સત્પુરુષ તો તેને રે કહીએ, જે શાશ્વત શાંતિ પમાડે રે

પુષ્પ ૧

જીવનપ્રાણ બાપાશ્રીએ ભાગ-૧ની ૧લી વાતમાં કહ્યું છે કે, “મૂર્તિમાં રહેલા મુક્તો આ પૃથ્વી ઉપર આવ્યા હોય તેમનો સમાગમ કરે તેના ઘાટ-સંકલ્પ બંધ થઈ જાય ને ધ્યાનમાં વિક્ષેપ ન આવે ને મૂર્તિનું સુખ આવે ને છેટે રહે થકે પણ જે સંભારે તેના ઘાટ-સંકલ્પ ટળી જાય ને એમની પાસે બેઠા હોઈએ તે વખતે માયિક ઘાટ-સંકલ્પ થાય જ નહીં.”

આવો શાશ્વત શાંતિનો અનુભવ કરાવનાર દિવ્ય સત્પુરુષ એટલે જ ગુરુવર્ય પ.પૂ. બાપજી.

જેમના અલ્પ સાંનિધ્યમાં આવનાર નવા મુમુક્ષુ પણ આ શાશ્વત શાંતિના અનુભવથી અજાણ રહેતા નથી.

અજમેર નિવાસી શ્રી ડૉ. ચંદ્રકાંતભાઈ ત્રિવેદી પ્રથમથી જ સત્સંગ પ્રત્યે વિશેષ રસ-રુચિ ધરાવતા હતા. મોક્ષપિપાસુ-મુમુક્ષુ હતા.

તેમણે ‘નિષ્કુળાનંદ કાવ્ય’ ગ્રંથ પર પીએચ.ડી.ની ઉપાધિ મેળવી હતી.

તેમણે અનેક સંતોનો જોગ-સમાગમ પણ કર્યો હતો. છતાં શાશ્વત શાંતિના અનુભવથી અજાણ હતા.

ઈ.સ. ૨૦૦૯માં ડૉ. ચંદ્રકાંતભાઈ કોઈ વ્યવહારિક પ્રસંગે તેમના વેવાઈ ધરમભાઈ પંડ્યાના ઘરે વાસણા આવ્યા હતા.

ધરમભાઈ પંડ્યા તેમની ઉત્કૃષ્ટ મુમુક્ષુતા જોઈ તેમને ગુરુવર્ય પ.પૂ. બાપજીનાં દર્શન કરાવવા લઈ ગયા.

મંદિરમાં દર્શન કરવા ગયા ત્યારે ડૉ. ચંદ્રકાંતભાઈની સાથે આંખની પણ ઓળખાણ ન હોવા છતાં ગુરુવર્ય પ.પૂ. બાપજીએ સ્નેહભરી દૃષ્ટિથી તેમને કૃતાર્થ કર્યા હતા.

ધરમભાઈના સુપુત્ર ચિંતનભાઈએ પરિચય કરાવતાં કહ્યું કે, “આ મારા ગુરુ પ.પૂ. બાપજી છે. તેઓ બહુ મોટા સત્પુરુષ છે, એમનાં દર્શને અનેક મુમુક્ષુનાં કલ્યાણ થાય છે.”

ધરમભાઈના મુખે આવી ગુરુવર્ય પ.પૂ. બાપજીની મોટપ જાણી અહોહોભાવ થયો. જ્યારે ગુરુવર્ય પ.પૂ. બાપજી તરફ દૃષ્ટિ કરી ત્યારે ગુરુવર્ય પ.પૂ. બાપજીના બ્રહ્મસ્મિતથી તેમના અંતરના તમામ ઘાટ-સંકલ્પોનો એ જ ક્ષણે વિરામ થઈ ગયો.

શ્રીજીમહારાજની દિવ્ય તેજોમય મૂર્તિનાં દિવ્ય દર્શન થયાં. તેમને પૂર્વે કદી અનુભવેલી નહિ એવી દિવ્ય શાશ્વત સુખ-શાંતિનો અનુભવ થતાં ચૈતન્યનું પરિવર્તન થઈ ગયું.

તેઓ અહોભાવની દિવ્ય દુનિયામાં ગરકાવ થઈ ગયા. ગુરુવર્ય પ.પૂ. બાપજીના અલ્પ સમાગમમાં ડૉ. ચંદ્રકાંતભાઈને થયેલી દિવ્ય અનુભૂતિ ઘરે ગયા પછી પણ તેઓને અખંડ તાજી રહી હતી.

