પંચમહાલના બેલી

પુષ્પ ૧

ગાડિયા ગામના હિંમતસિંહ ટપાલી અને નવલસિંહ જેઓ બધા કુલક્ષણેયુક્ત જીવન જીવતા હતા.

ચોરી-લૂંટફાટ, મારામારી કરવામાં તેઓ સંતરામપુરથી ઝાલોદ સુધીના આખા પંથકમાં પંકાયેલા હતા.

તેમનું નામ પડતાં ભલભલા ધ્રૂજી જતા.

તેમાંય હિંમતસિંહ એટલે આખી ટોળીના સરદાર, જાણે કે વર્તમાનકાળના જોબનપગી જ જોઈ લ્યો.

હિંમતસિંહ ટપાલીની નોકરી કરતા હતા. તેઓ આજુબાજુનાં છ ગામોમાં ટપાલ નાખવા જાય ત્યારે જાસૂસી કરતા આવે કે ક્યાંથી કયા ઘરમાં જવાશે ? નીકળાશે ? કોણ ક્યારે ઘરે હોય છે ? વગેરે.

રાત્રે તેમની ટોળીને ભેગી કરી ઠામઠેકાણું આપી ચોરી કરવા મોકલે. જે કાંઈ માલ-મલીદો આવે તેને પોતે લઈ બધાને વહેંચી આપતા.

પોતે ચોરોના સરદાર હોવા છતાં કદી પોલીસના હાથે પકડાય તેવી કોઈ બાતમી મળવા જ ન દે.

ટપાલ આપવા ગયા હોય અને કોઈ વસ્તુ લેવાની ઇચ્છા થાય તો ઉપાડી લે પણ કોઈ કાંઈ કરી શકે નહીં.

તેઓ વીસ વર્ષથી આ ધંધો કરતા હતા. તેમ છતાં કોઈ તેમનું નામ ન લઈ શકે; માગે તે દઈ દે. ક્યારેક પોલીસ પકડવા આવે તો પોલીસ પોતે જ માર ખાઈ પાછી જાય પણ કોઈ તેમને પકડી શકે નહીં.

ગાડિયાની આજુબાજુ સરકારે ડુંગરો ઉપર સાગનાં વૃક્ષ રોપેલાં. હિંમતસિંહ જ્યારે બળતણ માટે કે અન્ય કોઈ કામ માટે જરૂર પડે તો તેમાંથી દાદાગીરીથી લાકડાં કાપી લાવતા.

ઘણી વખત જંગલખાતાના અધિકારીઓ (ફૉરેસ્ટરો) તેમને સરકારનાં લાકડાં લેવાની ના પાડે, ધાકધમકી આપે તેમ છતાં હિંમતસિંહની હિંમત થોડી કાંઈ ઓછી થાય ?

એમની આવી ગેરવર્તણૂકથી ત્રાસી એક દિવસ જંગલખાતાના મોટા અધિકારી ગાડી લઈ સીધા ગાડિયા હિંમતસિંહના પ્રાંગણમાં આવીને સાગના લાકડાના પડેલા ઢગલા પાસે ઊભા રહ્યા.

અને મોટા અવાજે પૂછ્યું, “શા માટે કોઈને પૂછ્યા વિના લાકડાં કાપો છો ?”

ત્યારે હિંમતસિંહે હિંમતથી કહ્યું, “બળતણ માટે જોઈએ તો લાવીએ. જંગલ અમારા બાપનું છે. એમાં વળી કોને પૂછવાનું ?”

અધિકારી આગળ હજુ કોઈ પગલાં લે તે પહેલાં હિંમતસિંહ અને તેમના સાગરીતોએ ભેગા મળી અધિકારીને એવો માર માર્યો કે ઊભા થવાના હોશ ન રહ્યા.

ડ્રાઇવરે તેમને ગાડીમાં ઊંચકીને નાખ્યા ને લઈને ભાગી ગયો. તે દિવસ પછી પોલીસ કે અધિકારી ગાડિયાનો રસ્તો ભૂલી ગયા.

પંચમહાલના બેલી એવા ગુરુવર્ય પ.પૂ. બાપજીએ આ ભોળી પ્રજાને તારવા ઈ.સ. ૧૯૯૩માં લુણાવાડા ખાતે બાપાશ્રી મહોત્સવના પ્રથમ તબક્કાનું ભવ્ય આયોજન કર્યું હતું.

તેમાં આ હિંમતસિંહની ટોળી માત્ર મહોત્સવ જોવા-જાણવા ને પોતાનું કામ સાધી લેવા આવી હતી. પરંતુ તેમને ખબર નહોતી કે આ મહોત્સવ તેમના જીવનપરિવર્તનનો મહોત્સવ હતો.

