એકલપંડે અનેક કષ્ટોને સહી લેનાર ગુરુવર્ય પ.પૂ. બાપજીને વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી જેવા શ્રેષ્ઠ શિષ્યની જોડ મળતાં કારણ સત્સંગને વિસ્તારવાનું કાર્ય બમણા વેગથી થતું હતું.
એમાંય ઈ.સ. ૧૯૮૪માં ઘનશ્યામનગર મંદિરમાં શ્રી ઘનશ્યામ મહારાજ મુક્તમંડળે સહિત બિરાજ્યા તેનાં દસ વર્ષ પૂર્ણ થતાં તેનો દશાબ્દી મહોત્સવ ઊજવવાનો ભવ્ય સંકલ્પ ગુરુવર્ય પ.પૂ. બાપજીએ કર્યો.
દશાબ્દી મહોત્સવ અન્વયે ગામોગામ સત્સંગ કરાવવાની આજ્ઞા કરતાં ગુરુવર્ય પ.પૂ. બાપજીએ પ.પૂ. સ્વામીશ્રીને કહ્યું, “સ્વામી, સદ્. ગોપાળાનંદ સ્વામીની પ્રસાદીભૂત પાવનભૂમિ પંચમહાલમાં અને બાપાશ્રીએ પાવન કરેલ નળકંઠામાં પણ સત્સંગ કરાવવા અર્થે પ્રયાણ કરો. દશાબ્દી નિમિત્તે સ્વામી ! પંચમહાલ અને નળકંઠાનાં ઓછામાં ઓછા નવાં દસ ગામમાં તો તારે સત્સંગ કરાવવાનો જ છે...”
તે નિમિત્તે નવાં દસ ગામોમાં પ્રચાર કરવાના સંકલ્પે પંચમહાલમાં તથા નળકંઠાનાં તથા અન્ય ગામોમાં પ.પૂ. સ્વામીશ્રીનું અવિરત વિચરણ થતું હતું.
જ્યારે ગુરુવર્ય પ.પૂ. બાપજી મંદિરની નિકટ રહેતા હેત-રુચિવાળા સમાજને આજ્ઞા અને ઉપાસનાનું જ્ઞાન પીરસતા.
તેમાં માત્ર આઠ દિવસના ટૂંકાગાળામાં પ.પૂ. સ્વામીશ્રીએ કુલ સત્યાવીસ જેટલાં ગામડાંઓમાં વિચરણ કરી, ત્રીસ જેટલી સત્સંગ સભાઓમાં હજારો મુમુક્ષુઓને લાભ આપ્યો. પંચમહાલમાં મહારાજ અને બાપાશ્રીના સિદ્ધાંતોના વિજયવાવટા લહેરાયા.
દશાબ્દી મહોત્સવ ઉપક્રમે ગુરુવર્ય પ.પૂ. બાપજીની આજ્ઞાથી પ.પૂ. સ્વામીશ્રીએ પંચમહાલની જેમ અન્ય અનેક ગામો, તાલુકાઓ અને જિલ્લાઓમાં પણ વિચરણ તથા સત્સંગ સભાઓની હારમાળા સર્જી.
એક બાજુ શિષ્યનું અવિરત વિચરણ ચાલતું હતું અને બીજી બાજુ ગુરુવર્ય પ.પૂ. બાપજી હેત-રુચિવાળા સમાજને આજ્ઞા અને ઉપાસનાનું જ્ઞાન પીરસી વધુ નિકટ લઈ રહ્યા હતા.
જોતજોતામાં તો બાપાશ્રીના સિદ્ધાંત માટેની અસ્મિતા રૂંવાડે રૂંવાડે પ્રગટાવનાર ગુરુ અને શિષ્યના અલૌકિક પ્રભાવનો અહેસાસ થવા લાગ્યો.
ટૂંક સમયમાં જ સિદ્ધાંત માટે બલિદાન આપી દેનાર સુસજ્જ સમાજ તૈયાર થઈ ગયો. આ બધું જ વિઘ્નસંતોષીઓને આંખના કણાની જેમ ખૂંચતું હતું.
તેઓ જાણતા હતા કે, “જો આવી જ રીતે તેમના સત્સંગનો વ્યાપ ચાલુ રહેશે તો આ ગુરુ-શિષ્યની જોડી બાપાશ્રીના નામને ગામોગામ ને પછી દેશોદેશે ફેલાવતા વિશ્વના ફલક ઉપર પહોંચાડી દેશે.”
