પુષ્પ ૧
ઈ.સ. ૧૯૯૩માં ગુરુવર્ય પ.પૂ. બાપજીનો નિકટથી લાભ લેનાર હરિભાઈ દયારામભાઈ ઠક્કરના ત્રીજા દીકરા રાકેશભાઈને ૨૦ વર્ષની યુવાન વયે અચાનક છાતીમાં દુખાવો થયો.
નજીકના દવાખાનામાં ડૉક્ટરને બતાવી દવા લીધી પરંતુ કોઈ ફેર ન પડ્યો. છેવટે દુખાવો તથા તાવ અતિશય વધતાં વીસ દિવસ પછી હરિભાઈએ રાકેશભાઈને વાડીલાલ હૉસ્પિટલમાં બતાવ્યું.
હૉસ્પિટલમાં મોટા સર્જન ડૉક્ટરોએ તેમની સોનોગ્રાફી કરાવી. આ ઉપરાંત શરીરના હૃદય આદિક બીજાં અંગોનાં તથા લોહીનાં પરીક્ષણો કરાવ્યાં.
તેમાં ખબર પડી કે રાકેશભાઈને હૃદયમાં એક રૂપિયા જેટલું મોટું કાણું છે. તેમજ કેસ છેલ્લી કક્ષાએ પહોંચી ગયો હતો.
“રાકેશભાઈના જીવવાની આશા બહુ ઓછી લાગે છે. માટે તમે તરત દાખલ થઈ જાવ.” ડૉક્ટરના આ સૂચન મુજબ તેઓ તરત દાખલ થઈ ગયા.
થોડી વાર પછી હરિભાઈ રાકેશભાઈને લઘુ કરવા માટે હાથ પકડી લઈ જતા હતા તે જોતાં જ ડૉક્ટરે કહ્યું, “તમે આ છોકરાને એક ડગલું પણ ન ચલાવો. તે હવે એક મિનિટ પણ વધારે જીવે તેમ મને લાગતું નથી. માટે તેને તરત સુવાડી દો.”
અંતે મુંબઈ તાત્કાલિક લઈ જઈ ઑપરેશન કરવાનું નક્કી થયું.
પરંતુ ડૉક્ટરની આવી ચેતવણીથી હરિભાઈ ગભરાઈ ગયા હતા. તેમણે તરત જ પ.પૂ. સ્વામીશ્રીને ફોન કરી બધી વિગતે વાત કરી.
અને રડતાં રડતાં તેઓએ પ્રાર્થના કરતાં કહ્યું, “સ્વામી, મહારાજ ભલે મને લઈ જાય પણ રાકેશને બચાવે તેવી દયા કરો. ગમે તે રીતે રાકેશને બચાવો.”
“હરિભાઈ, તમે ચિંતા ન કરશો. મહારાજ બધાં સારાં વાનાં કરશે. અમે અત્યારે બાપજીને બધી વાત કરીએ છીએ...” પ.પૂ. સ્વામીશ્રીએ આ વાત ગુરુવર્ય પ.પૂ. બાપજીને કરી.
જેના હૃદયમાં દયાનો દરિયો સદાય વહેતો હોય છે તેવા નિજજનના હિતકારી ગુરુવર્ય પ.પૂ. બાપજીએ તરત પ.પૂ. સ્વામીશ્રીને કહ્યું, “સ્વામી, મહારાજને પ્રાર્થના કરો કે રાકેશને કશું ન થાય. અને તમે પણ હરિભાઈને ફોન કરીને કહી દો કે રાકેશને કશું થવાનું નથી. અમારે તો રાકેશની પણ જરૂર છે અને તમારી પણ જરૂર છે. બેય પાસે સત્સંગની બહુ સેવા કરાવવાની છે. માટે મુંબઈ પણ લઈ જવાનો નથી. પ્રસાદીનું જળ લઈ જાવ, ધૂન્ય કરો; મહારાજ સૌ સારાં વાનાં કરશે જ.”