શ્રીજી ઇચ્છાનુસાર અનાયાસે હિંમતસિંહ વડીલ સંત પૂ. નિર્ગુણસ્વામીના યોગમાં આવ્યા. તેઓએ સત્સંગની વાત કરી, ગુરુવર્ય પ.પૂ. બાપજીનો મહિમા કહ્યો : “ગુરુવર્ય પ.પૂ. બાપજી બહુ મોટા સત્પુરુષ છે. એમનાં દર્શને, સ્પર્શે ને આશીર્વાદે અનેકનાં જીવન મૂળગા જ બદલાયાં છે. સર્વે સુખી થયા છે. માટે એમનાં દર્શને જઈએ ત્યારે એમનો છેડો ઝાલી લેજો... છોડતા નહીં...”

આમ કહી તેમનાં દર્શન કરાવવા લઈ ગયા.

ગુરુવર્ય પ.પૂ. બાપજીએ તેમને વર્તમાન ધરાવી કંઠી બાંધી. એ જ ક્ષણે તેમના આંતરજીવનનું પરિવર્તન થઈ ગયું. સ્વભાવગત હિંસક કુલક્ષણો નાશ થઈ ગયાં.

ગુરુવર્ય પ.પૂ. બાપજીએ પૂછ્યું, “કાંઈ વ્યસન છે ?”

ત્યારે ગુરુવર્ય પ.પૂ. બાપજીની દિવ્યદૃષ્ટિથી વીંધાઈ ગયેલા હિંમતસિંહ બોલ્યા, “સ્વામી, બધાં લક્ષણે પૂરો છું. દારૂ-માંસ ખાવું, ચોરી-લૂંટફાટ કરવી, મારામારી કરવી એ જ મારો ધંધો છે.”

ગુરુવર્ય પ.પૂ. બાપજીએ એ જ દિવસે આ બધું બંધ કરવાનો નિયમ આપ્યો : “આજથી હવે તમે મહારાજના સંબંધમાં આવ્યા. માટે આપણે ભગવાનને ન ગમે એવાં એકેય કુલક્ષણ ન રાખવાં. દારૂ, માંસ, ચોરી, લૂંટફાટ અને મારામારી આદિક હિંસક પ્રવૃત્તિઓ નહિ જ કરવાની. અમે મહારાજને પ્રાર્થના કરીશું. તમારી ભેળા ભળશે. તમને આ બધાં પાપથી બચાવશે...”

બસ, એ જ ક્ષણે તેમના જીવનનું સમૂળગું પરિવર્તન થઈ ગયું.

ગુરુવર્ય પ.પૂ. બાપજીના આશીર્વાદથી પોતાના જીવનપરિવર્તનની વાત કરતાં તેઓ કહેતા હોય છે, “આજે હું દારૂ તો શું બિનસત્સંગીના ઘરે પાણીનું ટીપું પણ પીતો નથી. રસ્તામાં પડેલી કોઈની પારકી વસ્તુને લેવાનો મને સંકલ્પ સુધ્ધાંય થતો નથી. પંચવર્તમાન પૂરેપૂરા શિર સાટે હું પાળું છું અને મારી ટોળીમાં રહેલા મારાં મિત્રો-સગાંને પણ મારા જેવા જ સત્સંગી મેં કર્યા છે.”

જે ટોળી ભેળી મળી ચોરી-લૂંટફાટ કરતી, તેમનાં આજે દિવ્યજીવન બન્યાં છે.

એટલું જ નહિ, ગુરુવર્ય પ.પૂ. બાપજીના આશીર્વાદથી તેઓ કોઈને પણ ભૂત-પ્રેતાદિકનો વળગાડ હોય તો ગામોગામ જઈ ધૂન કરે છે. અને તેમની ધૂનથી બધાંયનાં દુઃખ ટળી જાય છે એવા આદર્શ હરિભક્ત બન્યા છે.

ગુરુવર્ય પ.પૂ. બાપજીના આશીર્વાદથી હિંસક ટોળી આજે મુક્તમંડળી બની ગઈ છે. જેઓ સત્સંગની સમૈયા પ્રસંગની બધી જ સેવામાં અગ્રેસર રહી સેવા બજાવે છે.

આવા તો એક નહિ પરંતુ મોટો ગ્રંથ રચાય એવા લકડીપોરડાના દીપસિંહ, દાંતિયાના રામસીંગ જેવા અનેક જેલની સજા ભોગવનારા ખૂનખાર ડાકુ જેવા ગણાતા આજે દિવ્યજીવન જીવી, સત્સંગના કાર્યકર બની અનંતનાં જીવન બદલાવી રહ્યા છે. આવી જીવનપરિવર્તનની ગાથા પંચમહાલના ઇતિહાસમાં કંડારાઈ છે.

પુષ્પ ૨

તા. ૧૧-૬-૨૦૦૦ના રોજ ઝાલોદ ખાતે સ્વામિનારાયણ મહામંત્ર દ્વિશતાબ્દી મહોત્સવ અન્વયે આદિવાસી સંમેલન યોજાયું હતું.

આ સંમેલનમાં ઉપસ્થિત રહેલ મુખ્યમંત્રી શ્રી કેશુભાઈ પટેલે ગુરુવર્ય પ.પૂ. બાપજીના આદિવાસી ઉત્કર્ષના ભગીરથ કાર્યને બિરદાવ્યું.

