અંતર્યામીપણાથી દર્શાવી મહારાજ અને મુક્તની એકતા

પુષ્પ ૧

ઈ.સ. ૧૯૭૮માં તેઓ કૉલેજ કરતા અને સાથે C.A.નો પણ અભ્યાસ કરતા. તેઓ અભ્યાસમાં પ્રથમથી જ ‘તેજસ્વી વિદ્યાર્થી’ તરીકેનું સ્થાન પામતા. કાયમ ફર્સ્ટ ક્લાસ જ આવતો. પરંતુ આ વર્ષે વાર્ષિક પરીક્ષા નજીક આવી ગઈ હતી.

સંજોગોવશાત્‌ દર વખત જેટલી પરીક્ષાની તૈયારી થઈ નહોતી. ૨૮ એપ્રિલથી પરીક્ષા શરૂ થતી હતી. પરીક્ષાના માત્ર ને માત્ર ૧૦ દિવસ જ બાકી હતા. સાત વિષયનું બધું જ પુનરાવર્તન બાકી હતું. તેથી તેઓ અવરભાવમાં ચિંતિત થઈ ગયા : “દસ દિવસમાં આટલું બધું કેવી રીતે વંચાશે ? સેકન્ડ ક્લાસ જીવનમાં કદી આવ્યો નથી. ફર્સ્ટ ક્લાસ આવશે કે નહીં ?” તે વિચારે સહેજ અવરભાવમાં ઉદાસ થઈ ગયા.

ઘનશ્યામભાઈ વાંચવાના ટેબલ પર મહારાજ-બાપાશ્રીની મૂર્તિ બિરાજમાન કરતા. ૧૮ એપ્રિલે રાત્રે રૂમ બંધ કરી હિંમત રાખી અર્થશાસ્ત્ર વાંચવાનો પ્રારંભ કર્યો. પરંતુ સમય ઓછો અને વાંચવાનું વધારે બાકી હતું. એટલે સહેજે પ્રાર્થના કરવા લાગ્યા : “હે મહારાજ, હે બાપાશ્રી, સમય ઘણો ઓછો છે અને વાંચવાનું બહુ જ બાકી છે. કેવી રીતે પહોંચી વળીશ ? કંઈ સમજાતું નથી. શું લખીશ ?” એમ વિચારતાં એમનાં નેત્રમાંથી આંસુ સરી પડ્યાં. અને ત્યાં જ દિવ્ય તેજ આખા રૂમમાં ફેલાઈ ગયું. ચારેબાજુ પ્રકાશ પ્રકાશ પથરાઈ ગયો.

દિવ્ય રૂપે મહારાજ અને બાપાશ્રીએ દર્શન આપ્યાં. ઘનશ્યામભાઈ જે ખુરશીમાં બિરાજ્યા હતા તેની એક બાજુ મહારાજ અને બીજી બાજુ બાપાશ્રી ઊભા રહ્યા.

મહારાજે તેમના જમણા ખભા પર હસ્ત મૂક્યો તો બાપાશ્રીએ તેમના ડાબા ખભા પર હસ્ત મૂક્યો. તેઓ વાંચવા રૂમનો દરવાજો બંધ કરીને બેઠા હતા. પણ અચાનક કોઈનો સ્પર્શ થતાં તેઓની આંખો ખૂલી ગઈ. તેમણે જોયું તો મહારાજ-બાપા તેમની આજુબાજુ ઊભા હતા અને આ દિવ્ય સ્પર્શ તેમના જ હસ્તનો હતો.

મહારાજ-બાપાશ્રીનાં પ્રગટ રૂપે દર્શન થતાં તરત જ ઘનશ્યામભાઈ ખુરશીમાંથી ઊભા થઈ ગયા. ત્યાં તો મહારાજે બળ કરી ફરી પાછા ખુરશીમાં બેસાડી દીધા. મહારાજ અને બાપાશ્રી તેમની સમક્ષ મંદ મંદ હાસ્ય કરતા હતા.

ઘનશ્યામભાઈ મહારાજનાં દર્શન કરે તો બાપાશ્રી દેખાય અને બાપાશ્રીનાં દર્શન કરે તો મહારાજ દેખાય. આવી અલૌકિક દર્શનલીલાથી તેઓ ભીંજાતા હતા.

