પુષ્પ ૧
“અનંત જન્મમાં પોતાની મેળે અનંત સાધનાઓ કરવા છતાં આત્મા ગંતવ્ય સુધી પહોંચતો નથી કારણ મુક્તપુરુષ વગર મૂર્તિસુખના ગંતવ્ય સુધી પહોંચવું શક્ય જ નથી. જેમ કોઈ ગણિત ભણેલા હોય તે ગણિત શીખવી શકે તેમ જેઓ અખંડ મૂર્તિના સુખમાં રમણ કરતા હોય તેવા દિવ્ય સત્પુરુષ જ મૂર્તિના સુખમાં રાખી શકે. એવા સત્પુરુષને શાનું તાન હોય ? તો એક અને માત્ર એક જ પોતાની જેમ સંગમાં આવનાર મુમુક્ષુને મૂર્તિમાં રમાડવાનું. એવા સત્પુરુષ જ ચૈતન્યનું પરિવર્તન કરી મૂર્તિના સુખમાં રમાડી શકે. મને પણ એવા જ મૂર્તિના સુખમાં રમમાણ રહેનાર ગુરુવર્ય પ.પૂ. બાપજી મળ્યા. તેઓએ મને પણ સાધનમાત્રની સમાપ્તિ કરાવી મૂર્તિસુખનો અનુભવ કરાવ્યો હતો. મને પ્રતિલોમ લટક આપી અનાદિમુક્ત કર્યો હતો.”
આ અનુભવ છે મૂ.નિ. ડૉ. નવીનચંદ્ર શેલતનો.
ઉમરેઠના નંદુભાઈના જેઓ વંશજ હતા. તેઓને વારસામાં જ સત્સંગ મળ્યો હતો.
બાળપણથી જ તેમની મોક્ષ પામવાની ઉત્કૃષ્ટ મુમુક્ષુતા ઝળહળતી હતી.
તેમના જીવનનો એક ધ્યેય હતો કે, “બસ, આ દેહે કરીને મોક્ષ પામવો છે, ભગવાનનું સુખ પામવું છે.”
આ ધ્યેયને પૂર્ણ કરવા તેઓ સંસારમાં રહેવા છતાં સંસાર-વ્યવહારનાં કાર્યોથી નિર્લેપ રહેતા, આંતરમુખી જીવન જીવતા અને દિવસ દરમ્યાન બહુધા સમય વાંચન અને ધ્યાનમાં પસાર કરતા.
ધ્યાને કરીને ભગવાનના સુખને પામવાની તેમની તીવ્ર તલપ હતી છતાં સુખનો અનુભવ થતો ન હતો.
ડૉ. નવીનચંદ્ર શેલત રંગમહોલના ઘનશ્યામ મહારાજ આગળ બેસી નિત્ય પ્રત્યે ધ્યાન કરતા હતા.
અનુલોમ લટકે ધ્યાન કરતા પણ મોટાપુરુષની કૃપા નહોતી થઈ. તેથી તેમને શ્રીજીમહારાજની મૂર્તિના સુખનો કોઈ અનુભવ થતો ન હતો.
તેઓ રાત્રિ-દિવસ થાક્યા વિના સતત પ્રયાસ કરતા હતા પરંતુ તેનું કોઈ ફળ મળતું ન હતું.
તેથી તેઓ રોજ ઘનશ્યામ મહારાજને પ્રાર્થના કરતા કે, “હે મહારાજ ! મારે આપની દિવ્ય મૂર્તિના સુખનો અનુભવ કરવો છે, પણ એના માટે મને કોઈ એવા દિવ્ય સત્પુરુષનો યોગ કરાવો કે જેઓ મને તેનો અનુભવ કરાવે.”
નિત્યક્રમ મુજબ એક દિવસ ડૉ. નવીનચંદ્ર ઘનશ્યામ મહારાજ આગળ બેસી ધ્યાન કરતા હતા.
ઝવેરી જેમ સાચા હીરાને પારખી જાય તેમ ગુરુવર્ય પ.પૂ. બાપજી તેમની મુમુક્ષુતાને પારખી ગયા.
નેત્ર બંધ હોવા છતાં ગુરુવર્ય પ.પૂ. બાપજીએ તેમને પૂછ્યું, “તમે શું કરો છો ?”
આ શબ્દમાં જ તેમને કોઈ દિવ્યતાનો અહેસાસ થયો. નેત્ર ખોલતાં સામે ગુરુવર્ય પ.પૂ. બાપજીનાં દર્શન થયા.
પ્રથમ દર્શને જ શાશ્વત શાંતિનો અનુભવ થયો. તેમણે મનોમન નક્કી કરી નાખ્યું કે, “આ એ જ સાચા સંત છે જેમને હું તલસતો હતો.”
તેથી તરત જ ઊભા થઈ ગુરુવર્ય પ.પૂ. બાપજીના ચરણોમાં ઝૂકીને કગરી પડ્યા કે, “સ્વામી, ધ્યાન કરું છું, ધ્યાનમાં મૂર્તિ ધારવાનો પ્રયત્ન પણ કરું છું છતાં મૂર્તિ દેખાતી નથી. મૂર્તિસુખનો કોઈ અનુભવ પણ થતો નથી. રાત-દિવસ થાક્યા વિના સતત પ્રયાસ કર્યા કરું છું. છતાંય મને ધ્યાનમાં વાલ (એક તોલાનો ચાલીસમો ભાગ) માત્ર પણ મહારાજના સુખનો અનુભવ થતો નથી. સ્વામી, મુજ પર કૃપા કરો.”
