો છે ત્યારથી અમને રતીભાર જેટલો પણ ભીડો આવવા દીધો નથી. મોટા મોટા સમૈયા-ઉત્સવ થાય, કરોડોનાં મંદિરો બંધાય એ બધું કેવી રીતે પૂરું થાય છે તેની મને કાંઈ ખબર નથી. સ્વામી બધું પતાવે છે. અને જ્યારથી સ્વામીને જવાબદારી સોંપી છે ત્યારથી રંચમાત્ર પણ અમારી મરજી વિરુદ્ધ કર્યું નથી. ગમે એટલાં આયોજનો કરીને લાવ્યો હોય પણ હું ના પાડું એટલે તરત આયોજન ઉપર લીટી તાણી દે. પછી ફરી ક્યારેય એ આયોજન માટે પ્રાર્થના પણ ન કરે. આ સ્વામી નિરંતર અમારી રુચિમાં રહે છે માટે તમે સૌ એની આજ્ઞામાં રહેજો. નિરંતર એના રાજીપા સામે દૃષ્ટિ રાખજો. અમારા પછી આ સંસ્થાની આધ્યાત્મિક તથા વ્યવહારિક બધી જ પાવર ઑફ ઍટર્ની અમે આ સ્વામીને આપી દીધી છે. અમારા પછી એને જ અમારા અનુગામી તરીકે આ કારણ સત્સંગના સત્પુરુષ સ્થાને તથા એસ.એમ.વી.એસ. સંસ્થાના પ્રમુખ સ્થાને જાહેર કર્યા છે. અમારા પછી સંસ્થાના તમામ નિર્ણયો એ જ લેશે. અને એટલે જ અમે અમારા પછી સ્વામીને જ મોટા કર્યા છે. માટે એની રુચિમાં, આજ્ઞામાં, એના આપેલા નિયમમાં રહેજો ને ખૂબ રાજી કરજો. હું સૌ સંતોને પણ કહું છું ને હરિભક્તોને પણ કાયમ કહું છું કે એના જેવા ગુણ શીખજો. અને એ માટે એની સામે દૃષ્ટિ રાખજો.”