તેઓ આમથી તેમ મુખારવિંદ ફેરવી દર્શન કરતા હતા ત્યારે મહારાજ બોલ્યા, “તને અમારા પર વિશ્વાસ નથી ? તારે લખવાનું છે કે અમારે ? તું શું કરવા ચિંતા કરે છે ? અમે સદાય તારી ભેળા છીએ.”

આ ચાર વાક્યો મહારાજ ત્રણ વાર બોલ્યા. સાત મિનિટ સુધી દિવ્ય દર્શન આપી મહારાજ-બાપાશ્રી અદૃશ્ય થઈ ગયા. આ દિવ્ય અનુભવથી ઘનશ્યામભાઈના અંતરમાં આનંદ સમાતો ન હતો. પરીક્ષાની ચિંતા તો સંપૂર્ણ દૂર થઈ ગઈ હતી.

પણ હવે ક્યારે સવાર પડે અને મંગળા આરતીમાં જઈ ગુરુવર્ય પ.પૂ. બાપજીને આ બધી વાત કરું તેનો વિચાર કરવા લાગ્યા. આખી રાત આનંદમાં પસાર થઈ ગઈ.

બીજા દિવસે સવારે મોટા મંદિરે વહેલા મંગળા આરતીનાં દર્શન બાદ ગુરુવર્ય પ.પૂ. બાપજીનાં દર્શન કરી ઘનશ્યામભાઈ રાત્રે બનેલી બિના કહેવા જાય તે પહેલાં ગુરુવર્ય પ.પૂ. બાપજીએ એક પત્રિકા તેમના હસ્તમાં મૂકી દીધી અને બોલ્યા કે, “૨૪થી ૨૮ એપ્રિલ ઘનશ્યામનગર પારાયણ રાખેલી છે. એમાં તારે ૨૩મી તારીખથી લાભ લેવા આવી જવાનું છે. વળી, સેવા બહુ છે. માટે સમયસર આવી જજે.”

ઘનશ્યામભાઈ તો આ વાત સાંભળી થોડા મૂંઝાયા અને કહ્યું, “બાપજી, મારે ૨૮મી તારીખથી પરીક્ષા ચાલુ થાય છે અને હજુ બધું વાંચવાનું બાકી છે. માટે કેવી રીતે અવાશે ?”

ત્યારે ગુરુવર્ય પ.પૂ. બાપજીએ કાંડું ઝાલીને અંતર્યામીપણે કહ્યું, “રાત્રે મહારાજે જે કીધું હતું તે તું ભૂલી ગયો ? તને મહારાજ પર વિશ્વાસ નથી ? તારે લખવાનું છે કે મહારાજને લખવાનું છે ? તું શું કરવા ચિંતા કરે છે ? મહારાજ સદાય તારી ભેળા છે.” ગુરુવર્ય પ.પૂ. બાપજી મહારાજે કહેલાં ચારેય વાક્યો બેઠા જ બોલી ગયા.

આ જ મહારાજ અને મોટાપુરુષ વચ્ચેની એકતા છે. તેના તેમને સામે ચાલી દર્શન કરાવ્યા. તેઓ તો અહોભાવના આનંદમાં ખોવાઈ ગયા, રાજીના રેડ  થઈ ગયા.

તેઓ તા. ૨૩મીથી ઘનશ્યામનગર પારાયણમાં લાભ લેવા ગયા. તેઓએ પારાયણનો પૂરેપૂરો લાભ લીધો. વળી, તા. ૨૮ એપ્રિલે ત્યાંથી જ સીધા એચ. એલ. કૉમર્સ કૉલેજમાં બપોરના ત્રણ વાગ્યે પરીક્ષા આપવા પધાર્યા.

ઘનશ્યામભાઈ પરીક્ષા ખંડમાં તેમના સ્થાને બિરાજ્યા. લખવાની પાટલી પર મહારાજ-બાપાશ્રીની મૂર્તિ પધરાવી.

પછી પ્રાર્થના કરી કે, “મહારાજ, દસ દિવસથી કશું વાંચ્યું નથી. આપના પર પૂરેપૂરો વિશ્વાસ છે. આપના વિશ્વાસે જ પરીક્ષા આપવા બેઠો છું. માટે પેપર લખવા પધારો.”

