પુષ્પ ૧
“જેના જીવનમાં કદી એ વિચાર જ ન હોય કે, ‘મારું શું ?’ એ જ ખરો સાધુ. ગુરુવર્ય પ.પૂ. બાપજીની સાધુતામાં આ એક ગુણ ‘સર્વોપકારક’ ઝળહળે છે. જે ગુરુવર્ય પ.પૂ. બાપજીની કરુણાને તથા નિઃસ્વાર્થતાને દર્શાવે છે. ગુરુવર્ય પ.પૂ. બાપજીનો સમગ્ર સમાજ ઉપર સૌથી મોટો ઉપકાર એટલે ‘ભગવાન સ્વામિનારાયણના સ્વરૂપની ઓળખાણ કરાવી, પ્રગટ ભગવાનની પ્રાપ્તિ કરાવી અને છતે દેહે મૂર્તિસુખના આશીર્વાદ આપ્યા, દિવ્યજીવન આપ્યું.’ આપણા ઉપર આ એમનો બહુ મોટો ઉપકાર છે. તે માટે એમણે કદી પોતાના દેહ સામું દૃષ્ટિ કરી જ નથી, દેહની ચિંતા રાખી જ નથી. ‘તન કી ઉપાધિ તજે સોહી સાધુ’ એ પંક્તિને લક્ષ્યાર્થ કરી.” એક સભામાં ગુરુવર્ય પ.પૂ. બાપજીનાં ગુણદર્શન વર્ણવતાં પ.પૂ. સ્વામીશ્રીએ જણાવ્યું.
પ.પૂ. સ્વામીશ્રી ગુરુવર્ય પ.પૂ. બાપજીના તનની ઉપાધિ વિષે વાતો કરતાં કરતાં ગળગળા થઈ ગયા.
થોડી વાર પછી તેઓ બોલ્યા : “એ દિવ્યપુરુષે મહારાજના સંકલ્પ સારુ આરામની એક ક્ષણ ભોગવી નથી. નિરંતર દાખડો જ કર્યો છે. એમના દાખડા સામું જોવા જઈએ તો આપણે તો એમની આગળ કશું નથી.”
ગુરુવર્ય પ.પૂ. બાપજી મોટા મંદિરે બિરાજતા ત્યારે માત્ર ૧૦ x ૧૨ની નાની ઓરડી જ એમનું આસન ને રસોડું બેય હતાં.
રોજ સવારે વહેલા ત્રણ વાગ્યે ઊઠી સ્નાનાદિક ક્રિયાથી પરવારી જતા.
વહેલી સવારે પાંચ વાગ્યે ખીચડી બનાવતા. ખીચડીમાં નાખવા હળદર પણ નહોતી તો બીજા મસાલા તો શું જડે ?
સવારે મંગળા આરતી થાય તે પહેલાં એ બનાવેલી ખીચડીની તપેલી છાજલી ઉપર મૂકી દેતા.
મંગળા આરતી થાય ત્યારપછી ગુરુવર્ય પ.પૂ. બાપજીના વાતોના અખાડા ચાલુ થઈ જતા.
એક એક હરિભક્તને સત્સંગથી રંગવા માટે એ દિવ્યપુરુષ ગરજુ થઈને મથતા.
માન-અપમાન ને મેણાં-ટોણાંને સહન કરતા. શા માટે ? તો, એકમાત્ર ભગવાન સ્વામિનારાયણને ઓળખાવવા.
દિવસ દરમ્યાન દર્શન-સમાગમ માટે આવેલ હરિભક્તોની ભીડ ઓછી થાય તો ઠીક, નહિતર રાત્રે દસ વાગ્યે જમવાનો મેળ પડે.
ગુરુવર્ય પ.પૂ. બાપજીના નિયમિત ઘરાકમાં છેલ્લા પ.પૂ. સ્વામીશ્રી અર્થાત્ પૂર્વાશ્રમમાં ઘનશ્યામભાઈ રહેતા. ઘનશ્યામભાઈ ગુજરાત યુનિવર્સિટી લાઇબ્રેરીથી વાંચન કરી રાત્રે દસ વાગ્યે ગુરુવર્ય પ.પૂ. બાપજીનો લાભ લેવા જતા.
એક દિવસ ગુરુવર્ય પ.પૂ. બાપજીએ એમને લાભ આપ્યો. લાભ લઈ તેઓ ગુરુવર્ય પ.પૂ. બાપજીનાં દર્શન કરીને પધાર્યા. પરંતુ તેઓ તેમનું પુસ્તક લેવાનું ભૂલી ગયા હોવાથી ગુરુવર્ય પ.પૂ. બાપજીના આસને પાછા આવવાનું થયું. ત્યાં તો એ દિવ્યપુરુષ સવારની પાંચ વાગ્યાની બનાવેલ ખીચડી જમાડતા હતા.
“સ્વામી, આપે ખીચડી ક્યારે બનાવી ? સેવક આવ્યો ત્યારે આપ તો કથા કરતા હતા !” ગુરુવર્ય પ.પૂ. બાપજી કંઈ ન બોલ્યા.
એટલે તેમણે ફરી આગ્રહ કરી પૂછ્યું, “સ્વામી, કહોને આ ખીચડી આપે ક્યારે બનાવી ?”
“આ ખીચડી તો અમે સવારની પાંચ વાગ્યાની બનાવી છે.”
“તો છેક અત્યારે કેમ જમાડો છો ?”