વિશેષમાં તેમણે કહ્યું હતું કે, “આદિવાસી ઉત્કર્ષનું જે કાર્ય ગુજરાત સરકાર ન કરી શકી તે ભગીરથ કાર્ય આજે ગુરુવર્ય પ.પૂ. બાપજીએ કર્યું છે. તેમના પ્રેમ અને સત્સંગથી અનેક આદિવાસી બંધુઓ જીવનપરિવર્તન કરી આદર્શ ભક્તો બન્યા છે. જે કામ તેઓ જ કરી શકે, સરકાર પણ નહીં. તેઓ ખરેખર ‘પંચમહાલના બેલી’ બન્યા છે, તારણહાર બન્યા છે.”

આ આદિવાસી ઉત્કર્ષ પ્રવૃત્તિના મૂળમાં ઘનશ્યામનગર દશાબ્દી મહોત્સવ રહ્યો છે. ગુરુવર્ય પ.પૂ. બાપજીએ પંચમહાલનાં દસ ગામોમાં સત્સંગ કરાવવાનો સંકલ્પ કર્યો. એ સંકલ્પરૂપી આશાનું કિરણ પંચમહાલના ઇતિહાસમાં અમર બની ગયું.

ત્યારથી ગુરુવર્ય પ.પૂ. બાપજી અને પ.પૂ. સ્વામીશ્રીએ પંચમહાલનાં ગામડે ગામડે, ઘરોઘર વિચરી પટેલ સમાજના તથા આદિવાસી સમાજના સામાજિક તેમજ આધ્યાત્મિક ઉત્કર્ષના અનેકવિધ પ્રયત્નો શરૂ કર્યા.

જે અદ્યાપિ પૂરવેગમાં ચાલી રહ્યા છે.

“કેળ ઉપર તો કેળાં આવે પરંતુ થોરિયા ઉપર કેળાં લાવે તે ગુરુવર્ય પ.પૂ. બાપજી. અર્થાત્‌ મુમુક્ષુનાં કલ્યાણ તો સૌ કરે પરંતુ પશુ કરતાં પણ બદતર અમારા જીવનમાં સત્સંગના પ્રાણ પૂરી અનાદિમુક્તની સ્થિતિ પમાડવી તે થોરિયા પર કેળાં લાવવા સમાન ભગીરથ કાર્ય ગુરુવર્ય પ.પૂ. બાપજીએ કર્યું છે. તેમના અથાક દાખડાથી દારૂ આદિક વ્યસન, વિષય અને વહેમમાં ફસાયેલા અમે આજે એક ઉચ્ચ જ્ઞાતિને પણ શરમાવે તેવાં દિવ્ય અને પવિત્ર જીવન જીવતા થયા છીએ. દારૂ તો નહિ પણ ચાને પણ વ્યસન ગણી અમે તેનો ત્યાગ કરી દીધો.”

આવો સૂર પ્રત્યેક આદિવાસી બંધુઓના જીવનમાં ઝિલાયો છે.

‘પારસમણિના સ્પર્શે લોઢું સોનું થાય.’ તેમ જંગલી જાનવર જેવું જીવન જીવતી આદિવાસી પ્રજામાંથી આજે ઉપાસના અને નિયમ-ધર્મની દૃઢતાવાળી સહજાનંદી સિંહ સમી ફોજ તૈયાર થઈ છે.

ઝાંઝરીના જેઠાભાઈનું જીવનપરિવર્તન થતાં તેઓ કહેતા હોય છે, “હું અઠવાડિયે ના’તો. આજે હું રોજ સ્નાન-પૂજા કર્યા વિના પાણીનું ટીપું પણ મોંમાં મૂકતો નથી.”

જૂના કાળીબેલના લાલાભાઈ પગી પોતાની પરિવર્તનગાથા વર્ણવતાં કહેતા હોય છે : “મેં પાણીથી ભરેલા તળાવ જેટલો દારૂ પીધો હતો. આજે હું ચાને પણ વ્યસન માની પીતો નથી કે કોઈને પાતો પણ નથી.”

“પાંત્રીસ ભૂતોથી રિબાતો-પીડાતો હું, મને બાપજીએ ભૂત-પ્રેતના ત્રાસથી છોડાવી નિર્ભય કરી, દિવ્યજીવન જીવતો કર્યો છે.” એમ નાનીરેલના લાલજીભાઈ ચારેલ જણાવતા હોય છે.

સરસવાના સહજભાઈ ડામોર ગુરુવર્ય પ.પૂ. બાપજીની કૃપા જણાવતાં કહેતા હોય છે, “અમે વહેમ-અંધશ્રદ્ધાથી પર મુક્તજીવન જીવી રહ્યા છીએ.”

દાભડાના પર્વતભાઈ આદિક હરિભક્તોનો પરિવર્તન સૂર જણાવે છે : “અમારા હાથમાં તીરકામઠાંને બદલે આજે માળા શોભે છે.”