“મેં સંપ્રદાયમાં સંતો તો ઘણાં જોયા પરંતુ હજુ આપના જેવી શુદ્ધ ઉપાસના પ્રવર્તનની પ્રચંડ ખુમારી ધરાવનારા સિદ્ધાંતવાદી પુરુષ ક્યાંય જોયા નથી...”
આ શબ્દો છે સંપ્રદાયના એક મોટેરા આગેવાન હરિભક્તના.
વાત એમ હતી.
ઈ.સ. ૧૯૮૬માં વાસણા મંદિરનું નિર્માણકાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું હતું. ગુરુવર્ય પ.પૂ. બાપજીનો સંકલ્પ હતો : “શિખરબદ્ધ મંદિરમાં મધ્યખંડને વિષે એકમાત્ર ઘનશ્યામ મહારાજની મૂર્તિ પધરાવવી છે.” પણ આર્થિક ભીંસની વચ્ચે રોજ વેપારીઓ તથા મજૂરોની ઉઘરાણી અનેક મૂંઝવણોમાં સેરવી દેતી હતી.
રોજ બિલ ક્યાંથી ચૂકવવા એ સળગતો પ્રશ્ન હતો. આ સમયમાં કોઈ હરિભક્ત સો રૂપિયાની સેવા કરે તોપણ આનંદ થતો હતો. તેનાથી કેટલાક પ્રશ્નો હલ કરી શકાતા હતા. તેમ છતાં ગુરુવર્ય પ.પૂ. બાપજીનો, મધ્ય શિખરમાં એકમાત્ર ઘનશ્યામ મહારાજની મૂર્તિ પધરાવી શુદ્ધ સર્વોપરી ઉપાસનાયુક્ત મંદિર રચવાનો સંકલ્પ પ્રબળ હતો. આવા કપરા સમયમાં એક દિવસ એક સુખી હરિભક્ત ગુરુવર્ય પ.પૂ. બાપજી પાસે આવ્યા.
એક લોભામણી લાલચ આપતાં કહ્યું, “જો સ્વામી, આપ મધ્યખંડમાં હું કહું તેમ બીજા અવતારની મૂર્તિ પધરાવો તો ૫૧,૦૦૦ રૂપિયાની સેવા તે નિમિત્તે તરત કરું.” આર્થિક ભીંસની વચ્ચે ૧-૧ રૂપિયો ક્યાંથી લાવવો તે પ્રશ્ન હતો તેમાં ૫૧,૦૦૦ રૂપિયાની લાલચ ભલભલાને લલચાવી નાખે તેવી હતી.
ગુરુવર્ય પ.પૂ. બાપજી તેમની રૂપિયાની મોબતમાં ન આવતાં સિદ્ધાંતની પ્રચંડ ખુમારી પર મુસ્તાક રહ્યા.
તેમણે એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર સ્પષ્ટ જવાબ આપ્યો કે, “તમે ૫૧ હજાર નહિ, ૫૧ લાખ કે તેથી વધુ ૫૧ કરોડની સેવા કરો તોપણ મંદિરના મધ્યખંડમાં તો નહિ પરંતુ મંદિરના પરિસરમાં પણ અન્ય કોઈ અવતારની મૂર્તિ નહિ જ પધરાવું. આ મંદિરમાં તો એક અને માત્ર એક સ્વામિનારાયણ ભગવાન અને તેમના મુક્તો જ બિરાજમાન થશે. મંદિર સ્વામિનારાયણ ભગવાનનું છે. માટે રૂપિયા તો એ પૂરા પાડશે પણ રૂપિયા માટે થઈ અમે સર્વોપરી સિદ્ધાંતોમાં ફેર પાડતા નથી. હવે જો આપને સેવા કરવી હોય તોય ભલે અને ન કરો તોપણ વાંધો નહીં. પરંતુ આ મંદિરમાં આજે કે કાલે કદી સ્વામિનારાયણ ભગવાન અને તેમના મુક્તો સિવાય કોઈ નહિ પધરાવાય.” ગુરુવર્ય પ.પૂ. બાપજીની સર્વોપરી ઉપાસના પ્રવર્તનના અજોડ સિદ્ધાંતની પ્રચંડ ખુમારી જોઈ હરિભક્ત દંગ રહી ગયા અને ગુરુવર્ય પ.પૂ. બાપજીના ચરણોમાં ઝૂકી પડ્યા.
અહોભાવ સાથે હાથ જોડી બોલ્યા, “મેં સંપ્રદાયમાં સંતો તો ઘણા જોયા પરંતુ આપના જેવી શુદ્ધ ઉપાસના પ્રવર્તનની પ્રચંડ ખુમારી ધરાવનારા સિદ્ધાંતવાદી પુરુષ ક્યાંય જોયા નથી. આપનો જોટો આ સંપ્રદાયમાં જડે તેમ નથી. મને ગૌરવ થાય છે કે હજુ પણ આપણા સ્વામિનારાયણ સંપ્રદાયમાં આપના જેવા સિદ્ધાંતવાદી પુરુષ છે. મને આજે આપનાં દર્શન થયાં તે માટે મારી જાતને બહુ જ કૃપાશાળી સમજું છું. સ્વામિનારાયણ સંપ્રદાય સત્પુરુષવિહોણો વાંઝિયો નથી જ તેની મને આજે પ્રતીતિ થઈ છે.”
આટલું બોલતાં તે હરિભક્તનાં નેત્ર હર્ષાશ્રુથી ભરાઈ આવ્યાં. પછી ગુરુવર્ય પ.પૂ. બાપજી સમક્ષ સ્વસ્થ થઈ પુનઃ બોલ્યા, “આપના જેવા દિવ્ય સિદ્ધાંતવાદી સત્પુરુષના રજમાથી જ સ્વામિનારાયણ સંપ્રદાય ઝળહળી રહ્યો છે. ધન્ય હો આપના જેવા શુદ્ધ ઉપાસના પ્રવર્તનના હિમાયતી ક્રાંતિકારી પુરુષને !!”