“અત્યારે સમય મળ્યો એટલે જમાડીએ છીએ. આ ક્રમ કંઈ આજનો થોડો છે. આ તો અમે સાધુ થઈ સત્સંગ કથાવાર્તાની સેવા ચાલુ કરી ત્યારથી આમ જ કરીએ છીએ. રોજ સવારે પાંચ વાગે ખીચડી બનાવી દઈએ ને અમારો છેલ્લો ઘરાક લાભ લઈ જાય પછી જમાડીએ છીએ. છેલ્લાં સાડા ત્રણ વર્ષથી તમે અમારા છેલ્લા ઘરાક છો એટલે તમે જાવ પછી જમાડીએ છીએ.”
સવારે પાંચ વાગ્યે બનાવેલી ઊતરી ગયેલી ખીચડી રાત્રિના દસ વાગ્યે કેવી લાગે ? છતાં ગુરુવર્ય પ.પૂ. બાપજીએ કદી એ તરફ દૃષ્ટિ રાખી નથી. પોતાના દેહનો વિચાર કર્યો જ નથી.
પુષ્પ ૨
ઈ.સ. ૨૦૦૬-૦૭માં ગુરુવર્ય પ.પૂ. બાપજી સૌરાષ્ટ્ર વિચરણમાં પધાર્યા હતા.
અમદાવાદથી નીકળી બપોરે બાર વાગ્યા સુધીમાં તુરખા પહોંચી જવાય તેવું આયોજન કરેલું હતું. હરિભક્તો માટે ત્યાં રસોઈ તૈયાર રાખવાનું અગાઉથી જણાવેલું હતું.
જ્યારે સંતોએ કોરું જમાડવાનું સાથે લીધું હતું. રસ્તામાં પધરામણી વધી જતાં તુરખા પહોંચતાં બપોરના અઢી વાગી ગયા.
તેથી સંતો-હરિભક્તો સૌ ભોજન ગ્રહણ કરવા શાંતિભાઈ અબાસણાના ઘરે સીધા ઉતારે પધાર્યા. સંતોએ ઠાકોરજીને થાળ કર્યો. બીજી બાજુ હરિભક્તો રસોઈ તૈયાર હતી તે જમાડવા બેઠા.
ઠાકોરજીને થાળ થયા પછી સંતોએ પત્તર પીરસ્યાં. ગુરુવર્ય પ.પૂ. બાપજીએ મહારાજને પ્રાર્થના કરી જમવા માટે હાથમાં કોળિયો લીધો.
ત્યાં બહારના રૂમમાં થતી વાતચીતના શબ્દો તેમના કાને પડ્યા કે, “સંતો આવી ગયા ? અમે મંદિરે બાર વાગ્યાથી રાહ જોતા બેઠા છીએ.”
ત્યારે કોઈક હરિભક્તે કહ્યું, “સંતો જમાડવા બિરાજ્યા છે; થોડી વાર પછી આવશે.”
આ શબ્દો ગુરુવર્ય પ.પૂ. બાપજી સાંભળી ગયા. તેઓ અવરભાવમાં સવારના થાક અને ભૂખ જણાવતા હોવા છતાં ભૂખ અને આરામને અવગણી પીરસેલાં પત્તર ઉપરથી ઊભા થઈ ગયા.
અને સંતોને કહ્યું, “ચાલો સંતો, પછી જમાડીશું. મંદિરે હરિભક્તો આપણી બાર વાગ્યાના રાહ જોઈને બેઠા છે. એવામાં આપણે ઠાકોરજી જમાડવા બેસી જઈએ તે યોગ્ય ન કહેવાય. માટે ખટકો રાખો...ચાલો જઈએ.”
એટલું બોલતાં હસ્ત ધોઈ ઝડપથી બહાર નીકળી ગાડીમાં બિરાજી ગયા. સાથે આવેલ હરિભક્તો તથા સંતોને તો શું બન્યું તેની કાંઈ ખબર જ ન પડી, પણ તેઓ પણ પાછળ પાછળ ગાડીમાં બેસી ગયા.
મંદિરમાં નવા દસ-બાર હરિભક્તોને બેઠેલા જોઈ ગુરુવર્ય પ.પૂ. બાપજીએ તેમની આગળ કથા ચાલુ કરી દીધી.
ઉતારે પીરસેલાં પત્તર રઝળતાં રહ્યાં અને મંદિરમાં બ્રહ્મરસ પીરસવાનો ચાલુ કરી દીધો.
સાથેના સંતો-હરિભક્તોને ચિંતા થવા લાગી કે હવે ક્યારે કથાને વિરામ આપશે અને ઠાકોરજી જમાડશે.
સંતો-હરિભક્તોને ભૂખ્યા પેટે કથામાં ચિત્ત ચોંટતું નહોતું પરંતુ ગુરુવર્ય પ.પૂ. બાપજી તો દેહની કે ભૂખની પરવા કર્યા વગર કથા કરતા હતા.
એક-દોઢ કલાકે કથાને વિરામ આપ્યો ત્યારે સાથેના સંતો-હરિભક્તોને જીવમાં જીવ આવ્યો. પછી સૌએ ઉતારે જઈ ઠાકોરજીને જમાડ્યા.
સ્વસુખની ચિંતા કર્યા વિના અજાણ્યા હરિભક્તોને મહારાજના સ્વરૂપની જેમ છે તેમ ઓળખાણ કરાવવાની કેટલી તત્પરતા ! પોતે દુઃખો વેઠીને જીવોને સુખ આપ્યાં છે. એવા દિવ્યપુરુષનો આપણે શું મહિમા ગાઈશું ?
“પોતે દુઃખો ઘણાં વેઠી જીવોને સુખ આપ્યાં છે;
કૃપાથી મૂર્તિ આપીને, જનમનાં દુઃખ કાપ્યાં છે.”