ગુરુવર્ય પ.પૂ. બાપજી મોટા મંદિરે બિરાજતા ત્યારે સવારે મંગળા આરતી પછી કથાવાર્તાનો અવિરત પ્રવાહ વહેતો હોય.
માત્ર એક દિવસ નહિ, રોજ દિવસના દસ દસ કે બાર બાર કલાક સુધી આ પ્રવાહ સતત વહેતો હોય. આ ઉપરાંત ગામડાંઓમાં વિચરણ દરમ્યાન પણ આ ક્રમ આબાદ રીતે જળવાતો.
સંવત ૨૦૨૧ (ઈ.સ. ૧૯૬૫)ની સાલમાં ગુરુવર્ય પ.પૂ. બાપજીએ કડી વિસ્તારના દેવુસણા ગામમાં પ્રથમ વાર સભા કરવાનો સંકલ્પ કર્યો.
જોડ માટે ઉછીના સાધુ તો લીધા પણ સાથે આવનાર કોઈ હરિભક્ત ન હતા.
તેથી કડી અંબાલાલ મોતીદાસ પટેલને પત્ર લખી ગુરુવર્ય પ.પૂ. બાપજીએ જણાવ્યું કે, “અમે અહીં અમદાવાદથી રેલવેમાં કોઈની પાસે ટિકિટ કઢાવી આ તારીખ, સમયે નીકળીએ છીએ. કડીથી તમો ભેગા થઈ જજો.”
ગુરુવર્ય પ.પૂ. બાપજી એક સંતને લઈ અમદાવાદથી ત્રણ વાગ્યે દેવુસણા જવા રેલવેમાં બેઠા. રસ્તામાં અંબાલાલભાઈ ભેગા થઈ ગયા.
સાંજના સાત વાગ્યે દેવુસણા પહોંચ્યા. ઠાકોરજીની આરતી થઈ પછી ગામમાંથી હરિભક્તો એક પછી એક આવતા ગયા.
પ્રથમ વખત જ ગયેલા હોવાથી કોઈ હરિભક્ત સાથે આંખની પણ ઓળખાણ નહીં. પરંતુ મુમુક્ષુને જુએ ત્યારે ગુરુવર્ય પ.પૂ. બાપજીની કથાવાર્તા કરવાની અલખ તલપને કોણ રોકી શકે !
પાંચ-સાત હરિભક્તોથી કથાવાર્તા શરૂ થઈ. ધીરે ધીરે હરિભક્તો આવતા ગયા. આખું મંદિર ભરાઈ ગયું.
કલાક-બે કલાક વાતું કરશું એવું આયોજન કરેલ. પરંતુ ભૂખ્યા-ગરજુ મુમુક્ષુ હરિભક્તોને જોઈ ગુરુવર્ય પ.પૂ. બાપજીના અંતરમાંથી વણવિચારે વાતુંનો અસ્ખલિત પ્રવાહ વહેવા માંડ્યો.
રસોઈ બનાવીને જમાડવાનું બાકી હતું. પરંતુ તેમની દૃષ્ટિ જમવા તરફ નહિ, હરિભક્તોને પરભાવની વાતો જમાડવા તરફ હતી.
શ્રીજીમહારાજના સર્વોપરી મહિમાની વચનામૃતના આધારો સાથે વાત થતી હતી. સ્વયં શ્રીજીમહારાજ તેમના દ્વારા બોલનારા હતા.
તેથી ગુરુવર્ય પ.પૂ. બાપજીના મુખમાંથી નીકળતા પડછંદાથી હરિભક્તોનાં અંતર ભેદાતાં ગયાં. વણવિચારે નીકળતા અનુભવનાં અમૃત પી સૌ સમયનું પણ ભાન ભૂલી ગયા.
રાત્રે સાડા ત્રણ વાગે સભા પૂર્ણ થઈ. સળંગ સાડા આઠ કલાકના અમૃતવાણીના રસપાનમાં હરિભક્તો એવા રસબસ થઈ ગયા હતા કે સમયનું ભાન જ ભૂલી ગયા.
સભાની જય બોલાઈ, ત્યારે હરિભક્તો અંદરોઅંદર વાતો કરવા લાગ્યા :
“આજ સુધી મહારાજની આવી વાતો ક્યારેય સાંભળી નથી.”
“સભા છોડી ઊભા થવાની ઇચ્છા જ થતી નથી.”
“શાશ્વત શાંતિનો અનુભવ થયો...”
“મારા તો ઘાટ-સંકલ્પ સમી ગયા.”
“અલ્યા સમયનું તો ભાન જ ન રહ્યું... ક્યારે હાડા આઠ કલાક થયા ખબરેય ન રહી...”
એવામાં કો’ક હરિભક્ત બોલ્યા : “આપણે તો સ્વામીને જમાડવાનું ભૂલી ગયા.”
હરિભક્તોને ખૂબ પસ્તાવો થયો : “સ્વામી, સાડા ત્રણ વાગી ગયા છે. હવે આપને જમાડાશે પણ નહીં. સ્વામી, આપ અમારા ગામ પહેલી વાર પધાર્યા છો અને અમે આપને જમાડવાનું પણ ભૂલી ગયા... માટે હવે સ્વામી અમારા સૌની વિનંતી છે - આવતી કાલે સવારે આપે ઠાકોરજીના પાકા થાળ કરીને, જમાડીને જ જવાનું છે...”
ગુરુવર્ય પ.પૂ. બાપજીએ કહ્યું, “અમે જમવા નહોતા આવ્યા પણ જમાડવા આવ્યા હતા...”
ત્યાં તો હરિભક્તો બોલ્યા, “સ્વામી, આપે અમને જમાડ્યા પણ હવે અમને તો જમાડવાનો લાભ આપો...”
ગુરુવર્ય પ.પૂ. બાપજીએ કહ્યું, “અમે તો કથાવાર્તા કરવા જ આવ્યા હતા. મહારાજે એ કામ કર્યું. હવે અમે સ્નાન-પૂજા આદિક પ્રાતઃક્રિયાથી પરવારી સવારે પાંચ વાગ્યાની રેલવેમાં અમદાવાદ જવા નીકળી જઈશું.”
આવા તો એક નહિ, કેટકેટલાય પ્રસંગો છે જેમાં ગુરુવર્ય પ.પૂ. બાપજી કથા કરવા બિરાજ્યા હોય ત્યારે તેમના અંતરમાંથી વણવિચારે નીકળતી અનુભવસિદ્ધ અમૃતવાણીનો અખંડ પ્રવાહ વહ્યા કરતો હોય.
આજે પણ એ દિવ્ય પ્રવાહનો જેણે આસ્વાદ માણ્યો છે તેઓ તેને વાગોળતાં અહોભાવમાં ડૂબી જાય છે.
દંઢાવ્ય દેશના લાંઘણજ ગામે દર વર્ષે એક વખત લાભ આપવા પધારે ત્યારે ત્યારે દિવસ રાત જોયા વિના ગુરુવર્ય પ.પૂ. બાપજી સાંજે સાડા સાતથી કથા શરૂ કરે, સવારના ચાર વાગ્યા સુધી સોંપો પડવા જ ન દે. જેમ જેમ રાત ટાઢી થતી જાય તેમ તેમ તેમની વાતો ઊની થતી જાય.