પ.પૂ. સ્વામીશ્રીએ હરિભાઈને ફોન કર્યો : “હરિભાઈ, બાપજીને રાકેશભાઈ માટે પ્રાર્થના કરી દીધી છે. બાપજીએ કહ્યું છે, રાકેશને કશું જ થવાનું નથી. હરિભાઈને પણ રાખવાના જ છે. તમારા બંને પાસેથી હજુ સત્સંગની ખૂબ સેવા કરાવવાની છે. માટે તમે હવે નિશ્ચિંત થઈ જાવ. મહારાજ ભેળા જ છે.”
હરિભાઈ તો બાપજીના આશીર્વાદ મળતાં સાવ હળવા થઈ ગયા. એમનું દુઃખમાત્ર ટળી ગયું. પછી તેઓ તરત ડૉક્ટર પાસે ગયા ને ડૉક્ટરોને કહ્યું, “મારા ગુરુએ આશીર્વાદ આપ્યા છે. માટે હવે રાકેશને કશું થવાનું નથી. મને કોઈ ચિંતા નથી.”
ખરેખર એવું જ બન્યું. મોટા મોટા સર્જન ડૉક્ટરોની વચ્ચે એક આશ્ચર્યજનક ઘટના બની ગઈ.
જગત આખું કહે કે, વિધાતાના લખેલા લેખ કદી બદલાતા નથી. ડૉક્ટરોએ પણ જેના જીવવાની આશા છોડી દીધેલી એવા રાકેશના વિધાતાના લેખ પર મેખ ગુરુવર્ય પ.પૂ. બાપજીનાં વચને મરાઈ ગઈ.
વગર સ્પર્શે, વગર દર્શને માત્ર સંકલ્પે કરીને ગુરુવર્ય પ.પૂ. બાપજીએ આશીર્વાદ આપ્યા. બીજા જ દિવસથી રાકેશભાઈની તબિયતમાં ફેરફાર થવા માંડ્યો.
આગળના દિવસના બધા જ રિપૉર્ટમાં હૃદયમાં એક રૂપિયા જેટલું મોટું કાણું હતું. જ્યારે સાત દિવસ પછીના રિપૉર્ટમાં નાનું કાણું તો નહિ, હૃદયમાં કોઈ કસર જોવા ન મળી.
આ ચમત્કાર જોતાં ડૉક્ટર પણ બોલી ઊઠ્યા કે, “મેં મારા જીવનમાં આવો ચમત્કાર પહેલી વાર જોયો છે. અત્યારે રાકેશનું હૃદય મારા અને તમારા કરતાં પણ સારું ચાલે છે. હવે એને કોઈ પ્રકારની તકલીફ નથી.” બીજા જ દિવસે તો રાકેશભાઈને રજા આપી દીધી.
જે રાકેશભાઈ માટે ડૉક્ટરોએ જીવવાની પણ આશા મૂકી દીધી હતી તેઓ આજે ૪૫ વર્ષની ઉંમરે સંપૂર્ણ સ્વસ્થ છે. એ દિવસ પછી આજદિન સુધી કદી તેમને છાતીમાં સહેજ દુખાવો પણ થયો નથી.
અને આજે ગુરુવર્ય પ.પૂ. બાપજીની આજ્ઞાથી કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થતા મંદિરની સેવા પોતે એકલા કરે છે. તેઓ વ્યવહારે પણ સુખી છે.
ગુરુવર્ય પ.પૂ. બાપજીએ રાકેશભાઈનો માત્ર દેહનો રોગ જ ન ટાળ્યો, અનાદિકાળનાં ખોટનાં ખાતાં ટળાવી અનાદિમુક્તની પ્રાપ્તિ આપી દીધી છે.
આવા તો એક નહિ, મોટો ગ્રંથ રચાય એટલા હરિભક્તોનાં દુઃખ ટાળી ગુરુવર્ય પ.પૂ. બાપજીએ સુખી કર્યા છે.