વચનામૃતના આચાર્ય

આજે સમગ્ર સંપ્રદાયમાં એક વાયકા પ્રસરી ચૂકી છે કે, દેવસ્વામી (ગુરુવર્ય પ.પૂ. બાપજી) એટલે ‘વચનામૃતના આચાર્ય’.

સંપ્રદાયના મૂર્ધન્ય સંતો પણ સ્વમુખે કહે છે કે, “જો વચનામૃતનો પ્રત્યક્ષાર્થ શબ્દે શબ્દ સમજવો હોય તો જાવ વાસણા ગુરુવર્ય પ.પૂ. બાપજી પાસે.”

એટલું જ નહિ, તેઓ પોતે પણ સ્વીકારે છે કે, “આપણે બીજી બધી કથા કરી જાણીએ પણ સદ્‌. દેવનંદનદાસજીની જેમ વચનામૃતના ગૂઢ રહસ્ય સમજાવીને કથા કરતા ન આવડે. આપણે કદાચ વચનામૃતના અર્થ કરીએ પણ શ્રીજીમહારાજના પ્રત્યક્ષ અભિપ્રાયનો ખ્યાલ તો વાસણાવાળા બાપજી સમજાવે ત્યારે જ આવે.”

પરોક્ષનાં કે પ્રત્યક્ષનાં શાસ્ત્રો બુદ્ધિગમ્ય નથી જે આ લોકની બુદ્ધિથી, વિદ્વત્તાથી, ભણતરથી ન સમજી શકાય. આ વાતની પુષ્ટિ કરતાં શ્રીજીમહારાજે ગઢડા મધ્યના ૧૩મા વચનામૃતમાં કહ્યું છે કે, “ભગવત્સ્વરૂપ સંબંધી જે વાર્તા તે તો શાસ્ત્રમાંથી પણ પોતાની મેળે સમજાય નહિ અને સદ્‌ગ્રંથોમાં આવી વાર્તા તો હોય પણ જ્યારે સત્પુરુષ પ્રગટ થાય છે ત્યારે તેમના મુખ થકી જ આ વાત સમજ્યામાં આવે છે; પણ પોતાની બુદ્ધિબળે કરીને સદ્‌ગ્રંથોમાંથી પણ સમજાતી નથી.” એટલે ગ્રંથરાજ ‘વચનામૃત’ એ બુદ્ધિગમ્ય નહિ પરંતુ અનુભવગમ્ય એવું પરભાવનું દિવ્ય શાસ્ત્ર છે. પરભાવના અનુભવી સત્પુરુષ મળે ત્યારે જ તેમાં રહેલા ભગવાનના સ્વરૂપનાં ગૂઢાર્થ તથા મર્મવચનોની સમજ પડે છે. એવા પરભાવના અનુભવી સત્પુરુષ એટલે ગુરુવર્ય પ.પૂ. બાપજી.

ગુરુવર્ય પ.પૂ. બાપજી અને પ.પૂ. સ્વામીશ્રી સંતો-હરિભક્તો સાથે ઈ.સ. ૨૦૧૩માં કચ્છમાં વિચરણાર્થે પધાર્યા હતા.

ભૂજના વિચરણ દરમ્યાન એક દિવસ ગુરુવર્ય પ.પૂ. બાપજીની અનુજ્ઞાથી પ્રથમ સંતો જૂના મંદિરમાં દર્શન કરવા પધાર્યા.

એક પધરામણી પૂર્ણ કરી ગુરુવર્ય પ.પૂ. બાપજી પણ પાછળથી પધારવાના હતા.

પૂ. સંતોએ ઠાકોરજીનાં દર્શન કર્યાં. એક વડીલ સંત પ્રદક્ષિણા કરતા હતા.

પૂ. સંતોએ નજીક જઈ તેમને દંડવત કરી નમીને જય સ્વામિનારાયણ કર્યા.

તેથી વડીલ સંતે પૂછ્યું, “સંતો, ક્યાંથી આવો છો ?”

