પુષ્પ ૧
“સ્વામી, ઠાકોરજી ને આપના માટે પાકા થાળ બનાવીએ ને !”
“પાકો થાળ ?”
“હા સ્વામી, પાકો થાળ...!”
ત્યાં તો મૂર્તિસુખના સ્વાદક એવા ગુરુવર્ય પ.પૂ. બાપજી બોલ્યા : “સ્વાદ એક મૂર્તિના સુખનો. અમે મૂર્તિના સુખના સ્વાદ સિવાય અવરભાવનો કોઈ સ્વાદ ચાખ્યો નથી કે રસાસ્વાદની પુષ્ટિ થાય કે રસના ઇન્દ્રિયને તેજ કરે તેવું કોઈ દિવસ જમાડ્યું નથી.”
આવા અસ્વાદવ્રતના પાલક ગુરુવર્ય પ.પૂ. બાપજીના જીવનને જોતાં મુમુક્ષુઓના સ્વાદ ટળી જાય.
ગુરુવર્ય પ.પૂ. બાપજી બહુધા દંઢાવ્ય અને ખાખરિયાનાં ગામોમાં વિચરણ કરતા. ગુરુવર્ય પ.પૂ. બાપજીની જોડમાં કોઈ સાધુ નહિ તેથી એક વખત એક ઉછીના સંતને લઈ દંઢાવ્ય દેશમાં વિચરણ માટે પધાર્યા હતા.
ગુરુવર્ય પ.પૂ. બાપજી વિચરણ કરતા ત્યારે તેમનો બહુધા આગ્રહ કથાવાર્તા તરફનો જ હોય.
વિચરણ દરમ્યાન જોગમાં આવનાર મુમુક્ષુઓને ગુરુવર્ય પ.પૂ. બાપજીને વિષે સાચા સંત તરીકેની પ્રતીતિ થઈ આવતી તેથી હરિભક્તો ગુરુવર્ય પ.પૂ. બાપજીને પાકી રસોઈનાં સીધાં લાવી પાકી રસોઈ બનાવવા આગ્રહ કરતા.
પરંતુ જેમનો મહારાજના સ્વરૂપનો એકમાત્ર સ્વાદ ચાખવાનો અને સૌને ચખાડવાનો આગ્રહ હોય એવા ગુરુવર્ય પ.પૂ. બાપજી હરિભક્તોને પ્રેમથી સમજાવી સવારે સાતથી અગિયાર કથા કરે અને પછી ખીચડી બનાવી થાળ કરી જમાડી લે.
હરિભક્તો ક્યારેક બહુ આગ્રહ કરે તો ખીચડીમાં શાક નાખી કહેતા, “આમાં બધું આવી ગયું.”
પણ કદી પાકી રસોઈ ન બનાવે. લાકડાના પત્તરમાં ખીચડી લઈ પાણી મેળવી જમાડી લે. હરિભક્તો બહુ આગ્રહ કરે તો તેઓ કહેતા, “સાધુનું જીવન સાદું જોઈએ. સાધુથી બહુ તીખું, તમતમું, તળેલું ન જમાય.”
“સ્વામી, પાકી રસોઈ બનાવો અને અમને પણ પ્રસાદી આપો જ.” આવો હઠાગ્રહ હરિભક્તો કરતા ત્યારે ગુરુવર્ય પ.પૂ. બાપજી હઠાગ્રહી હરિભક્તોને રાજી રાખવા લાડુ, દૂધપાક, દાળ, ભાત, શાક, ભજિયાં જેવી પાકી રસોઈ બનાવતા. ઠાકોરજીને થાળ કરી બધી રસોઈ હરિભક્તોને બહાર આપી દેતા.
પણ પોતે લગીરેય ગ્રહણ ન કરતા. પછી તેઓ કાં તો ખીચડી બનાવી દેતા અથવા એકલા દાળ-ભાત લઈ લેતા, પણ મીઠાઈ તો ન જ લેતા.
પુષ્પ ૨
“આજે હું તાજું દૂધ લાવ્યો છું. માટે દૂધપાક બનાવો ને બનાવો જ.” અવિરત વિચરણ દરમ્યાન એક ગામમાં ગુરુવર્ય પ.પૂ. બાપજીને એક હરિભક્તે આગ્રહ કર્યો. “રસોઈમાં સમય કાઢવો તે કરતાં બેસો આપણે ભગવાનની વાતું કરીએ. ઠાકોરજીને ખીચડી અને તમે લાવ્યા છો એ તાજું દૂધ ધરાવી દઈશું એટલે તમારી સેવા આવી જશે.” ગુરુવર્ય પ.પૂ. બાપજી તે હરિભક્તને સમજાવતા હતા.
પરંતુ જોડમાં આવેલા સંતને રસાસ્વાદે કરીને આ ગમ્યું નહિ એટલે તેઓ તરત તાડુક્યા કે, “જો દૂધપાક બનાવો તો જ હું રહીશ; નહિ તો હું તો આ હાલ્યો, જતો રહીશ.”
ગુરુવર્ય પ.પૂ. બાપજીએ તેમને ઘણું સમજાવ્યા કે, “શ્રીજીમહારાજે ધર્મામૃતમાં આપણને નિઃસ્વાદી વર્તમાન પાળવાની આજ્ઞા કરી છે. માટે સારી સારી મીઠાઈ, ચટાકેદાર મસાલાવાળું આપણે ન જમાય.” તેમ છતાં તે સંત એકના બે ન થયા. ન માન્યા તો ન જ માન્યા.
ગુરુવર્ય પ.પૂ. બાપજી શ્રીજીમહારાજની આજ્ઞા પાળવા પરવશ હતા. પેલા સંત જતા રહે તો ગુરુવર્ય પ.પૂ. બાપજીથી જોડ વિના એકલા રહેવાય નહીં. જો રહે તો આજ્ઞાનું ઉલ્લંઘન થાય ને ઉપવાસ પડે.
છેવટે ગુરુવર્ય પ.પૂ. બાપજીએ દૂધપાક, પૂરી ને શાક જાતે બનાવી ઠાકોરજીને થાળ કર્યો. જોડમાં રહેલા સંતને અને હરિભક્તોને જમાડ્યા. જ્યારે પોતે તેમાંથી કશું ગ્રહણ ન કર્યું. અને કથાવાર્તાના અતિ આગ્રહી એવા ગુરુવર્ય પ.પૂ. બાપજીને આવો સમય બગાડવો તે જરાય કેમ પોષાય ? એટલે તેઓ તો જમવાના સમયે કથા કરવા બિરાજી ગયા.
આવા તો એક નહિ કેટકેટલાય પ્રસંગો ગુરુવર્ય પ.પૂ. બાપજીના નિઃસ્વાદી જીવનની સાક્ષી પૂરે છે કે તેમણે જીવનમાં નિઃસ્વાદી વર્તમાનનો લોપ થાય તેવું કદી જમાડ્યું નથી.
જાણે કોઠીમાં દાણા ભરતા ન હોય ! તેમ તેઓ જમતા ને સ્વાદ તો એ દિવ્યપુરુષ કેવળ મહારાજની મૂર્તિનો જ લેતા હતા.