એ જ વખતે મહારાજ દિવ્ય રૂપે પધાર્યા. પેન પકડી પેપર લખવાનું ચાલુ કર્યું. પછી મહારાજ પ્રશ્નપત્રના ફરજિયાત તથા વિકલ્પ સાથે બધા પ્રશ્નોના ઉત્તર એકધારા લખતા.

પછી તો સાતેય દિવસ આવી રીતે મહારાજ લખવા પધારતા. મહારાજ અને મોટાપુરુષના માત્ર આશીર્વાદ નહોતા; સ્વયં પેપર લખતા હતા. પછી શું બાકી રહે ?

પુષ્પ ૨

ઈ.સ. ૧૯૮૪માં ગુરુવર્ય ૫.પૂ. બાપજી તથા પ.પૂ. સ્વામીશ્રી શિયાળાના સમયમાં નળકંઠા ખાતે વિચરણમાં પધાર્યા હતા.

કાણોતરા ગામમાં આજરોજ હરિભક્તોના ઘરે આખો દિવસ પધરામણી ગોઠવાઈ હતી. એટલે ગુરુવર્ય પ.પૂ. બાપજી અને પ.પૂ. સ્વામીશ્રી પધારતાં પધરામણી શરૂ થઈ. પધરામણી ખૂબ ચાલી.

શિયાળાના દિવસો હતા એટલે સાંજ વહેલી પડી. ગામડાંમાં તો સાંજ પડે સૌને જમાડવાનું ને પોઢાડવાનું વહેલું હોય.

છતાં રાત્રે આઠ વાગ્યાથી અગિયાર વાગ્યા સુધી ગામના હરિમંદિરમાં સભા ચાલી. રાત્રે અગિયાર વાગ્યે ચેષ્ટા કરી ગુરુવર્ય પ.પૂ. બાપજી, પ.પૂ. સ્વામીશ્રી અને પૂ. સંતોએ ઠાકોરજી પોઢાડ્યા.

ગુરુવર્ય પ.પૂ. બાપજી પોઢ્યાને પંદર-વીસ મિનિટ થઈ ત્યાં તો તેઓને શરીરે ઠંડી ચડી એટલે ધ્રૂજતા હતા.

સેવામાં રહેલા સંતે પૂછ્યું, “બાપજી, શું થાય છે ?”

“આજે ઠંડી બહુ લાગે છે.”

પ.પૂ. સ્વામીશ્રીએ તરત જ ગુરુવર્ય પ.પૂ. બાપજીને બે-ત્રણ ધાબળા ઓઢાડ્યા છતાં ઠંડી ઓછી થવાનું નામ લેતી ન હતી. ઊલટાની ઠંડી વધતી જતી હતી.

એટલે પ.પૂ. સ્વામીશ્રીએ હાથ જોડી પૂછ્યું, “બાપજી, આપને તો અવરભાવમાં કાયમી ગરમીનું અંગ છે. શિયાળામાં પણ આપ તો પંખો ચાલુ કરીને પોઢો છો ને આપને આટલી બધી ઠંડી !!! બે-ત્રણ ધાબળા ઓઢાડવા છતાં ઠંડી ઓછી થતી નથી એનું કારણ કંઈ સમજાતું નથી. બાપજી, આપની આ લીલા કંઈ સમજાઈ નહીં. દયા કરીને આ લીલાનો હેતુ સમજાવો.”

ત્યારે ગુરુવર્ય પ.પૂ. બાપજીએ કહ્યું, “જાવ, જોઈ આવો; મંદિરમાં મહારાજને ઓઢાડ્યું છે કે નહીં ?”

પ.પૂ. સ્વામીશ્રીએ સેવક સંતને ઠાકોરજીને ઓઢાડ્યું છે કે કેમ ? તે જોવા મોકલ્યા. ત્યાં જોયું તો મહારાજને ઓઢાડવાનું રહી ગયું હતું.

પછી સેવક સંત પ.પૂ. સ્વામીશ્રી પાસે પાછા આવ્યા અને કહ્યું, “દયાળુ, રાજી રહેજો. અમારી ગાફલાઈને લીધે ઠાકોરજીને ઓઢાડવાનું જ રહી ગયું હતું.”