તેઓને ગુરુવર્ય પ.પૂ. બાપજીનાં આ પ્રથમ દર્શન-મુલાકાત દરમ્યાન થયેલ અનુભવ જણાવતાં તેઓ કહે છે કે, “મેં જેમને મારા ગુરુ તરીકે સ્વીકાર્યા હતા તેમના ચરણોમાં જેવી શાંતિ થતી હતી તેથી પણ વિશેષ શાંતિ આજે મને આ ગુરુવર્ય પ.પૂ. બાપજીનાં દર્શનથી થઈ.”

વળી, તેઓએ આગળ કહ્યું છે કે, “મેં દર્શન કર્યાં ને તરત જ મારા અંતરના ઘાટ-સંકલ્પોનો તો વિરામ જ થઈ ગયો. નૂતન આત્મશાંતિનો અનુભવ થયો.”

સંધ્યા આરતીમાં પણ તેમને શ્રીજીમહારાજની સાથે સાથે ગુરુવર્ય પ.પૂ. બાપજીના પણ એવાં જ દિવ્ય તેજોમય દર્શન થયાં. અદ્વિતીય શાશ્વત શાંતિનો અનુભવ થયો.

થયેલી શાશ્વત શાંતિના દિવ્ય અહેસાસની વાત કરતાં તેમણે સૌ સંબંધીજનોને કહ્યું કે, “મને દિવ્ય શાંતિનો અનુભવ થયેલો તે અવર્ણનીય, શબ્દાતીત છે. મને ગુરુવર્ય પ.પૂ. બાપજીનાં મહારાજની મૂર્તિમાં નિમગ્ન એવાં દિવ્ય તેજોમય દર્શન થયાં છે. તેઓ કોઈ સામાન્ય સંત નથી. મેં આજ સુધી ઘણાં સ્થાનમાં સંતોનો જોગ-સમાગમ કર્યો, પરંતુ મને આજે જે શાશ્વત સુખ-શાંતિનો દિવ્ય અનુભવ થયો છે તેવું કદી અનુભવાયું નથી. એ દિવ્ય સત્પુરુષ આ બ્રહ્માંડમાં વિચરી મુમુક્ષુને વગર ધ્યાને સહજમાં ભગવાન પામવાનો ધોરીમાર્ગ ચલાવી રહ્યા છે. માટે તેમની સાથે જોડાઈ શાશ્વત સુખ પામવું છે. કારણ, એમના વગર શાશ્વત સુખ પામવું શક્ય જ નથી. હવે એ દિવ્ય સત્પુરુષના સહારે સત્સંગના પૂર્ણવિરામ સુધી પહોંચવું જ છે.”

વળી, તેઓ ભગવાનનું સુખ પામવા રોજ એક-બે કલાક ધ્યાન પણ કરતા હતા. પરંતુ આ દર્શન બાદ તેઓને ધ્યાનમાં પણ મહારાજ સાથેના દિવ્ય સંબંધનો અલૌકિક અનુભવ થવા લાગ્યો. તેઓ કહેતા કે, “આ દર્શન પછી હવે બધા જ વિચારો મને ભગવાનસંબંધી જ આવે છે.”

ડૉ. ચંદ્રકાંતભાઈ થયેલી એ દિવ્ય અનુભવની સ્મૃતિને આજે ૮૦ વર્ષની વયે વાગોળે છે : “આ દિવ્ય અનુભૂતિનો અલૌકિક, અદ્‌ભુત આસ્વાદ આજે પણ એવો ને એવો બેઠો હું માણી રહ્યો છું...”

પુષ્પ ૨

અમદાવાદ શહેરમાં ૧૭-૧૮ વર્ષનો સત્સંગી કિશોર રહેતો હતો. તેને ક્લુષિત વાતાવરણ અને વધતી યુવાનીના કારણે ઉંમરના ભાવો ખૂબ પીડતા હતા.

સ્ત્રીઆદિકને વિષે રાગ-વાસના રહી જતી. પરંતુ સત્સંગનો જોગ હોવાથી ગુરુવર્ય પ.પૂ. બાપજીની સભામાં આવતો.

ગુરુવર્ય પ.પૂ. બાપજી અંતર્યામીપણે બધું જાણે આથી કથાવાર્તામાં પણ નિર્વાસનિકપણાનું મહત્ત્વ, બ્રહ્મચર્યની દૃઢતા જેવા વિષયો પર લાભ આપતા.

