રૂપિયો એટલે રૂપિયો એમાં ૯૯ પૈસા પણ ન ચાલે

પુષ્પ ૧

ગુરુવર્ય પ.પૂ. બાપજીની તત્ત્વજ્ઞાનનાં ગૂઢ રહસ્યોને લૌકિક અને વ્યવહારુ દૃષ્ટાંતો સાથે સાંકળીને સમજાવવાની રીત ખૂબ ન્યારી છે.

તેઓ તત્ત્વજ્ઞાનના સમજવામાં કઠિન તેમજ ગહન સિદ્ધાંતોને સચોટ દૃષ્ટાંતો સાથે એવી રીતે સમજાવે છે કે સર્વેને સાવ સરળ રીતે સમજાઈ જાય.

તા. ૧૪-૧૧-૨૦૧૫થી તા. ૧૮-૧૧-૨૦૧૫ દરમ્યાન સ્વામિનારાયણ ધામ, ગાંધીનગર ખાતે પાંચ દિવસીય જ્ઞાનસત્ર-૯નું આયોજન થયું હતું.

તેમાં ચતુર્થ દિને તા. ૧૭-૧૧-૨૦૧૫ ને મંગળવારના રોજ સવારે સાડા દસ વાગ્યે ગુરુવર્ય પ.પૂ. બાપજીએ અમૃતવાણીનો લાભ આપવાનું શરૂ કર્યું.

સભામાં સુરતના એક હરિભક્ત આગળ બેઠા હતા. તેમને શ્રીજીમહારાજની સ્વરૂપનિષ્ઠામાં ક્યાંક અલ્પ કસર વર્તતી હતી.

તેની જાણ ગુરુવર્ય પ.પૂ. બાપજીને હોવાથી તેમને ગુરુવર્ય પ.પૂ. બાપજીએ પોતાની સામે પ્રથમ હરોળમાં આગળ બેસાડ્યા.

આજે તેમને ઉદ્દેશીને તેમની સ્વરૂપનિષ્ઠાની કચાશને દૂર કરવા માટે ગુરુવર્ય પ.પૂ. બાપજીએ ગઢડા મધ્ય પ્રકરણના ૧૪મા વચનામૃત આધારિત શ્રીજીમહારાજનો સર્વોપરી નિશ્ચય દૃઢ કરાવતાં દૃષ્ટાંત આપી કહ્યું કે, “રૂપિયો એટલે રૂપિયો. ૯૯ પૈસાને પણ રૂપિયો ન કહેવાય. ૧૦૦ પૈસાને જ રૂપિયો કહેવાય. તેમાં ૧ પૈસાની પણ ખોટ ન ચાલે.

તેમ સ્વામિનારાયણ ભગવાનના સ્વરૂપનો નિરુત્થાનપણે નિશ્ચય કરવો કે જેમાંથી ક્યારેય મન ડગમગે નહીં. સ્વામિનારાયણ ભગવાન સિવાય બીજા કોઈ સનાતન ભગવાન છે એવો સંકલ્પ પણ થઈ જાય તો તે મન ડગ્યું કહેવાય.”

આટલું સમજાવ્યા બાદ એ હરિભક્ત પાસે આખું દૃષ્ટાંત ફરી બોલાવડાવ્યું ને પૂછ્યું, “આ દૃષ્ટાંતનો સિદ્ધાંત સમજ્યા ? જો સમજ્યા હોય તો બોલો.”

હરિભક્ત બોલ્યા : “બાપજી, આ દૃષ્ટાંતનો સિદ્ધાંત એ છે કે સ્વામિનારાયણ ભગવાન જ સનાતન ભગવાન છે. તેમના સ્વરૂપનો નિરુત્થાનપણે નિશ્ચય કરવો એટલે મન ક્યારેય ડગમગે નહીં.”

“બરોબર સમજ્યા છો. વગાડો તાળી.”

ગુરુવર્ય પ.પૂ. બાપજી આ વાતને વધુ વિગતે સમજાવતાં બોલ્યા :

“જેમ એક વાર લીમડાને લીમડો જાણ્યો પછી તેમાં કોઈ રીતે મનમાં સંકલ્પ નથી થાતો જે આ લીમડો હશે કે નહિ હોય ? કદી લીમડાને આંબો નથી મનાતો ને આંબાને લીમડો નથી મનાતો. લીમડો એ લીમડો છે ને આંબો એ આંબો છે.

તેમ સનાતન ભગવાન એ સનાતન છે અને આધુનિક ભગવાન એ આધુનિક છે. સનાતન કદી આધુનિક નથી થતા અને આધુનિક કદી સનાતન નથી થતા આવો નિરુત્થાપણે નિશ્ચય કરવો.

નિરુત્થાન એટલે નહિ ઉત્થાન. એટલે કે એક વાર શ્રીજીમહારાજને યથાર્થ સર્વોપરી-સનાતન જાણ્યા કે, અનંતકોટિ બ્રહ્માંડમાં સ્વામિનારાયણ ભગવાન જ એકમાત્ર સનાતન ભગવાન છે. પછી તેમાં કદી મન તર્ક-કુતર્ક ન કરે કે સમજણનું પરિવર્તન ન થાય, નિશ્ચયમાં અનિશ્ચયનો ઘાટ ન થાય તે ખરી નિષ્ઠાની દૃઢતા કહેવાય.

વળી, ગઢડા પ્રથમ પ્રકરણના ૩૩મા વચનામૃત દ્વારા આ જ વાતને પુષ્ટ કરતાં સમજાવ્યું કે, શ્રીજીમહારાજનો જે દૃઢ આશરો એ જ એક સર્વે સાધનમાં મોટું સાધન છે. તેણે કરીને જ મહારાજ રાજી થાય છે ને તે આશરો અતિ દૃઢ જોઈએ, જેને વિષે કાંઈ પોલ રહે નહિ એટલે કે નિશ્ચય નક્કી નકોર જોઈએ.

‘નક્કી નકોર નિશ્ચય રાખજો, નથી મુજ વિના કોઈ ભગવાન રે...’

જો નિશ્ચય પોલો હોય તો તેમાં સળી જાય. માટે નિશ્ચયની એવી દૃઢતા કરી દો કે તેમાં ક્યારેય ડગમગાટ ન થાય.” અઢી કલાક સુધી ગુરુવર્ય પ.પૂ. બાપજીના આવા અતિશે આગ્રહભર્યા લાભને માણ્યા બાદ પેલા હરિભક્તની નિષ્ઠાની કસર દૂર થઈ ગઈ.