પુષ્પ ૧
ઈ.સ. ૧૯૬૮માં ગુરુવર્ય પ.પૂ. બાપજી મોટા મંદિરે બિરાજતા એ વખતે સાગરદાનભાઈ સૌપ્રથમ વાર જોગમાં આવ્યા. તેઓ મુમુક્ષુ હતા તેથી સાચા સંતની શોધમાં હતા.
તેમને ગુરુવર્ય પ.પૂ. બાપજીનું સાધુતાસભર જીવન અને વર્તનશીલ જીવન કરાવવાનો આગ્રહ જોઈ વિશેષ આકર્ષણ થતું હતું.
પરંતુ અંતરમાં એક વિચાર ઉદ્ભવ્યો : “આ સ્વામી છે તો સાધુતાવાળા ! પણ થોડાક પ્રશ્નો પૂછી તેમની કસોટી કરું ને જો તેઓ બધા ઉત્તર આપે તો તેમને જીવન સોંપી દઉં.”
એક દિવસ ગુરુવર્ય પ.પૂ. બાપજીને રંગમહોલને વિષે સુખશૈયામાં બિરાજેલા સહજાનંદ સ્વામી પાસે સાગરદાનભાઈ મળ્યા.
દર્શન, દંડવત કરી ગુરુવર્ય પ.પૂ. બાપજીના હસ્તમાં એકસો પચ્ચીસ પ્રશ્નોની યાદી આપતાં કહ્યું, “સ્વામી, આમાં મેં એકસો પચ્ચીસ પ્રશ્નો લખેલા છે તેના તમે મને ઉત્તર આપો.”
ગુરુવર્ય પ.પૂ. બાપજીએ થોડી ક્ષણોમાં તો એકસો પચ્ચીસ પ્રશ્નોની આખી યાદી જોઈ લીધી અને તેમને કાગળ પાછું આપી દીધું.
પછી તેઓએ સાગરદાનભાઈની સમક્ષ માર્મિક હસતાં હસતાં કહ્યું, “તમે રોજ આપણા આસને કથાનો લાભ લેવા આવજો. દસ દિવસ પછી તમારા પ્રશ્નોના ઉત્તર કરવા બેસીશું.”
બીજા દિવસે સાગરદાનભાઈ ઑફિસેથી છૂટી ગુરુવર્ય પ.પૂ. બાપજીનો સમાગમ કરવા આસને ગયા.
કથાવાર્તાનો લાભ લઈ તેઓ ઘરે પહોંચ્યા. એકસો પચ્ચીસ પ્રશ્નોની યાદીમાં જોયું તો ઘણા પ્રશ્નોના ઉત્તરો મળી ગયા હતા. જે પ્રશ્નોના ઉત્તરો મળ્યા હતા તેની ઉપર તેમણે ચોકડી મારી દીધી.
પછી રોજ સમાગમ કરવા જાય તેમ તેમ રોજેરોજ તેમના પ્રશ્નોના ઉત્તર મળતા હતા. તેઓ તે પ્રશ્નો પર ચોકડી મારતા ગયા. સાગરદાનભાઈને આશ્ચર્ય સાથે અહોભાવ થતો હતો કે એકસો પચ્ચીસ પ્રશ્ન પર ગુરુવર્ય પ.પૂ. બાપજીએ માત્ર એક મિનિટ જ દૃષ્ટિ કરી હતી. તોપણ તમામ પ્રશ્નોના સંતોષકારક ઉત્તરો મળતા હતા !
દસ દિવસમાં તેમના તમામ પ્રશ્નોના ઉત્તરો મળતાં સદ્. બ્રહ્માનંદ સ્વામીના શતાવધ્યાનીપણાનાં ગુરુવર્ય પ.પૂ. બાપજીમાં દર્શન થયાં હતાં.
સાગરદાનભાઈ પોતે ગુરુવર્ય પ.પૂ. બાપજીને તન, મન ને ધન સર્વસ્વ સોંપી સમર્પિત થઈ ગયા. એટલે જ ગમે તેવા વિકટ સંજોગ-પરિસ્થિતિમાં પણ તેઓ ગુરુવર્ય પ.પૂ. બાપજીની પડખે પક્ષ રાખીને અડગ રહ્યા હતા.