સંતોએ કહ્યું, “દયાળુ, અમદાવાદ વાસણાથી.”

આ સાંભળતાં જ વડીલ સંતે અહોભાવ સાથે પૂછ્યું, “એ તો દેવનંદનસ્વામીનું ને !”

પૂ. સંતોએ વિનમ્રતાપૂર્વક કહ્યું, “હા, અમે સદ્‌. દેવનંદનસ્વામીના જ શિષ્ય છીએ. તેઓ અમારા ગુરુ છે.”

વાર્તાલાપ ચાલી રહ્યો હતો એ દરમ્યાન ગુરુવર્ય પ.પૂ. બાપજી તથા વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી વ્હાલા હરિકૃષ્ણ મહારાજ સાથે દર્શનાર્થે પધાર્યા.

વડીલ સંતે નમીને ગુરુવર્ય પ.પૂ. બાપજીનાં ભાવથી દર્શન કર્યાં.

દર્શન થતાં તેમણે ભૂતકાળની સ્મૃતિને તાજી કરતાં કહ્યું, “વર્ષો પહેલાં મેં તમારા મુખે વચનામૃતની કથા સાંભળી હતી. જેનો સ્વાદ હજીયે મારાથી ભુલાતો નથી. એવી કથા મેં આજદિન સુધી ક્યાંય સાંભળી નથી. આજે આટલાં વર્ષો પછી પણ મને એમની કથા કરવાની છટા ને વચનામૃતનાં રહસ્યોની પાંથીએ પાંથી ઉકેલવાની રીત વિસરાઈ નથી.”

વડીલ સંતે પછી સાથે રહેલા પૂ. સંતોને ઉદ્દેશીને કહ્યું, “સંપ્રદાયમાં બધે જ સત્સંગીજીવન, ભક્તચિંતામણિ જેવા સાંપ્રદાયિક તેમજ પરોક્ષ ગ્રંથની પારાયણ થાય છે. પરંતુ સમગ્ર સંપ્રદાયમાં એક અને માત્ર એક તમારા ગુરુ  પ.પૂ. બાપજી જ ‘વચનામૃત’ ગ્રંથ ઉપર પારાયણનો લાભ આપી શ્રીજીમહારાજનું યથાર્થ સ્વરૂપ ઓળખાવી રહ્યા છે. તમારી સંસ્થાની સામાન્ય સભા હોય કે જ્ઞાનસત્ર કે મોટા મોટા મહોત્સવો હોય, પરંતુ ગુરુવર્ય પ.પૂ. બાપજી વચનામૃત ગ્રંથ ઉપર જ લાભ આપે છે. સંતો, તમે બહુ ફાવી ગયા છો. શ્રીજીમહારાજની તમારા ઉપર બહુ દયા છે કે તમને આ દેવસ્વામી જેવા ગુરુ મળ્યા છે. આજે સંપ્રદાયમાં કોઈ વેદાંતાચાર્ય હોય, કોઈ વ્યાકરણાચાર્ય હોય, કોઈ ન્યાયાચાર્ય હોય પરંતુ આ તમારા ગુરુ તો સંપ્રદાયના ‘વચનામૃતના આચાર્ય’ છે. માટે તેમની પાસેથી વચનામૃતનું જ્ઞાન શીખજો. એમને ખૂબ ખૂબ સેવી લેજો.”

અન્ય સંસ્થાના વડીલ સંત હોવા છતાં તેઓ ગુરુવર્ય પ.પૂ. બાપજીને ચાર મુખે વચનામૃતના આચાર્ય તરીકે બિરદાવતાં અહોભાવથી ગદ્‌ગદિત થઈ જાય છે.

એક નહિ, સંપ્રદાયના અનેક સંતો-હરિભક્તો ગુરુવર્ય પ.પૂ. બાપજીને ‘વચનામૃતના આચાર્ય’ તરીકે સ્વીકારી મહિમા ગાય છે.