મુક્તપુરુષ ગુરુવર્ય પ.પૂ. બાપજી આવા મૂર્તિસુખના પ્યાસી માટે જ તો પધાર્યા છે.
તેથી તેમણે કરુણાનો ધોધ વરસાવ્યો અને શાશ્વત શાંતિનો દિવ્ય અનુભવ કરાવ્યો.
ગુરુવર્ય પ.પૂ. બાપજી તેમને પોતાના આસને લઈ ગયા.
આસને પહોંચ્યા બાદ ગુરુવર્ય પ.પૂ. બાપજીએ તેમને ધ્યાન અંગે થોડી પ્રારંભિક વાત કરી.
પછી પૂછ્યું, “ભગત, કઈ લટકે ધ્યાન કરો છો ?”
“સ્વામી, હું તો સન્મુખભાવે ધ્યાન કરું છું.”
“તમે તો અનુલોમની લટકે ધ્યાન કરો છો. એ લટકે પરમએકાંતિકની સ્થિતિ પ્રાપ્ત થાય. અને પરમએકાંતિકનું સુખ બિંદુ જેટલું છે. જ્યારે પ્રતિલોમની લટકે અર્થાત્ રસબસભાવે, એકમેકપણે એટલે કે ચૈતન્યને મહારાજે અનાદિમુક્ત કરીને મૂર્તિમાં જ રાખ્યો છે. હું મૂર્તિમાં જ છું એ સમજણથી મૂર્તિમાં રહી મૂર્તિનું ધ્યાન કરવું એ રીતે પ્રતિલોમપણે ધ્યાન થાય તો અનાદિમુક્તની સ્થિતિ થાય. અને અનાદિમુક્તનું સુખ સિંધુ જેટલું છે.”
“સ્વામી, માત્ર લટકમાં ફેર થતા સુખમાં બિંદુ-સિંધુ જેટલો ફેર પડી જાય ?”
“હા.”
“ઓહોહો... તો સ્વામી પછી પ્રતિલોમ લટકે જ ધ્યાન કરાય ને !”
“હા.”
“સ્વામી, કૃપા કરીને પ્રતિલોમ લટકે ધ્યાન કરવાની રીત શીખવો ને !”
ખરો ખપ ને મુમુક્ષુતા જોઈ તેઓને ગુરુવર્ય પ.પૂ. બાપજીએ અનાદિની પ્રતિલોમ લટકે ધ્યાન કરવાની રીત શીખવી.
અનહદ કૃપા વરસાવતાં ધબ્બો માર્યો અને આશીર્વાદ આપ્યા કે, “જાવ, આજથી મહારાજ તમને પ્રતિલોમપણે મૂર્તિસુખનો અનુભવ કરાવશે.”
તે જ દિવસથી તેમને ધ્યાનમાં શ્રીજીમહારાજની દિવ્ય તેજોમય મૂર્તિનાં પ્રતિલોમપણે દર્શન થવા માંડ્યાં હતાં.
તે જ દિવસથી તેઓ અવરભાવમાત્રમાંથી વૃત્તિનો સંકેલો કરી જીવનનો બહુધા સમય પ્રતિલોમપણે ધ્યાનમાં વિતાવતા, નિરંતર મૂર્તિના સુખમાં રમણ કરતા.
એ પછી તેઓ પ્રતિલોમ લટકે ધ્યાન કરતા અને ગુરુવર્ય પ.પૂ. બાપજીના આશીર્વાદથી સુખ લેવાને પાત્ર થયા.
આ વાતની અનુભૂતિ વર્ણવતાં તેઓ કહેતા હતા, “બાપજીએ જે દિવસથી આશીર્વાદ આપ્યા તે દિવસથી મને મહારાજની દિવ્યાતિદિવ્ય તેજોમય મૂર્તિનાં દર્શન થવા લાગ્યાં. જે સુખમાં અનંત અનાદિમુક્તો એકમેકપણે, ઓતપ્રોતપણે, રસબસભાવે, એકકળાવિચ્છિન્ન ને વાણાતાણાની પેઠે મૂર્તિના સુખમાં રમણ કરી રહ્યા છે; એ જ દિવ્ય સુખમાં મને પણ ગરકાવ કરી દીધો !”
અનહદ અપાર સુખનો અનુભવ થવા છતાં તેઓને અંતરમાં એક અહોભાવ રહેતો કે, “આજે હું જે કાંઈ મૂર્તિના સુખનો અનુભવ કરું છું તે આ ગુરુવર્ય પ.પૂ. બાપજીના દિવ્ય આશીર્વાદથી જ કરું છું. જો તેઓ ન મળ્યા હોત તો હું ક્યાંય અનુલોમની લટકમાં અટવાયેલો હોત. પ્રતિલોમપણે સુખનો અનુભવ થયો જ ન હોત.”
તેથી જોગમાં આવનારને પણ ગુરુવર્ય પ.પૂ. બાપજી થકી એવી અનાદિમુક્તની લટક પામી સ્થિતિ કરવાનો ખૂબ આગ્રહ રખાવતા.
જીવનના અંતિમ શ્વાસ સુધી તેઓ ગુરુવર્ય પ.પૂ. બાપજીના આશીર્વાદે સદા મૂર્તિમાં વિહરતા રહ્યા હતા. આખી રાત તો ખરી, દિવસ દરમ્યાન ૫ણ અખંડ ધ્યાને સુખ માણતા.