માટે તેઓ કોઈ પણ રીતે આ વધી રહેલા વ્યાપ અને પ્રવૃત્તિ અટકાવવા માગતા હતા.
ઘનશ્યામનગર મંદિરના દશાબ્દી મહોત્સવ ઉપક્રમે સિદ્ધાંતોના પ્રચારના ક્રાંતિકારી કાર્યને બંધ કરાવવાના પ્રયત્નો શરૂ કર્યા.
પરંતુ તમામ પ્રયત્નો છેવટે નિષ્ફળ જતાં ગુરુવર્ય પ.પૂ. બાપજી આગળ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો કે, “જો તમારે આ દેશમાં રહેવું હોય કે આ ગાદી ને પ્રથામાં રહેવું હોય તો બાપાશ્રીનો મહિમા નહિ ગવાય ને વચનામૃત રહસ્યાર્થ અને બાપાશ્રીની વાતો નહિ વંચાય. વળી જેમ અમારા સાધુ વર્તતા હોય તેમ જ તમારે વર્તવું પડશે.”
બેમાંથી એક પસંદગી કરવાની હતી. એક બાજુ સંપ્રદાયની રીતિ-નીતિ મુજબ દેશ, ગાદી કે પ્રથામાં રહેવાનું ને વર્તવાનું હતું અને બીજી બાજુ શ્રીજીસંમત અને અબજીબાપાશ્રીએ સમજાવેલ સિદ્ધાંતનો પ્રચાર કરવાની નેમ હતી.
આ સમયે ગુરુવર્ય પ.પૂ. બાપજીએ એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના પ્રસ્તાવનો અસ્વીકાર કર્યો.
વિરોધ કરનારાને સ્પષ્ટ સંભળાવી દીધું કે, “મેં તમારા માટે મૂંડાવ્યું નથી. મેં બાપાશ્રી સારુ ને બાપાશ્રીએ સમજાવેલા ભગવાન સ્વામિનારાયણના વાસ્તવિક સિદ્ધાંતોના પ્રવર્તન સારુ મૂંડાવ્યું છે. માટે આ મુખે તો એમનો જ મહિમા ગવાશે; ને રહી વાત અન્ય સાધુની બરોબર વર્તવાની, તો એ પણ શક્ય નથી. ભગવાન સ્વામિનારાયણે બાંધેલ નિયમ-ધર્મની બાબતમાં એક અલ્પ આજ્ઞાનો લોપ મેં કદી કર્યો નથી ને કરીશ પણ નહીં. સિદ્ધાંત માટે કોઈથી દબાઈને રહેવું તેના કરતાં નફરત, તિરસ્કાર અને અપમાનો સહીને બાપાશ્રી માટે જીવવું એને હું વધુ ઉત્તમ ગણું છું.”
એવો નાદ ગુંજાવી અનેક મુસીબતોને સર કરવા અને સિદ્ધાંતો માટે બધેયથી નિર્બંધ થવા તેઓ તૈયાર જ હતા.
અંતે તા. ૧૧-૨-૧૯૮૪નો એ સમય સુવર્ણ અક્ષરે સંપ્રદાયના ઇતિહાસમાં અંકિત થઈ ગયો કે જ્યારે એ દિવ્યપુરુષ ગુરુવર્ય પ.પૂ. બાપજી ભગવાન સ્વામિનારાયણે સમજાવેલા સિદ્ધાંતો અને બાપાશ્રીએ સ્થાપેલ કારણ સત્સંગના પ્રવર્તન માટે સાંપ્રદાયિક બંધનોથી નિર્બંધ થયા.
ત્યારથી એ દિવ્યપુરુષના સિદ્ધાંત પ્રવર્તનના માર્ગમાં મુશ્કેલીઓ, અસહકાર અને વિરોધોના વંટોળોએ વધુ વેગ પકડ્યો.
આવા ઉગ્ર વાતાવરણમાં પણ સિંહ સમા ગુરુવર્ય પ.પૂ. બાપજી ને પ.પૂ. સ્વામીશ્રીએ નિર્ભય બની સત્સંગ વિચરણ કર્યું.
વિચરણ દરમ્યાન દ્વેષીઓ માટે એ દિવ્યપુરુષોનું એક જ સૂત્ર રહેતું : “ભગવાન સ્વામિનારાયણના સમજાવેલા સિદ્ધાંત મુજબ અમે નહિ વિમુખ કે નહિ સન્મુખ પણ અમે તો સદાય છીએ મુખોન્મુખ.”