કિશોર થોડો આંતરમુખી અને મુમુક્ષુ હતો. સ્વજીવનની ચકાસણી થતાં ખૂબ દુઃખ થયું, પસ્તાવો થયો. પોતાને નિર્વાસનિકપણાનું મહત્ત્વ સમજાયું અને નિર્વાસનિક થવાનો, વિષયવાસનાથી દૂર રહેવાનો નિર્ધાર કર્યો.

પરંતુ બન્યું એવું કે તે વિષયવાસનાથી દૂર રહેવાનો પ્રયત્ન કરે તેટલી ઘાટ-સંકલ્પોની પીડા વધુ ને વધુ વધવા લાગી.

આથી ખૂબ મૂંઝાતો અને હેરાન થતો. એક બાજુ નિર્વાસનિક થવાની અભિરુચિ અને બીજી બાજુ તેના પ્રયત્નના બદલામાં વિષયનું જોર સામે વધતું હતું.

વળી, આવું તો વારંવાર થતું પરંતુ શું કરવું ? તે અંગે કંઈ સમજાતું નહોતું.

એક દિવસ તો ઘાટ-સંકલ્પોએ માઝા મૂકી દીધી. આજ્ઞાઓના લોપના વિચારોમાં ગૂંચાયો. ખૂબ પરેશાન, દુઃખી થઈ ગયો. કાંઈ સૂઝતું જ નહોતું.

ગુરુવર્ય પ.પૂ. બાપજીને આ અંગે કહેવાનો વિચાર આવ્યો પરંતુ ગુરુવર્ય પ.પૂ. બાપજીની સમક્ષ જવાની હિંમત નહોતી ચાલતી.

આથી તેણે ગુરુવર્ય પ.પૂ. બાપજીને એક પત્ર લખી રવાના કર્યો. ગુરુવર્ય પ.પૂ. બાપજીએ પત્ર વાંચી તે જ દિવસે તે કિશોરમુક્તને રૂબરૂ મળવા દર્શને બોલાવ્યો.

તેની હિંમત તો નહિ પરંતુ આજ્ઞાએ કરીને ગુરુવર્ય પ.પૂ. બાપજીનાં દર્શને આવ્યો. આસને જઈ ગુરુવર્ય પ.પૂ. બાપજીને દંડવત કર્યા ને પ્રથમ દંડવત કરતાંની સાથે જ અંતરના સમરાંગણમાં ચાલતી વિકારવાન વિચારો ને ઘાટ-સંકલ્પોની વણઝારનો વિરામ થઈ ગયો અને દિવ્ય શાંતિનો અનુભવ થયો.

આ આનંદમાં ને આનંદમાં તે કિશોર પ્રથમ દંડવતમાં નીચે ઢળ્યો એ ઢળ્યો; ઊભો જ ન થયો. આથી ગુરુવર્ય પ.પૂ. બાપજીએ આનંદ કરાવતાં કહ્યું, “ગાદલું લાવી દઉં !!! જોજે સૂઈ ના જતો.” આટલું સાંભળતાં કિશોર દોડતો ગુરુવર્ય પ.પૂ. બાપજીના ખોળામાં માથું મૂકી ભેટી પડ્યો.

ગુરુવર્ય પ.પૂ. બાપજીએ તેના માથા પર હાથ મૂકી કહ્યું, “તને તારા પત્રનો જવાબ મળી ગયો ને !”

વ્હાલા ગુરુવર્ય પ.પૂ. બાપજીનાં આવાં વચન સાંભળી કિશોર જવાબ આપવા સક્ષમ ન રહેતાં આંખમાં હર્ષનાં આંસુ તથા મંદ સ્મિત કરી ગુરુવર્ય પ.પૂ. બાપજીના દિવ્યભાવે દર્શન કરતો જ રહ્યો... કરતો જ રહ્યો.

તે કિશોરના ઘાટ-સંકલ્પોનો તો વિરામ થઈ ગયો પરંતુ ભગવાનમાં અતિશે પ્રીતિ થઈ ગઈ.

આ જ છે દિવ્યપુરુષની દિવ્યતા કે તેમના સંબંધમાત્રથી માયાના ઘાટ બંધ થઈ જાય અને દેહાદિક દોષો-વિકારો તત્કાળ શમી જાય અને શાશ્વત શાંતિ પામી જવાય છે.