પ.પૂ. સ્વામીશ્રીએ કહ્યું, “ઠાકોરજીને ઓઢાડ્યું નહોતું એટલે જ ગુરુવર્ય પ.પૂ. બાપજીએ આ લીલા કરી છે. આ જ મહારાજ અને મુક્તની એકતા છે. આ એકતા દર્શાવવા બાપજીએ આવી લીલા કરી છે પરંતુ આપણે સેવામાં ખટકો રાખવો.” એમ કહી ઠાકોરજીને ગોદડી ઓઢાડવા મોકલ્યા.

આમ, મહારાજને જેવી ગોદડી ઓઢાડી કે તરત ગુરુવર્ય પ.પૂ. બાપજીને ઠંડી લાગતી બંધ થઈ ગઈ.

આહાહા... મહારાજ ને મોટાપુરુષની કેવી એકતા !!!

પુષ્પ ૩

ઈ.સ. ૧૯૮૯ના ફેબ્રુઆરી માસની આ વાત છે.

વાસણા મંદિરનો દ્વિતીય પાટોત્સવ નજીકના દિવસોમાં આવી રહ્યો હતો.

એક દિવસ સાંજના છ વાગ્યાનો સમય હતો.

વાસણા મંદિરમાં નીચે સભામાં ગુરુવર્ય પ.પૂ. બાપજી કથાવાર્તાનો લાભ આપતા હતા.

પ.પૂ. સ્વામીશ્રી મંદિરના ત્રીજા માળે તેમના આસને એકલા બેઠા બેઠા દ્વિતીય પાટોત્સવની આમંત્રણ પત્રિકા લખી રહ્યા હતા.

સાથે સાથે તેઓ પત્રિકા લખતાં લખતાં ગુરુવર્ય પ.પૂ. બાપજીની સભાનો લાભ ત્રીજા માળે મૂકેલા સ્પીકરમાંથી લઈ રહ્યા હતા.

ગુરુવર્ય પ.પૂ. બાપજી લાભ આપી રહ્યા હતા કે, “એક વાર સદ્‌. ઈશ્વરચરણદાસજી સ્વામીએ દેવ ધોલેરા મુકામે એમના એક સંતને પોતાના ગુરુ સંકલ્પ સ્વરૂપ છે તેની પ્રતીતિ કરાવવા બે સ્વરૂપે એકસાથે દર્શન આપ્યાં હતાં.”

તેથી પ.પૂ. સ્વામીશ્રીએ પણ આ ક્ષણે એક સંકલ્પ કર્યો કે, “ગુરુવર્ય પ.પૂ. બાપજી પણ એવા જ શ્રીજીમહારાજના દિવ્ય સંકલ્પ છે તો શું સેવકને બે સ્વરૂપે એકસાથે દર્શન ન આપે ?”

અને એ જ ક્ષણે પ.પૂ. સ્વામીશ્રીના આસનનું બારણું ખૂલ્યું.

“શું સંકલ્પ કરે છે ? અમે સદ્‌. ઈશ્વરચરણદાસજી સ્વામી જેવા નહીં ?! આ લે તારો સંકલ્પ પૂરો કર્યો. અમે એમના જેવા નહિ, પરંતુ એના એ જ છીએ.” આસનના બારણે દિવ્ય સ્વરૂપ ગુરુવર્ય પ.પૂ. બાપજી દર્શન આપતા બોલ્યા.

આટલું બોલી ગુરુવર્ય પ.પૂ. બાપજી તરત જ અદૃશ્ય થઈ ગયા.

ગુરુવર્ય પ.પૂ. બાપજી જ્યારે દર્શન આપતા હતા ત્યારે ત્રીજા માળે મૂકેલ સ્પીકરમાં નીચેથી તેમની કથા તો ચાલુ જ હતી.

આ ક્ષણે પ.પૂ. સ્વામીશ્રીનો સંકલ્પ પૂર્ણ થતાં તેઓ દિવ્યભાવમાં મગ્ન થઈ વિચારી રહ્યા : “ગુરુવર્ય પ.પૂ. બાપજી તો નીચે કથાય કરતા હતા ને અત્યારે સેવકને દિવ્ય દર્શન પણ આપ્યાં. આહાહા... એકસાથે બે સ્વરૂપે દર્શન આપ્યાં...”

વાહ, ધન્ય છે શ્રીજીમહારાજના આ દિવ્ય સંકલ્પ સમા સત્પુરુષ ગુરુવર્ય પ.પૂ. બાપજીને !!